Cate Blanchett - An Ideal Actress books and stories free download online pdf in Gujarati

કેટ બ્લેન્ચેટ - એક આદર્શ અભિનેત્રી

એક આદર્શ અભિનેત્રી

હમણાં બોલીવુડની અભિનેત્રીઓ વિશે ‘આવું બધું’ સાંભળીને આપણને એમ થાય કે ફિલ્મ ઈન્ડસ્ટ્રી કાદવ છે અને એમાં પડ્યા પછી મેલાં ન થવું કે એમાં વધુ ઊંડા ન ઉતરવું એ લગભગ અશક્ય છે. પણ કાદવમાં કમળ ખીલે ત્યારે એને જોઈને પ્રસન્નતા થાય જ. બોલીવુડના નહીં, હોલીવુડના કાદવમાં ખીલેલું એક કમળ એટલે કેટ બ્લેન્ચેટ. (આમ તો ઘણાં લોકો માનવીય અભિગમ સાથે ફિલ્મોમાં કામ કરે છે, પણ અત્યારે કેટ બ્લેન્ચેટ વિશે જ વાત કરીએ!)
કેટ બ્લેન્ચેટ વિશેની પ્રેરણાદાયી વાતો જાણતાં પહેલાં એમની એક્ટિંગ વિશે જાણી લઈએ. એમને બે વખત ઓસ્કાર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. છ વખત તેઓ ઓસ્કાર માટે નોમિનેટ થયાં છે. બસ, બીજું કંઈ કહેવાની જરૂર ખરી?!

૧. કેટનો જન્મ ૧૯૬૯માં ઓસ્ટ્રેલિયામાં થયેલો. એ ૧૦ વર્ષનાં થયાં ત્યારે પિતાજી ગુજરી ગયા. માતાએ ત્રણ સંતાનોને ઉછેર્યાં. કેટ ઓસ્ટ્રેલિયન નેશનલ ડ્રામા સ્કૂલમાં અભિનય શીખીને હોલીવુડ સુધી પહોંચ્યા એ બહુ લાંબી વાર્તા છે. ટૂંકામાં, એમનું જીવન સંઘર્ષમય રહ્યું હતું. આજે એમને પૂછવામાં આવે છે- ‘અભિનયમાં આપણે જાતને ભૂલીને બીજી વ્યક્તિ બનીએ છીએ. શરૂઆતના સમયમાં પિતાના મોતનું દુઃખ ભૂલાવવામાં અભિનય કામ આવતો હતો?’ જવાબ આપતાં કેટ કહે છે- “અભિનય એ કોઈ જાતની થેરાપી નથી, શાંતિની શોધ છે. અભિનય એ જાતને ભૂલવાની પ્રક્રિયા નથી, જાતને ઓળખવાની પ્રક્રિયા છે.”

૨. એન્ડ્રુ અપટન નામના ઓસ્ટ્રેલિયન નાટ્યકાર સાથે કેટ ૧૯૯૭માં પરણ્યા હતા. લગ્ન વખતે એન્ડ્રુને ઓસ્ટ્રેલિયામાં પણ બહુ ઓછાં લોકો ઓળખે અને કેટને આખું વિશ્વ ઓળખે. કેટે એન્ડ્રુને કહેલું – “હું અભિનેત્રી ઘરની બહાર છું. ઘરમાં હું પત્ની છું. જો તને ક્યારેય એવું લાગે કે હું હવામાં ઊડવા લાગી છું તો તારે મને ટોકવાની. જરૂર પડ્યે મને વઢવાનું પણ ખરું.” જોકે, ૨૩ વર્ષમાં એકેય વખત એન્ડ્રુએ ગરમ નથી થવું પડ્યું! (ને હોલીવુડમાં કામ કરનાર બે માણસો ૨૩ વર્ષ સુધી (અને આગળ પણ) દાંપત્યજીવન માણે એ બહુ મોટી સિદ્ધિ ગણાય!!)

