Tran Vikalp - 9 books and stories free download online pdf in Gujarati

ત્રણ વિકલ્પ - 9

ત્રણ વિકલ્પ

ડો. હિના દરજી

પ્રકરણ : ૯

રાધા-સદનમાં પ્રવેશતાની સાથે નિયતિને કેટલાય મહિનાઓ પછી ઘરમાં આવ્યાની અનુભૂતિ થાય છે. બે વર્ષથી દરેક દિવસ અજંપામાં વિતાવ્યો હતો. આજે ચહેરા ઉપર નીરવ શાંતિ સ્પષ્ટ દેખાતી હતી. આજે નિયતિ બધી તકલીફ, વેદના, દુ:ખ, બદલો, ગુસ્સો, દરેક કષ્ટદાયક યાદો બંગલાની બહાર મૂકીને ફરીથી તરુણાવસ્થાના માસૂમ સ્મિત સાથે ઘરમાં આવે છે. પરંતુ એ માસૂમ સ્મિતમાં પોતાના પહેલાં પ્રેમને મેળવી ના શકી તે વસવસો ચહેરા પર સ્પષ્ટ તારી આવતો હતો.

ડાઈનિંગ ટેબલ ઉપર ઘરના બીજા સભ્યો બેઠા હોય છે. નિયતિ સૌથી પહેલાં મંદિરમાં જાય છે. પગે લાગી બહાર દીવાલ ઉપર બે ફોટા લટકાતા હોય છે તેને પગે લાગે છે. રોકી રાખેલા આંસુ છલકાઈને બહાર આવે છે. કાન્તા થોડીક ક્ષણો પછી નિયતિને સાંત્વના આપવા માટે પાસે આવે છે. નિયતિ આંસુની સાથે તમામ યાદોને પણ એના હાથરૂમાલથી દૂર કરે છે અને રાજેશમામાને પગે લાગે છે.

રાજેશ અનેરા ઉત્સાહ સાથે નિયતિના ખભા પકડીને એના કપાળને ચૂમે છે: “આરૂ, ખૂબ ખુશ રહે બેટા... ચાલ જમવા બેસી જા... નિરાંતે વાતો કરીશું.”

નિયતિ: “હા મામા હવે મને નિરાંત થઈ છે... આપણે પણ શાંતિથી વાતો કરીશુંi...” મામી પાસે જઈને “રક્ષામામી, તબિયત કેવી છે?”

રક્ષાનો મમતાળુ હાથ નિયતિના માથાથી શરૂ કરી એના ચહેરા સુધી ફરે છે. નિયતિને એ વ્હાલમાં રાધાના સ્પર્શનો અનુભવ થાય છે: “સારી છે દીકરી... તને પાછી આવેલી જોઈને મને હરખ નથી સમાતો બેટા… ભગવાન તારા જેવી દીકરી દરેક મા-બાપને આપે... મારા જીવનમાં દીકરીની કમી તે પૂરી કરી... હવે ભગવાન પાસે મારી કોઈ ફરિયાદ નથી...” રક્ષાના દરેક શબ્દો દિલથી બોલતા હતા એ નિયતિના અંતરાત્માને સમજાય છે. એ મામીને ભેટે છે. રક્ષા ફરીથી એને વ્હાલ કરે છે. “ચાલ તને ભૂખ લાગી હશે...” મયુરની પત્ની સામે જોઈને બોલે છે “તન્વી, આરૂની થાળી પીરસી દે જરા.”

તન્વી જાણીજોઇને બધા જુએ એ રીતે મોઢું મચકોડીને બોલે છે: “મમ્મી... તમારી નિયતિ મહેમાન નથી કે એની આગતા-સ્વાગતા કરવા બેઠા છો બધા... ખબર છે ને નિમિતાના કારણે કેટલી તકલીફ વેઠી છે... મયુર ચૂપ કેમ બેઠો છે?”

કાન્તા: “તન્વી વહુ, જમવાની વેળા...”

નિયતિ નાનીનો હાથ પકડીને ધીરજ રાખવા માટે સંકેત આપે છે: “અરે નાની... ભાભીને એક શબ્દ ના કહો... મયુરભાઈ, ભાભી સાચું તો કહે છે... હું મહેમાન તો નથી... ભાભી તમે બેસો આજે હું તમને પીરસું છું.”

