The colour of my love - 7 books and stories free download online pdf in Gujarati

મારા ઇશ્કનો રંગ - પ્રકરણ 7

રિધિમાં ઓફિસમાં જેમ-તેમ દિવસો કાઢી રહી હતી, ક્યારે એ કંપનીમાંથી ફોન આવશે જ્યાં એણે ઇન્ટરવ્યૂ આપ્યું હતું. તે વિશે વિચારી રહી હતી. વેકેશનના દિવસો જઈ રહ્યા હતા અને એ સાથે જ આદિત્ય અને રિધિમાંની દોસ્તી ગહેરી થતી ગઈ, એ બંને લગભગ નાસ્તો સાથે જ કરતા હતા. એ સિવાય આદિત્ય રિધિમાંને પોતાના વિશે ઘણી-બધી વાતો કરતો. પણ રિધિમાં હજુ પણ એની સાથે એટલી ખુલી શકી ન હતી, કે બધી જ વાતો કરી શકે. અને આ બાજુ નીતિન રિધિમાંથી વધુ દૂર થઈ રહ્યો હતો. નીતિનને આ દુરી ખૂબ દુઃખ આપતી હતી.

મે મહિનાની જોરદાર ગરમી ચાલી રહી હતી અને એ.સી. પણ જાણે કામ ન કરી રહ્યા હોય એમ ગરમ હવા જ ફેંકી રહ્યા હતા. એવામાં એક દિવસ રિધિમાં ખરા બપોરે આવી તો ખરા પણ એના માથામાં ગરમી ચઢી ગઈ હતી ને અચાનક એકદમ એનું માથું ચકરાયું અને એ જમીન પર ફસડાઈ પડી. એની આ હાલત જોઈ નીતિન પોતાની કેબિનમાંથી દોડતો આવ્યો અને રિધિમાંની નજીક આવી જોયું તો એનું શરીર એકદમ ગરમ હતું એના માટે સૌપ્રથમ ડોકટરને ફોન કરી બોલાવ્યા અને જ્યાં સુધી તે ન આવ્યા ત્યાં સુધી એણે જ રિધિમાંને પવન નાખ્યો. ડોકટર આવ્યા અને પરિસ્થિતિ સમજી એમણે રિધિમાંને ઠંડક માટેનું ઇન્જેક્શન આપ્યું. થોડીવારમાં રિધિમાંને હોશ આવ્યો અને એણે આદિત્યને નહિ પણ નીતિનને પોતાની નજીક જોયો એને થોડું અજુગતું લાગ્યું પણ કઇ બોલી નહિ, ડોકટરે એને 2 દિવસ આરામ કરવા કહ્યું તો એ ઘરે જવા નીકળી. નીતિને એની માટે રીક્ષા બોલાવી આપી અને એક એમ્પ્લોઈને એની સાથે મોકલી. રિધિમાંએ નીકળતી વખતે આદિત્યને ખૂબ દૂર શાંતિથી બેઠેલો જોયો અને એને અજીબ લાગ્યું.

રિધિમાં ઘરે ગઈ અને 2 દિવસ સુધી મળેલી એની રજામાં એણે ભરપૂર આરામ કર્યો અને લુથી બચવાની રીતો પણ શીખી ગઈ. આ 2 દિવસ દરમિયાન નીતિનની પોતાની માટે આટલી ચિંતા અને આદિત્યની બેફિકરાઈ પર વિચાર પણ આવ્યા. એમપણ રિધિમાં ખૂબ વિચારશીલ યુવતી હોઈ સારા-નરસા દરેક પાસા પર વિચાર કરી નિર્ણય લેતી. પણ નીતિનની પાત્રતા પર એને પહેલીવાર વિશ્વાસ બેઠો એવું કહી શકાય.

2 દિવસ પછી બળબળતા બપોરે રિધિમાં ઓફીસ જાય છે પણ પગના તળિયે દિવેલ લગાવી, પાણીની માત્રા વધુ હોય તેવા ફળો અને લીંબુ શરબતને કારણે એને 2 દિવસ પહેલા જેવી મુસીબત નડતી નથી. ઓફિસે પહોંચી ડેસ્ક પર બેસતા જ સૌથી પહેલા એ નીતિનની કેબિન સામે જુએ છે અને ત્યારબાદ તે પોતાનું કામ કરવા લાગે છે.

આ વખતે સપના અને અન્ય છોકરીઓની નજરમાં રિધિમાં સાવ નીચે પડી જાય છે, એ બધાના મતે રિધિમાં હમેશા બધાનું ધ્યાન આકર્ષિત કરવા ઈચ્છે છે. પહેલા નીતિન અને હવે આદિત્ય પણ રિધિમાંની પાછળ ગાંડો થઈ ગયો છે. અને અધૂરામાં પૂરું બોસનું અટેનશન આટલું મેળવનાર રિધિમાં એકલી હતી એટલે હવે ઓફિસની બધી જ છોકરીઓ રિધિમાંને નફરત કરવા લાગી ગઈ અને બસ એક તક મળે કે તરત રિધિમાં વિશે ખરાબ બોલવાનું ચાલુ કરી નાખે.

આ બધી પરિસ્થિતિમાં રિધિમાંએ આદિત્ય સાથે બોલવાનું સાવ ઓછું કરી દીધું હતું અને અન્ય છોકરીઓ સાથેની વાત-ચીત પણ, અને નીતિન સાથે એટલું બોલવાનો વ્યવહાર ક્યાં હતો જ કે એની સાથે પણ વાત કરી શકે? રિધિમાં ભલે આદિત્ય સાથે વાત ન કરે પણ આદિત્ય કોઈના કોઈ બહાનાથી કે રીતથી રિધિમાં સાથે વાત કરવાના પ્રયત્ન કરતો. કોઈને જાણ ન થાય એ રીતે એની સાથે વાત કરવા પણ પ્રયત્ન કરતો.

એવામાં એક દિવસ રિધિમાં ચા પીવા જતી હતી ને આદિત્યએ એનો રસ્તો રોકી એની નારાજગીનું કારણ પૂછી જ લીધું.
રિધિમાંએ કહ્યું, "જુઓ આદિત્ય, હું તમને એક મિત્ર સમજતી હતી. પણ મારી તકલીફમાં મારી મદદ કરવાની જગ્યાએ તમે શાંતિથી બેસી રહ્યા અને ઉપરથી ઓફિસના ગોસિપનો પણ ભાગ બની રહ્યા છો! સપનાને પણ તમે જ સપોર્ટ કરી રહ્યા છો ને મારા વિશે આ બધી વાતો ફેલાવી રહ્યા છો."
"રિધિમાં, તમે મને ખોટું સમજો છો. એ દિવસે નીતિન સર તમારી જોડે હતા અને જો હું પણ જોડે આવત તો સર મને બધાની વચ્ચે કઈક ખરાબ બોલ્યા હોત, એમ પણ તમારી પ્રત્યે સરને વધારે લગાવ છે એ બધાએ એ દિવસે જ જોઈ લીધું, મને મારી નોકરી જવાનો વાંધો નથી પણ હું તમારાથી દુર નથી રહી શકતો એટલે હું સરની નજરથી દૂર જ રહ્યો. જો એનાથી તમને ખરાબ લાગ્યું હોય તો મને માફ કરજો." આદિત્યએ ખૂબ લાગણી સાથે કહ્યું.
"તમે ક્યાં લગાવની વાત કરો છો? હું તમને માત્ર એક મિત્ર જ સમજુ છું, તેનાથી વધારે કઈ જ નહીં" રિધિમાં ગુસ્સા સાથે બોલી.

"રિધિમાં આ થોડા દિવસમાં મને તમારા સાથે પ્રેમ થઈ ગયો છે, આખો દિવસ તમને જ જોયા કરું છું અને તમારા જ વિચારો કર્યા કરું છું. પ્લીઝ મને ખોટો સમજી મારાથી દુર ના થશો." આદિત્ય આથી વધુ ન બોલી શક્યો. અને એ ત્યાંથી નીકળી ગયો.

રિધિમાં એની વાત સાંભળી બહુ બધા વિચારોમા ખોવાઈ ગઈ. એને આદિત્યની લાગણી સાચી લાગી પણ એ લાગણી સાથે જોડાઈ ન શકી. આદિત્ય માટે મિત્રભાવ જ છે અને નીતિન. શુ કરવું જોઈએ અને શું નહિ એ નક્કી કરવું, સમજવું અને વિચારવું મુશ્કેલ થઈ ગયું રિધિમાં માટે.

રિધિમાં બસ હવે અહીંથી નીકળવા જ માંગતી હતી, અહીં નીતિન અને આદિત્ય વચ્ચે એ પીસાઈ રહી હતી. અને આ બંનેને કારણે એની છબી પણ ખરાબ થઈ રહી હતી. ઓફીસની બધી જ છોકરીઓ એને ખરાબ સમજતી હતી. આ માટે એક કારણ સપના પણ હોઈ શકે. રિધિમાં વિચારવા લાગી "મને સપના સાથે શુ દુશમની છે? એ કેમ મારા વિશે આવી વાતો ફેલાવે છે? મારે એની સાથે વાત કરવી જ પડશે"

બીજા દિવસે રિધિમાં વહેલી આવી અને સપના સાથે એની 12 વાગ્યાની લંચ બ્રેકમાં વાત કરવા વિચાર્યું. સપના બ્રેકમાં બહાર આવી, એની સાથે બીજી છોકરીઓ પણ હતી. સપનાને રિધિમાં અલગ લઈ ગઈ. એ વખતે આદિત્ય અહીં હાજર ન હતો.
"સપના તમે દરેક વખતે મારી છબી બધાની સામે ખરાબ કરવા કેમ પ્રયત્ન કરો છો? મેં તમારું શુ બગાડ્યું છે? મારા વિશે આવી અફવાઓ ફેલાવી તમને શું મળી રહ્યું છે?" રિધિમાં ચિંતિત સ્વરે બોલી.
"રિધિમાં, મને તમારાથી કોઈ જ તકલીફ ન હતી, પણ હવે તમે મારો રસ્તો રોકી રહ્યા છો, એટલે મારે આ બધું કરવું પડે છે, મને એટલો ખ્યાલ તો આવી જ ગયો છે કે તમે બહુ જ સામાન્ય વ્યક્તિ છો! આ બધી ગોસિપ સહન ન કરી શકો અને અહીંથી જતા રહો એ જ હું ઈચ્છું છું." સપના આમ કહી ત્યાંથી જવા લાગી.

રિધિમાંએ સપનાનો હાથ પકડી લીધો, "પણ કેમ?"
હાથ જાટકી સપના બોલી, "કેમ કે તમે મારા બોયફ્રેન્ડને મારાથી દુર કરી દીધો છે, છેલ્લા એક વર્ષથી અમારો સબંધ હતો. આ ઓફિસમાં પણ મેં જ એને નોકરી અપાવી હતી. અને આજે મારો અહેસાન માની મારા સાથે લગ્ન કરવાની જગ્યાએ એ બીજા ફૂલનો રસ ચૂસવા માંગે છે. તમને પસંદ કરે છે. મને ખુબ ગુસ્સો આવ્યો અને મેં તમારી છબી ખરાબ કરવાની ચાલુ કરી, જેથી તમે ઓફીસ છોડી જતા રહો. એમ પણ એ તમારી પાછળ પોતાની જોબ તો નહીં જ છોડે, કારણકે એનામાં એટલી લાયકાત નથી." આટલું બોલતા તો સપનાનું લોહી ઉકળવા લાગ્યું. અને એ એટલી જોરથી બોલી કે દૂર બેઠેલી બધી છોકરીઓને પણ એનો અવાજ સંભળાયો.

આટલું ઓછું હોય તેમ રિધિમાંએ પૂછ્યું, "તમારો બોયફ્રેન્ડ કોણ છે? એ પણ મને તો ખબર નથી, તો હું તમારા બન્ને વચ્ચે કઈ રીતે આવવાની. હું તો માત્ર મારા કામથી કામ રાખું છું"

સપના ખૂબ ગુસ્સામાં તો હતી જ અને રિધિમાંના આવા પ્રશ્નથી એનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો, "તમે નથી જાણતા એમ! આખી ઓફિસ જે વાત જાણે છે, એની તમને ખબર જ નથી? જે તમારી આગળ-પાછળ ફર્યા કરે છે અને તમારી બધી જ વસ્તુઓ પર જેનું ધ્યાન હોય છે એ જ છે મારો બોયફ્રેન્ડ"
રિધિમાંએ મનમાં નીતિન નામ વિચાર્યું કારણકે એ જ એક હતો જેની નજર હંમેશા રિધિમાં પર રહેતી હતી, બસ એ આ નામ સાંભળી સકતી ન હતી.
"આદિત્ય" સપના બોલી.
'આદિત્ય'નું નામ સાંભળી રિધિમાંને ખૂબ હાશકારો થયો, પણ બીજા જ પળે આદિત્યએ ગઈ કાલે કરેલી વાત યાદ આવી ગઈ. "જો આદિત્ય સપનાને પ્રેમ કરતો હોય તો એણે મને શું કામ એ વાત કીધી?"

સપના અને રિધિમાં વચ્ચે જે તકરાર થઈ હતી તે ઓફિસની બીજી છોકરીઓએ જોઈ હતી, પણ એ તકરારનો મુદ્દો એમના કાને હજુ પડ્યો ન હતો. આદિત્ય જે બહાર ગયો હતો એ ઓફીસ પાછો આવ્યો. રિધિમાંની સાથે એની કોઈ વાત ન થઈ. અને સપના પણ એની સામે કઈ ન બોલી.

આ બધી જ ઘટમાળ ચાલુ હતી અને નીતિન ઓફિસની જ બધી ઝંઝટમાં પડ્યો હતો. ઓફિસના સ્ટાફની સેલરીના ચેક, નવા સ્ટાફની ભરતી માટે, કંપની વધારે મોટી કરવાની હતી એનો સ્ટ્રેસ. એ વચ્ચે વચ્ચે રિધિમાંને જોઈ લેતો, પણ એની સાથે વાત કરવાની હિંમત ન હતી.

રાતના 8:15 વાગ્યા હતા અને ઓફિસનો ઘણો ખરો સ્ટાફ નીકળી ગયો હતો, રિધિમાં દુઃખી હતી અને બસ પોતાનું કામ પૂરું કરી જવાની તૈયારીમાં જ હતી. નીતિન પણ સાંજના 5 વાગ્યાથી ઓફિસના કામથી બહાર જતો રહ્યો હતો. એવામાં રિધિમાં પોતાનું કામ પૂરું કરી નીકળી.

