Of cloud - 14 books and stories free download online pdf in Gujarati

મેઘના - ૧૪

અનુજ અને વીરા કિનારા પર બેસીને આથમતો સૂર્ય જોઈ રહ્યા હતાં. સૂર્ય આથમી ગયાં બાદ એક કલાક જેટલો સમય પસાર થઈ ગયાં પછી અનુજ ઊભો થયો. એટલે વીરા પણ ઊભી થઈને અનુજની પાછળ ચાલવા લાગી. આ વખતે અનુજ ડ્રાઈવર સીટ પર બેઠો અને વીરા તેની બાજુમાં બેસી ગઈ.

અનુજે પોતાની રિસ્ટ વોચમાં સમય જોયો પછી વીરા સામે જોઈને બોલ્યો, “આજે આપણે ઘણું મોડુ થઈ ગયું છે એટલે બધા કામ ઝડપથી કરવા પડશે. હું માર્કેટમાં જઈને જરૂરી સામાન લઈને આવું ત્યાં સુધી તું આપણા કપડાં પેક કરી દેજે.” વીરા કઈ કહ્યા વગર માથું હકારમાં નમાવ્યું.

********************

રાજવર્ધન વીરા અને અનુજના ગયાં પછી મેઘનાની પાસે બેસીને પુસ્તક વાંચી રહ્યો હતો ત્યારે ત્રણ કલાક પછી મેઘનાએ આંખો ખોલી. મેઘનાએ આસપાસ જોયું તો તેને ખ્યાલ આવી ગયો કે તે પોતાના બેડરૂમ છે. પણ તેને સમજાયું નહીં કે તે લિફ્ટમાંથી અહી તેના બેડરૂમ કઈ રીતે આવી.
તેણે બેઠા થવાનો પ્રયત્ન કરી જોયો પણ આ જોઈને રાજવર્ધન તરત તેની પાસે આવ્યો અને મેઘનાને ફરીથી સુવડાવી દીધી. મેઘનાને રાજવર્ધનનું આ વર્તન થોડું અજીબ લાગ્યું એટલે તેણે ફરીથી બેઠા થવાનો પ્રયત્ન કર્યો પણ રાજવર્ધને તેને આરામ કરવા માટે જણાવ્યુ.

મેઘનાએ તેને કારણ પૂછ્યું તો રાજવર્ધને વીરા ની રાહ જોવા માટે કહ્યું. મેઘના હવે કઈ સમજાઈ રહ્યું નહોતું. તેણે ફરીથી આખા દિવસની બધી ઘટનાઓ યાદ કરી. તેમની એનિવર્સરીની ઉજવણી, વીરા સાથે શોપિંગ કરી લીધા પછી પાછા ફર્યા. અચાનક મેઘના ના વિચારો અટક્યાં લિફ્ટમાં તેને અચાનક ચક્કર આવ્યા પછી તેને કઈ યાદ નહોતું.

મેઘનાએ તરત તેનો ફોન હાથમાં લઇને સમય જોયો તો સાંજના સાત વાગ્યા હતાં. જ્યારે તેઓ પાછા ફર્યા ત્યારે બપોરના ત્રણ વાગ્યા હતાં તેનો અર્થ કે ત્રણ ક્લાક સુધી બેહોશ હતી. આ વિચારમાત્રથી મેઘના ગભરાઈ ગઈ.

મેઘનાએ તરત વીરાને કોલ કર્યો પણ વીરાએ કોલ રિસીવ કર્યો નહીં. એટલે મેઘનાએ ફરીથી કોલ કર્યો પણ કોલ રિસીવ કર્યો નહીં. હવે મેઘનાને વીરાની ચિંતાં થવા લાગી. ત્યારે ઘરનો ડોરબેલ રણક્યો એટલે મેઘના દરવાજો ખોલવા માટે ઊભી થઈ પણ રાજવર્ધને તેને બેડ પર જ બેસવા માટે ઈશારો કરીને જાતે દરવાજો ખોલ્યો.

દરવાજા પર વીરા અને અનુજ બે બેગ્સ લઈને ઊભા હતાં. રાજવર્ધને દરવાજો ખોલ્યો એટલે તરત વીરા દોડીને બેડરૂમમાં જઈને મેઘના ને ગળે લગાવી દીધી. થોડીવાર પછી અલગ થયા પછી વીરા બોલી, “ભાભી સોરી અને કોંગ્રેચ્યુલેશન. સોરી એટલા માટે કે તમે કોલ કર્યો ત્યારે ફોન બેગમાં હતો એટલે કોલ રિસીવ થયો નહીં. તમે હવે મમ્મી બનવાના છો એટલે કોંગ્રેચ્યુલેશન.”