તન્વી કોઈ કસર બાકી રાખવા માંગતી નહોતી: “એની કોઈ જરૂર નથી... તારી આ ચાપલૂસી રાખ તારી પાસે... મને કોઈ અસર નહીં થાય.”

મયુર હલકા ઊંચા આવજે બોલે છે: “તન્વી, શાંતિ રાખજે થોડી... મેં તને કહ્યું હતું કે આરૂ આવે ત્યારે મારે કોઈ કકળાટ જોઈતો નથી.”

રક્ષા: “મયુર અને તન્વી તમે બન્નેમાંથી હવે જો કોઈપણ બોલ્યું તો ભૂખ્યા રહેવાનો દિવસ આવશે... ભોજનના સમયે મારે ઘરમાં એકદમ શાંતિ જોઈએ છે.”

મયુર પત્ની સામે ચીડાઈને જુએ છે. તન્વી અકળાઇને બન્ને હાથની હથેળી મસળે છે અને મનમાં વિચારે છે ‘મોટી વાંદરી પાછી આવી ત્યારે ઘરમાં બે લોકોના મોત થયા હતા અને એક સભ્ય અપંગ બન્યું હતું. હવે આ નાની કેટલાં માટે મોત લખાવીને આવી હશે?’

***

માધવ એના રૂમમાં પાછો આવીને ઓફિસનું થોડું કામ પૂરું કરવામાં લાગે છે. ઓફિસમાં એના ટેબલથી થોડે દૂર નિયતિનું ટેબલ હતું. એની નજર વારંવાર નિયતિ બેસતી હતી તે ખાલી ખુરશી પર જતી હતી. આજે નિયતિની ખુરશી પણ પોતાની સાથે વાત કરવા આતુર હોય એવો માધવને આભાસ થાય છે. માધવ પણ ખુરશીને નિયતિ સમજીને કહે છે. ‘નિયતિ, તારી નિમિતા અને તારા પરિવાર સાથે શું થયું છે તે બધુ મારે જાણવું છે. બસ આ થોડું ઓફિસનું કામ પૂરું કરીને પછીનો સમય તારા માટે છે.’ માધવ થોડી વાર સુધી એના લેપટોપ અને ફાઈલો વચ્ચે ખોવાઈ જાય છે. ઇન્ટરકોમથી કોઈને બોલાવીને બધુ કામ સમજાવે છે. પોતે ત્રણ-ચાર દિવસ બહાર જાય છે એમ કહીને બધી જવાબદારી એને સોંપે છે. એ માણસના ગયા પછી માધવ નિયતિની ખુરશી પર જઈને બેસે છે. વિચારે છે કે ક્યાં થી શરૂઆત કરવી. એ સમયે સંતોષનો ફોન આવે છે. “હા સંતોષ, શું થયું?”

“માધવ, એક બંગલામાં નિયતિ ગઈ છે... ઘરનું નામ રાધા-સદન છે.”

“હા... રાધા એની મમ્મીનું નામ છે... એ ઘરમાં જતી રહી? ઘરમાં બીજા કોને જોયા? તું એના નાનાને ઓળખું છું... એમને જોયા તેં?”

“ઝાંપાની અંદરનું અહીથી જોઈ શકાતું નથી... પણ તેની કાર હજુ બહાર આવી નથી.”

માધવના મગજમાં પહેલાથી શૂન્યાવકાશ વ્યાપેલો હતો. શું કરવું તે સમજાતું નહોતું. એમાં ઉપરથી કોઈ વાત જાણવા મળતી નહોતી. ફેલાયેલા તમસમાં એક દાવ રમવા માટે એ તૈયાર થાય છે: “સંતોષ, એક કામ કર... એની કારના ડ્રાઈવર સાથે વાત કરી જો... રસ્તામાં નિયતિએ કોઈકની સાથે તો વાત કરી હશે... એ જાણવાનો પૂરો પ્રયત્ન કર... મારી છઠ્ઠી ઇન્દ્રિય કહે છે કે નિયતિ રાજકોટ નહીં રહે... મને સમજ નથી પડતી પણ દિલ કહે છે કે નિયતિ ત્યાંથી બીજે જશે.”

“તને એવું કેમ લાગે છે?”

“ખબર નથી? પણ... તું ત્યાં જ રહીને જે માહિતી મળે તે લેવાની કોશિશ કર.”

