Incpector Thakorni Dairy - 22 books and stories free download online pdf in Gujarati

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૨૨

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી ૨૨

રાકેશ ઠક્કર

પાનું બાવીસમું

ઇન્સ્પેક્ટર ઠાકોર અખબાર વાંચી રહ્યા હતા. તેમની નજર એક નાનકડા સમાચાર પર પડી. 'પરિણીત પુરુષનો ઝેર ખાઇને પોતાના જ ઘરમાં આપઘાત.' તેમણે વિગતમાં વાંચ્યું કે એક યુવાને પત્ની બે દિવસ માટે બહાર ગઇ એ દરમ્યાનમાં બીયરમાં ઝેર નાખી પી લઇને આત્મહત્યા કરી લીધી હતી. ઇન્સ્પેક્ટર ઠાકોરને કેસમાં રસ પડ્યો:"ધીરાજી, ચાલો આ યુવાનની આત્મહત્યાની તપાસ કરીએ. મને એમ લાગે છે કે આ હત્યાનો કેસ હોવો જોઇએ..."

ઇન્સ્પેક્ટર ઠાકોર અને ધીરાજી મરનાર જેવિશના ઘરે પહોંચ્યા ત્યારે તેની પત્ની તુલ્યા આવી ગઇ હતી. એ બે દિવસ માટે પોતાની બહેનના ઘરે સામાજિક કારણથી ગઇ હતી. ઇન્સ્પેક્ટર ઠાકોરે તેને મળીને બધી વિગતો મેળવી અને મરનાર જેવિશ જ્યાં નોકરી કરતો હતો એ કંપનીના માલિક અને કર્મચારીઓ સાથે મુલાકાત કર્યા પછી ધીરાજીને હસીને કહ્યું:"આ કેસ તો તમારે જ ઉકેલવો જોઇએ. બહુ સરળ છે...."

ધીરાજી કહે:"શું વાત કરો છો? મરનાર જેવિશની હત્યા કરવામાં આવી હોય એવા કોઇ પુરાવા નથી તો પછી કેવી રીતે ઉકેલી શકાય? જેવિશ એ દિવસે કંપનીની ઓફિસમાંથી નીકળીને સીધો ઘરે આવ્યો. એ પછી ઘરમાં રહેલી બીયરની બોટલમાં ઝેરી દવા નાખીને પી ગયો. તે ઘરે જવા એકલો જ નીકળ્યો હતો. તેની કોઇ સાથે બોલાચાલી થઇ ન હતી. હા, તેના મોતનું કારણ જાણી શકાય એમ નથી. પણ તેની પત્નીનું કોઇ સાથે અફેર હોવાની વાત સાંભળવા મળી છે. એ કારણે તેણે જીવન ટૂંકાવી દીધું હોય એમ બની શકે. બાકી કોઇએ તેને મારી નાખ્યો હોય એવું લાગતું નથી...."

ઇન્સ્પેક્ટર ઠાકોર કહે,"તમારી વાત તો સાચી છે. જેવિશની પત્ની તુલ્યા છેલ્લા કેટલાક દિવસથી કોઇ હેવિક નામના યુવાનને અવારનવાર મળવા જતી હતી. એ તો એને કોલેજના મિત્ર તરીકે ઓળખાવી રહી છે. અને ઓફિસમાં તપાસ દરમ્યાન એવું જાણવા મળ્યું કે જેવિશને પણ કોઇ લફરું હોય શકે છે. ઓફિસમાં કામ કરતી વિધવા નિત્યા સાથે તે અવારનવાર જોવા મળતો હતો. અલબત્ત તેની સાથે તેને પ્રેમ હતો કે સહાનુભૂતિ એ કોઇ કહી શકે એમ નથી. તેના બોસ કેસારનું કહેવું છે કે જેવિશ બહુ સીધો યુવાન હતો. એને કોઇ વ્યસન ન હતું. પણ પત્ની સાથે તેને અવારનવાર ઝઘડા થતા હોવાનું કહ્યું. એ જ વાત નિત્યાએ પણ કહી. નિત્યાએ તો તેને પોતાની સાથે કામ કરતા સહકર્મચારી તરીકે જ ઓળખાવ્યો છે. ઓફિસના બીજા કર્મચારીઓ અને પિયુને પણ કહ્યું કે જેવિશને પત્નીનો ત્રાસ વધુ હતો. હવે શંકાની સોય તુલ્યા તરફ જ જાય છે. તમે એના પર નજર રાખો. મને લાગે છે કે એ જ કાતિલ નીકળશે. ભલે તેણે પોતે ઝેર આપ્યું નહીં હોય પણ કોઇ ચાલ રમી ગઇ હશે. હું મારી રીતે તપાસ કરું છું...."

