To Hun Ghare Pachhi Nahin Aavun books and stories free download online pdf in Gujarati

તો હું ઘરે પાછી નહીં આવું...

'તો હું ઘરે પાછી નહીં આવું...' - હર્ષદ દવે

(સત્ય ઘટના પરથી)

સ્નેહા ભણવામાં બહુ હોંશિયાર. તે વર્ગમાં હંમેશા પ્રથમ નંબરે પાસ થતી. તેનાં મમ્મી-પપ્પાની તે લાડકી હતી. તે બહુ ડાહી હતી. પણ તે એટલી જીદ્દી હતી કે તેના દાદી સિવાય કોઈને ય ગણકારતી નહીં.

તેનાં માતા-પિતા સામાન્ય નોકરી કરી ઘરનું ગાડું ગબડાવતા હતા. તેઓ વચ્ચે ક્યારેક બોલાચાલી થતી. સ્નેહા તે સાંભળતી. તેને થતું કે બંનેની આવક ઓછી લાગે છે એટલે ઘરખર્ચને પહોંચી વળી શકતા નથી. તેવામાં દાદીમાએ એકવાર તેના પુત્રને કહ્યું, 'બેટા, મારાથી ચલાતું નથી અને ઉઠબેસ થઇ શકતી નથી.'

ની-રિપ્લેસમેન્ટની મોંઘી સારવાર તેમને પોસાય તેમ ન હતું. ઘરગથ્થુ ઈલાજથી કોઈ ફરક પડતો નહોતો. ત્યારે 'હવે કેટલા દા'ડા?' વિચારે તેમને કાંઈક એવું કરવા પ્રેર્યા કે સ્નેહા માની ન શકી.

***

એક દિવસ સવારે સ્નેહા ઉઠી, તેને ઘરમાં દાદી ન દેખાયાં. બહાર ગયાં હશે તેમ માન્યું. પણ સાંજે સ્કૂલેથી આવીને જયારે તેને ઘરમાં દાદી ન દેખાયા એટલે તેણે મમ્મી-પપ્પાને પૂછ્યું, 'દાદી ક્યાં ગયા છે?' પપ્પાએ ટૂંકમાં કહ્યું હતું, 'તેમના મિત્રો સાથે તીર્થયાત્રાએ ગયા છે.'

એક-બે દિવસ પછી તેણે મમ્મીને પણ પૂછ્યું, 'દાદી ક્યારે આવશે?' મમ્મીએ પણ ફેરવીને જવાબ આપ્યો હતો, 'થોડા દિવસમાં આવી જશે પણ એ કહે કે તારી સ્કૂલના પ્રવાસમાં તારી કેટલી ફ્રેન્ડ આવશે?'

અને સ્નેહા સ્કૂલના પ્રવાસે ગઈ.

જે દિવસે તે પ્રવાસેથી પાછી આવવાની હતી તેના બે દિવસ પછી પણ સ્નેહા ઘરે ન આવી. સ્નેહાનાં મમ્મી-પપ્પાએ સ્કૂલમાં તપાસ કરી તો જાણવા મળ્યું કે 'સ્કૂલ બસ નિયમિત હતી અને સમયસર આયોજકોએ સહુને સ્કૂલમાં છોડ્યા હતા.'

સ્નેહાના મમ્મી-પપ્પા ચિંતાતુર થઇ ગયા. સ્નેહા ક્યાં ગઈ? તે ઘરે નથી પહોંચી. તેને ક્યાં શોધવી? એક બે દિવસ તેની તપાસ કરવામાં ગાળ્યા પણ તેની ભાળ ન મળી. છેવટે તેમણે પોલીસમાં ફરિયાદ કરવાનું નક્કી કર્યું...પણ એ જ દિવસે........

તેમને પોસ્ટમાં એક પત્ર મળ્યો.