આ સાંભળીને મેઘનાને શું બોલવું તે સમજાયું નહીં. તે થોડીવાર સુધી મૌન રહ્યા પછી બોલી, “મને ભૂખ લાગી છે. કઈ ખાવું પડશે.” આ વાત સાંભળીને બધા હસી પડ્યા. વીરાએ બેગમાંથી મેઘનાની મનપસંદ બરફીનું બોક્સ કાઢીને મેઘના સામે મૂક્યું. આ જોઈને મેઘના હસી પડી. મેઘના હસી એટલે રાજવર્ધનને થોડી રાહત થઈ.
પછી બધા એકસાથે ડાઈનિંગ ટેબલ પર બેઠા. વીરાએ પોતાની સાથે જે તૈયાર જમવાનું લાવ્યા હતા તે સર્વ કર્યા પછી બધા સાથે જમ્યા પછી મેઘના સૌથી પહેલાં પોતાની જગ્યા પરથી ઊભી થઈ ગઈ. વીરા બોલી, “કેમ ભાભી આટલી જલ્દી ઊભા થઈ ગયાં ?” મેઘનાએ જવાબ આપ્યો, “મારું પેટ ભરાઈ ગયું છે એટલે મારે વધારે જમવું નથી. હવે મારે આરામ કરવો છે તો મને કોઈ ડિસ્ટર્બ કરશો નહીં.”

મેઘના આટલું કહીને બેડરૂમમાં જતી રહી. રાજવર્ધન મેઘનાને જતાં જોઈ રહ્યો. તેના ચહેરા પર ચિંતાની રેખાઓ ફરી વળી એટલે વીરાએ તેના હાથ પર હાથ મૂકીને કહ્યું, “ભાઈ તમે ચિંતા કરશો નહીં. હું ભાભી અને તેમના બાળકનું ધ્યાન રાખીશ. તમે અત્યારે આરામ કરો. આવતી કાલે તમારે જોબ પર પાછું જવાનું છે.”

આ સાંભળીને રાજવર્ધન હૉલમાં આવીને સોફા પર સૂઈ ગયો. જ્યારે અનુજ વીરાને સૂઈ જવા માટે કહેવા ગયો ત્યારે તે બોલી, “આજે હું ભાભી સાથે સૂઈ જઈશ, તું ગેસ્ટરૂમમાં જઈને આરામ કર.” અનુજ કઈ બોલ્યા વગર વીરાની વાતનો સ્વીકાર કરીને ગેસ્ટરૂમ જઈને સૂઈ ગયો. વીરા બધું કામ કરીને મેઘનાના બેડરૂમ ગઈ ત્યારે મેઘના બેડ પર એકબાજુ એ દરવાજા તરફ પીઠ કરીને સૂઈ ગઈ હતી. એટલે વીરા પાસેની રોકિંગ ચેર પર બેસીને સૂઈ ગઈ.

મેઘના આંખો બંધ કરીને ઊંઘી હતી પણ તેના મનમાં એક તોફાન ચાલી રહ્યું. મેઘનાને ખુદ પર શંકા હતી કે તે એક સારી માતા બની શકશે ? વિચારોના વમળ સર્જાઈ રહ્યા હતાં પણ તે તેમાંથી બહાર નીકળી શકતી નહોતી. અચાનક તે જાગી ગઈ ત્યારે તેણે જોયું કે વીરા રોઇંગ ચેર પર બેસીને સૂઈ ગઈ હતી. એટલે તે બાલ્કની નો દરવાજો ખોલીને બહાર નીકળી. રાતનો સમય અને નજીક દરિયો હોવાથી વાતાવરણમાં ઠંડક હતી.

મેઘના આ વાતાવરણને માણી રહી હતી ત્યારે તેના ફોન પર એક અજાણ્યા ઇન્ટરનેશનલ નંબર પરથી કોલ આવ્યો. મેઘના ને આ નંબર જોયા પછી લાગ્યું કે સંધ્યાએ કોલ કર્યો હશે. તેણે કોલ રિસીવ કર્યો ત્યારે તેને એક જૂનો પરિચિત અવાજ સંભળાયો. એ અવાજ સાંભળીને મેઘના ની ખુશીનો પાર નહોતો. પંદર મિનિટ સુધી વાત કર્યા પછી મેઘના ના ચહેરા પર ચિંતાનું નામોનિશાન પણ નહોતું.

હવે તેની બધી ચિંતા દૂર થઈ ગઈ હતી. મનમાં કોઈ પણ શંકા નહોતી રહી. હવે મનમાં ઉત્સાહ અને આનંદ છવાયેલો હતો.