joke aapne tya to aa banne vastu ma badha j muke j books and stories free download online pdf in Gujarati

જોકે આપણે ત્યાં તો આ બન્ને વસ્તુ માં બધા જ મૂકે જ !


શિક્ષક જો.કે. વિદ્યાર્થી મુ.કે. ને : બોલ મુ.કે. આ શ્રાવણ માસમાં આખો મહિનો એકટાણા કરવામાં આવે છે તેનું મુખ્ય વૈજ્ઞાનિક કારણ શુ છે ?
વિદ્યાર્થી મુ.કે. : અત્યારે ઇકોનોમીનું ઠેકાણુ નથી અને તમે સાહેબ વિજ્ઞાનની માંડો છો ? ઈકોનોમિકલ કારણ કહો તો હું સાચો જવાબ આપી શકુ !
શિક્ષક જો.કે. : વાત તો મુ.કે. ની સાચી લાગે છે! અત્યારે ઈકોનોમિકલ કારણ સમજવાની જરૂર છે આપણને પણ કામ લાગશે! વિજ્ઞાનતો દૂરની વાત છે, આપણા માટે, આપણા સમાજ માટે , આપણા દેશ માટે ! ઘણું બધુ ઘડીના છઠા ભાગમાં મનમાં ને મનમાં વિચારીને શિક્ષક જો.કે. એ આગળ ચલાવ્યું અને વિદ્યાર્થી મુ.કે. ને કહ્યું - બોલ મુ.કે. ઈકોનોમિકલ કારણ બતાવ !
વિદ્યાર્થી મુ.કે. : સર, જો.કે. ! ઈકોનોમિકલ કારણ જો હું આ શ્રાવણમાસ ના એકટાણાનું કહું તો – હું બહુ ઉંડો તો ઉતર્યો નથી પરંતુ અમારી ત્રણ પેઢીથી અથવા તો સાત પેઢીથી એટલેકે પેઢી દર પેઢીથી અમારા કુટુંબમાં આ શ્રાવણમાસનો જુગાર ચાલે છે ! એટલે એમાં થાય છે શું કે અમારી મુડી મોટા ભાગની તેમાં ડૂબી જાય છે ! ખાવાનો વેંત રહેતો નથી ! એટલે અમારા બાપ-દાદાઓએ જ આ એકટાણાની પ્રથા વિજ્ઞાન સાથે જોડીને સમાજમાં વૈજ્ઞાનિક રીતે રજૂ કરી છે ! જે શરૂઆતમાં અમારા સમાજે ( શ્રાવણિયા જુગારી સમાજે ) સ્વીકારી અને બાદમાં તે સર્વસામાન્ય ઢબે સમાજમાં આરુઢ થઇ હોય એવું અમારા વડવાઓનું માનવું છે !
શિક્ષક જો.કે. : આવુ અવલોકન અમારી શિક્ષકોની સાત પેઢીમાં ક્યાય જોયું નથી, મુ.કે. ! આ એક અલગ જ અવલોકન છે મુ.કે. ! જરા વિસ્તારથી સમજાવ મુ.કે. !
વિદ્યાર્થી મુ.કે. : શ્રાવણનો આખોમાસ તિનપતીનો મંડાય છે ! રમવાવાળાના બે પક્ષો હોય છે અને એક ત્રીજોપક્ષ જેને ત્યાં રમાડવાની વ્યવસ્થા કરાય છે તે હોય છે , આ ત્રીજો પક્ષ ખાલ ખેચે છે ! એક પક્ષ હારે બીજો જીતે ખાલ ખેંચાય , પાછો બીજો પક્ષ હારે પેલો જીતે ખાલ ખેંચાય ! આ રીતે ચાલ્યા જ કરે છે ! ખાલ ખેંચવાવાળા ને હાર-જીતની સાથે બહુ મતલબ હોતો નથી એ ખાલ ખેંચે જ રાખે છે , ખેંચે જ રાખે છે ! છેલ્લે એ જ કમાય છે ! હારવા- જીતવા વાળા પાય-માલ થાય છે ! પછી છેલ્લે આખો મહિનો કઈ બાકી ન રહેતા મુડી બચાવવા એકટાણા કરવા પડે છે ! બસ આજ શ્રાવણમાસના ( એકટાણા ) નું સાચું ઈકોનોમિકલ કારણ છે ! બીજું કઈ નહિ , સમજ્યા સર ?!
શિક્ષક જો.કે. : વાહ ! સરસ ! સરસ અવલોકન છે મુ.કે. તારું , ઈકોનોમિકલ ! હું તો જોકે ( મારા નામ પ્રમાણે ) કોઈ દિવસ જુગાર રમ્યો જ નથી પરંતુ આગળ વધવા , બે પાંદડે થવા , માંડ ભેગું કરવા કોઈએ મને શેર બજારના રવાડે ચડાવ્યો હતો !
