Tran Vikalp - 27 books and stories free download online pdf in Gujarati

ત્રણ વિકલ્પ - 27

ત્રણ વિકલ્પ

ડો. હિના દરજી

પ્રકરણ : ૨૭

અનુપને જોઈ માધવ ખુશીને મારે ઊછળી પડે છે. હરખભેર આનંદ અને ધૃવને ભેટે છે. અનેરા ઉત્સાહથી અનુપના પલંગ પાસે આવી બોલે છે: “ભાઈ હું આવી ગયો... ઉઠ જો તારો નાનકો આવી ગયો...”

પણ અનુપ કોઈ રિસ્પોન્સ આપતો નથી. એની આંખો ખુલ્લી છે, આંખો પરથી એવું લાગે કે એ બધાને જોઈ રહ્યો છે. અનુપ એને તાકી રહે છે, ખભા પકડી. “ભાઈ બોલને... ભાઇ બોલને” માધવ બોલતો રહે છે, પણ અનુપ એક પૂતળાની જેમ પલંગ પર સૂતો રહે છે.

માધવના ખભે હાથ મૂકી આનંદ કહે છે: “માધવ, અનુપ નહીં બોલે... એ કોમામાં છે... છેલ્લા ચાર મહિનાથી.”

થોડીવાર પહેલા ખુશીથી ઝૂમી રહેલો માધવ ભાઈની હકીકત જાણી ખુશી મનાવવી કે દુ:ખ કરવું એ દુવિધામાં અનુપ સામે જોતો બોલે છે: “ડોક્ટર શું કહે છે?

આનંદ: “અનુપને ખૂબ ઘેરો આઘાત લાગ્યો છે... એ આઘાતમાંથી બહાર ક્યારે આવશે એ ચોક્કસ કહી શકાય નહીં... એ સાંભળી શકે છે... પણ હલનચલન શરીરમાં થતું નથી.” માધવે અનુપની આંખોમાં જોયું તો સાચે અનુપની આંખમાંથી આંસુ સરતા હતા.

માધવ હરખ સાથે બોલે છે: “એટલે અંકલ ભાઈને ખબર પડી કે હું આવ્યો છું...”

આનંદ: “હા, એને ખબર પડી... ભગવાનની મહેરબાની હશે તો ખૂબ જલદી સારું થઈ જશે...” માધવ કેટલીય વાર સુધી અનુપના માથે હાથ ફેરવ્યા કરે છે. અનુપ પૂતળાની જેમ પડ્યો પડ્યો માધવના હાથના સ્પર્શનો અનુભવ કરતો હોય એ પ્રમાણે રડતો રહે છે. અનુપ સાથે થોડીવાર બેઠા પછી માધવ બોલે છે: “ભાઈ તું ચિંતા ના કરીશ... હું તને ખૂબ જ જલ્દી અહીંયાથી લઈ જઈશ.” આનંદનો આભાર માની ભાઇનું ધ્યાન રાખવાનું કહી નીકળી જાય છે

***

નિયતિ અને તેનો પરિવાર વેરાવળમાં દરિયા કિનારા નજીક એક મોટા મંદિરની બાજુમાં આશ્રમમાં જાય છે. આશ્રમમાં શાંતિનું વાતાવરણ હતું. મોજાઓનું મધુર સંગીત દૂરથી પડધા પડે એવું સાંભળતું હતું. બધા સભ્યો અંદર જાય છે ત્યારે સંતોષ આશ્રમનાં આંગણામાં નજર ફેરવે છે. આશ્રમનાં આંગણામાં બાંકડા પર એક સ્ત્રી એકદમ સ્થિર, શૂન્યમન્સ્ક અવસ્થામાં બેઠેલી હોય છે. દૂરથી એવું લાગે કે જાણે પથ્થરનું ખૂબ સુંદર પૂતળું બાંકડા પર મુક્યું છે. નજીકમાં પક્ષીઓ ચણ ચણતા હતા. પક્ષીઓ સ્ત્રીનાં ખોળામાં આવી બેસે તો પણ એ સ્ત્રી કોઈપણ પ્રકારનું હલનચલન કર્યા વગર પથ્થરની જેમ બેઠેલી રહી. દૂરથી સંતોષ એ નજારો જુએ છે. એને ઓળખતા વાર નથી લાગતી એ સ્ત્રી બીજું કોઈ નહીં નિમિતા હતી. સંતોષ વિચારે છે બધા લોકો ઘરમાં ગયા પણ નિમિતા ઘરમાં કેમ નથી જતી. મીણના પૂતળાની જેમ બેસી કેમ રહી છે. હમેશાં સુંદર કપડાંમાં સજ્જ રહેતી નિમિતા આજે બિલકુલ સાદા કપડાંમાં પણ સુંદર દેખાતી હતી. ફર્ક બસ એટલો પડ્યો હતો કે પહેલાં એનાં ચહેરા પર ચંદ્ર જેવુ તેજ ચમકતું હતું જ્યારે અત્યારે ચહેરાની ચમક થોડી ધૂંધળી પડી હતી.

