DIVORCE- PROBLEM OR SOLUTION - 6 books and stories free download online pdf in Gujarati

છૂટાછેડા – સમસ્યા કે સમાધાન..!! ભાગ-૬

છૂટાછેડા – સમસ્યા કે સમાધાન..!! ભાગ-૬

મોટા ભાગે પતિ-પત્નિ ઘરસંસારમાં થતાં ઝઘડાઓ અને કંકાસનું સમાધાન મેળવવા છૂટાછેડાનો રસ્તો અપનાવે છે. પરંતું છૂટાછેડા લીધા બાદ પતિ-પત્નિનાં જીવન કેવા હોય છે એ કોઇએ વિચાર્યું છે....? હવે આગળ...

છૂટાછેડા કઇ કઇ રીતે લઇ શકાય? સામાન્ય રીતે લોકો સરળતા માટે કરાર દ્વારા છૂટાછેડા લેતા હોય છે. અન્યથા છૂટા પડતી વખતે અમુક બાબતોમાં સમાધાન શક્ય ન હોય તો છૂટાછેડા મેળવવા માટે પક્ષકારો કોર્ટ સમક્ષ આવે છે. અને કોર્ટ રૂબરૂ અરજી કરે છે. આવી કોર્ટ રૂબરૂ અરજીઓ પણ બે પ્રકારે થાય છે. (૧) બંને પક્ષકારો એકબીજાની સંમતિથી કોર્ટમાં અરજી કરે અને (૨) કોઇપણ એક પક્ષકાર અરજી કરે અને સામાવાળા તરીકે એટલે કે બીજા પક્ષકાર તરીકે તેમના પાર્ટનરને રાખે અને કોર્ટ રૂબરૂ આખો કેસ ચલાવી છૂટાછેડા મેળવે.

અગર કરાર કે એકબીજાની સંમત્તિથી કોર્ટ રૂબરૂ છૂટાછેડાની અરજી કરેલ હોય તો વાત અલગ છે, જેની ચર્ચા આપણે પછી કરીશું. પરંતુ જો અલગ-અલગ થઇને કોર્ટ રૂબરૂ છૂટાછેડાનો કેસ ચલાવવામાં આવે તો શું થાય...! તે કોઇ વિચારતું નથી. શરૂઆતમાં બધુ જ સારૂ અને વ્યવસ્થિત લાગે પરંતુ ધીરે-ધીરે એકબીજા પર કાયદાકિય રીતે એલીગેશન કરવાનું શરૂ થાય, કેસો વધે, સમય લંબાય, ફેમિલીનાં અન્ય સભ્યોને પણ કોર્ટના કેસોમાં પક્ષકારો બનાવવામાં આવે, સંપત્તિ, સંતતિ, ચરિત્ર્ય, માન-સન્માન વિગેરે પર શંકા-કુશંકા, સવાલ-જવાબ, અને ઉલટ તપાસો થાય. ભરેલી કોર્ટ રૂબરૂ જાત-જાતના સવાલ-જવાબોની આપ-લે થાય. ક્યારેક જે પળો અંગત હોય તેવા સવાલોના જવાબો પણ પક્ષકારોએ કોર્ટ રૂબરૂ લોકોની હાજરીમાં આપવો પડે. વર્ષોના વર્ષો પસાર થાય. જો ઝઘડો લાંબો ચાલે અથવા નિવારણ સમયસર ન આવે તો ક્યારેક પક્ષકારોના મૃત્યુ સુધીમાં પણ છૂટાછેડાનો આખરી હુકમ ન આવી શકે, કાયદાકિય પ્રક્રિયાઓમાં પક્ષકારો ગૂચવાઇ જાય....! આવી તો કેટકેટલીક બાબતોનો સામનો પક્ષકારો કરતા હોય છે.