“ઓ ભાઈ... તારો પ્રેમ પણ કમાલનો છે... તારું દિલ ૨૦૦ કિલોમીટર દૂર આવીને નિયતિના હ્રદયની વાત સાંભળી લે છે! સારું… એ કરવાની કોશિશ કરું છું.”

***

રાધા-સદનમાં બધા જમવાનું શરૂ કરે છે. નિયતિની નજર ફરી બે ફોટા પર પડે છે. એ બે ફોટા રણછોડભાઈ અને રાધાના હોય છે. બન્ને ફોટા ઉપર સુખડના હાર લટકતા હતા. ફોટા પરથી નજર હટાવી નિયતિ મામા સામે જુએ છે. રાજેશ વ્હીલચેર પર બેઠો હતો. રાજેશ અને નિયતિની નજર એક થાય છે. મામા આંખોના ઇશારાથી ભાણીને જમવા માટે આગ્રહ કરે છે. નિયતિ ભારે હ્રદયથી જમવાનું શરૂ કરે છે. થોડી વાર બધા જમવામાં મશગૂલ થાય છે. તન્વી લગાતાર નિયતિ સામે આક્રોશભરી નજરોથી જોતી હતી. મયુર એની પત્નીને શાંત રહેવા ઈશારો કરે છે. રાજેશ, રક્ષા અને કાન્તા પણ તન્વીની સામે જોતાં રહે છે, જાણે વિનંતી કરે છે કોઈ અજુગતું ના કરીશ. પણ તન્વી જાણીજોઇને સમજવા માંગતી નથી. તન્વીને આજે મોકો મળ્યો હતો ઘરના દરેક સભ્યને હેરાન કરવાનો એ છોડવા માટે તૈયાર નહોતી. એ વિચારતી હતી કે આમ કરવાથી એ મયુરને ઓસ્ટ્રેલીયા આવવા માટે મજબૂર કરી શકશે. તન્વીનાં ભાઈ અને માતા-પિતા ઓસ્ટ્રેલીયા રહેતા હતા અને એ પણ ત્યાં જવા માટે તલપાપડ હતી. પણ પરિવાર છોડીને જવામાં મયુરને કોઈ રસ નહોતો.

તન્વી વધારે સમય શાંત રહી શક્તી નથી: “નિયતિ, તું કેટલા લોકોનું લશ્કર લઈને આવી છું? નિમિતા ચાર ગુંડાઓને લઈને આવી હતી... પૂરી દુનિયાના મજનૂઓને તમે બે બહેનો જ કેમ દેખાઓ છો? હા તમે બન્ને ખૂબ સુંદર છો પણ જગતમાં તમારા બન્ને કરતાં કોઈ દેખાવડી છોકરીઓ નથી? નાજુક-નમણી છોકરીઓનો દુકાળ પડ્યો છે? નિમિતાએ નાના અને મમ્મીનો ભોગ લીધો... મામા કાયમ માટે અપંગ થયા... આટલું બધુ કર્યુ એ હર્ષદરાયે અને તો પણ તું ત્યાં જ નોકરી કરવા ગઈ... પેલા ત્રણ જણનાં ખૂન કરીને પાછી પણ આવી... આ વખતે એ વ્યાસનો બચ્ચો અમારા બધાના ખૂન કરાવશે પછી તારા દિલમાં ટાઢક થશે?” ઝેર ચડાવેલા તીર જે રીતે કામઠાંમાંથી દુશ્મન ઉપર છોડવામાં આવે એ પ્રમાણે તન્વી શબ્દોના બાણોની વર્ષા રહી હતી. એના કટાક્ષભર્યા વાક્યો દરેક સભ્યોના હ્રદયને જખમી કરતા હતા.

રક્ષા પણ ઊંચા અવાજે બોલે છે: “તન્વી….. તારાથી શાંતિ સહન ના થતી હોય તો તું જઈ શકે છે.”

તન્વી પણ હાર માનવાના મૂડમાં નહોતી: “હા ખરાબ તો હું એકલી જ છું... આજકાલ લોકોને સાચું કહો તો મટકો લાગે છે... હજી તો આ ઘરના તારણહાર આવ્યા નથી... એ આવશે એટલે તમે બધા એમની પણ ચાપલૂસી કરજો... બપોરના ચાર વાગે આપણે લંચ કર્યું છે તો ડિનર કેટલા વાગે કરવાનું છે તે વિચારજો... બા તમે આખો દિવસ આરૂ... આરૂ... આરૂ... કરતાં હતાંને, હવે તમારી આરૂને ખોળામાં બેસાડો... નિયતિ, તું આવવાની હતી તો આખો દિવસ પોતે ભૂખ્યા રહ્યાં અને બીજાને પણ ભૂખ્યા રાખ્યાં.”

તન્વી જે મનમાં આવે તે બોલતી રહી. બીજા બધા એની વાત ઉપર પ્રતિક્રિયા આપવાના બદલે જમવાનું પૂરું કરે છે. કોઈને પોતાની કહેલી વાતથી અસર થઈ નથી તે જોઈને તન્વી વધારે બોખલાઈ. શું બોલે તો બધા ઉપરથી નીચે હચમચી જાય તે વિચારતી હતી ત્યાં ઘરમાં કિશન આવે છે. તન્વીને બધાને વધારે સંભળાવવા અને પોતાની તરફ ધ્યાન આપવા માટે મુદ્દો મળી ગયો.

તન્વી ચાપલૂસી યુક્ત હાસ્ય કરે છે: “લો યાદ કર્યા અને આવી ગયા... આ ઘરના તારણહાર... આવી ગયા... મમ્મી તમે નિયતિની આરતી ના ઉતારી? એના પ્યારા પપ્પાની આરતી તો ઉતારશોને?”

દરેકને તન્વી ઉપર ગુસ્સો આવે છે. મયુર એને કશું કહેવા જાય છે પણ વચ્ચે રાજેશ બોલે છે.

રાજેશ: “તન્વી, તને દુ:ખે છે પેટ અને કુટે છે માથું... અમે કોઈએ મયુરને ઓસ્ટ્રેલીયા જવા માટે રોક્યો નથી... અને હા... કિશન માટે તેં ખરેખર સાચો શબ્દ ઉપયોગ કર્યો છે... એ છે આ ઘરનો તારણહાર... પપ્પા ના દેહાંત અને મારા પગ હંમેશાં માટે કામ કરતાં બંધ થયા, તો એ એનો મુંબઈનો ધિકતો ધંધો છોડીને આ ઘર માટે આવ્યો છે... હજી પણ તારે બીજું કશું કહેવું હોય તો બોલી નાંખ.”

તન્વી ને અંદાજ આવી ગયો કે હવે બોલવાનો અર્થ નથી. “ના... ના... પપ્પા તમે તો ગુસ્સે થઈ ગયા... મારે શું કહેવાનું હોય... એમ પણ હેતની સ્કૂલબસ બહાર આવશે, હું એને લઈને આવું છું.”

તન્વી ઘરની બહાર જાય છે. નિયતિ દોડીને કિશન પાસે જાય છે અને પગે લાગે છે. કિશન એને ગળે લગાવે છે અને માથે હાથ ફેરવવા લાગે છે: “બેટા તું આવી ગઈ... તને હેમખેમ જોઈને મને ખુશી સાથે શાંતિ થઈ... આજે રાધના આત્માને શાંતિ મળી... મને ગર્વ છે દીકરી તારા પર... તું અસંભવ ને સંભવ કરીને આવી”

નિયતિ: “હા પપ્પા તમારી આપેલી બધી શીખનો મેં ઉપયોગ કર્યો છે... જો તમે મને આ કામ કરવા માટે ઉત્તેજના ના આપી હોત તો મારી સફળતા અશક્ય હોત.”

બાપ અને દીકરીને આમ ખુશીથી વાત કરતાં જોઈને કાન્તાનું દિલ ભરાઈ આવે છે.

