Revenge 3rd Issue: - 14 books and stories free download online pdf in Gujarati

પ્રતિશોધ તૃતીય અંક: - 14

પ્રતિશોધ તૃતીય અંક:

ભાગ-14

પચાસ વર્ષ પહેલા, ઈજીપ્ત

દુનિયાભરમાં શિક્ષણનો વ્યાપ વધી રહ્યો હતો, ટેકનોલોજીમાં થતો ઉત્તરોઉત્તર વધારો પોતાની સાથે ગામડાઓને પણ ઈલેક્ટ્રિસિટીથી જોડી રહ્યો હતો. જૂના રીત-રિવાજો, અંધશ્રધ્ધા, સંકુચિત માનસિકતા આ બધું ત્યજીને પૂરી દુનિયા પ્રગતિના રસ્તે ચાલી નીકળી હતી.

આ બધી બાબતોના લીધે શૈતાની શક્તિઓને પૂજતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. યુરોપમાં ઇલ્યુમિનાટી સંસ્થાના અસ્તિત્વ માથે પણ જોખમ હતું એટલે જ એ લોકો વધુને વધુ ગુપ્ત બની કામ કરવા મજબૂર બન્યા. આકા વઝુમ જેવા ભયાનક શૈતાની જાદુગરોનું મધ્ય એશિયાના દેશોમાંથી નિકંદન નીકાળી દેવામાં આવ્યું હતું. અમેરિકા અને દક્ષિણ એશિયાના આદિવાસી સમુદાયના લોકો પણ ધીરે-ધીરે દુનિયાના રંગે રંગાઈ રહ્યા હતાં.

વીજળીનો વધતો વ્યાપ પણ અંધકારના બળે પોતાની શક્તિમાં વધારો કરવામાં સફળ રહેતી કાળી શક્તિઓ માટે દુષ્કર સાબિત થયો હતો. જો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું હોય તો શૈતાનને પૂજતા દરેક લોકોનું એક થવું અતિ આવશ્યક હતું અને એ કારણથી જ પચાસ વર્ષ પહેલા એક ગુપ્ત સમિતિની સ્થાપના થઈ જેને ગ્રુપ ઓફ ઇવિલ નામ આપવામાં આવ્યું.

વિવિધ દેશોમાંથી શૈતાનની પૂજા કરતા સમુદાયના પ્રતિનિધિઓ આ સમિતિના સ્થાપના નિમિતે ઈજીપ્તના કેરો શહેરમાં આવેલી એક ગુપ્ત જગ્યાએ એકઠાં થયાં હતાં. આ સમિતિ ઇલ્યુમિનાટીના સભ્યોના દેખરેખ નીચે કામ કરવાની હતી એવું ત્યાં આવેલા દરેક સભ્યોએ સર્વાનુમતે સ્વીકારી લીધું. આ સભામાં ડેવિલ પ્રિસ્ટ હેલેથન પણ મોજુદ હતો જે પંડિત શંકરનાથના હાથે મયાંગ ખાતે મરાયો હતો. ઇલ્યુમિનાટીના વડા પદે બિરાજમાન વિલિયમ સ્નેક દ્વારા ઊંચા અવાજે સભાને સંબોધવામાં આવી.

"તો આજે આપણે અહીં કેમ એકત્રિત થયા છીએ એ અંગે આપ સૌ જાણતા જ હશો, છતાં મારી ફરજ બને છે કે એ અંગે વિગતે આપને સમજાવું."

આટલું કહી સ્નેકે પોતાની સાથે આવેલા યુવા હેલેથનને વાત આગળ વધારવાનું કહ્યું એટલે હેલેથને ત્યાં આવેલા વિવિધ દેશોના શૈતાનની પૂજા કરતા સમુદાયના પ્રતિનિધિઓને સંબોધવાનું શરૂ કર્યું.

"શૈતાનનો વિજય હો!" હેલેથનના આ શબ્દોના પ્રત્યુત્તરમાં સભામાં મોજુદ સર્વએ શૈતાનનો જયનાદ કર્યો. ખંડનું વાતાવરણ શાંત થતા જ હેલેથન બોલ્યો.