અગર છૂટાછેડા કરાર કે એકબીજાની સંમત્તિથી કોર્ટ રૂબરૂ છૂટાછેડાની અરજીથી કરેલ હોય તો આવા સવાલોથી બચી શકાય. એકબીજાથી છૂટુ જ પડવાનું નક્કી કરેલ હોય તો ઝઘડો શા માટે કરવો એવું પણ વિચારનારા ઘણા હોય છે. ક્યારેક એક પક્ષકાર સાથે બીજા પક્ષકારે ખોટુ બોલીને અથવા તેને ભોળવીને લગ્ન કરેલા હોય અથવા અમુક અપવાદોને બાદ કરતા ઉપર મુજબના સંજોગોમાંથી પક્ષકારોએ પસાર થવું પડતું હોય છે.

આ તો વાત થઇ છૂટાછેડાની પ્રક્રિયાની...! પણ હવે એક ડોકિયું છૂટાછેડા લીધેલ પક્ષકારોનાં છૂટાછેડા બાદના જીવનમાં જઇને કરીએ....!

(૧) કરાર કે એકબીજાની સંમત્તિથી છૂટાછેડા મેળવેલ હોય-

છૂટાછેડા મેળવ્યા પછી શરૂઆતમાં તો ખુબ જ શાંતિ લાગે. સ્વતંત્રતાનો અનુભવ થાય. કોઇ રોકટોક નહી, કોઇ બંધન નહી, કોઇ કંઇ કહેવા વાળુ નહી, જે કરવું હોય તે કરી શકાય, મિત્રતાનો વ્યાપ વધારી શકાય, ફરીથી કુવારા જેવી અનુભૂતિ થાય...! પરંતુ.... પરંતુ આવું કેટલા દિવસ સુધી...! એક વર્ષ? બે વર્ષ? ના...! અમુક સંજોગો અને સમયમાં લાઇફ પાર્ટનરની ખુબ જ યાદ આવે... જરૂરિયાત હોય એવું લાગે.... જ્યારે લોકો સાથે ઘેરાયેલા હોય ત્યારે યાદ ન આવે પરંતુ જ્યારે ઘરે એકલા હોય ત્યારે જીવનસાથીની યાદ આવે, તેના સાથની કિંમત સમજાય... જ્યારે મિત્રો બધા પોતપોતાના પરિવાર સાથે ફરવા જવાનો કાર્યક્રમ બનાવે ત્યારે છૂટાછેડા લીધેલ વ્યક્તિને સાથે આવવા માટે ન બોલાવે ત્યારે યાદ આવે જીવનસાથીની... લોકો વાતો કરે ત્યારે, લોકો પુછપરછ કરે ત્યારે, ઘરમાં આપણી કદર થવાનું ઓછુ થઇ જાય ત્યારે, પોતાના જ શયનખંડમાં નિરાંતની પળમાં એકલા બેઠા હોઇએ ત્યારે, બિમાર પડીએ અને સેવાચાકરી કરવા કોઇ સાથે ન હોય ત્યારે, જીવનમાં કોઇ અગત્યનો નિર્ણય લેવાનો હોય અને નિર્ણય લેવામાં અસમંજસ અનુભવાતુ હોય ત્યારે....! આવી તો કેટકેટલીક પળો અને વાતો છે જેમાં છૂટાછેડા લીધેલ વ્યક્તિ પોતાના જીવનસાથીને યાદ કરે છે અને તેની કમી મહેસૂસ કરે છે. પરંતુ વડિલોએ મનાવવા છતાં જોશમાં આવીને નાનકડા મનભેદ કે મતભેદમાં છૂટાછેડા તો લઇ લીધા હોય અને પછી અફસોસ થાય ત્યારે લોકોનાં મહેણાંટોણાથી બચવા કોઇને કંઇ કહી પણ ન શકાય....!

ઉપરોક્ત વાતો માત્ર એવા જ યુગલોને લાગૂ પડતી હોય છે જેઓ માત્ર નાના-મોટા મનભેદ, મતભેદ અને ગેરસમજ તથા પોતાનો ઇગો સાચવવા માટે છૂટાછેડાને જ એક માત્ર ઉપાય સમજી બેસે છે અને છૂટાછેડા મેળવ્યા બાદ અફસોસ થાય પણ વ્યક્ત કરી ન શકતા હોય. આવી અનેક અવનવી વાતો સાથે ફરી મળીશું આવતા અંકે...