Revenge 3rd Issue: - 13 books and stories free download online pdf in Gujarati

પ્રતિશોધ તૃતીય અંક: - 13

પ્રતિશોધ તૃતીય અંક:

ભાગ-13

તારાપુર, રાજસ્થાન

માધવપુરના સર્વનાશની વિતક રાજા તેજપ્રતાપના મુખેથી સાંભળ્યાં બાદ આદિત્યના મનમાં જે પ્રશ્નો હતા એનું નિરાકરણ તો ના આવ્યું પણ આ વિતક સાંભળી એ પ્રશ્નોમાં વધારો અચૂક થયો. આદિત્યની છઠ્ઠી ઈન્દ્રિય એને જણાવી રહી હતી કે માધવપુરની આ ઘટનાનો એ પોતે સાક્ષી હતો.

"શું વિચારે છે આદિત્ય?" આદિત્યને વિચારશીલ મુખમુદ્રામાં જોઈ રાજા તેજપ્રતાપે પૂછ્યું. "આ ઘટના તે પોતે અનુભવી હોય એવું લાગે છે ને તને?"

પોતે શું વિચારી રહ્યો હતો એની રાજા તેજપ્રતાપને કઈ રીતે ખબર પડી? આ વિચારતા આદિત્ય આંચકો લાગ્યો હોય એમ વૃદ્ધ રાજા સામે તકી રહ્યો. તુરંત આદિત્યએ સ્વસ્થતા ધારણ કરી અને પોતાના દરેક શબ્દોને યોગ્યક્રમમાં ગોઠવતા બોલ્યો.

"હા, મને એવું લાગે છે કે મેં સાચેમાં આ બધું ક્યાંક અનુભવ્યું છે." આદિત્ય ઊંડો શ્વાસ લેતા બોલ્યો. "વિક્રમસિંહનું મૃત્યુ મને હૃદયમાં કાંટો બનીને ખૂંચે છે, માધવપુરનો સર્વનાશ મારા હૈયે વલોપાત કરી જાય છે, ભાનુનાથનું બલિદાન મારા રૂંવે-રૂંવે એ રીતે આગ લગાડે છે જાણે હું પોતે ભાનુનાથ હોઉં.!"

આટલું બોલતા તો આદિત્ય હાંફી ગયો. ભાનુનાથે અંતિમ સમયે ભોગવેલી પીડા પોતે અત્યારે ભોગવી રહ્યો હોય એવું આદિત્યને લાગી રહ્યું હતું. આદિત્યની આવી દશા જોઈ રાજા તેજપ્રતાપે આદિત્યની તરફ ઝુકીને એના ખભે હાથ રાખ્યો અને કહ્યું.

"બેટા, તું જે કહી રહ્યો છે એ સત્ય છે. તું સાચેમાં ભાનુનાથનો અવતાર છે."

પહેલા તો આદિત્યને લાગ્યું કે આ વૃદ્ધ રાજવી એની સાથે કોઈ મજાક કરી રહ્યા છે, પણ નજર ઉઠાવીને આદિત્યએ રાજા તેજપ્રતાપ સામે જોયું ત્યારે એમની ગંભીર મુખમુદ્રા જોઈ આદિત્યને મહેસુસ થયું કે એ મજાક તો નથી જ કરી રહ્યા.

"પણ આવું કઈ રીતે બને?" આદિત્યનો અચરજમાં ડૂબેલો અવાજ ઓરડામાં પડઘાયો.

"બેટા, જગતમાં શૈતાની શક્તિઓ ફરી માથું ઊંચકવાની તૈયારીઓ કરી ચૂકી છે." તેજપ્રતાપ લાગણીભર્યા સ્વરમાં બોલ્યા. "એ શૈતાની શક્તિઓનો સંહાર કરી માનવજાતનું રક્ષણ કરવા ભાનુનાથનો તારા સ્વરૂપે પુનર્જન્મ થયો છે."