"અહીં હાજર બધા જ લોકો માટે શૈતાન પવિત્ર છે, અને એટલા માટે જ શૈતાની કાળી શક્તિઓમાંથી આપણને અપાર શક્તિઓ મળે છે."

"આજે ધીરે-ધીરે જગતમાં શૈતાનને પૂજનારા લોકોનું પ્રમાણ ઘટી રહ્યું છે. પાદરીઓ, સંતો અને મૌલવીઓ થકી થઈ રહેલા જ્ઞાન પ્રચાર અને પ્રસારે લોકોને આપણી સાથે જોડાતા અટકાવ્યા છે. જો આમ જ ચાલતું રહેશે તો પચ્ચીસ-પચ્ચાસ વર્ષમાં આપણું અસ્તિત્વ નામશેષ થઈ જશે."

 

આટલું કહી પોતાની વાતની અસર ત્યાં એકત્રિત થયેલા લોકો પર કેવી પડી એ જોવા હેલેથન અમુક સમય માટે અટક્યો અને જ્યારે એની ચકોર આંખોએ ત્યાં આવેલા લોકોના ચહેરા પરનો ઉચાટ વાંચી લીધો ત્યારે એને પોતાની વાત આગળ વધારી.

 

"જો આપણે શૈતાનનું અસ્તિત્વ ટકાવી રાખવું હશે તો સંગઠિત થઈને કામ કરવું પડશે. સરહદો અને ધર્મને ભૂલાવી એકબીજાની મદદ કરીશું તો જ આપણું ભાવિ આપણે ઉજ્જવળ બનાવી શકીશું અન્યથા..!' આટલું કહી હેલેથન અટકી ગયો અને એને વૃદ્ધ વિલિયમ સ્નેક તરફ દ્રષ્ટિ ફેંકી.

હેલેથનના શબ્દોની અસર વર્તાય ચૂકી છે એ જાણ્યા પછી વિલિયમ સ્નેકે પોતાની વાત રાખી.

"જો શૈતાનનું અસ્તિત્વ ટકાવીશું તો જ આપણું અસ્તિત્વ કાયમ રહેશે."

"એ માટે અમે આપની શું મદદ કરી શકીએ." સભામાં મોજુદ એક અશ્વેત વ્યક્તિએ સ્નેકને ઉદ્દેશીને કહ્યું.

"આપણી વચ્ચે એક રૂહ-એ-શૈતાન નામક સમુદાયના અગ્રણી અબ્દુલ ઇકરામ ઉપસ્થિત છે જેમની સંસ્થાના લોકો છેલ્લા પચાસ વર્ષોથી એક એવું કાર્ય કરી રહ્યા છે જેની સફળતા પર આપણા અસ્તિત્વનો સઘળો મદાર છે." સ્નેકે ઉચ્ચારેલા આ શબ્દો સાંભળી ત્યાં આવેલા દરેકનું સ્થાન સભાની અગ્ર હરોળમાં બેસેલા એક પાતળા બાંધાવાળા, દાઢીધારી વ્યક્તિ તરફ ગયું.

 

"ઇકરામ, મહેરબાની કરીને તમે અહીં આવો અને આ બધાને જણાવો કે આખરે તમે કઈ વસ્તુની શોધ કરી છે અને અમે તમારી શું સહાયતા કરી શકીએ છીએ." સ્નેકના આમ બોલતા જ ઇકરામ પોતાના સ્થાનેથી ઊભો થયો અને વિલિયમ સ્નેક તરફ અગ્રેસર થયો. ઇકરામના હાથમાં લાલ કપડામાં વીંટાળેલી કોઈ વસ્તુ પણ હતી જેને ઈકરામે સ્ટેજ પર રાખેલા ટેબલ પર મૂકી અને 'શૈતાનની વિજય હો!' સાથે પોતાની વાત રાખવાનું શરૂ કર્યું.

 

"આજથી પચાસ વર્ષ પહેલા ભારતનાં એક કિલ્લામાંથી અમને આ વસ્તુ મળી આવી." આટલું કહી ઈકરામે ટેબલ પર રાખેલી વસ્તુ પરથી કપડું હટાવી દીધું. આમ કરતા જ ત્યાં હાજર સર્વેની આંખો એ વસ્તુ પર સ્થિર થઈ, એ એક માનવ ખોપડી હતી.