***

એ પત્ર આ પ્રમાણે હતો:

'મારાં પ્રિય મમ્મી-પપ્પા,

મને ખબર ન હતી કે તમે હું માનતી હતી એટલા સારા પપ્પા-મમ્મી નથી! અને હું

એ માની જ શકતી નથી કે મારી મમ્મી આવું કરી શકે. તમારી ખોટી વાતો પર મને બહુ જ ભરોસો હતો. પણ મને ખબર ન હતી કે મેં તમારી ખોટી વાતો પર ભરોસો કર્યો હતો. હું નાની છું પણ મારામાં થોડીઘણી સમજણ તો છે. તમે અને મમ્મી મને ખૂબ વહાલ કરો છો. પરંતુ તમારાં કરતાં મને મારી દાદી ખૂબ ખૂબ વધારે વહાલ કરે છે. તમને કે મમ્મીને કદાચ ખબર નહીં હોય પણ તેમણે મને તમારા બંને કરતાં પણ વધારે પ્રેમ આપ્યો છે. અને સાચું કહું તો દુનિયામાં આજ સુધી કોઈએ મને એટલો પ્રેમ નહીં કર્યો હોય. આ વાત તમારે માનવી જ પડે તેવી છે. મને લાગે છે કે તમને અને મમ્મીને દાદીનો સ્નેહ નહીં મળ્યો હોય! જો તમે એ પ્રેમ પામ્યા હો તો તમે આવું પગલું ક્યારેય ન ભરી શકો તેની મને ખાતરી છે.

તમને મારી જેટલી ચિંતા થતી હશે તેનાથી અનેકગણી ચિંતા મને દાદીની થાય છે. તમારો જીવ ચાલ્યો જ કેવી રીતે. તેના જીવનમાં તમે આવો કરુણ અંધકાર કઈ રીતે ભરી શકો? તમે શા માટે આવું કર્યું પપ્પા? શા માટે તમે મને એવું ખોટું કહ્યું કે 'દાદી તેમના મિત્રો સાથે તીર્થયાત્રાએ ગયા છે?' તમને ખબર છે...? મારા મનમાં હું ત્યારે દાદી પર કેટલી રીસે ભરાઈ હતી? મેં વિચાર્યું હતું કે દાદી મને કહ્યા વગર આ રીતે ક્યાંય જતા ન રહે. ભલે તે કોઈને ન કહે પણ મને કહ્યા વગર તો તે જાય જ નહીં. દાદી આમ કેમ ગયા? તેને માટે હું રોજે રોજ રડતી હતી. તમને કે મમ્મીને પૂછતી તો તમે કહેતા, 'થોડા દિવસમાં આવી જશે બેટા.' પણ હું નહોતી જાણતી કે તેઓ હવે મારી પાસે નહીં રહે!

દાદી મને વાર્તા કહેતા. દાદી મારી બધી વાત માનતા! દાદી મને ભૂખ લાગે તો મારે જે જોઈએ તે ખાવા આપતા હતા. મારી સાથે ખૂબ જ રમતા. હું રાત્રે રોજ તેની પાસે જ સૂઈ જતી. તે ગયા ત્યારથી મને સરખી ઊંઘ પણ નથી આવતી. તમે અને મમ્મી ઓફિસે ગયા હો ત્યારે અમે ખૂબ આનંદથી રહેતા હતા. મારી દરેકે દરેક વસ્તુ ક્યાં છે તેની મમ્મીને ભલે ખબર ન હોય પરંતુ દાદીને તો બધી જ ખબર હોય. દાદી બહુ કામ નહોતા કરી શકતા કારણ કે તેમને પગમાં દુખાવો થતો હતો. બેઠા બેઠા કરવાનું દરેક કામ તેઓ કેટલા રાજીપાથી કરતા હતા!

શું તેણે તમારી સાથે કોઈ ઝઘડો કર્યો હતો? કે તમને ન ગમે તેવું કરવાનું કહ્યું હતું? કે પછી તેણે તમારી પાસે બહુ બધા રૂપિયા માગ્યા હતા?