એટલામાં વરસાદ શરૂ થાય છે. સંતોષ ગાડીમાં જઈને બેસે છે જેથી પલડી ના જવાય. પરંતુ નિમિતા બાંકડા પરથી ઊભી થતી નથી. સંતોષને ફરી નવાઈ લાગે છે નિમિતા પલડે છે કેમ? ઉભી થઈને અંદર કેમ નથી જતી. એટલામાં નિયતિ છત્રી લઈને આવે છે. નિમિતાને ઉભી કરી હાથ પકડી અંદર લઈ જાય છે. નિમિતા એક શબ્દ બોલ્યા વગર સિદ્ધિ નિયતિની પાછળ ચાલતી ચાલતી અંદર જાય છે. નિમિતાનું આ પ્રકારનું વર્તન સંતોષને ખૂબ અજીબ લાગે છે. નિમિતાની આવી હાલત જોઈને એને દુઃખ થાય છે. એક જમાનો હતો જ્યારે તે મોડેલિંગના આસમાન પર બિરાજમાન હતી જ્યારે અત્યારે એને પોતાનું પણ ભાન નથી કે ક્યાં બેઠી છે, કેવી હાલતમાં જીવે છે.

આશ્રમ દરિયા કિનારાની નજીક હતો એટલે લહેરોના અવાજમાં સંતોષને ખુબ શાંતિ મળે છે. ૨૪ કલાક કરતાં પણ વધારે સમય થયો હતો એ બરાબર જમ્યો નહોતો, બરાબર ઉંઘયો નહોતો. એની આંખોમાં ઊંઘ ઘેરાતી હતી, ભૂખ પણ લાગી હતી. વરસાદ બંધ થાય છે એટલે સંતોષ દરિયાકિનારા નજીક એક ચાની લારી આગળ જઇ ઓટલી પર બેસી ચાની ચૂસકી લેતો માધવને ફોન કરે છે. માધવ સાથે વાત કરી નિમિતાની દયનીય હાલતની માહિતી આપતો હતો એ વખતે સંતોષને એવું લાગે છે કે એની પાછળ કોઈ ઊભું છે. એ પાછળ ફરીને જુએ છે તો નિયતિ ઊભી હતી. નિયતિને જોઈ સંતોષની બોલતી બંધ થઈ જાય છે. કેટલી ચપળતાની નિયતિ પાછળ આવી ઊભી રહી એનો ખ્યાલ સંતોષને આવે એ પહેલાં એ એની સામે ઊભી હતી.

નિયતિ કહે છે: “માધવનો ફોન છે ને?” સંતોષ હબક ખાઈને ઉભો રહી જાય છે. બસ ખાલી મોઢું હલાવીને હા કહે છે. માધવ પણ નિયતિનો અવાજ સાંભળે છે અને એના હોઠો પર મીઠું હાસ્ય ઉભરી આવે છે. નિયતિ કહે છે: “ચાલો અંદર... જમી લો... તમને ભૂખ લાગી હશે... જમીને થોડો આરામ કરજો... કાલે આખી રાત ગાડીમાં ઊંઘ નહીં આવી હોય... માધવ સાથે વાત પતાવીને સીધા અંદર આવજો... તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી... હું તમને લેવા આવી છું એ માધવ જાણી ચૂકયો હશે.” સંતોષ તો અપલક નયને નિયતિને પાછી જતા જોઈ રહે છે. વિચારે છે કે કેવો સંબંધ છે નિયતિ અને માધવનો! બન્ને એકબીજાના દિલની વાત દૂર રહીને, બોલ્યા વગર સમજી જાય છે.

માધવ કહે છે: “સંતોષ ફોન મૂકી દે... હવે મારે કોઈ વાતચીત કરવી નથી... હવે હું ત્યાં રૂબરૂ આવીને જ વાત કરીશ... કાલે સવારે હું વેરાવળ આવવા નીકળીશ... તું અંદર જા જમીને આરામ કર… કાલે મળીશું...”

***

સવારથી નિયતિ રસોડામાં માધવની મનપસંદ વાનગી બનાવવામાં લાગી હતી. નિયતિનાં આ વર્તનથી બધા સભ્યો ખુશ હતા માત્ર તન્વી સિવાય. તન્વી એના સ્વભાવ મુજબ ટોણાં મારતી હતી. પણ કોઈ એના તરફ ધ્યાન આપતું નહોતું.

