Revenge 3rd issue: - 12 books and stories free download online pdf in Gujarati

પ્રતિશોધ તૃતીય અંક: - 12

પ્રતિશોધ તૃતીય અંક:

ભાગ-12

બસો વર્ષ પહેલા, માધવપુર, રાજસ્થાન

જગતને શૈતાની શક્તિઓના આતંકથી બચાવવાના દૃઢ નીર્ધાર સાથે ભાનુનાથ કાલરાત્રીનો મુકાબલો કરવા તૈયાર તો થયા પણ એમને તુરંત સમજાઈ ગયું કે કાલરાત્રી અસીમ શક્તિઓનો સ્વામી છે, જેને કોઈ સામાન્ય મનુષ્ય હરાવવામાં અસમર્થ નિવડવાનો છે.

આગનાં ગોળાની વર્ષા વચ્ચે ભાનુનાથ અને કાલરાત્રી એકબીજાને પછડાટ આપવાનાં પ્રયાસમાં લાગી ગયાં હતાં. દૈવીય શક્તિ અને શૈતાની શક્તિ વચ્ચેના આ જંગ સ્વરૂપ માધવપુરના મહેલની ઘણી દીવાલો ક્ષત-વિક્ષત થઈ ચૂકી હતી. આઘાતમાં ડૂબેલા ગૌરીદેવી આ મુકાબલાનું શું પરિણામ આવે એની રાહ જોયા વગર હૃદયઘાતના લીધે સ્વર્ગ સિધાવી ચૂક્યા હતાં.

મહેલની બંધ દીવાલોમાંથી હવે નેકી અને બદીનો જંગ ખુલ્લા મેદાનમાં આવી ગયો હતો. ક્યારેક ભાનુનાથની વર્ષોની સાધના અને ઈશ્વરીય શક્તિઓ આગળ કાલરાત્રી ઘાયલ થતો તો ક્યારેક શૈતાન રાજા કાલરાત્રીની અસીમ શક્તિઓ સામે વૃદ્ધ ભાનુનાથ હાંફી જતા.

ગઈકાલ સુધી જેની સમૃદ્ધિની ચારેકોર ચર્ચા થતી એ માધવપુરનો પોતાની સગી આંખે થતો સર્વનાશ જોઈ ભાનુનાથને અતિશય આઘાત લાગ્યો હતો. આમ છતાં એ આઘાતની અસરને ભૂલાવી તેઓ મૃત્યુના દૂત સમા કાલરાત્રી સામે મેદાને પડ્યા હતાં.

માધવપુરના લોકો પણ એમના રાજગુરુને વિચિત્ર દેખાતા એક બાળક જોડે લડતા જોઈ આશ્ચર્ય અનુભવી રહ્યા હતા પણ એ તરફ લક્ષ આપવાનાં બદલે તેઓ પોતાની અને પોતાના પરિવારની રક્ષા માટે માધવપુર છોડીને જવાની વેતરણમાં પરોવાઈ ચૂક્યાં હતાં.

*********

 

પોતાના પિતાજીના આદેશને માથે ચડાવી સોમનાથ મહારાણી અંબિકા અને જોરાવરને લઈને છૂપા રસ્તે માધવપુરની સરહદ વટાવી ચૂક્યો હતો. પોતે મહારાણી અને રાજકુમારને બચાવવામાં સફળ રહ્યો છે એ વાતથી ખુશ સોમનાથે જ્યારે રસ્તામાં આવતી એક નાનકડી ટેકરી પર ચડીને માધવપુર તરફ નજર ફેંકી તો એના મુખેથી એક નિઃસાસો નીકળી ગયો.

 

સોમનાથનો આ નિઃસાસો કાને પડતા જ અંબિકા પણ ટેકરી પર ચડી અને એને પણ માધવપુર તરફ જોયું..આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયેલા પોતાના રાજ્યને જોઈ અંબિકાનું હૃદય દ્રવી ઉઠ્યું. પોતાની માં રેવતીના લીધે જ પોતાના પતિનું મૃત્યુ અને માધવપુરનો સર્વનાશ થયો છે એ વાત અંગે સતત વિચારી રહેલી અંબિકાનું શરીર સળગી રહેલા માધવપુરને જોઈને ઠંડુ પડી ગયું.