***

સંતોષ વિચારતો હતો કે ગાડીના ડ્રાઇવરની સાથે કેવી રીતે વાત કરે. એટલામાં રાધા-સદનમાંથી કાર બહાર આવે છે. સંતોષ ગાડી રોકે તે પહેલાં તે ઊભી રહે છે. ડ્રાઈવર નીચે ઉતરીને સંતોષની ગાડીની પાછળ એક ચા-નાસ્તાની દુકાન હોય છે ત્યાં જાય છે. સંતોષને નવાઈ લાગે છે કે પોતે ઊભો છે તો પણ દુકાન તરફ ધ્યાન ગયું નથી. ભૂખતો એને પણ લાગી હતી. ડ્રાઈવર ચા અને ગરમાગરમ ભજીયાનો ઓર્ડર આપે છે. સંતોષ પણ એની બાજુમાં બેસે છે અને ચા તથા નાસ્તાનો ઓર્ડર આપે છે. સંતોષ વાત કેવી રીતે શરૂ કરવી તે વિચારતો હતો, ત્યાં ડ્રાઈવર સામેથી સ્માઇલ આપે છે. હળવું સ્મિત પણ અજબ કામ કરી જાય છે. કોઈ અજાણ્યા સામે બસ થોડું હસીને જુઓ તો પોતીકાપણાનો અનુભવ થાય છે. સંતોષ માટે એટલું પૂરતું હતું વાત શરૂ કરવા માટે.

સંતોષ: “અમદાવાદથી આવ્યા?”

ડ્રાઈવર: “હા… તમે પણ ત્યાંથી આવો છો મને ખબર છે... મેં બહેનને જ્યાંથી લીધા હતા ત્યાં તમે પણ ઊભા હતા... તમારી ગાડી બિલકુલ મારી ગાડીની પાછળ હતી... શું વાત છે સાહેબ? તમને મારૂ કામ પડ્યું લાગે છે?”

સંતોષને કોઈ નવાઈ લગતી નથી એ જાણતો હતો કે ધંધાદારી ગાડીચાલકોને બે નહીં અનેક આંખો હોય છે. એક સારા ટેક્ષી-ડ્રાઈવરની અનેક ખાસિયતો હોય છે. “બહુ સમજદાર લાગો છો... બસ એક જ વાત પૂછવી છે... ગાડીમાં છોકરીએ કોઇની સાથે તો, ફોન પર વાત કરી હશે... તમે કોઈ વાત સાંભળી હોય તો કહો.”

“અમે અમારા ગ્રાહકની વાત કોઈ ને નથી કરતાં.”

સંતોષ બે હજારની નોટ આપતા બોલે છે: “કોની સાથે વાત કરી હતી? નામ બોલ... જે પણ સાંભળ્યું હોય તે બધું બોલી જા.”

ડ્રાઈવર રૂપિયા ખીસામાં મૂકાતા બોલે છે: “એક જ ફોન કર્યો હતો... નાની હું રાજકોટ આવવા નીકળી છું... તમે ટેન્શન ના લો... હું બરાબર છું... કાલે હું વેરાવળ જઈશ.”

“બસ આટલી જ વાત કરી હતી?”

“હા... જુઓ ભાઈ એ બહેન મને બહુ દુ:ખી લાગ્યા... આખા રસ્તે એમની આંખમાંથી પાણી બહાર આવવા માટે તડાફડી કરતું રહ્યું, પણ બહેન બહું હિમંતવાળા નીકળ્યા... બિલકુલ રડ્યા નહીં... હું આશા રાખું છું કે તમે એ બહેનને કોઈ નુકશાન નહીં પહોચાડો.”

સંતોષ અને ડ્રાઈવર નાસ્તાની દુકાન પર વાત કરતા હતા એ તન્વી જુએ છે. એને અંદેશો થાય છે કે કશું ખોટું થવાનું છે. બે વર્ષ પહેલાંનો એ દિવસ હજી સુધી ઘરમાં કોઈ ભૂલી શક્યું નથી. આજે પણ એવું જ કંઈક થશે તો? એના મનમાં મોટી ફાળ પડે છે. ‘આ બે લાડવણો આખા ઘરને નાતરે મૂકવા આવી હોય એવું લાગે છે.’ એના દીકરા હેતની સ્કૂલબસ એ ચા-નાસ્તાની દુકાન પાસે આવતી હોય છે. એ દુકાનની નજીક જઈને વાત સાંભળવાની કોશિશ કરે છે. પણ સંતોષ ત્યાંથી ઊભો થઈને ટાટા ઇન્ડિકા ગાડી પાસે જાય છે અને માધવને ફોન લગાવે છે. તન્વી પણ સંતોષને ખબર ના પડે તે પ્રમાણે ગાડીની બાજુમાં જઈને ઊભી રહે છે. તન્વીને સંતોષે જોઈ હતી પણ એ નિયતિની ભાભી થાય તે ખબર નહોતી.

ક્રમશ: