Discovery - the story of rebirth - 26 books and stories free download online pdf in Gujarati

શોધ – પુર્નજન્મની ગાથા – અંતિમ પ્રકરણ – ૨૬

છ મહિના પછી, સાંજના ૦૬:૨૫ કલાકે

મુંબઇના બોરીવલી ઇસ્ટ વિસ્તારમાં એક બેડરૂમ, હોલ - કિચન ધરાવતા ઇશાનના ફ્લેટમાં સોફા પર બેઠેલો ઇશાન કોફીની મજા માણી રહ્યો હતો. કિચનમાંથી મસાલા ભીંડીના વઘારની સોડમ જીભને લલચાવી રહી હતી. સોફા પરથી કિચનમાં ચાલી રહેલી હિલચાલ દેખાતી હતી. એક સ્ત્રી સાડીનો પલ્લુ કમરમાં ઘોસી રસોડામાં કાર્યરત હતી. અંબોડો વાળેલો હોવાને કારણે આકર્ષક પીઠ અને કમર દેખા આપી રહેલા. કોફીના પ્રત્યેક ઘૂંટ વખતે ઇશાનનું ધ્યાન ત્યાં જ જઇને અટકતું હતું. આખરે ઇશાન ઊભો થઇ રસોડામાં ગયો અને સ્ત્રીની કમર પરથી હાથ પસાર કરી તેને પોતાની તરફ ખેંચી. સ્ત્રી પણ ચાલાકી વાપરી ગોળ ફરી. સ્ત્રીનો ચહેરો ઇશાનના ચહેરાની સામસામે આવી ગયો. સ્ત્રી હતી, સુનિતા. બન્નેના શ્વાસ એકબીજાના ચહેરા પર દસ્તક આપવા લાગ્યા અને ઇશાનનો ફોન રણક્યો.

ઇશાન રસોડામાંથી બહાર આવ્યો, અને સોફા પરથી મોબાઇલ ઉપાડ્યો, ‘હેલો...!’

આશરે બાવીસેક મિનિટ વાત ચાલી અને ઇશાને ફોન કાપી નાંખ્યો. સુનિતાએ ત્યાં સુધી ડાઇનીંગ ટેબલ તૈયાર કરી દીધું હતું.

‘કોનો ફોન હતો?’, સુનિતાએ પાણીનો જગ ટેબલ પર મૂક્યો.

‘ઇંસ્પેક્ટર વિજય’

‘ચાલો જમી લઇએ... અને આ ઇંસ્પેક્ટર વિજય કોણ છે...?’

ઇશાન ઝડપથી આવીને ખુરશી પર ગોઠવાઇ ગયો અને સુનિતાએ ભીંડી પરોસી, ઇશાનની પાસેની ખુરશી પર બેઠી, ‘મેં શું પૂછ્યું? કોણ છે તે?’

‘મારો મિત્ર છે... અને તને યાદ આપી છે...’, ઇશાને ભીંડીનું શાક ચાખ્યું.

‘લુખ્ખું શાક ના ખાશો... રોટલી બનાવી છે...’, સુનિતા ગુસ્સે થઇ.

વાતોના વડા થતા ગયા અને ડિનર પત્યું. સુનિતાએ કામ ઉપાડી લીધું. ઇશાન હંમેશાની જેમ થોડી વાર માટે બાલ્કનીમાં જઇને ઊભો રહ્યો. બાલ્કનીમાં આવતો ઠંડો પવન તેને શાંત કરી નાંખતો. આંખો બંધ કરી તે તન પર થતા હવાના પ્રત્યેક સ્પંદનને અનુભવતો. પરંતુ આજે જ્યારે આંખો બંધ કરી... વિજયનો ફોન યાદ આવ્યો.

વિજયે ફોનમાં જણાવ્યું હતું કે છ મહિના પહેલા પકડેલ શ્યામાને કોર્ટે આજીવન કેદની સજા ફરમાવી હતી. વિવેક અને પરેશને શ્યામાનો સાથ આપવા બદલ ૧૪ વર્ષ સખત કેદની સજા ફરમાવી હતી. મુખ્ય વાત સિવાય વિજયે ઇશાનને પૂછ્યં હતું કે આ બધું કેમ કરવામાં આવ્યું.

ઇશાનનો જવાબ હતો, ‘ટીપુનો ખજાનો શોધવા માટે શ્યામાએ કરેલા પ્રપંચ, નીરજની હત્યા, તેમજ સુનિતાના પિતાની હત્યા, ભાટિયાની માસ્ટર ગેમ, પરેશને વચ્ચે લાવવો અને વિવેક જેવા અડધા મગજને ટૂકડીમાં સમાવવો... આ દરેક ઘટનાનો સાક્ષી હું છું. આ ગોઝારી ઘટનાઓને લગતા પ્રત્યેક વિચાર મારા તન-મનને હચમચાવી નાંખે છે, અને મારી સૌથી મોટી જવાબદારી છે, સુનિતા...’

વિજયે પૂછ્યું, ‘સુનિતાને કંઇ યાદ આવ્યું?’

‘ના, મને લાગતું નથી કે કંઇ યાદ આવશે...’, ઇશાને આંખોમાં આવેલા જળબિંદુઓને આંગળીઓથી હટાવ્યા, ‘મને હજી પણ યાદ આવે છે કે, તમારી ગોળી જેવી ભાટિયાની છાતી સરસી ચંપાઇ ગઇ, અને તે હેબતાયો, તેનો હાથ ધ્રુજ્યો, તેની બંદૂકમાંથી નીકળેલી ગોળી સડસડાટ કરતી સુનિતા જમણા કાનથી થોડીક ઉપરની બાજુમાં ઘુસી ગઇ, અને તે ત્યાં જ ઢળી પડી.’, ઇશાનનો અવાજ ધ્રુજવા લાગ્યો.

વિજયે ઇશાનને સમજાવવાનો પ્રયાસ કર્યો, ‘જે પણ હોય અત્યારે તો તમે ખુબ ખુશહાલ જીવનનો સમય ગાળી રહ્યા છો ને…’

‘હા... પણ ત્રણ મહિના પછી, જયારે તેને કંઇ પણ યાદ નહોતું. ત્યારે હું તેને અહીં લઇ આવ્યો. તેને દાદાજી, પિતાજી વિષે કંઇ પણ યાદ નથી, પરંતુ મને જોઇને તેને ખબર નહિ કેમ સાંત્વના મળે છે. તેમાં હું ખુશ છું.’, ઇશાને જણાવ્યું.

‘સારૂ, એમ તો કહે કે આખરે ટીપુનો ખજાનો કયાં છે?’, વિજયે દરેક ફોનને અંતે પૂછતો હતો તે જ પ્રશ્ન પૂછ્યો.

‘ટીપુનો ખજાનો સુરક્ષિત છે, અને જ્યાં છે તે માહિતી મારા મૃત્યુ સાથે બીજા રક્ષકને મળશે. ત્યાં સુધી આ વાત મારા તનની પેટીમાં સંગ્રહિત રહેશે.’, ઇશાને વાત પૂરી કરી.

‘ચાલો, હવે બહુ હવા ખાઇ લીધી...’, સુનિતાનો અવાજ ઇશાનના કાને ટકરાયો અને તે વિચારોના તોફાનમાંથી બહાર નીકળ્યો.

‘હા... આજે તો ભીંડીના શાકમાં મજા આવી ગઇ...’, ઇશાને સુનિતાએ બનાવેલ શાકને વખાણ્યું. ‘જાવ, ખોટું બોલશો નહિ.’

‘ખોટું નથી બોલતો... બનાવનારની આંગળીઓ ચૂમી લેવાનું મન થાય તેવું ચટપટું હતું.’

‘બસ! આંગળીઓ જ... મને તો એમ કે તમે...’, સુનિતાએ ટીખળ કરી.

‘હે...હે...! મસ્તીખોર...! તું કે તે બધું…’, ઇશાન સુનિતાની નજીક આવ્યો.

સુનિતા ઇશાનને ધક્કો મારીને રૂમમાંથી ભાગી. ઇશાન તેની પાછળ જ હતો. અવાજ ઘરમાં ગુંજવા લાગ્યો અને આખરે ઇશાને સુનિતાને પકડી પાડી. બેડરૂમમાં બન્ને સાથે હતા. ઇશાનના તન પર માથું રાખીને સૂતેલી સુનિતાની આંખો ઘેરાઇ ચૂકેલી. ઇશાન સુનિતાની પીઠ હલ્કા હાથે થપથપાવી રહેલો. તેની પણ આંખો ઘેરાવા લાગી અને તેણે નાઇટ લેમ્પની સ્વીચ ઓફ કરી નાંખી.

*****

સવારે ૦૫:૦૦ કલાકે

ઇશાન અને સુનિતા એકમેકમાં ખોવાઇ ચૂકેલા. ખુશીઓનું એક જ વૃક્ષ બની ચૂકેલા. વાદળી વાદળોનો આછો પ્રકાશ બેડરૂમમાં ફેલાયેલો હતો. સુનિતાની આંગળીઓ ઇશાનના વાળમાં રમત રમી રહી હતી. ઇશાન ભર ઊંઘમાં ખોવાઇ ચૂક્યો હતો. સુનિતાનો સ્પર્શ ઇશાનને સુખની અનુભૂતિ કરાવી રહ્યો હતો, અને ઇશાનનો ફોન રણક્યો. પહેલી વખત સુનિતાએ ગણકાર્યું નહિ. બીજી વખત, ત્રીજી વખત... તે બેડમાં જ રહી. ચોથી વખતના રણકારે ઇશાનની ઊંઘ ઉડાડી, તેણે બંધ આંખોમાં જ હાથ ટેબલ પર ફેરવ્યો અને મોબાઇલ હાથમાં આવતાની સાથે ઉપાડ્યો.

‘હેલો...’

થોડી ક્ષણો માટે ઇશાન કંઇ બોલ્યો નહિ અને હાથમાંથી ફોન પડી ગયો. કપાળ પર પરસેવો દેખા દેવા લાગ્યો.

સુનિતાએ ઇશાનના ખભા પર હાથ મૂક્યો, ‘શું થયું? કોનો ફોન હતો? શું કહેતો હતો? ઇશાન.. ઇશાન...’

સુનિતાના હચમચાવવાથી ઇશાન ફક્ત એટલું બોલી શક્યો, ‘ખબર નથી..., તેણે મને કહ્યું...’

‘શું કહ્યું?’

‘મહારાજ’

બન્ને ખડખડાટ હસવા લાગ્યા.

***** સમાપ્ત *****