 

અંબિકાને સૂકા વૃક્ષની માફક ત્યાં જ ફસડાઈ પડેલી જોઈ સોમનાથ સમજી ગયો કે એના મહારાણી જોરાવરને એકલા મૂકીને સ્વર્ગ તરફ પ્રસ્થાન કરી ચૂક્યા છે.

 

આજુબાજુમાંથી સૂકા લાકડાં લાવીને સોમનાથે ચિતા બનાવી અને એની ઉપર મહારાણીનો મૃતદેહ રાખીને જોરાવરના હાથે એ પવિત્ર આત્માના અંતિમસંસ્કાર કરાવ્યા.

 

અંબિકાના દુઃખદ અવસાન બાદ હવે જોરાવરને સુરક્ષિત રાખીને માધવપુરના રાજવંશને બચાવવાની જવાબદારીને શિરે ચડાવી સોમનાથ પોતાના પૈતૃક ગામ તરફ અગ્રેસર થયો. રાજકુમારની રક્ષા હેતુ ગામમાં પહોંચતા જ, પોતાની પત્નીને પણ સાથે લઈ ગામ છોડીને દૂર ચાલ્યા જવાનું મન પણ સોમનાથ બનાવી ચૂક્યો હતો.

 

પોતાના માતા-પિતાની સાથે પોતાનું ઘરબાર છીનવાઈ જવાની વસમી વાતને જાણે મન પર લીધી જ ના હોય એ રીતે સોમનાથ જોડે જઈ રહેલા જોરાવરને જોઈ એ વાતની ખાતરી થતી હતી કે રાજપૂત લોહી આવું જ હોય, ભૂતકાળને ભૂલીને વર્તમાનને સહજતાથી સ્વીકારનારું.!

***********

માધવપુરની સાથે, માધવપુરની પ્રજાનો પણ વિનાશ નજીક આવી પહોંચ્યો હતો. આકાશમાંથી આગનાં ગોળા મોત બનીને વરસી રહ્યા હતાં, જેની ઝપેટમાં બાડમેરના ભાગવા મથી રહેલા સૈનિકો, માધવપુર છોડવાની કોશિશમાં લાગેલ માધવપુરની નિર્દોષ પ્રજા અને માધવપુરના રહ્યા-સહ્યા સૈનિકો પણ આવી ચૂક્યાં હતાં.

 

આ તારાજીને નજરો સમક્ષ નિહાળવા છતાં સ્થિતપ્રજ્ઞની જેમ રાજગુરુ ભાનુનાથ શૈતાનોના રાજા એવા કાલરાત્રીનો અંત કરવાની કોશિશમાં લાગેલા હતાં.

 

મધરાત થવા આવી હતી પણ ભાનુનાથ અને કાલરાત્રી વચ્ચે ચાલી રહેલું આ ભીક્ષણ યુદ્ધ અંત થવાનું નામ જ નહોતું લઈ રહ્યો. કાલરાત્રી તો શૈતાન હતો એટલે એને યુદ્ધ લાંબું ચાલવા પર કોઈ તકલીફ ના આવી પણ આ લંબાણ ભાનુનાથની વૃદ્ધાવસ્થા પર ભારે પડી રહ્યું હતું. ધીરે-ધીરે ભાનુનાથની શારીરિક ક્ષમતા જવાબ આપવા લાગી હતી અને મક્કમતા ભાંગી જવાની અણી પર હતી.

 

જો કાલરાત્રીનો ખાત્મો કરવો જ હશે તો પોતાને કોઈ યોગ્ય યોજના અમલમાં મૂકવી પડશે એવું મનોમન વિચારતા ભાનુનાથને એકાએક કંઈક ઝબકારો થયો અને એમને તુરંત એમ કરવાનું મન બનાવી લીધું.

 

ભાનુનાથે મનોમન કંઈક મંત્રોચ્ચાર કરીને હાથમાં એક દિવ્ય અસ્ત્ર ધારણ કર્યું..ગદા જેવા લાગતા આ અસ્ત્રને બજરંગબલીનું નામ દઈ ભાનુનાથે જેવું એ અસ્ત્ર કાલરાત્રી તરફ ફેંક્યું એ સાથે જ સાવધ કાલરાત્રીએ એ અસ્ત્રને રોકવા એક શૈતાની અસ્ત્રનો ઉપયોગ કર્યો. કાલરાત્રીને હતું કે પોતે ભાનુનાથના આ પ્રહારને વિફળ બનાવી દેશે પણ એવું કંઈ ના થયું, શૈતાની અસ્ત્રને ભેદીને ગદા જઈને કાલરાત્રીને જોરથી અથડાઈ.