"આ કોઈ સામાન્ય ખોપડી નથી." ઇકરામે કહ્યું. "આ ખોપડી શૈતાનોના રાજા કાલરાત્રીના માનવ જન્મ વખતની છે.!"

 

ઇકરામના આ શબ્દોથી મોટો આંચકો અનુભવાયો હોય એમ ત્યાં હાજર દરેક વ્યક્તિએ પોતાના સ્થાનેથી ઊભા થઈને એ ખોપડી સમક્ષ મસ્તક ઝુકાવી વંદન કર્યાં. આખરે આ ખોપડી પાછળની વિતક શું છે એ જાણવાની તાલાવેલી સાથે બધાએ ઇકરામ તરફ નજર માંડી એટલે ઇકરામે આકા વઝુમની દીકરી કુબા દ્વારા કાલરાત્રીને મનુષ્ય અવતારમાં ઢાળવાની અને ભાનુનાથ નામક એક પ્રખર જ્ઞાની પંડિત દ્વારા પોતાનો જીવ આપીને કાલરાત્રીનો ખાત્મો કરવાની સંપૂર્ણ વિતક કહી દીધા બાદ આગળ કહ્યું કે.

"હું અને મારા સમુદાયના લોકો આ ખોપડીની મદદથી કાલરાત્રીનું પુનઃ પૃથ્વી પર અવતરણ કરવા માંગીએ છીએ પણ એ માટે અમારે એવા મનુષ્ય રક્તની જરૂર છે જેનો સંબંધ માધવપુરના રાજા વિક્રમસિંહ સાથે હોય. પચાસ વર્ષોની મહેનત પછી પણ અમે માધવપુરના રાજ પરિવાર સાથે લોહીનો સંબંધ ધરાવતી એકપણ વ્યક્તિ શોધી નથી શક્યા અને આ કારણથી જ કાલરાત્રી હજુ સુધી અવતરિત નથી થઈ શક્યો."

"પણ માધવપુરના રાજ પરિવારનું જ રક્ત કેમ?" ઘણા લોકોના જીભે આવેલો સવાલ એક બ્રાઝિલિયન ઓઝાએ પૂછ્યો.

"કેમકે, કાલરાત્રી જે બાળકના શરીરમાં જન્મ્યો હતો એના પિતા મેં તમને કહ્યું એ મુજબ માધવપુરના રાજા વિક્રમસિંહ હતા. હવે જો વિક્રમસિંહ સાથે લોહીનો સંબંધ ધરાવતું કોઈ વ્યક્તિ મળે તો એની બલી આપી, એના રક્તમાં આ ખોપડીને નવડાવી કાલરાત્રીને પેદા કરી શકાય એમ છે બાકી બીજી કોઈ શકયતા નથી." ઓઝાના પ્રશ્નનો જવાબ આપતા ઇકરામ બોલ્યો.

"તો હવે આપણી જવાબદારી બને છે કે વિક્રમસિંહ સાથે સંબંધ ધરાવતી વ્યક્તિને શોધવી, તો શું તમે બધા આ માટે મદદ કરશો.?" હેલેથન ગર્જના કરતા બોલ્યો.

જવાબમાં હકાર રૂપે પ્રત્યાઘાત વાતાવરણમાં ભળી ગયાં.. આખરે સભાનાં અંતે શૈતાનને માનનારા દરેક સમુદાયના વડાએ ઇકરામના કહ્યા મુજબ વિક્રમસિંહ સાથે રક્તનો સંબંધ ધરાવતી વ્યક્તિને શોધવા માટે મદદ કરવાની તૈયારી બતાવી.

 

વિક્રમસિંહના સાથે લોહીનો સંબંધ ધરાવતી વ્યક્તિની શોધ કરવાના દૃઢ નીર્ધાર સાથે આખરે સભા વિખેરાઈ.

