kudratni hunfali bhet-un books and stories free download online pdf in Gujarati

કુદરતની હુંફાળી ભેટ -ઊન

કુદરતની હુંફાળી ભેટ –ઊન

કુદરતી ઋતુ શિયાળો શરુ થતા જ ઊનની યાદ આવવી સ્વાભાવિકજ છે...ગરમ કપડામાં ઠંડીનો સામનો કરવાની જે તાકાત રહેલી છે તેને કારણે આપણે સહુને ઊનના કપડાને પસંદ કરીએ છીએ. ભારતમાં ડીસેમ્બર-જાન્યુઆરીમાં આપણે સહુ શરીરને ઠંડીથી રક્ષણ આપવા જે ઊનને પસંદ કરીએ છીએ તેના વિશેની અવનવી વાતો કરવાનું જ આજે ઉચિત લાગ્યું....

આમ તો ઘેટાનું ઊન વસ્ત્ર વણવા માટે સૌપ્રથમ ઈજીપ્તમાં થયો હોવાનું મનાય છે.બાર હજાર વર્ષ પહેલા માનવીએ પોતાના શરીરના આવરણ,દૂધ અને માસ મેળવવા ઘેટા-બકરા પાળવાની શરૂઆત કરી હોવાનું મનાય છે.એ સમયે જંગલી ઘેટાનું ઊન વાતાવરણની અસરથી આપોઆપ ઉતરી જતું.જેનો ઉપયોગ આદિવાસી લોકો શરીરને ઠંડીથી રક્ષણ આપવા કરતા હશે એવું માનવામાં આવે છે.યુનાની લોકો પોતાની ઢાલની અંદર ઊનમાંથી બનાવેલું જાડુ કવચ રાખતા,તો રોમન સૈનિકો છાતી પર ઊનમાંથી બનાવેલ બખ્તર પહેરતા.ઇતિહાસકાર પ્લિનીએ લખ્યું છે કે ઊન પર પ્રક્રિયા કરી બનાવેલા બખ્તર પર બંદુકની ગોળીઓ કે અગ્નિની અસર થતી નહિ.આ ઊનમાં કેરોટીન નામનું પ્રોટીનમાંથી બનેલું હોય છે.આ પ્રોટીન અને રેસમાં રહેલા પાણીને કારણે અસલી ઊનને આગની અસર થતી નથી.

રેયોનના રેસાને ૭૫ વખત મરડવાથી-વાકો વાળવાથી તૂટી જાય છે.જયારે રેશમનો રેસો ૧૮૦૦ વખત મરડવાથી તૂટે છે.તેની સામે ઊનનો રેસો ૨૦૦૦૦ વખત મરડવાથી તૂટે છે.ઊનના રેસાને માઈક્રોનમાં માપવામાં આવે છે.એક માઈક્રોન એટલે એક ઈચનો ચાર કરોડમો ભાગ થાય છે.ઊનનો રેસો ૧૦ થી ૭૦ માઈક્રોન સુધીનો હોય છે.

સામાન્ય રીતે ગરમ વસ્ત્રો માટે ઘેટાના ઊનનો ઉપયોગ થાય છે.વિશ્વમાં સહુથી વધુ ઊન ઓસ્ટ્રેલિયામાં આશરે ૧૭ કરોડથી વધુ ઘેટા છે.વિશ્વમાં ઉત્પન્ન થતા કુલ ઊનના પોણા ભાગનું ઊન એકલું ઓસ્ટ્રેલીયા જ ઉત્પન્ન કરે છે. આમ તો શ્રેષ્ઠ ઊન મરીનો ઘેટાનું હોય છે. જેના રેસા ખુબ બારીક હોય છે.દુનિયાના કુલ ઊનના ત્રીજા ભાગનું ઊન મેરીનો જાતિના ઘેટા આપે છે.ઓસ્ટ્રેલિયા ઉપરાંત દક્ષીણ આફ્રિકા,રશિયા,અમેરિકા,ફ્રાંસ,મોટા ભાગના યુરોપીય દેશોમાં મેરીનો જાતિના ઘેટા જોવા મળે છે.આ ઘેટા એક વર્ષે જેટલું ઊન આપે છે તેના દરેક રેસાને સાંકળવામાં આવે તો કુલ ૫૫૦૦ માઈલ લાંબી દોરી બની શકે.દર કલાકે ૨/૩ માઈલ લાંબ રેસા ઉત્પન્ન કરનાર મરીનો ઘેટા ઊન ઉત્પન્ન કરનાર સહુથી ઝડપી ફેક્ટરી બની ગયા છે.

કાશ્મીર,તિબેટ,પમીરના ખીણ વિસ્તારમાં જોવા મળતી બકરીઓનું ઊન “પશમીના”ઊન મરીનો ઘેટાના ઊન કરતા પણ શ્રેષ્ઠ હોય છે.

ઘેટાનું વૈજ્ઞાનિક નામ ઓવિસ સંસ્કૃતિના અવિ પરથી લેવાયું છે.ઊન શબ્દ પણ સંસ્કૃત ભાષાના “ઉર્ણ”શબ્દ પરથી ઉતરી આવેલો હોવાનું માનવામાં આવે છે.એક ઘેટાની ચામડી પર પ્રતિ ચોરસ ઇચમાં ૬૦ હજારથી વધુ છિદ્રો હોય છે.તે દરેકમાં ઉગતો ઊનનો રેસો એક દિવસમાં ૦.૦૦૮ ઈચ જેટલો વધે છે.આશ્ચર્યની વાત તો એ છે કે ૫ મરીનો ઘેટાના શરીર પરથી ઉતરાતા ઊનના રેસાને સાંકળવામાં આવે ને તો આપણી આખી પૃથ્વી ઢંકાઈ જાય એટલી મોટી જાળ ગૂથી શકાય..!!!

દુનિયામાં સહુથી વધુ ઊનની ખરીદી કરનાર દેશ જાપાન છે,જયારે સહુથી મોટો વિક્રેતા દેશ ઓસ્ટ્રેલિયા છે.વિશ્વમાં ઊનનું સહુથી મોટું ગોડાઉન ઓસ્ટ્રેલીયાના સિડની શહેરમાં આવેલું છે,જે ૫૧ હેકટરમાં ૨૦ લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલું છે.

ઉનની વધતી જતી માંગને પહોચી વળવા હવે બજારમાં ઊનના કૃત્રિમ દોર પણ મળે છે જે પેટ્રોલિયમ પ્રોડક્ટ છે. જેની માંગમાં છેલ્લા ૫ વર્ષોમાં ૧૦૦% ઉછાળો આવ્યો છે જેનું કારણ તેની આવી વિશેષતાઓ છે:તે અન્ય દોર કરતા શરીરને વધુ હૂફ આપવા સાથે ઊનની જેમ શરીરમાં ચીટકી ન રહેતા શરીરથી અલગ રહી ઠંડી સામે હૂફ આપે છે.કુદરતી ઊન કરતા વધુ સસ્તું અને વજનમાં હલકું હોય છે.આ બધી લક્ષનીક્તાઓ હોવા છતાં કૃત્રિમ રેસા કરતા કુદરતી રેસા-ઘેટાના ઊન જ ઉત્તમ છે.માનવજાતને કુદરત તરફથી ઘેટાના ઊનના રૂપમાં મળેલ અણમોલ હુંફાળી ભેટ મળી છે.આમ કુદરતી ઠંડીથી બચવા કુદરતના ઊનનો ઉપયોગથી માનવી શિયાળાની ઋતુને ઉતમ રીતે માણી શકે છે.....