 

આ ગદા સાથેની અથડામણ બાદ કાલરાત્રીનું શરીર અદ્રશ્ય દિવ્ય શક્તિઓની અસર હેઠળ જકડાઈ ગયું. એ ઈચ્છવા છતાં જ્યારે પોતાના શરીરને હલાવી ના શક્યો ત્યારે ભાનુનાથ એની તરફ વિજયસૂચક સ્મિત સાથે અગ્રેસર થયાં.

 

કાલરાત્રી તરફ જતા, રસ્તામાં પડેલ એક તલવારને પણ ભાનુનાથે પોતાના હાથમાં લીધી. આ તલવાર વડે પોતે કાલરાત્રીનું મસ્તક ધડથી અલગ કરી દેશે અને એનો ખાત્મો કરીને જગતની રક્ષા કરવામાં સફળ રહેશે એવી મંછા સાથે ભાનુનાથ કાલરાત્રી નજીક આવી પહોંચ્યા.

 

ભાનુનાથે સમય ગુમાવ્યા વિના તલવાર વડે કાલરાત્રીનું મસ્તક ધડથી અલગ કરી દીધું..પણ આ વિજયની ખુશી ભાનુનાથ વ્યક્ત કરે એ પહેલા તો કાલરાત્રીનું છૂટું પડેલું મસ્તક પુનઃ પોતાની જગ્યાએ લાગી ગયું. કાલરાત્રીનું બિહામણું અટ્ટહાસ્ય આ સાથે જ વાતાવરણમાં ગુંજી ઉઠ્યું.

 

"એ મૂર્ખ મનુષ્ય, તું મારું કંઈ નહીં બગાડી શકે." કાલરાત્રી ભાનુનાથને ઉદ્દેશીને ક્રુદ્ધ સ્વરે બોલ્યો. "હું થોડીવારમાં આ બંધનમાંથી મુક્ત થઈશ પછી તને આ દુનિયાની જંજાળમાંથી મુક્ત કરી દઈશ."

 

પોતે ઉપયોગ કરેલા દિવ્ય અસ્ત્રની અસર નજીકમાં સમાપ્ત થઈ જશે એ સમજતા ભાનુનાથે કાલરાત્રીનો ખાત્મો કરવા અન્ય કોઈ યોજના અંગે વિચારવાનું શરૂ કર્યું. આ વિષયમાં વિચારતા એમની નજર ભડભડ સળગી રહેલા માધવપુર પર પડી..નજર પડતા જ ભાનુનાથ આનંદમાં આવી બોલી પડ્યા 'દિવ્ય અગ્નિ!'

 

ભાનુનાથે તત્ક્ષણ આંખો બંધ કરી અને ભગવાન શિવનું સ્મરણ કરી હાથમાં ભભૂત પ્રગટ કરી. આ ભભૂતને એમને કાલરાત્રીની ચારે તરફ ભભરાવીને એક વર્તુળ બનાવી દીધું. વર્તુળ બની ગયા બાદ ભાનુનાથે પુનઃ કંઈક મંત્રોચ્ચાર કર્યો એટલે એમના હાથમાં એમનું કમંડળ આવી ગયું, જેમાં પવિત્ર ગંગાજળ ભરેલું હતું.

 

ભાનુનાથે કાળજીપૂર્વક કાલરાત્રીના શરીર પર ગંગાજળનો છંટકાવ કર્યો અને પછી આંખો બંધ કરી અગ્નિદેવનું સ્મરણ કરતા કહ્યું.

"હે અગ્નિદેવ, આ સમગ્ર સૃષ્ટિના ભલા માટે આ શૈતાનનો અંત કરવો આવશ્યક છે..મહેરબાની કરીને તમે તમારી પવિત્ર અગ્નિમાં આ શૈતાનને ભસ્મીભૂત કરી દો.!"

 

ભાનુનાથ જ્યારે આ બધું કરી રહ્યા હતાં ત્યારે પ્રથમ વખત કાલરાત્રીની આંખોમાં ભય દેખાયો. પોતાને જીવિત છોડવાની આજીજી એના મુખેથી સાંભળી ભાનુનાથ સમજી ગયા કે એમની આ યોજના હવે કારગર નીવડી હતી.