ધીરાજી કહે,"ખરેખર મારે આ કેસ ઉકેલવાનો છે? તમારા માટે કહેવાય છે કે 'નામ છે એનું ઇન્સ્પેક્ટર ઠાકોર, એની નજર છે બહુ ચકોર' પણ મારા માટે એવું કંઇ કહેવાતું નથી!"

ઇન્સ્પેક્ટર ઠાકોર કહે,"તમે આટલા વર્ષથી મારી સાથે કામ કરો છો તો આવો નાનો કેસ તો તમે ઉકેલી શકો ને? હું એટલી તો આશા રાખી શકું ને? અને મેં તમને ઇશારો કરી દીધો છે..."

ધીરાજી કહે,"ચાલો ત્યારે પ્રયત્ન કરી જોઉં..."

બીજા દિવસથી ધીરાજી તુલ્યાની પાછળ પડી ગયા. તુલ્યા પર નજર રાખવા લાગ્યા. એક અઠવાડિયા સુધી તો એ ઘરની બહાર જ ના નીકળી. પછી એ ઘરની વસ્તુઓ માટે બહાર જવા લાગી. એક-બે વખત એને કોઇ યુવાન સાથે મળતી જોઇ. ધીરાજીએ તપાસ કરી તો જાણવા મળ્યું કે એ હેવિક જ હતો. જેને કોલેજના મિત્ર તરીકે તુલ્યા ઓળખાવતી હતી. હેવિક અપરિણીત હતો. તે થોડા મહિના પહેલાં જ આ શહેરમાં આવ્યો હતો. એ એકલો જ રહેતો હતો. તુલ્યા હવે એના ઘરે જવા લાગી હતી. ધીરાજીએ તપાસ કરી લીધી અને ઇન્સ્પેક્ટર ઠાકોરને અગાઉથી સૂચના આપી તુલ્યાને તેના ઘરમાં જ બેઠેલી પકડી પાડી. ધીરાજીને જોઇ તુલ્યા સાથે હેવિક પણ ચમકી ગયો.

ધીરાજીએ કહે,"તુલ્યા, તેં હેવિક સાથેના પ્રેમને કારણે જેવિશને મારી નાખ્યો હોય એવું લાગી રહ્યું છે. જે હોય તે સાચું કહી દે..."

અચાનક ધીરાજીના આરોપથી તુલ્યા ચોંકી ગઇ અને રડવા લાગી:"સાહેબ, મેં જેવિશને માર્યો નથી. હું તો બે દિવસ બહાર ગઇ હતી. અને હેવિક સાથે મને હવે પ્રેમ થયો છે. પહેલાં અમે કોલેજના મિત્ર જ હતા. તે પણ મારી સાથે મિત્ર તરીકે જ વર્તતો હતો. જેવિશને પણ ખબર હતી કે અમે મિત્રો છે. હું મારા પતિને શા માટે મારી નાખું? પતિ-પત્ની વચ્ચે સામાન્ય ઝઘડા તો થતા જ રહે છે...હું નિર્દોષ છું...એમણે આત્મહત્યા કરી છે...."

ધીરાજી કહે,"હત્યા કર્યા પછી દરેક ગુનેગાર પહેલાં તો પોતાને નિર્દોષ જ સાબિત કરવા માગે છે. કોને ખબર તું બે દિવસનું બહાનું કરીને બહાર ગઇ હોય અને રાત્રે આવીને બીયરમાં એને ઝેરી દવા પીવડાવી ભાગી ગઇ હોય તો....તારા જેવિશ સાથેના ઝઘડાની વાત બધા જાણે છે. તેં કદાચ હત્યા કરી ના હોય તો પણ એને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાનો ગુનો તો દાખલ થાય જ છે..."