***********

સમય અવિરત ગતિથી દોડતો રહ્યો..મહિનાઓ વર્ષોમાં અને વર્ષો દશકાઓમાં બદલાઈ ગયા પણ માધવપુરના રાજ પરિવાર સાથે જોડાયેલી એકપણ વ્યક્તિને કોઈ શોધી ના શક્યું. વિલિયમ સ્નેક, હેલેથન, ઇકરામ બધા જ આ દુનિયા છોડીને ચાલ્યા ગયાં પણ એમની શોધ પૂરી ના જ થઈ. વિક્રમસિંહના પરિવારમાં કોઈ જીવિત બચ્યું જ નથી એમ માની છેવટે કાલરાત્રીની ખોપડીને એક બોક્સમાં બંધ કરી ઈજીપ્ત ખાતે આવેલા ગ્રુપ ઓફ ઇવિલના ગુપ્ત સ્થાનકે છુપાવી દેવામાં આવી.

 

શૈતાની શક્તિઓનું જોર ખૂબ જ ઓછું થઈ ગયું હતું અને જગતમાં હવે મોટા ભાગના શૈતાનની પૂજા કરનારા સમુદાયોનો અંત થઈ ચૂક્યો હતો. કાલરાત્રીને જીવિત કરવાની ઈચ્છા ઉપર જ્યારે ટાઢું પાણી ફરી વળ્યું હતું ત્યારે છ મહિના પહેલા દુબઈમાં રહેતા વલિદ નામના વ્યક્તિની નજરોમાં સમીર આવી ગયો.

 

ઇકરામના રૂહ-એ-શૈતાનના છેલ્લા વધેલા સભ્યોમાંથી એક એવા વલીદે સમીરના ગળામાં માધવપુર રાજ પરિવારની નિશાની ધરાવતું બાજનું લોકેટ નિહાળ્યું અને હાથ પર બનેલું તલવારનું ટેટુ.

સમીર સાચેમાં માધવપુરનો વંશજ છે એની પૂર્ણ ચોકસાઈ કરવામાં વલીદને પંદરેક દિવસનો સમય લાગી ગયો. પંદર દિવસ બાદ વલીદને જ્યારે સમીર જ માધવપુરનો વારસદાર હોવાની ખાતરી બેસી ત્યારે એને સમીરને કોઈપણ ભોગે રાજસ્થાન લઈ જવાનો અને ત્યારબાદ એની બલી આપી કાલરાત્રીને જીવિત કરવાનો મનસૂબો ઘડી દીધો.

પોતાના આ મનસૂબાને પૂર્ણ કરવા વલીદે ઇલ્યુમિનાટીમાં સંપર્ક કરીને મદદ માંગી, જેના ફળ સ્વરૂપ હેલેથનનો પુત્ર ક્રિસ્ટોફર એની મદદ કરવા દુબઈ આવી પહોંચ્યો.

વલીદ સાથે મળીને કુશાગ્ર બુધ્ધિ ધરાવતા ક્રિસ્ટોફરે એક એવી જડબેસલાક યોજના ઘડી નાંખી જે કોઈ કાળે નિષ્ફળ જાય એમ હતું જ નહીં.

ક્રિસ્ટોફરની યોજના સફળ રહી અને નક્કી કરેલા દિવસે સમીર એની કેદમાં આવી પણ ગયો. અમાસની અંધારી રાતે સમીરની બલી આપવાની વિધિનું ગોઠવી કાલરાત્રીની ખોપડીને લેવા ક્રિસ્ટોફર ઈજીપ્ત આવ્યો.

ઈજીપ્તથી પાછા ફરતી વખતે ક્રિસ્ટોફર એ ભૂલી ગયો હતો કે હાથમાં આવેલી બાજી ક્યારેક બગડી જાય અને મોંમાં આવેલો કોળિયો પણ નીચે પડી જાય. સમીર રાકાની કેદમાંથી નાસી ચૂક્યો છે એ વાતથી અજાણ ક્રિસ્ટોફર ઈજીપ્તથી ભારત જવા પ્રસ્થાન કરી ચૂક્યો હતો, વલીદ પણ ક્રિસ્ટોફરની સાથે જ હતો.

***********

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ હોરર નવલકથા "પ્રતિશોધ". આ નવલકથા દર મંગળવારે અને શુક્રવારે રાતે આઠ વાગે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર  મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

અને  મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)