મને સમજાતું નથી કે હું શું કરું અને ક્યાં જાઉં? મારા મમ્મી-પપ્પા આવું કરે? પપ્પા, મમ્મીએ તમને આવું કરતા અટકાવ્યા નહીં? મને થોડું થોડું સમજાય છે. મમ્મી જયારે તમને તમારી ઓછી આવક અને વધારે ખર્ચાની વાત કરતી હતી ત્યારે તમે ગુસ્સે થઇ જતા હતા. શું મારા ભણવા પાછળ એટલો બધો ખર્ચ થાય છે કે આપણે દાદી સાથે આવું વર્તન કરીએ? પણ એવું હોય તો હું સ્કૂલે નહીં જાઉં. તમે કહો કે આપણે શું કરીએ તો દાદી ઘરે પાછા આવી જાય?

પપ્પા તમે શા માટે દાદીને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા? અમારી સ્કૂલના પ્રવાસમાં અમે જે વૃદ્ધાશ્રમમાં ગયા હતા ત્યાં હું મારી દાદીને મળી અને મારા હરખનો પાર ન રહ્યો! એવો આનંદ મને આ પહેલાં ક્યારેય થયો નથી. પણ... તેમનું વિલાઈ ગયેલું મુખ મને જોઇને ભલે રાજીપો દર્શાવતું હોય પરંતુ તે ક્ષણે મને થયું કે હું એકદમ મોટી થઇ ગઈ છું અને હું તેમના હૃદયમાં ભરેલા વેદનાસભર અકથ્ય ભાવો જાણી ગઈ છું. અમે બંને મોકળા મને અનરાધાર રડ્યા. દાદીએ મને અને પોતાના સુંદર મનને સમજાવતાં કહ્યું, 'બેટા, હશે, જેવા જેના નસીબ! માવતર કમાવતર ન થાય. પણ તું મને મળવા આવી તેથી મને બહુ સારું લાગ્યું!'

મારે ત્યાંથી પાછા આવવું જ નહોતું પણ આવવું પડ્યું. હું હવે ઘરે નહીં આવું! જ્યાં સુધી દાદી ઘરે નહીં આવે ત્યાં સુધી હું ઘરમાં નહીં જ આવું. હું મારી એક ફ્રેન્ડના ઘરે આવી ગઈ છું. જો તમે એક અઠવાડિયામાં દાદીને ઘરે નહીં લાવો તો હું ક્યારેય ઘરે પાછી નહીં આવું એ નક્કી માનજો. મારી મમ્મીએ પણ એટલું તો સમજવું જોઈએ કે તેને જો વૃદ્ધાશ્રમમાં રહેવું પડે તો તેને કેવું થાય! પપ્પા તમે તમારી મમ્મીને વૃદ્ધાશ્રમમાંથી ઘરે ન લાવી શકો તો મારી મમ્મીને પણ ત્યાં મૂકી આવજો. તમારે ખર્ચ ઓછો થશે અને ઘણી બચત થશે.

હું એક અઠવાડિયા પછી વૃદ્ધાશ્રમમાં તપાસ કરીશ અને જો દાદી ત્યાં હશે તો હું કદાપિ ઘરે નહીં આવું.

તમારી,

સ્નેહા.'

આ પત્ર વાંચી બંને એકબીજાના ચહેરા સામે જોવા લાગ્યા. 'હવે શું કરશું?' એક અઠવાડિયું થવામાં એક જ દિવસ બાકી રહ્યો હતો.

***

વૃદ્ધાશ્રમના ફોનની ઘંટડી વાગી...

'હલો...કોણ?'

'હું સ્નેહા, મારે મારા દાદી સાથે મારે વાત કરવી છે તેમને બોલાવી આપશો, પ્લીઝ.'

થોડીવાર પછી...

