A glimpse of you - 18 in Gujarati Love Stories by Sujal B. Patel books and stories PDF | તારી એક ઝલક - ૧૮

તારી એક ઝલક - ૧૮

તારી એક ઝલક

તેજસના હાથમાં તેને લંડન શાં માટે મોકલવામાં આવ્યો. એ અંગેની એક કડી લખેલ ચીઠ્ઠી આવી ગઈ હતી.ભાગ-૧૮

તેજસ અને જાદવ બંને ચીઠ્ઠી લઈને ફરી ધ હોર્સગાર્ડસ્ હોટેલમાં આવી પહોંચ્યા હતાં. તેજસે હોટેલમાં પોતાને જે રૂમ સોંપવામાં આવ્યો હતો. એ રૂમમાં જઈને રૂમનો દરવાજો બંધ કરી દીધો. જાદવ પણ તેજસ સાથે તેજસના રૂમમાં જ ગયો.

તેજસે બેડ પર બેસીને ચીઠ્ઠી ખોલી. જાદવની નજર ચીઠ્ઠી પર જ મંડાયેલી હતી. ચીઠ્ઠીમાં શું લખ્યું હશે. એ જાણવાની તાલાવેલી જાદવના ચહેરા પર સાફ નજર આવતી હતી.

"સોરી... મેં તને ખોટી માહિતી આપી. તારે મારું હજી એક કામ‌ કરવું પડશે. તું જેમ જેમ મારાં કામ કરતો જઈશ. તેમ તેમ તને જાતે જ આ મિશન વિશે જાણકારી મળતી જાશે. તારે હવે કાલે સ્ટોક ન્યૂલિંગ્ટન નામની જગ્યાએ જવાનું છે. ત્યાં તને વિલ્સન નામનો માણસ મળશે. એને તારે તારાં વિશ્વાસમાં લેવાનો છે, કે મિ.તિવારી સાથે તે જે ડીલ સાઈન કરી. તેમાં તેને કેટલું નુકશાન છે. એવું કરવાથી આગળ શું થાશે. એ તને ખબર જ હશે. બાકી તું સમજદાર છે. એ મને પણ ખબર છે." તેજસ ચીઠ્ઠીમાં લખેલું હતું. એ બધું વાંચી ગયો. જાદવ બધું સાંભળીને વિચારોમાં ખોવાઈ ગયો.

"ભાઈ...આ ખેલ મને બહું ખતરનાક લાગે છે. તમારી પાસે આ બધું જે કરાવે છે. એનો આની પાછળ બહું મોટો મકસદ છે." જાદવે પોતાને જે સમજાયું, એ કહી દીધું. તેજસ પણ જાદવની વાત સાંભળીને કંઈક વિચારવા લાગ્યો.

ઝલક અને માનવ અમદાવાદની યુનિવર્સિટીની લાઈબ્રેરીમા બેઠાં હતાં. ઝલક આજે એક ગજબના આત્મવિશ્વાસ સાથે માનવ સામે આવી હતી. એ જોઈને માનવ પણ ઈમ્પ્રેસ થયો હતો.

માનવની એક જૂની આદત હતી. માનવ જે કહેતો, એ કરી બતાવતો. માનવે કેયુરને ન્યાય અપાવવાનું વિચારી લીધું હતું. આમ પણ માનવ આ કામમાં માહેર થઈ ગયો હતો. મોનાલીસા અવારનવાર ઘણાં છોકરાંઓને પરેશાન કરતી. જેમાં બધાં છોકરાંઓની મદદ માનવ જ કરતો. પણ મોનાલીસાને અત્યાર સુધી આ વાતની ખબર ન હતી. જે વાતનો ફાયદો હવે માનવને ઉઠાવવાનો હતો.

મોનાલીસાને માનવ વિશે જાણકારી હોત, કે માનવ જ હંમેશાં છોકરાઓનો સાથ આપીને મોનાલીસાને સબક શીખવતો. તો મોનાલીસા ક્યારેય માનવનાં પ્રેમમાં નાં પડતી. પણ બધી વાતોથી અજાણ એવી મોનાલીસા હવે માનવને પાગલોની જેમ પ્રેમ કરતી હતી.

"તો શું પ્લાન છે??" ઝલકે માનવ‌ સામે જોઈને પૂછયું. ઝલક માનવનાં પ્લાનથી અજાણ હતી. કેમકે, માનવે કાફેમાં તેને પ્લાન અંગે કોઈ માહિતી આપી ન હતી.

"મોનાલીસાને તેનાં રૂપિયા પર ઘમંડ છે. હવે તેનો એ ઘમંડ જ તોડવાનો છે. તેને એમ છે, કે તે રૂપિયાથી બધું ખરીદી શકે છે. પ્રેમ પણ...!! તો તેને બસ એ જ અહેસાસ કરાવવાનો છે, કે રૂપિયાથી કોઈની લાગણીઓ નાં ખરીદી શકાય." મોનાલીસા બધાં સાથે કેટલું ખરાબ કરે છે‌. એનો તેને અહેસાસ થાય, એ માટેનાં પહેલાં પડાવ વિશે માનવે ઝલકને માહિતી આપી.