 

"તારા દાદાએ મને જણાવ્યું હતું કે તારા જન્મ સમયે ગ્રહો અને નક્ષત્રોની જે દિશા અને દશા હતી એ આજથી બે સદીઓ પહેલા જોવા મળી હતી. તારું નામ સૂર્યા હોય કે આદિત્ય બંનેનો અર્થ તો મૂળ ભાનુ જ છે ને..! તારા દાદા શંકરનાથ આ ભેદ જાણી ગયા હતાં પણ યોગ્ય સમય પહેલા તને એ આ જણાવવા નહોતા માંગતા એટલે જ એમને પોતાના જીવ પર સંકટ દીઠું ત્યારે મને આ બધી હકીકતથી વાકેફ કર્યો."

"આવતીકાલે સૂર્યગ્રહણ છે અને પંડિતના જણાવ્યા મુજબ આવતીકાલે મધરાતે માધવપુર કિલ્લામાં કોઈ ગુપ્ત સ્થાને માનવબલી આપવામાં આવશે અને જો એ વિધિ યોગ્ય રીતે પૂર્ણ થઈ ગઈ તો કાલરાત્રીનું આ સૃષ્ટિમાં પુનઃ અવતરણ થશે."

 

રાજા તેજપ્રતાપની દરેક વાતને શાંતિથી સાંભળ્યા બાદ આદિત્યએ આંખો બંધ કરીને પોતાના ગયા જન્મમાં ડોકિયું કરવાનો પ્રયત્ન કર્યો તો એની નજરો સામે ભાનુનાથની દિવ્ય આકૃતિ આવી, જેનો ચહેરો પોતાની સાથે મળતો હતો. આ ઉપરાંત એને પોતાની પ્રેમિકા જાનકીની મોટી બહેન આધ્યાને પણ રાજવી પહેરવેશમાં જોઈ. આધ્યાનું અચાનક આ રીતે પોતાની નજરો સમક્ષ આવવું આદિત્યને વિચિત્રની સાથે રહસ્યમય પણ લાગ્યું, આમછતાં એ અંગે વધુ વિચાર્યા વિના આદિત્યએ આંખો ખોલી અને મક્કમ નિર્ધાર કરતા બોલ્યો.

"જો હું ભાનુનાથ જેવી દિવ્યાત્માનો પુનર્જન્મ જ છું તો પછી આ જગતને શૈતાની શક્તિઓથી બચાવવું એ મારી ફરજ બને છે."

 

આટલું કહી આદિત્યએ રાજા તેજપ્રતાપના ચરણસ્પર્શ કરી ત્યાંથી જવાની રજા લેતા કહ્યું.

"તો મને અહીંથી જવાની અનુમતિ આપો, મારુ વહેલી તકે માધવપુર પહોંચવું અત્યંત આવશ્યક છે."

 

"મારા આશીર્વાદ સદાય તારી સાથે છે, પણ તું એકલો માધવપુર નહિ જાય."

"મતલબ, બીજું કોણ આવશે મારી જોડે?" આદિત્યએ પ્રશ્નસૂચક નજરે રાજા તેજપ્રતાપ તરફ જોતા કહ્યું. વૃદ્ધ રાજા કંઈ જણાવે એ પહેલા આદિત્ય સમજી ગયો કે તેજપ્રતાપ કોને પોતાની સાથે લઈ જવાનું કહી રહ્યા હતા.

 

"તો મહેરબાની કરીને આપ શીઘ્ર મને જણાવો કે દાદાએ બ્રહ્મરાક્ષશને ક્યાં કેદ કર્યો છે.?"

"તળાવની નજીક આવેલા વડની અંદર એ બ્રહ્મરાક્ષશ કેદ છે, તું ત્યાં જઈશ એટલે એ પોતાની મુક્તિના બદલામાં સામે ચાલીને તારી મદદ કરવા તૈયાર થઈ જશે." પ્રત્યુત્તરમાં રાજા તેજપ્રતાપે કહ્યું.

"તો હું હવે નીકળું, મારે માધવપુરની લાંબી સફર પણ કાપવાની છે." આદિત્યના આમ બોલતા જ રાજા તેજપ્રતાપે આશીર્વાદ આપતા કહ્યું. 'વિજયી ભવઃ!'

 

એક ક્ષણ પણ ગુમાવવી યોગ્ય નથી એ જાણતો આદિત્ય ફટાફટ લાલકોઠી બહાર નીકળી ગયો અને કારમાં બેસી તારાપુરની પાદરે આવેલા તળાવ તરફ ચાલી નીકળ્યો.!