'હલો સ્નેહા...તારા દાદીમા અહીં સુધી આવી શકે તેમ નથી, તેણે કહેવડાવ્યું છે કે સ્નેહાને કહો કે તે ફરી એકવાર મને મળવા અહીં આવે, તે ચોક્કસ આવશે.'

સ્નેહાએ ફોન મૂક્યો...અને તે વૃદ્ધાશ્રમ જવા માટે નીકળી...

***

વૃદ્ધાશ્રમમાં પહોંચતાં જ સ્નેહા દાદીને મળવા અધીરાઈથી ઓફિસમાં ગઈ.

'હું સ્નેહા, હું મારા દાદીને મળવા આવી છું...દાદી ક્યાં છે?'

'ચાલો મારી સાથે...'

અને તેઓ એક બે ઓરડા વટાવી આગળ ગયા અને એક ઓરડામાં પ્રવેશ્યા. સ્નેહાની સામે જ તેના હસમુખા દાદી બે હાથ ફેલાવી ઉભા હતા, 'તેમની આંખોમાં આંસુ હતા અને મુખ પર, 'તું આવી ગઈ બેટા...'

સ્નેહા પણ રડી પડી...તેના મનમાં ઉથલપાથલ મચી ગઈ...દાદી હજુ પણ અહીંયા જ છે? શું મમ્મી પપ્પાને મારો પત્ર નહીં મળ્યો હોય? તે ઝડપથી સ્વસ્થ થઇ ગઈ અને કૃત્રિમ હાસ્ય સાથે દાદીની સાથે વાતે વળગી, 'કેમ છે તમને દાદી, ગોઠણમાં દુખે છે કે મટી ગયું?'

'જુઓ મારી દીકરીને મારી કેટલી ચિંતા થાય છે!' દાદી બોલ્યા, તેના અવાજનો રણકો કાંઈક જુદો જ લાગતો હતો...'તારા પપ્પાનો ફોન હતો કે તું ઘરે નથી ગઈ? તેઓ તારી બહુ ચિંતા કરે છે, તું ક્યાં રહે છે?'

'મારી વાત છોડો, પપ્પાએ તમને બીજું શું કહ્યું...?'

દાદીની આંખો આંસુથી છલકાઈ ગઈ, અવાજ રૂંધાઇ ગયો...

સ્નેહા ગભરાઈ ગઈ...'દાદી, દાદી...હું મારી ફ્રેન્ડના ઘરે રહું છું, તમે અહીં રહો તે મને નથી ગમતું એટલે મેં પપ્પાને પત્ર લખ્યો હતો પણ તે કદાચ તેમને નહીં મળ્યો હોય...'

'ના બેટા...તારો પત્ર તેમને મળી ગયો છે અને સામે જો...'

સ્નેહાએ નીચું ઢાળેલું માથું ઊંચું કરીને જોયું તો તેના મમ્મી-પપ્પા તેની સામે ઊભા હતા...!

'પપ્પા...મમ્મી...' કહીને સ્નેહા તેમને વળગી પડી...

સ્નેહાના પપ્પાએ કહ્યું, 'બેટા, તારા પત્રથી અમારી આંખો ઊઘડી ગઈ...હું તમને બંનેને ઘરે લઇ જવા આવ્યો છું...ચાલો ઘરે ...'

ભૂતકાળનો વિષાદ આજ સ્નેહા અને દાદીના હૈયાના હર્ષમાં ફેરવાઈ ગયો હતો.

વૃદ્ધાશ્રમના અન્ય વૃદ્ધો આ દાદી અને પૌત્રી બંનેને એકબીજાનો હાથ ઝાલીને ઓરડાની બહાર જતા જોઈ રહ્યા...તેઓને હજુ પણ એ નહોતું સમજાતું કે કરગરીને આ વૃદ્ધાને અહીં મૂકી ગયેલો દીકરો તેની માને લેવા માટે પાછો શા માટે આવ્યો છે!

===================================================