Meeranu morpankh - 13 books and stories free download online pdf in Gujarati

મીરાંનું મોરપંખ - ૧૩

આગળ જોયું કે મીરાંના સગપણની વાત માટે નરેશની તપાસ માટે મોહિત ક્રિશનો સંપર્ક કરે છે. આ બાજુ અમદાવાદના પોશ વિસ્તારમાં આવેલા બંગલા માટે કુમુદની મોટી બેનને હક જમાવવા કુમુદ શિખામણ આપે છે હવે આગળ....

રવિવારનો સૂરજ આકાશે ઊગી ગયો છે. સવાર સવારમાં જ આજ રીટાએ બધાને ગરમાગરમ નાસ્તો કરાવ્યો અને કહી દીધું કે આજની બપોરનું લંચ મીરાં બનાવશે. મીરાંએ જ રીટાઆંટીને આવું કરવા કહ્યું હતું. બધાએ પોતપોતાના વધારાના કામકાજ કરવા માટે એકબીજાની મદદ માંગી અને બધા કામે વળગ્યાં. મીરાં એ એકલીએ આજ આખી રસોઈ જાતે જ કરી. આજ એણે નોકરોને પણ રજા આપી હતી. લગભગ બાર વાગ્યાની આસપાસ ક્રિશનો ફોન આવે છે મોહિતને...

" મોહિતભાઈ તે દિવસે આપે કહ્યું એ જ પ્રમાણે કર્યું છે. નરેશને એ બે ભાઈઓ છે. બે બહેન પણ છે. મમ્મી આ દુનિયામાં નથી. પપ્પા સરકારી નોકરી કરે છે. ગામડે એને વડોદરામાં પોતાનું મકાન છે. નરેશ તો એના મમ્મી ગુજરી ગયા એ ઘણા વર્ષોથી જ અહીં સ્થાયી થયો છે‌. એના કામકાજની જગ્યાએ પણ તપાસ કરતા જાણવા મળ્યું છે કે એકદમ નિખાલસ, આજ્ઞાંકિત અને હસમુખો છે. એને આ જ શહેરમાં ઓળખનારા કેટલાય છે આપ એમનો કોન્ટેક્ટ કરી વધુ જાણી શકો છો. હું વધુ કંઈ કહીશ તો રૂહીના પક્ષમાં બોલતો હોય એવું કદાચ લાગશે."

" ના, ના એવું થોડું હોય. આ તો પાછળથી તકલીફ ન થાય એટલે તપાસ કરવી પડે. પાછા અમારા મીરાંબહેનને ભારત તરફ વધુ આકર્ષણ છે એટલે ત્યાં પણ એને જવા મળે એ પણ જોવું પડે એમ છે. કોઈ ખરાબ લત તો નથી ને લાટસાહેબને..(હસતા હસતા)

"ના, એવું તો નથી લાગતું. હા, બોલકો છે ભારે. મજાકિયો છે. મને લાગે છે કે એના ઘરથી દૂર છે એટલે જ આ સ્વભાવ એને સાચવી લેતો હશે."

" હા, એ પણ બની શકે. આવો આજ ઘરે બેસવા. હું ઘરમાં વાત કરી જોવ."

" બીજીવાર ક્યારેક, અત્યારે તો કામકાજમાં મદદ કરાવવી પડે ને મેડમને !" (બેય ફરી હસે છે.)

" સારું, ત્યારે આવજો."

બધા ફરી બપોરે જમવા માટે ટેબલ પર એકત્રિત થાય છે. ભરપૂર વખાણ સાથે મીરાંની વાહવાહ થાય છે. મીરાં પણ ખુશ થતા કહે છે કે " કોઈએ મદદ ન કરાવી, ફોઈબા સિવાય..એક ફોઈબા જ મને સલાહ આપી પ્રોત્સાહિત કરતા હતાં."

બધા આ વાત સાંભળી સમજી જાય છે કુમુદની હરકતોને. કુમુદ પણ ટપકી જ પડે છે." છોડી, સાસરે નહીં આવું શિખામણ આપવા. શાંતિને તને ( આંગળીના ટેરવા ચાટે છે ને બોલે છે.)

જમ્યા પછી રાજુભાઈને નરેશ વિશેની તમામ માહિતી મોહિત કહે છે. ઘરના વડીલ સભ્યો નરેશને મળવા બોલાવવાનું નક્કી કરે છે. મંગળવારે રાત્રે આ આયોજન ગોઠવાય છે. નરેશ પણ 'હા' પાડે છે મળવાની! એ રૂહી સાથે અડધો કલાક કશીક વાત કરે છે અને જણાવે છે કે આ વાત મીરાં સુધી પહોંચાડવાની જવાબદારી તારી. રૂહી આ વાતને ગંભીરતાથી નથી લેતી. એ વિચારે છે અમુક વાતો બધા સમજતા જ હોય તો એ જણાવવાનો કોઈ મતલબ જ નથી.

એ ક્રિશ અને નરેશને જ ત્યાં જવા સમજાવે છે‌. એ વિચારે છે કે એના અને ક્રિશના સંબંધમાં પણ એ બેયના નિર્ણયને જ માન્ય રાખ્યો હતો. વડીલોએ થોડી ફોર્માલિટી જ નિભાવી હતી. આ પરિવાર તો અહીં જ રહેનારો છે એટલે મીરાં અને નરેશ જે વિચારશે એ જ ફાઈનલ થશે.
રૂહી નરેશના પપ્પાને પણ આ સમાચાર પહોંચાડે છે. નરેશના પપ્પાએ હા પાડી અને એ પોતે નરેશ સાથે વાત કરી લેશે એવું પણ કહ્યું.

મંગળવારના સાંજના પાંચ વાગ્યા છે. નરેશ એના પપ્પા સાથે વાત કરી રહ્યો છે. ' જી પપ્પા, જી પપ્પા' સિવાય કોઈ વધારાનો શબ્દ નરેશ બોલતો નથી. એક આજ્ઞાંકિત પુત્રની જેમ 'હા માં હા' ભેળવતો એ કોલ પૂરો થાય છે.

ક્રિશ અને નરેશ બેય મીરાંનાં આંગણે પહોંચે છે. એ બંગલાની ભવ્યતા જોઈ નરેશ સમજી જાય છે કે એ એક સપનાના મહેલમાં પ્રવેશી ચૂકયો છે. એને આછેરા વાદળી રંગનો શર્ટ અને વ્હાઈટ જીન્સ પહેર્યું છે. ડોરબેલ વગાડે છે ને દરવાજો ખૂલે છે. રાણો તો રાણાની જેમ જ પ્રવેશે છે. એકદમ સરળ લાગતો નરેશને સમજવો અઘરો છે એવું એક જ વ્યક્તિ જાણે છે એ છે રાજુભાઈ..

----------- ( ક્રમશઃ) -----------

લેખક : શિતલ માલાણી "સહજ"
જામનગર
૧૦/૧૧/૨૦૨૦