૩. કેટ ત્રણ સંતાનોના માતા છે. (૨૦૧૫માં એમણે ઈડિથ નામની દીકરી દત્તક લીધી એટલે હવે એ ચાર સંતાનોના માતા છે.) વર્લ્ડ ક્લાસ એક્ટ્રેસ ત્રણ સંતાનોને ઉછેરે અને એક દીકરીને દત્તક લે એ બહુ મોટી વાત ગણાય. એટલે આ મુદ્દાને એક અલગ ‘ફેક્ટ’ ગણી લઈએ!

૪. હા, તો એમણે ચાર સંતાનોને ઉછેર્યાં. એમનો પહેલો દીકરો જ્યારે મોટો થયો ત્યારે કેટે એને કહ્યું- “બેટા, મેં અને તારા પિતાએ પૂરતો પ્રયત્ન કર્યો છે કે અમે તારો યોગ્ય ઉછેર કરી શકીએ. પણ બાળઉછેરનો પહેલો અનુભવ તારા ઉછેર દરમિયાન થયો. એક રીતે જોતાં એમ કહી શકાય કે અમે પ્રાયોગિક ધોરણે તારો ઉછેર કર્યો! કોઈ ઉણપ રહી ગઈ હોય તો માફ કરજે, બેટા. પણ હું વચન આપું છું કે તારા ભાઈબહેનોને કોઈ તકલીફ નહિ પડે. કેમ કે તેં અમને ઘણું શીખવી દીધું છે!”

૫. કેટ આગ્રહ રાખે છે કે એમનો પરિચય આ રીતે આપવામાં આવે – એક્ટ્રેસ, પ્રોડ્યુસર, થિયેટર ડાયરેક્ટર, વાઈફ એન્ડ અ મધર. તેઓ કહે છે – ઓસ્કાર વિનર એક્ટ્રેસ નહીં કહો તો ચાલશે!

૬. જે માણસ કેટની સાથે એક વખત કામ કરી લે એ જીવનભર કેટને ભૂલી ન શકે. એમના પ્રેમાળ સ્વભાવથી એ સૌનાં દિલ જીતી લે છે. કેટ કહે છે- “હું દશ વર્ષની હતી ત્યારે અમારા ઘરે પિયાનો લાવવામાં આવેલો. મને પિયાનો વગાડવાની બહુ મજા આવતી. એક દિવસ હું પિયાનો વગાડતી હતી અને મારા પપ્પા બહાર જઈ રહ્યા હતા. એમણે મને ‘બાય’ કહ્યું. એમની ઈચ્છા હતી કે હું જઈને એમને ભેટું અને ‘બાય ડેડી’ કહું. હું પિયાનો વગાડવામાં મગ્ન થઈ ગયેલી. એમની સામે જોયા વિના મેં એમને બાય કહી દીધું. તેઓ નીકળી ગયા. થોડા સમય પછી સામાચાર આવ્યા કે હાર્ટ-અટેકના કારણે એમનું મૃત્યુ થયું છે. હું એમને વિદાય ન આપી શકી. હું છેલ્લી વખત એમને ભેટીને ‘બાય ડેડી’ ન કહી શકી. કેમ? કેમ કે મને પિયાનો વગાડવાની મજા આવતી હતી! ત્યારથી મને એક વાત બરાબર સમજાઈ ગઈ છે કે વ્યક્તિગત કામોમાં એટલું વયસ્ત ન થઈ જવું કે પ્રેમ વહેંચવાનું ભૂલી જવાય. મને મજા આવે એવા કામ કરવામાં મારે એટલાં મગ્ન ન થઈ જવું જોઈએ કે બીજાનો વિચાર કરવાનો સમય ન મળે. કોણ ક્યારે આપણી વચ્ચેથી ચાલ્યું જશે એ આપણે નથી જાણી શકવાના. દિલ ખોલીને પ્રેમ કરો. પોતાના અહંકારને પોષણ ન આપો, સરળ રહો અને સૌને ચાહો.”

૭. કોઈ પણ એવોર્ડ ફંક્શનમાં આપણે જોઈએ છીએ કે એવોર્ડ લેનાર વ્યક્તિ પહેલાં એવોર્ડ આપનાર અકેડેમીને થેંક્સ કહે, પછી પરિવારને થેંક્સ કહે, પછી એની સાથે કામ કરનારને થેંક્સ કહે કહે પછી બીજીત્રીજી વાતો કરીને ઊતરી જાય. ૨૦૧૪ના ઓસ્કાર સમારંભમાં ‘બેસ્ટ એક્ટ્રેસ ઈન લીડિંગ રોલ’ એવોર્ડ માટે કેટ બ્લેન્ચેટનું નામ ઘોષિત થયું કે હૉલમાં ઉપસ્થિત દરેક માણસે ઊભા થઈને તાળીઓ પાડવાનું પસંદ કર્યું! ડેનિયલ-ડે-લૂઈસના હાથે એવોર્ડ સ્વીકારીને કેટે માઈકમાં કહ્યું- “પ્લીઝ, સીટ ડાઉન! તમે બધાં સ્ટેન્ડિંગ ઓવેશનને લાયક છો!” પછી મિ.લૂઈસનો અને ઓસ્કાર એકેડેમીનો આભાર માન્યો. પછી એ જ એવોર્ડ માટે નોમિનેટ થયેલી બાકીની અભિનેત્રીઓના નામ લઈને એમનાં વખાણ શરૂ કર્યાં! ઓસ્કાર હાથમાં પકડીને મંચ પર ઊભેલી અભિનેત્રી બાકીની અભિનેત્રીઓના (કે જેમને અભિનયમાં પાછળ છોડીને પોતે એ એવોર્ડ જીતી છે એમના) વખાણ કરે એ કેટલું પ્રશંસનીય ગણાય!

૮. વર્ષ ૨૦૦૮ના ઓસ્કાર વખતે બેસ્ટ લીડ એક્ટ્રેસ તરીકે દાવેદાર નામ તરીકે પસંદ થયેલ નામોમાં એક નામ હતું કેટ બ્લેન્ચેટ. સૌને વિશ્વાસ હતો કે કેટ બીજી વખત (એ વખતે કેટને ધ એવિએટર માટે એક ઓસ્કાર મળેલો) ઓસ્કાર લઈ જશે. ઘોષણા થઈ- એન્ડ ઓસ્કાર ગોઝ ટુ... મેરીઓન કોટીઆર્ડ! હોલમાં તાળીઓનો અવાજ ગૂંજ્યો. મેરીઓન કોટીઆર્ડ નામની ફ્રેન્ચ એક્ટ્રેસ આ એવોર્ડ લઈ જશે એવું કોઈએ ધાર્યું નહોતું. એક વ્યક્તિ ખુશીથી તાળીઓ પાડતી હતી – કેટ બ્લેન્ચેટ! મને તો એક પ્રશ્ન થાય છે- ઓસ્કાર જેવો એવોર્ડ મને મળવાને બદલે બીજા કોઈને મળે ત્યારે હું આટલો ખુશ થઈને તાળીઓ પાડું? કેટને એક પ્રેસ કોન્ફરન્સમાં આ વિશે પૂછવામાં આવેલું. એમણે કહેલું- “હું મેરીઓનની એક્ટિંગથી બહુ પ્રભાવિત છું. હું ઈચ્છતી હતી કે એને એવોર્ડ મળે. એને એવોર્ડ મળ્યો ત્યારે મને બહુ આનંદ થયો હતો.” એનો અર્થ એ થયો કે ‘એવોર્ડ મને પણ મળી શકતો હતો’ એ વાત એમના માટે ગૌણ હતી! આટલી ઊંચાઈ પર પહોંચેલી અભિનેત્રી વ્યક્તિવાદિતાથી આટલી અલિપ્ત રહી શકે એ ખરેખર દુર્લભ અને પ્રેરણાદાયી ગણાય.

૯. કેટને કુલ ૧૫૩ એવોર્ડ મળ્યાં છે અને એ સિવાય ૧૯૮ વખત તેઓ વિવિધ એવોર્ડ્સ માટે નોમિનેટ થયાં છે. છતાં તેઓ કહે છે- “હજી મારે ઘણું શીખવાનું છે. વિશ્વમાં એવી અનેક અભિનેત્રીઓ છે કે જેમનું કામ જોઈને મને વધારે મહેનત કરવાની પ્રેરણા મળે છે.”