ઝલકને માનવની વાત યોગ્ય લાગી. પણ મોનાલીસા પર માનવની વાતોની અસર થાય. એ માટે જોરદાર પ્લાન અને એમાં સાથ આપવા કોઈ વ્યક્તિની જરૂર હતી. જે વ્યક્તિને મોનાલીસા ખૂબ પ્રેમ કરતી હોય. એ વ્યક્તિ જો ઝલક અને માનવનો સાથ આપે, તો જ પહેલો‌ પડાવ પાર કરી શકાય એમ હતો.

"આમાં આપણો સાથ આપી શકે. એવું કોઈ છે??" ઝલકે માનવનાં પ્લાન અંગે વિચાર કરીને, માનવને પૂછ્યું. માનવે ઝલકની વાત સાંભળી પોતાનાં મોબાઈલ પર એક નજર કરી. જેમાં મોનાલીસાએ તેનાં પપ્પા સાથેનો એક ફોટો ફેસબુક પર અપલોડ કર્યો હતો. જેમાં લખેલ હતું, "આઈ લવ માય ડેડ સો મચ..."

"મળી ગયું... એવું વ્યક્તિ પણ મળી ગયું." માનવે મોબાઈલની સ્ક્રીન ઝલક તરફ કરી. ઝલકે સ્ક્રીન પર મોનાલીસાનો તેનાં પપ્પા સાથેનો ફોટો જોયો. ફોટો જોઈને માનવ શું કહેવા માંગે છે, એ ઝલક સમજી ગઈ.

"તું વિચારે છે, એ અસરદાર તો છે. પણ એ આપણો સાથ આપશે??" ઝલકે માનવનાં વિચારો વિશે એક વખત વિચારીને કહ્યું. મોનાલીસાને હેરાન કરવામાં તેનાં ખુદનાં પપ્પા બીજાં લોકોનો સાથ આપે. એ ઈમ્પોસિબલ જેવી વાત હતી.

"થઈ જશે...એ કામ પણ થઈ જશે. મિ.આનંદ આપણો સાથ જરૂર આપશે. બસ કોલેજના અમુક સ્ટુડન્ટ્સ હું કહું એ વાતો મિ.આનંદ સુધી પહોંચાડી દે. પછીનું કામ હું કરી લઈશ." માનવે અલગ જ પ્રકારનાં આત્મવિશ્વાસ સાથે કહ્યું. ઝલકને પણ માનવની એ વાત ગમી.

ઝલક બધી વાત પૂરી થતાં લેક્ચર લેવાં માટે બી.બી.એના ક્લાસરૂમ તરફ ગઈ. માનવ પણ પોતાનો લેક્ચર ભરવાં માટે પોતાનાં ક્લાસરૂમમાં ગયો. માનવ પણ બી.બી.એનો જ સ્ટુડન્ટ હતો. પણ તે મોનાલીસા અને કેયુરથી એક વર્ષ આગળ હતો.

ઝલકને લેક્ચર લેતી વખતે અચાનક જ તેજસની યાદ આવી ગઈ. તેજસ પણ માનવ જેવો જ હતો. એ પણ હંમેશા બીજાંની મદદ માટે તૈયાર રહેતો. પણ ઝલક અત્યારે એવાં હાલાતમાંથી પસાર થતી હતી, કે તે તેજસને મળી પણ શકે એમ ન હતી.

ઝલકને તેજસની બહું ચિંતા થતી હતી. પણ તે તેજસ સાથે વાત પણ કરી શકે એમ ન હતી. તેજસનો મોબાઈલ હજી પણ બંધ જ હતો.

ઝલક જેમતેમ કરીને લેક્ચર પૂરો કરી કેન્ટીનમા જઈને બેઠી. કેન્ટીનમા બેસીને ઝલકને અચાનક જ કંઈક યાદ આવ્યું. ઝલક જ્યારે અમદાવાદ આવી, ને તેજસનો મોબાઈલ બંધ આવતો હતો. ત્યારે અર્પિતાએ ઝલકને એક મેસેજ દ્વારા જાણ કરી હતી, કે તેજસ લંડન ગયો છે. એટલે ઝલકે એશ્વીને કોલ કર્યો.

એશ્વી ઝલકની લંડનવાળી ફ્રેન્ડ હતી. ઝલકે એશ્વી સાથે જ કોલેજ કરી હતી. પણ એશ્વીએ કોલ રિસીવ નાં કર્યો. જેનાં લીધે ઝલક થોડીક ઉદાસ થઈ ગઈ. ઝલક ઉભી થઈને ઘરે જવા નીકળી.

એશ્વી લંડનનાં એલ્ડરર્સગેટ એસટી, બાર્બીકન વિસ્તારમાં રહેતી હતી. એશ્વી બાર્બીકન વિસ્તારમાં જ ગેટ ગ્રીલ નામનું કાફે ચલાવતી. જેથી તે હંમેશા કાફેના કામમાં જ વ્યસ્ત રહેતી.

