DIVORCE - PROBLEM OR SOLUTION - 1 books and stories free download online pdf in Gujarati

છૂટાછેડા – સમસ્યા કે સમાધાન..!! ભાગ-૧

છૂટાછેડા – સમસ્યા કે સમાધાન..!!

ભાગ-૧

હેલ્લો મિત્રો..! આજે હું લઇને આવ્યો છું સમાજનો એક એવો પ્રશ્ન જેને ઘણાં સમાધાન સમજે છે, સમસ્યાનો ઉકેલ સમજે છે. પણ શું એ ખરેખર ઉકેલ કે સમાધાન છે કે આવનારી નવી સમસ્યા છે...?

છૂટાછેડા...! છૂટાછેડા એટલે શું? સામાન્ય અર્થમાં સમજીએ તો પતિ-પત્નિનાં સંબંધોનો કાયદેસર રીતે આવતો અંત એટલે છૂટાછેડા. પણ શું આ વ્યાખ્યા સંપૂર્ણ છે? જે બે વ્યક્તિઓ છૂટાછેડા લઇ રહ્યું છે તેમને શરૂઆતમાં તો એમ જ લાગશે કે હા, આ એકમાત્ર ઉપાય છે. પણ શું છૂટાછેડાની આ વ્યાખ્યા સાચી અને પૂર્ણ છે..! મારી દ્રષ્ટીએ તો આ વ્યાખ્યા અધૂરી છે.

જો છૂટાછેડા વિશે મારૂ મંતવ્ય જણાવું તો ટૂંકમાં એવું કહી શકાય કે પતિ-પત્નિ પોતાની સમસ્યાઓનો ઘરમેળે ઉકેલ લાવી શકતા ન હોય એટલે સમાજ અથવા કાનૂની કાર્યવાહીઓનો સહારો લઇ એકમેક વચ્ચેના અને એકમેકના દરેક પારિવારીક સંબંધો, લાગણીઓ, પ્રેમ, રિવાજો અને એકતાનો લવાતો અંત એટલે છૂટાછેડા...! મારા મત મુજબ છૂટાછેડાની આ વ્યાખ્યા સાચી કહેવાય. પણ આ તો ટૂંકમાં સમજાવ્યું. આનો વિસ્તૃત અર્થઘટન હવે સમજીએ વિસ્તારથી. પરંતું તે પહેલા એ જાણીએ કે છૂટાછેડા લેવા કેમ પડે છે...!

સમાજીક દ્રષ્ટીએ જોઇએ તો પતિ-પત્નિ વચ્ચે મનમેળ ન રહે, મતભેદ શરૂ થઇ જાય, બંને વચ્ચેનાં વિચારો અને પસંદગીઓ અલગ-અલગ થઇ જાય, બંનેને એકમેકમાં રૂચિ ન રહે. પ્રેમ ઓછો થઇ જાય અથવા પ્રેમની અભિવ્યક્તિ ઓછી થઇ જાય, એકબીજાને સમજી ન શકે અથવા સમજવાનો પ્રયત્ન ન કરે, પરિવારમાં જે-તે વ્યક્તિનું સ્થાન ન રહે અથવા ઓછું રહે, નાણાંકિય લાલચ વધી જાય વિગેરે જેવા કારણોને કારણે છૂટાછેડા થતાં હોય છે.

પણ આ બાબતે મારૂ કંઇક અલગ જ માનવું છે. મારા મત મુજબ સૌપ્રથમ તો છૂટાછેડાનું મુખ્ય કારણ એ છે કે પતિ-પત્નિ પોતાની સમસ્યાના સમાધાનને એકમાત્ર છૂટાછેડા જ ગણે છે. જો પતિ-પત્નિ એવું નક્કી રાખે કે સમસ્યાઓ તો છે અને તેનો ઉકેલ પણ લાવવો છે પણ છૂટાછેડા નથી લેવા અથવા છૂટાછેડાને કોઇ સ્થાન જ ન આપે તો છૂટાછેડા લીધા વગર પણ ઘણી સમસ્યાઓનું સમાધાન આવી શકે છે. હું એવું નથી કહેતો કે છૂટાછેડા ન લેવા જોઇએ, જ્યાં જરૂર પડે અથવા અન્ય બધા જ રસ્તાઓ બંધ થઇ ગયા હોય તો જ છૂટાછેડા વિશે વિચારવું જોઇએ.