તુલ્યા કરગરવા લાગી:"સાહેબ, મારા લીધે જેવિશે આત્મહત્યા કરી નથી. બીજું કોઇ કારણ હશે. તમારી પાસે કોઇ પુરાવા પણ ક્યાં છે?"

ધીરાજી કહે,"જેવિશ અને તારી વચ્ચે ઝઘડા થતા હતા. તું એને માનસિક ત્રાસ આપતી હતી. જેવા ઘણા પુરાવા મળ્યા છે. હું ઇન્સ્પેક્ટર ઠાકોરને હમણાં જ ફોન કરીને તારી ધરપકડ કરું છું..."

ધીરાજીએ ફોન કરી કહ્યું:"સાહેબ, જેવિશની આત્મહત્યાનો કેસ ઉકેલાઇ ગયો છે. તેની પત્ની આત્મહત્યા માટે જવાબદાર સાબિત થઇ છે..."

ઇન્સ્પેક્ટર ઠાકોર કહે,"એને લઇને પોલીસ મથક પર આવી જાવ..."

ધીરાજી તુલ્યા સાથે હેવિકને પણ પોલીસ મથક પર લઇ આવ્યા.

ધીરાજી આજે વધારે ખુશ દેખાતા હતા. ઇન્સ્પેક્ટર ઠાકોર કહે,"ધીરાજી, તમે આરોપીને ઝડપવામાં સફળતા મેળવી છે?"

ધીરાજી કહે,"આ તમારી સામે છે..."

ઇન્સ્પેક્ટર ઠાકોરે તુલ્યાને પૂછ્યું:"તેં હત્યા શા માટે કરી? તારે કોલેજના મિત્રના પ્રેમ માટે આમ કરવું જોઇતું ન હતું...."

તુલ્યા રડતાં-રડતાં બોલી:"સાહેબ, હું નિર્દોષ છું. મેં જેવિશને કોઇ ત્રાસ આપ્યો નથી. આ હેવિક સાથે મારી મિત્રતા જ હતી. તે મારી સાથેની મિત્રતા અને હવે પ્રેમને કારણે લગ્ન કરવા પણ તૈયાર થયો છે. એના સાથ માટે મેં જેવિશની હત્યા કરી નથી...."

ઇન્સ્પેક્ટર ઠાકોર કહે,"મને ખબર છે કે તું સાચી છે.... ધીરાજી, તમારી તુલ્યા પરની શંકા બરાબર હતી પણ એ માટે કોઇ નક્કર પુરાવા નથી એટલે એને ગુનેગાર ગણી શકાય નહીં. ચાલો, હું તમને એક સરપ્રાઇઝ આપું..."

ઇન્સ્પેક્ટર ઠાકોર ધીરાજીને અંદર લઇ ગયા અને જેલના સળિયા પાછળ ધકેલાયેલી નિત્યાને બતાવી કહ્યું:"સાચી ગુનેગાર તો પકડાઇ ગઇ છે...કેસારને પણ પકડી લીધો છે."

ધીરાજી નવાઇ પામીને બોલ્યા:"શું વાત કરો છો સાહેબ?"

"હા, ધીરાજી, તમારી તુલ્યા પાછળની તપાસ પછી મને ખ્યાલ આવી ગયો હતો કે એ નિર્દોષ છે. એટલે મેં જેવિશ સાથે સંકળાયેલા લોકોની કુંડળી કાઢવાનું શરૂ કર્યું...." બોલતાં ઇન્સ્પેક્ટર ઠાકોર બહાર આવ્યા અને તુલ્યાની સામે કહ્યું:"આ છોકરી ખરેખર નિર્દોષ છે."

"બહેન, તને મેં ખોટી હેરાન કરી..." કહી ધીરાજીએ અફસોસ વ્યક્ત કર્યો.