 

પોતાના જીવન સાથે સંકળાયેલા પ્રશ્નોની ગૂંચ ઉકેલાઈ જતા આદિત્યના પગમાં જુસ્સો અને મુખ પર કંઈક કરી છૂટવાનો દૃઢ નીર્ધાર વર્તાતો હતો..કંઈક આવો જ નીર્ધાર વર્ષો પહેલા કાલરાત્રી સામે મેદાને ચડેલા ભાનુનાથના મુખ પર તરવરતો હતો.

***********

કાલી સરોવર, રાજસ્થાન

રાકાના માણસોથી જીવ બચાવવા ભાગેલો સમીર એક ગુડ્સ ટ્રેઈનમાં બેસી જાય છે, જે ટ્રેઈન જયપુર જતી હોય છે. પોતે એ ખૂંખાર લોકોથી આખરે બચવામાં સફળ રહ્યો હતો એ વાતથી ઉત્સાહિત સમીર કોલસાના ઢગલા પર પડતા વેંત જ સૂઈ ગયો. થાકથી એને ક્યારે ઊંઘ આવી એની પણ ખબર સમીરને ના રહી.

 

અચાનક ટ્રેઈનની ગતિ થોડી ધીમી પડી એટલે સમીરે ઝબકીને આંખો ખોલી, સમીરે જોયું કે અત્યારે રાત એની ચરમ પર હતી અને સામે એક સરોવર પર આવેલા બ્રિજ પરથી પસાર થવાનું હોવાથી ટ્રેઈન થોડી ધીમી પડી હતી.

 

સમીર પાછો સુવા માટે શરીરને સીધું કરી રહ્યો હતો ત્યાં એની નજર ટ્રેઈનના ટ્રેકની સમાંતર આવેલા રોડ પર દોડી રહેલી કાર પર પડી, આ કાર રાકાની હતી એ જોતાવેંત જ સમીર સમજી ગયો. રાકા પોતાનો પીછો કરતા અહીં સુધી આવી પહોંચ્યો હતો એ જાણીને સમીરના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું.

 

આ તરફ રાકાએ જીપ ચલાવી રહેલા પોતાના સાગરીતને કાલી સરોવર રેલવે બ્રિજ પછી આવતા જુમારા નામક સ્ટેશન પર ટ્રેઈન રોકાય એ પહેલા જુમારા પહોંચી જવા આદેશ આપી દીધો હતો. ટ્રેઈન ઊભી રહે એટલે સમીરને ધર દબોચવાની રાકાની યોજના હતી.

 

રાકા ગમે તે કરીને ટ્રેઈનને રોકશે અને પોતાના સુધી પહોંચી જશે એવો વિચાર આવતા જ સમીર રાકાના હાથમાં આવ્યા પહેલા ક્યાંક છટકી જવાની યોજના ઘડવા લાગ્યો. આ દરમિયાન રેલવે બ્રિજની બીજી તરફ એકાદ કિલોમીટર છેટે દેખાઈ રહેલા રેડ સિગ્નલને જોઈ સમીરે અનુમાન લગાવ્યું કે નક્કી ટ્રેઈન થોડો સમય ત્યાં અટકવાની જરૂર, અને એટલો સમયમાં રાકા અને એના સાગરીતો એને પકડી પાડશે એમાં શંકાને સ્થાન નહોતું.

 

પોતાને શું કરવું ના કરવું? એ ગડમથલમાં લાગેલા સમીરનું ધ્યાન અનાયાસે બ્રિજની બંને તરફ મોજુદ વિશાળ જલરાશી તરફ ગયું. પોતે સારો તરવૈયો હોવાથી આ પાણીમાંથી તરીને પોતે સહી-સલામત કિનારે અવશ્ય પહોંચી જશે એમ વિચારી સમીરે ટ્રેઈન પરથી કાલી સરોવરમાં છલાંગ લગાવી દીધી.