 

જેવી ભાનુનાથે આંખો ખોલી એ સાથે જ કાલરાત્રીનું શરીર આગની ભયંકર લપટોમાં સપડાઈ ગયું. શૈતાનની હૈયું ધ્રૂજાવી મૂકતી ચીસોથી આસપાસનું વાતાવરણ ભયાવહ બની ગયું.

 

થોડી જ ઘડીઓમાં કાલરાત્રીનો અંત થઈ જશે એવું વિચારતા ભાનુનાથના ધ્યાનમાં અચાનક એ વસ્તુ આવી કે એમને જે દિવ્ય અસ્ત્ર વડે કાલરાત્રીને બંધક બનાવ્યો હતો એની અસર ઓછી થઈ રહી હતી. જો કાલરાત્રીનું બંધન તૂટી જશે તો પોતાની સૃષ્ટિને બચાવવાની છેલ્લી આશા પણ વિખેરાઈ જશે આ વાત મનમાં આવતા જ ભાનુનાથે એક એવું પગલું ભરવાનું નક્કી કર્યું જે ભરવા માટે સિંહ જેવું કઠણ હૃદય જોઈએ.

 

ભાનુનાથે વધુ વિચાર્યા વગર આગમાં ઝંપલાવી દીધું, કાલરાત્રી આગની જ્વાળાઓમાંથી નીકળીને બહાર ના આવે એટલા માટે ભાનુનાથે એને પોતાના બાહુપાશમાં જકડી લીધો. દિવ્ય અસ્ત્રની અસર પૂર્ણ થતાં જ કાલરાત્રીએ બચવા માટે ઘણી કોશિશો કરી પણ મક્કમ મનનાં ભાનુનાથે એની એક ચાલવા ના દીધી.

 

માધવપુરના રાજગુરુ ભાનુનાથ આખરે કાલરાત્રીનો અંત આણવામાં સફળ રહ્યા પણ સાથે-સાથે એ પોતે પણ પવિત્ર અગ્નિમાં હોમાઈ ગયાં. ખૂબ જ પીડાદાયક મૃત્યુ મળવા છતાં પણ અંત સમયે ભાનુનાથના ચહેરા પર મોતની પીડા નહિ, પણ જગતને શૈતાની શક્તિઓથી બચાવવાનો આનંદ હતો.

 

કાલરાત્રીનો અંત થતા જ આકાશમાંથી થઈ રહેલી અગનવર્ષા અટકી ચૂકી હતી..માધવપુરમાં લાગેલી આગને ઠારવા વરસાદ પણ ચાલુ થઈ ગયી, પણ હવે એનાંથી કંઈ ફરક નહોતો પડવાનો. ભારતના અતિસમૃદ્ધ નગરમાં ગણના મેળવેલા માધવપુરનો સર્વનાશ થઈ ચૂક્યો હતો.

 

આ વરસાદથી માધવપુરને તો કોઈ ફાયદો ના થયો પણ એના લીધે કાલરાત્રીની ખોપડી સળગતા બચી ગઈ. શૈતાનની આખરી નિશાની સ્વરૂપે બચેલી આ ખોપડી ભવિષ્યમાં સમગ્ર જગત પર પુનઃ કાળો કહેર બનીને તૂટવાની હતી એ અંગે જો ઈન્દ્રદેવને ખબર હોત તો તેઓ માધવપુર પર મેઘમહેર કરવાનું ટાળી દેત.!

સો વર્ષ બાદ જ્યારે શૈતાનોની પૂજા કરતા એક ગુપ્ત સમુદાયને શૈતાનોના રાજા કાલરાત્રીની આખરી નિશાની બચી ગઈ છે એ વાત ધ્યાનમાં આવતા જ એમને કાલરાત્રીને પુનઃ પેદા કરવાની તૈયારીઓ આરંભી દીધી.

આવતીકાલે એમની આ તૈયારીઓ પૂર્ણ થઈ જવાની હતી..મોત બાદ બસો વર્ષ પછી કાલરાત્રી પુનઃ ધરતી પર અવતરવાનો હતો. સમગ્ર સૃષ્ટિનો વિનાશ કરવા હેતુ, શૈતાની શક્તિઓની કેદમાં જગતને જકડી દેવા માટે.

***********

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ હોરર નવલકથા "પ્રતિશોધ". આ નવલકથા દર મંગળવારે અને શુક્રવારે રાતે આઠ વાગે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર  મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

અને  મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)