"ધીરાજી, તમારી તુલ્યા પાછળની તપાસથી પછી જ મને બીજા વિશે વિચારવાનો રસ્તો મળ્યો. તમારી મહેનત સાવ એળે ગઇ નથી. મેં એક વાત નોંધી કે કેસારના બધા કર્મચારીઓ તુલ્યા વિશે ખરાબ બોલી રહ્યા છે. એ લોકો ખાસ એને મળ્યા જ નથી તો આટલા વિશ્વાસથી કેમ કહી શકે? અને કેસાર તો જાણે તુલ્યાનો વિરોધી હોય એમ બોલતો હતો. વિધવા નિત્યાનું પણ એવું જ વલણ હતું. એટલે મને એ બંને પર શંકા ગઇ. મેં પિયુનને ખાનગીમાં રીમાન્ડ પર લીધો ત્યારે ખબર પડી કે થોડા દિવસ પહેલાં નિત્યાએ કેસાર સાથે મળીને બધું આયોજન કર્યું હતું. જેવિશને મારવાની વાતની તો એને પણ ખબર ન હતી. તેને એમ કહ્યું હતું કે જેવિશને નોકરીમાંથી કાઢી મૂકવો છે એટલે એના વિશે ખરાબ વાતો ફેલાવવાની. અસલમાં કેસાર લંપટ માણસ છે. તે વિધવા નિત્યા પર નજર બગાડી બેઠો હતો. નિત્યા પણ ચારિત્ર્યશીલ બાઇ નથી. યુવાનીમાં પતિ ગુજરી ગયા પછી ગમે તેની સાથે ફરતી હતી. જેવિશ તેની સાથે આત્મિયતાથી વાત કરતો હતો. એનું કારણ એ તેની દયા ખાતો હતો. નાની ઉંમરમાં વિધવા બનેલી નિત્યાને તે બહેન જેવી માનતો હતો. પણ કેસાર તેનો લાભ લેવા માગતો હતો. કેસારને એવી શંકા ગઇ કે જેવિશનું નિત્યા સાથે ચક્કર છે એટલે તેણે તેની પત્ની વિશે ખરાબ વાતો ફેલાવી અને એ કારણે આત્મહત્યા કરી હોય એવું ઠસાવવાનું આયોજન કર્યું. એ દિવસે કેસારે જાણ્યું કે જેવિશ આજે એકલો છે એટલે એને કેબિનમાં બોલાવીને ખુશ થઇને બીયરની બોટલ આપી હતી. જેમાં પહેલાંથી જ ઝેરી દવા નાખી દીધી હતી. ભોળો જેવિશ તેની ચાલ સમજી શક્યો નહીં. કંપનીની ઓફિસમાં સીસીટીવી કેમેરા નથી. બિલ્ડિંગના પાર્કિંગમાં મૂકેલા કેમેરાના ફૂટેજ તપાસ્યા પછી મેં જોયું કે એ દિવસે કેસાર ક્યાંકથી બીયરની બોટલ એક પ્લાસ્ટિકની થેલીમાં લઇને આવ્યો હતો. અને એ જ પ્લાસ્ટિકની બેગ જેવિશના ઘરમાંથી મળી હતી...એ પુરાવાના આધારે મેં કેસાર પાસે કબૂલાત કરાવી..."

"સાહેબ, તમે તો મને બચાવી લીધો..." કહેતાં ધીરાજીએ ઇન્સ્પેક્ટર ઠાકોર સામે હાથ જોડ્યા.

"ધીરાજી, મેં તો અમસ્તી જ તમને કેસ ઉકેલવાની ચેલેન્જ આપી હતી. તુલ્યાને તમારી સામે આરોપી જાહેર કરીને ખરેખર તો હું આ કેસની વધારે ઊંડાણથી તપાસ કરવા માગતો હતો....તમે વ્યવસ્થિત તપાસ કરી એટલે જ તુલ્યા બચી ગઇ છે. એને અને હેવિકને આપણે મુક્ત કરીએ છીએ..."

ઇન્સ્પેક્ટર ઠાકોરની વાત સાંભળી તુલ્યા અને હેવિકની આંખોમાંથી હર્ષના આંસુ સરી પડયા.

*સમાપ્ત*