ઝલકે ઘરે પહોંચીને આરામ કરવાનું વિચાર્યું. ઝલક માટે હવે આ લડાઈ મુશ્કેલ બનતી જતી હતી. ઝલકે સપનામાં પણ વિચાર્યું ન હતું, કે તેને આ રીતે તેજસથી અલગ થવું પડશે. હજી તો બંને મળ્યાં તેને કાંઈ ખાસ્સો સમય થયો ન હતો. ત્યાં જ બંને અલગ થઈ ગયાં હતાં. ઝલક માટે લંડન જાણીતું હતું. તે ધારે તો લંડન જઈને બે દિવસમાં જ તેજસને શોધી શકે એમ હતી. પણ કેયુરને ફરી કોલેજમાં તેની પહેલાં જેવી જ ઈજ્જત સાથે મોકલવો જરૂરી હતો.

ઝલકે કેયુર માટે કોલેજનું વાતાવરણ પહેલાં જેવું બનાવીને, પછી તરત જ લંડન જવાનું વિચારી લીધું હતું. પણ આ બધામાં ખાસ્સો સમય લાગે એમ હતો. જેનાં લીધે તેજસ લંડનમાં ક્યાં છે, અને લંડન શાં માટે ગયો છે. એ ઝલકે અમદાવાદમાં જ રહીને જાણવાની શરૂઆત કરી દીધી હતી.

એશ્વીએ હજું સુધી ઝલકને કોલ બેક કર્યો ન હતો. એશ્વી પોતાનાં કાફેમાં વ્યસ્ત હતી. કસ્ટમર જ એટલાં હતાં, કે એશ્વીનુ ધ્યાન તેનાં મોબાઈલ પર ગયું જ ન હતું. એશ્વી કાફેની માલિક અને કુક બંને હતી. કાફેની અંદર બનતી ઘણીખરી વસ્તુઓ એશ્વી જાતે જ બનાવતી.

કસ્ટમર ઓછાં થતાં એશ્વીએ એક નાનો બ્રેક લીધો. એ દરમિયાન તેણે પોતાનો મોબાઈલ હાથમાં લીધો. ઝલકનો મિસ્ડ કોલ જોઈને એશ્વીએ તરત જ ઝલકને કોલ કર્યો.

ઝલક રૂમની બાલ્કનીમા તેજસની ડાયરી લઈને બેઠી હતી. મોબાઈલની સ્ક્રીન પર એશ્વી નામ જોતાં જ ઝલકે કોલ રિસીવ કર્યો.

"આર યૂ ફ્રી નાઉ??" ઝલકે કોલ રિસીવ કરતાંની સાથે જ પૂછ્યું. એશ્વી સાથે ઝલકની લાંબા સમય પછી વાત થઈ રહી હતી. છતાંય ઝલકે એશ્વીને બીજું કાંઈ નાં પૂછતાં તરત જ કામની વાત કરવાનું જ યોગ્ય સમજ્યું.

"યસ, ટેલ મી... વ્હોટ વોઝ ધ વર્ક??" એશ્વી ઝલકનો અવાજ સાંભળતાં જ સમજી ગઈ હતી, કે ઝલક કંઈક ટેન્શનમાં છે. એટલે તેણે પણ સીધો જ જવાબ આપ્યો.

ઝલકે એશ્વીને બધી વાત કરી દીધી. એશ્વીને તેજસનો એક ફોટો પણ મોકલી દીધો. જે તેણે થોડીવાર પહેલાં જ કાળું પાસેથી લીધો હતો.

"ડોન્ટ વરી...યોર વર્ક વીલ બી ડન..." એશ્વીએ તેજસનો ફોટો જોઈને ઝલકને ચિંતા નાં કરવાં અંગે જણાવ્યું. લંડન બહું મોટું હતું. એવામાં કોઈ વ્યક્તિને માત્ર નામ અને ફોટાના સહારે શોધવો થોડું અઘરું કામ હતું. છતાંય ઝલકે કહેલ કામ એશ્વી નાં કરે, એ શક્ય જ ન હતું.

ઝલક એશ્વીને તેજસને શોધવાનું કામ સોંપીને નિશ્ચિત થઈ ગઈ હતી. હવે ઝલકે જલ્દીથી મોનાલીસાને તેની ભૂલનો અહેસાસ કરાવીને, કેયુર કોલેજે જઈ શકે. એ માટેનું કામ શરૂ કરી દીધું. ઝલકે માનવને મેસેજ કરીને આજ જ મિ.આનંદને મળવાં જવાં માટેનું જણાવી દીધું.

ઝલકનો મેસેજ મળતાં જ માનવ કોલેજ પાસેનાં કાફેમાં જવાં નીકળી ગયો. જ્યાં તેણે મોનાલીસાએ જે છોકરાંઓને પરેશાન કર્યા હતાં. એ છોકરાંઓને બોલાવી લીધાં.

(ક્રમશઃ)


Rate & Review

Nipa Upadhyaya

Nipa Upadhyaya 4 weeks ago

Kalpana Patel

Kalpana Patel 8 months ago

Jkm

Jkm 1 year ago

Pradyumn

Pradyumn 9 months ago

Sabera Banu Kadri

Sabera Banu Kadri 9 months ago