મેં મારી વ્યવસાયીક કેરિયરમાં એવા ઘણાં દ્રષ્ટાંતો જોયા છે જેમાં પતિ-પત્નિ છૂટાછેડા લેવા જ આવ્યા હોય પણ એક સમજું મધ્યસ્થિના મધ્યાસ્થિકરણના કારણે તેમનું લગ્નજીવન ભાંગ્યું પણ ન હોય અને સમસ્યાનું નિવારણ પણ આવી ગયેલ હોય. ક્યારેક લોકો છૂટાછેડાને એક માત્ર ઉકેલ સમજી બેસે છે એટલે નજીવા ઝઘડાઓના કારણે ઘણાં સંબંધોનો અંત આવી જાય છે. ક્યારેક એવું પણ બનતું હોય છે કે પતિ-પત્નિ તેમની સમસ્યાનું નિવારણ લાવવા માટે પરિવારના સદસ્યો કે પરિવારના વડિલોની સલાહ લે છે. પણ એમાં જો સલાહ આપનારાઓ સમાધાન કરાવવાને બદલે છૂટા પડવાનો જ ઉકેલ લાવે તો કોઇ એવા વ્યક્તિની સલાહ લેવી જોઇએ જે તટસ્થ રીતે બંનેને સાંભળી નિર્ણય લઇ સમસ્યાનું નિરાકરણ લાવી શકે.

અત્યારના યુગમાં ગામડાઓ કરતાં શહેરમાં છૂટાછેડાનું પ્રમાણ વધી ગયું છે. તેના મુખ્ય કારણો એ છે કે શહેરમાં પતિ-પત્નિ બંને નોકરી-વ્યવસાય કરતાં હોય, બંને પોતાની દૈનિક જરૂરિયાતો પૂરી કરી શકે તેટલી આવક ધરાવતા હોય, બંને દિવસનાં આઠ-દસ કલાકો એકબીજાથી અલગ રહેતા હોય, કોઇ એકનો પગાર અથવા આવક વધુ હોય એટલે કાં તો એક વ્યક્તિમાં અહંકાર (Ego) આવી જાય અથવા બીજી વ્યક્તિને નાનપ/હીનતા (Inferiority) અનુભવાતિ હોય. બંને વ્યક્તિ પોતપોતાનાં કામને જ વધુ પ્રાધાન્ય આપતું હોય, ઘરે આવ્યા પછી પણ ઓફિસનાં કામોમાં વ્યસ્ત રહેતા હોય, એકબીજાની શારિરીક/આર્થિક જરૂરિયાતો પૂરી કરવી તે માત્ર જવાબદારીઓ જ સમજવા લાગ્યા હોય, આવા ઘણાં કારણોના કારણે બંને વચ્ચે અંતર વધવા લાગતું હોય, અને આ અંતર ધીમે ધીમે મનભેદ, મતભેદ, ઝઘડા, કંકાસ, ક્યારેક મારપીટ, વ્યભિચાર વિગેરે જેવી સમસ્યાઓને આવકાર આપે છે. અને જેના કારણે છૂટાછેડા એકમાત્ર ઉકેલ રહી જાય છે.

પરંતું શું આ સમસ્યાઓ આવે તે પહેલા જ તેને આવતી રોકી શકાય...! આવા અનેક પ્રશ્નો અને તેના નિરાકરણો લઇને આવીશ આવતા અંકે...