શરૂઆત માં શોર્ટ ટર્મ , લોંગ ટર્મ વગેરે ઇન્વેસ્ટમેંટ ના આઇડિયા જાણ્યા પછી ટ્રેડીંગ ના રવાડે ચડ્યો ! હવે આમાં થતું તું શું કે એક દિવસ પૈસા વધે બીજા દિવસે જાય, વળી પાછો આજ ક્રમ વધે-ઘટે ,ઘટે-વધે , સરવાળે ત્યાં ને ત્યાંજ ! એટલે કે ત્યાને ત્યાજ રહીએ તો તો કઈ વાંધો નહીં પરંતુ તું કહેશ ને તે જ પ્રમાણે તિનપતી ના જુગાર માં ખાલ ખેચવાવાળો હોય છે તેજ કમાય તેજ રીતે આમાં ટેક્સ-દલાલી હોય છે તમારા પૈસા જાય ટેક્સ-દલાલી લાગે , તમને પૈસા મળે ટેક્સ- દલાલી લાગે ! આમ કરતાં કરતાં હું તો સાવ નંખાય ગયો , મારી તો ચામડી (મુડી) ઉતરી ગઈ ! પછી ટ્રેડીંગ મૂકી ને લોંગ ટર્મ ના રવાડે ચડ્યો, બ્રોકરો કહેતા શેરબજાર માં હંમેશા લોંગ ટર્મ રોકાણ કરવું જોઈએ શોર્ટ ટર્મ નહીં ! આમ તો આગળ જતાં ઠામુકી કંપની જ ઉઠી ગઈ , કંપની ના માલિકો લોંગ રુટ પર જતાં રહ્યા હો ભાઈ મૂ.કે. ! એટલે હવે હું પણ તમારી સાત પેઢી ની જેમ જ શ્રાવણ ના એકટાણા કરું છું . મને લાગે છે કે મારી આવતી સાત પેઢી એ પણ શ્રાવણ ના એકટાણા જ કરવા પડશે ! અફકોર્સ આ એકટાણા શ્રાવણમાં જ કરાય , બધા કરતાં હોય ત્યારે , એટલે શું છે કે કોઈ ને ડાઉટ ના જાય ! વિજ્ઞાન-ધર્મ શ્રાવણીયા એકટાણા જોડે ભળી જાય એટલે ઈકોનોમિકલ પ્રેશર દબાય જાય ! વાહ મુ.કે. વાહ શું તારું ઈકોનોમિકલ સર્વે છે , વાહ ! આજ આ શિક્ષક જો.કે. ને મુ.કે. નામનો વિદ્યાર્થી જિંદગીના પાઠ ભણાવી ગયો ! વાહ મુ.કે. વાહ !
અત્યારે આ શિક્ષક જો.કે. તેમજ વિદ્યાર્થી મુ.કે. સાથે મળીને આ જુગાર તથા શેરબજાર વિષય ઉપર યુનિવર્સિટી મા પી.એચ.ડી. કરી રહ્યા છે ! હાલમાં જ આ જોડીનું સંશોધનપત્ર રજૂ થયું છે તેમાં આ જોડીએ જુગારમાં લાગતી ખાલ તેમજ શેરબજારમાં લાગતી ટેક્સ-દલાલી અંગેનું સર્વ-સામાન્ય તારણ રજૂ કર્યું છે તે છે --- આ વસ્તુ આપણી ઇકોનોમીમાં જ શક્ય બને છે , પશ્ચિમી ઇકોનોમીમાં નહિ ! ત્યાં તો ઇન્વેસ્ટરો કરોડોમાં ન્હાય છે , આળોટે છે કારણકે ત્યાં સરકાર તથા કંપની સર્કલ તેમજ શેર દલાલો ઈનવેસ્ટરોને પૂરતી તક આપે છે , તેમજ જુગારીઓને પણ પૂરતી તક આપે છે ! એટલે જ આપણે તેનું અનુકરણ કરીએ છીએ ! અલબત આપણી અણ આવડત તથા સ્વાર્થી વૃતિથી જ ફક્ત ! એટલે આપણાં આ હાલ - હવાલ છે ! અને બીજું આપણે ત્યાં તો તક આપવાવાળા જ તક ઝડપી લે છે,તક સાધુ બની જાય છે તેમ વધુ માં આ જોડી ઉમેરે છે.
આગળ ઉપર શિક્ષક જો.કે. અને વિદ્યાર્થી મુ.કે. ના સંશોધનપત્ર માં જણાવ્યા મુજબ તેઓને લાગે છે કે એવા દિવસો દૂર નથી કે જો આમને આમ જ ચાલ્યું ને તો લોકોએ બારેમાસ એટલેકે 365 દિવસના એકટાણા કરવા પડશે , અલબત વિજ્ઞાન –ધર્મને જોડીને ! આવું ભયાનક સંશોધન એક સંજોગના માર્યા શિક્ષક- વિદ્યાર્થીની જોડીએ રજુ કર્યું !!!

લિ. બિપિન આઇ ભોજાણી (કટાક્ષ તથા હાસ્ય વ્યંગ ના લેખક.)
સહયોગ- સંકલન : મૌલિક બિપિનભાઈ ભોજાણી (મિકેનિકલ એંજીનિયર)