કોમ્પ્લેક્સમાં ઓફિસની બાજુની બીજી 5 દુકાનોને ખરીદી ત્યાં ઓફિસને અનુરૂપ બનાવવા રીનોવેશન ચાલતું હતું. ત્યાં જ એક વોચમેને ઓફીસમાંથી નીકળતી રિધિમાંને રીનોવેશનનો સામાન જે આવ્યો હતો તેની સ્લીપ લેવા માટે એ રીનોવેશનની જગ્યાએ બોલાવી. ઓફિસનો અન્ય સ્ટાફ હાજર ન હોઈ વોચમેને રિધિમાંને જ આ જવાબદારી સોંપવું યોગ્ય સમજ્યું. ત્યાં અત્યારે કોઈ જ કામદાર હતો નહિ અને જગ્યા પણ લગભગ બિહામણી જ હતી. સ્લીપ લઈને રિધિમાંએ કાલે સરને આપીશ એમ વિચારી બેગમાં મૂકી. વોચમેન અને સામાન આપનાર માણસ તો પહેલેથી જ સ્લીપ આપી જતા રહ્યા હતા.
હવે રિધિમાં નીકળવા જ જતી હતી, ત્યાં કોઈકે એનો હાથ પકડ્યો. રિધિમાંએ પાછું વળીને જોયું તો એ આદિત્ય હતો. "રિધિમાં, મેં તમને ગઈ કાલે આઈ લવ યુ કીધું હતું. એનો તમે મને હજી સુધી જવાબ ના આપ્યો." આદિત્યએ કહ્યું.
હાથ છોડાવવાની કોશિશ કરતા રિધિમાં બોલી, " આદિત્ય મારો હાથ છોડો, હું તમને થોડાક પણ પસંદ નથી કરતી. એમ પણ સપનાએ તમારા અને એના વચ્ચેના સબંધ વિશે મને જણાવી દીધું છે. તો મારાથી દુર રહેશો એમા જ તમારી ભલાઈ છે."
આદિત્ય "રિધિમાં પ્લીઝ એની વાતોમાં ન આવો, એ ખોટું બોલે છે, એમ પણ એ નીતિન સરની જ સાઈડ હમેશા લેતી હોય છે તો કદાચ તમને અને મને અલગ કરવા એણે આવું કહ્યું હોય"
રિધિમાંએ એક ઝાટકે હાથ છોડાવ્યો અને ગુસ્સામાં બોલી, "મિ. આદિત્ય મારે કોની વાત પર ભરોસો કરવો કે ન કરવો એ હું જોઈ લઈશ. પણ જે રીતે અહીં અંધારામાં બધાના ગયા પછી તમે મને રોકી, મારો હાથ પકડ્યો અને ઓફિસનું તમારું અલગ વર્તન આ બધું જ મને દેખાય છે અને એટલું તો હું સમજી ચુકી છું કે સપના સાચું બોલે છે. નાઉ પ્લીઝ, મારો રસ્તો છોડો, નહિતર તમારી માટે સારું નહિ થાય."
આ વખતે આદિત્યએ જોરથી રિધિમાંના બંને હાથ પકડ્યા અને એને દિવાલ તરફ ધકેલી, રિધિમાં આદિત્યના આવા વર્તનથી ખૂબ ડરી ગઈ અને જવા દેવા માટે આજીજી કરવા લાગી.
આદિત્ય, "એક તો આટલા દિવસથી તારી આગળ - પાછળ ફરું છું એ તને નથી દેખાતું અને તું એ નીતિનની સામે મને ઇગ્નોર કરે છે. મેં તને કીધું પણ ખરા કે હું તને પ્રેમ કરું છું પણ તું? કઈ વાંધો નહિ આજે તને મારાથી કોઈ નહિ બચાવી શકે. તારા જેવી કેટલીને મેં આમ જ મસળી દીધી છે."
આદિત્ય આગળ કઈ કરી શકે એ પહેલાં જ એક જોરદાર લાકડી એની પીઠ પર પડી અને એ પાછળ જોવા લાગ્યો, નીતિન ત્યાં જ ઉભો હતો એણે જ આદિત્યને રિધિમાંથી દુર કરવા આ લાકડી ફેંકી હતી. આદિત્યએ રિધિમાંને છોડી દીધી. નીતિને નજીક આવી આદિત્યને થપ્પડ મારી તો એ ત્યાંથી ગુસ્સામાં નીકળી ગયો.
રિધિમાં હજુ દિવાલને ટેકવીને જ ઉભી રડી રહી હતી, નીતિને નજીક જઈ પૂછ્યું, " રિધિમાં તમે ઠીક તો છો ને? મને વોચમેને કહ્યું કે હજુ તમે નીકળ્યા નથી તો હું તમને જોવા માટે ઉપર આવ્યો"
શુ થઈ રહ્યું છે એ રિધિમાંને સમજ પડી રહી ન હતી. તે ત્યાં ઉભી જ રડ્યા કરતી હતી. આદિત્યનો અસલી ચહેરો જોઈ એ ખૂબ ડરી ગઈ હતી. નીતિન રિધિમાંને ગળે લાગી એની તકલીફ વહેંચવા માંગતો હતો પણ એ કઈ જ ન કરી શક્યો. નીતિને રિધિમાંને રૂમાલ ઓફર કર્યો. વોચમેન જોડે પાણી મંગાવ્યું અને રિધિમાંને આપ્યું. લગભગ 5 મિનિટ જેવી થઈ હશે અને રિધિમાંના ડુસકા ઓછા થઈ ગયા હતા, પણ હજુ પણ એની હાલત કઈ સારી ન હતી. નીતિન એની સાથે જ ઉભો હતો. એને આ મજબૂરી બહુ તકલીફ આપતી હતી. એકબાજુ આદિત્ય માટે ખૂબ ગુસ્સો આવતો હતો, અને બીજી બાજુ રિધિમાંની આ હાલત.

"રિધિમાં પ્લીઝ શાંત થાઓ, એ જઈ ચુક્યો છે. હું એને ફરીથી તમારી પાસે નહિ આવવા દઉં" નીતિન રિધિમાંને શાંત કરવા પ્રયત્ન કરી રહ્યો હતો. પણ એનાથી દૂર જ ઉભો રહ્યો કારણકે જો નજીક જાય તો કદાચ રિધિમાં વધુ અસલામતી અનુભવે. નીતિન રિધિમાંને લઈ નીચે આવ્યો એક રીક્ષા રોકાવી અને રિધિમાંને એમાં બેસાડી. આમ તો પોતાની બાઇક પર મુકવામાં એને કોઈ તકલીફ નહતી. પણ રિધિમાં ખોટું ન સમજે એ માટે એણે રીક્ષા જ વધુ બહેતર સમજી.

રિધિમાં રિક્ષામાં બેસી સાથે નીતિન પણ બેસ્યો. રિધિમાંના આંખોમાંથી હજી પણ પાણી નીકળી રહ્યું હતું. નીતિનનો રૂમાલ હજુ પણ રિધિમાં પાસે જ હતો. એ રડતા રડતા રૂમાલ થી મો સાફ કર્યા કરતી હતી. બાજુમાં નીતિન એની સામે જ જોઈ રહ્યો હતો. એણે રિધિમાંને આખા રસ્તે કઈ ન કહ્યું. બસ ચુપચાપ એની સાથે બેસી રહ્યો.

રિધિમાંનું ઘર આવ્યું એ ઉતરી ગઈ અને પોતાની આંખો સાફ કરી ઘરની અંદર જતી રહી. એ ઘરમાં પહોંચી એ જોયું પછી જ નીતિને રીક્ષાવાળાને પાછું ઓફિસે મુકવા કહ્યું. રસ્તામાં નીતિનના મનમાં ઘમાસાન ચાલી રહ્યું હતું. એને પોતાની પર જ ગુસ્સો આવી રહ્યો હતો. રિધિમાંની આ હાલત માટે એ પોતાને જવાબદાર સમજી રહ્યો હતો.
"રિધિમાં આઈ એમ સોરી, મેં બહુ મોટી ભૂલ કરી દીધી. ઓફિસના કામમાં તમારા પર ધ્યાન આપવાનું જ ભૂલી ગયો. જો મેં ધ્યાન આપ્યું હોત તો કદાચ આદિત્ય આવું ના કરી શક્યો હોત."

નીતિન અને રિધિમાં બંને બહુ દુઃખી હતાં. રિધિમાં પોતાની સાથે થયેલ ઘટનાથી દુઃખી હતી, અને નીતિન રિધિમાંને બચાવી ન શકવના અપરાધભાવ સાથે દુઃખી હતો. જો આ બધું ન બન્યું હોત તો કેટલું સારું હોત એ વિચાર સાથે બંનેનો દિવસ પૂરો થયો.

(આદિત્યનો ખરાબ વિચારો તો રિધિમાંની સામે આવી ગયા, પણ નીતિનનો પ્રેમ રિધિમાંની સામે આવતા કેટલી વાર થશે એ તો કોણ જાણે! હવે રિધિમાંના ખ્યાલો કેટલા બદલાય છે એ આવતા ભાગોમાં જોવું રહ્યું.)