 

સમીરના સરોવરમાં છલાંગ લગાવ્યાને હજુ તો માંડ દસ મિનિટ થઈ હતી ત્યાં ટ્રેઈન જુમારા આવતા જ સ્ટેશન પર થોભી. ટ્રેઈન આવે એ પહેલા રાકા અને એના માણસો સ્ટેશન આવી પહોંચ્યા હતાં. ટ્રેઈન જેવી સ્ટેશન પર રોકાઈ એ સાથે જ તેઓ પાંચ મિનિટમાં તો ટ્રેઈનના બધાં ડબ્બા ફેંદી વળ્યાં, ગુડ્સ ટ્રેઈન હોવાથી મોટાભાગના ડબ્બા તો લોક હતાં એટલે એમને બાકીનાં ડબ્બા ઉપર લાદેલા માલ-સામાનને ફેંદવામાં ઝાઝો વખત ના લાગ્યો. રાકાનો એક માણસ સીધો એ કોલસાના ડબ્બા પર ગયો જ્યાં એમને બ્રિજ પરથી ટ્રેઈન પસાર થઈ એ પહેલા સમીરને કોલસાના ઢગલા પર સૂતા જોયો હતો.

 

"ભાઈ, એ હરામી નક્કી અહીં જ હતો." સમીરે પહેરેલા કાલુના શર્ટનો એક ટુકડો કોલસાના ઢગલા પરથી હાથમાં આવતા જ રાકાનો મુરલી નામક એક સાગરીત રાકાને એ ટુકડો બતાવતા બોલ્યો.

"હા આ તો કાલુના શર્ટનો જ ટુકડો છે..!" રાકા મુરલીના વાતની ખરાઈ કરતા બોલ્યો. "તો પછી એ મા@##@# ગયો ક્યાં?"

"ભાઈ, મને લાગે છે એ બ્રિજ પરથી કાલી સરોવરમાં કૂદી ગયો..કેમકે, એ પહેલા તો એને આપણે આ જગ્યાએ જોયો હતો." મુરલી બ્રિજની દિશામાં જોતા બોલ્યો.

"તો પછી ચલો આપણે એને ત્યાં જઈને શોધીએ.." રાકા વ્યગ્રતા સાથે પોતાના તમામ સાગરીતોને ઉદ્દેશતા બોલ્યો. "જો એ છટકી ગયો તો પચ્ચીસ લાખ પણ ગયા."

"ભાઈ, આપણે એને શોધવા જઈએ એમાં ના નહિ, પણ તમે એવું વિચારતા હોવ કે એ જીવિત મળશે તો એ તમારી ભૂલ છે." ભીખ્ખુ નામનો એક અન્ય રાકાનો સાગરીત રાકાની તરફ જોઈ નરમાશથી બોલ્યો.

"એ ભીખલા, તું શું બકે છે?" રાકા વેધક નજરે ભીખ્ખુ તરફ જોતા બોલ્યો. "એને તરતા આવડતું હશે એટલે જ એ ચાલુ ટ્રેઈને આમ સરોવરમાં કુદ્યો હશે..તો પછી એ ક્યાંથી મરવાનો?"

"ભાઈ, તરતા આવડે કે ના આવડે પણ કાલી સરોવરમાં પડ્યા બાદ જીવતું બચવું અશક્ય છે." ભીખ્ખુ રહસ્યોઉદ્દઘટન કરતા બોલ્યો. "કેમકે, આ સરોવર અતિઝેરી સાપોનું ઘર છે."

 

ભીખ્ખુની આ વાત સાંભળી રાકાનો જુસ્સો સાવ ઠંડો પડી ગયો પણ પચ્ચીસ લાખની લાલચના લીધે સમીરના જીવિત બચવાની આશા સાથે એને સરોવરના કિનારે સમીરને શોધવાનું મન બનાવી લીધું.

 

એકતરફ રાકા માટે સમીરને પકડવો એ માત્ર એની લાલચ હતી..તો સમીર માટે જીવિત રહેવું એ એની જીજીવિષા હતી, આધ્યાને મળવાની ઉમ્મીદ હતી. પણ, સમીરે સાપોથી ભરેલા કાલી સરોવરમાં છલાંગ લગાવી મોતને છેતરવાનું કામ કર્યું હતું કે પછી મોતને ગળે લગાવવાનું એનો જવાબ તો આવનારો સમય જ આપી શકવા સમર્થ છે.

***********

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ હોરર નવલકથા "પ્રતિશોધ". આ નવલકથા દર મંગળવારે અને શુક્રવારે રાતે આઠ વાગે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

 

મારી અન્ય નોવેલો માતૃભારતી પર  મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

અને  મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)