૧૦. આ બધું વાંચીને કદાચ તમને થાય કે કેટને ટ્વીટર પર કે ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરીએ. પણ કેટે એકેય સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર એકાઉન્ટ નથી બનાવ્યું! તેઓ કહે છે- “લોકો જે રીતે સોશ્યલ મીડિયા પાછળ ઘેલાં બન્યા છે એ દયનીય છે!”

મેં કેટ બ્લેન્ચેટને પહેલી વખત ‘થોર રેગ્નારોક’ ફિલ્મમાં જોયેલાં. થોરનો હથોડો હલ્ક જેવો રાક્ષસ પણ ઉપાડી ન શકતો હોય અને અચાનક આવી પડેલું હેલા નામનું પાત્ર એ હથોડાનો રીતસર ચૂરો કરી નાંખે ત્યારે આપણને એમ ન થવું જોઈએ કે આ ગપ્પું માર્યું? પણ એવો પ્રશ્ન કોઈનેય ન થયો. કેમ કે કેટ બ્લેન્ચેટની હેલા તરીકેની એક્ટિંગ સૌને કન્વીન્સ કરી દે છે! કેટ બ્લેન્ચેટનો અભિનય જોઈને સૌને એમ જ થાય કે હેલા કેન ડુ એનીથીંગ!
લોર્ડ ઓફ ધ રિંગ્સ ટ્રાયોલોજી મેં બહુ મોડી જોઈ! એનો પહેલો ભાગ કોઈ સ્ત્રીના અવાજમાં ઐતિહાસિક ઘટનાના નેરેશનથી શરૂ થયો ત્યારે મને થયું – કોણ બોલે છે આ? સામાન્ય રીતે એવું જોવા મળે છે કે નેરેશન વખતે બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગતું હોય, જેથી નેરેશન વધારે ભાવવાહી બને. લોર્ડ ઓફ રિંગ્સની શરૂઆતના નેરેશનમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક હતું તો સરસ જ, પણ જરાક ડિસ્ટર્બિંગ લાગતું હતું! એમ કહેવાનું મન થતું હતું કે તમારા પીપૂડાં મૂકી દો હેઠાં અને પેલી બહેનને જ બોલવા દો! કહેવાની જરૂર નથી કે નેરેશન કોણે કર્યું હતું! એ ફિલ્મમાં કેટ બ્લેન્ચેટે ગેલેડ્રિયલ નામની એક એલ્ફનું પાત્ર ભજવ્યું હતું. એલ્ફ એટલે દેવતાઓના સ્તરની એક પ્રજાતિ. ફિલ્મ જોયા પછી મેં ઈન્ટરનેટ પર ખાંખાખોળાં કર્યા અને જાણ્યું કે માત્ર મને જ નહિ, આખા વિશ્વને કેટનો એ અભિનય જોઈને લાગ્યું હતું કે જાણે સાચે જ કોઈ દેવી સ્વર્ગમાંથી ઉતરી આવ્યા હોય! ને એમનું ‘બ્લૂ જાસ્મિન’ જોયા પછી તો થઈ ગયેલું – આને કહેવાય એક્ટિંગ! એ એક રોલ બદલ કેટને ૪૦ એવોર્ડ મળ્યા હતા! દુનિયાનો એકેય નામચીન એવોર્ડ બાકી નહોતો રહ્યો!

ટૂંકામાં, કેટ બ્લેન્ચેટ એક આદર્શ અભિનેત્રી છે. તેઓ અભિનયમાં તો શ્રેષ્ઠ છે જ, માનવ તરીકે પણ પ્રેરણાદાયી છે. વર્ષે બાર મિલિયન ડોલરની કમાણી કરનાર જગવિખ્યાત અભિનેત્રી કેટ બ્લેન્ચેટ રૂપિયા અને ખ્યાતિને નહિ, સંબંધોને અને પરિવારને સુખમય જીવનનો આધાર માને છે.
બોલીવુડ કેટમાંથી કંઈ શીખે કે ન શીખે, આપણે ઘણું શીખી શકીએ.