તન્વી: “સવારથી બધી રસોઈ બનાવે છે... જાણે માધવ આવીને સીધો ખાવા બેસી જશે... મને તો એવું લાગે છે કે એ આવશે જ નહીં...”

નિયતિ ધાડિયાળ તરફ નજર કરીને બોલે છે: “ભાભી સાડાબાર થયા છે... એક વાગે માધવ આવશે.”

તન્વી મોઢું મચકોડી જતી રહે છે. પણ સંતોષ વિચાર કરવા લાગે છે, કારણકે માધાવે કહ્યું હતું એ એક વાગે આવી જશે. બરાબર એકમાં પાંચ મિનિટ બાકી હતી અને માધવ ઘરમાં પ્રવેશ કરે છે. થોડી ક્ષણો માધવ અને નિયતિ એકબીજા સામે જોઈ રહે છે જાણે આંખોથી જ અસંખ્ય વાતો થાય છે. નિયતિની વાત સમજી ગયો હોય એમ માધવ હાથ ધોઈ જમવા બેસે છે. જમતી વખતે માધવ માત્ર નિયતિની વર્તણુંક જોતો હતો. આજે ત્રણ દિવસ પછી શાંતિથી જમ્યો હતો જાણે કોઈ દુ:ખદ ઘટના બની નથી.

જમ્યા પછી માધવ બોલે છે: “નિમિતા ક્યાં છે?” એ સમયે નિમિતાનો હાથ પકડી વિદ્યા આવે છે. નિમિતાની હાલત જોઈ માધવની આંખ ભીની થાય છે.

નિયતિ: “દીદીને કશું ભાન નથી... કોઈ ખવડાવે તો ખાય છે... કોઈ બેસાડે તો બેસે છે... કોઈ ચલાવે તો ચાલે છે... કોઈ સુવાડે તો સૂઈ જાય નહિતો જે પરિસ્થિતીમાં એને રાખો એ સ્થિતિમાં એ દિવસો સુધી રહે... ના હાલે કે ના ચાલે.” વિદ્યા ધીરેથી નિમિતાનો હાથ છોડે છે. નિમિતા સ્થિર ઊભી રહી જાય છે. વિદ્યા ગલગલિયા કરે છે પણ નિમિતાને કોઈ અસર થતી નથી. માધવ આગળ વધી નિમિતાને ગળે લગાડે છે પણ નિમિતા સ્થિર ઊભી રહે છે. માધવ હાથરૂમાલથી આંખ સાફ કરતાં નિયતિ જોડે આવે છે: “તેં બે વાત કહેવાની બાકી રાખી હતી... એક વાત હું હોસ્પિટલ જઈ જાણી આવ્યો છું... બીજી વાત કહેવાનો સમય આવી ગયો છે... હું સાંભળવા માટે આતુર છું.”

સંતોષ: “અરે માધવ, નિમિતાની આવી ખરાબ હાલત થઈ છે એનાં સિવાય બીજી વાત કઈ હોય?”

નિયતિ પ્રશ્નાર્થ નજરે કિશન અને રાજેશ સામે જુએ છે. બન્ને માથું હલાવી કહેવા માટે ઈશારો કરે છે. એટલામાં વાસંતી એક બાળકને લઈ આવે છે. એ બાળકને જોઈ નિમિતાનાં અચેતન શરીરમાં હલનચલન થાય છે. એ પ્રતિક્રિયામાં બાળક પ્રત્યેનો ગુસ્સો દેખાય છે. શાંત નિસ્તેજ આંખોમાં એકાએક ક્રોધની જ્વાળા પ્રગટે છે. હાથપગ સ્થિર હોય છે પણ આંખો તગતગવા લાગે છે. આંખો કહેતી હતી કે બાળક દુશ્મન છે એને દૂર લઈ જાવ. નિમિતા વધારે પ્રતિક્રિયા કરે એ પહેલા વિદ્યા અને કાન્તા એનો હાથ પકડી અંદર લઈ જાય છે. માધવ અને સંતોષ કઈ સમજ પડતી નથી એટલે એકબીજા સામે જુએ છે.

સંતોષ: “આ બાળક વિષે મને કશી ખબર નથી માધવ... મેં પણ એને અત્યારે જ જોયો.”

માધવ ઘડીક બાળક સામે, ઘડીક નિયતિ સામે તો ઘડીક જે રૂમમાં નિમિતા ગઈ એ રૂમના દરવાજા સામે મગજમાં અનેક સવાલો કરતો જોતો રહે છે.

ક્રમશ: