Meeranu morpankh - 12 books and stories free download online pdf in Gujarati

મીરાંનું મોરપંખ - ૧૨

ક્રિશને ત્યાં ડિનરમાં નરેશ સાથે મુલાકાત થાય છે રાજુભાઈની. રૂહીનો ભાઈ હોવાથી એ બધાની પસંદ પણ બને છે. રૂહીના સ્વભાવ સાથે નરેશની સરખામણી કરતો આ પરિવાર આગળ શું વિચારે છે એ જોઈએ.

બીજે દિવસે રાહુલભાઈ અને મોહિત ક્રિશને ફોન કરી એમના મોલ પરની ઓફિસે બોલાવે છે. બધી વાતચીતના અંતમાં નરેશનું પણ પૂછે છે. નરેશ વિશે પોતે કંઈ ખાસ નથી જાણતો એવું કહેતા ક્રિશ હસતા હસતા કહે છે એ મારો લોહીપીણો સાળો છે એ હું દિલથી જાણું છું. એ નરેશ વિશે કશું ખરાબ પણ નથી બોલતો.

ઘરે ગયા પછી ક્રિશ જમીને રૂહી સાથે બેઠો હોય છે. ક્રિશ પૂછે છે કે "રૂહી, નરેશની સગાઈ હજી સુધી કેમ બાકી છે? આવો રૂડો રૂપાળો છોકરો બધાની નજરમાં આવી જ જાય."

" ક્રિશ, નરેશના મમ્મી એ નાનો હતો ત્યારે જ ગુજરી ગયા છે. એનું ભણતર પુરું થયું ને એ અહીં આવી ગયો છે. એના પપ્પા ભારતમાં જ રહે છે. આ નરેશ પોતે પણ ભારત ઓછો આવતો હોય. અમે પિતરાઈ સંબંધી ખરા પણ પેઢીઓ દૂરના. આ તો અહીં એનું પણ કોઈ નહીં અને મારું પણ કોઈ નહીં એટલે આ સંબંધને હું વધુ માન આપું છું."

"તો એના પપ્પા ત્યાં નિવૃત છે ? "

" ના, એ નિવૃત જીવન ન જીવી શકે એ એટલા પ્રવૃતિશીલ છે. એ એની બહેનો સાથે ત્યાં જ સાસરે છે એટલે એકલા રહે છે. નરેશનો એક મોટો ભાઈ પણ છે.... - "

આ વાતચીત ચાલુ હતી ત્યાં જ ફોનની રીંગ વાગે છે. ક્રિશ જુએ છે તો મોહિતનો ફોન હતો એ. મોહિત 'નરેશની સગાઈ કરવાની છે કે કેમ? ' એવો સવાલ કરે છે. ક્રિશ પછી વાત કરીએ એ જવાબ સાથે વાત ટાળે છે.

રૂહી અને ક્રિશ બન્નેએ નરેશને મળવાનું વિચાર્યું. નરેશે રવિવારે મળીએ એવું કહ્યું. નરેશ પણ વિચારતો હતો કે અચાનક આમ મળવાનું કારણ શું હોય શકે?

આજ શનિવાર હતો. બધા રજાના મૂડમાં હતાં. કુમુદ અને રાજવી સિવાય બધા નજીકના રિસોર્ટ પર ફરવા ગયા હતા. રાજવી રસોડામાંથી બહાર નીકળતી વખતે ધીમા સાદે થતી વાતચીત થતી હોય એવું સાંભળે છે. એણે જોયું કે કુમુદ હાથને ઉલાળતી અને મોં આડો હાથ ધરી કોઈ સાથે વાત કરી રહી હતી. રાજવીએ જોઈને પણ આ વાત અવગણી. એ કુમુદને આટલા વર્ષે પણ નહોતી સમજી શકી કે એ કયારે ખુશ હોય કે કયારે દુઃખી. એ એકલું જ સમજતી કે કદાચ, 'કોઈ નાટક કંપની ખુદની હોત તો એ મુખ્ય પાત્ર કુમુદને જ આપત.'

કુમુદ એની બહેન પ્રભા સાથે વાત કરી રહી હતી.

" પ્રભલી, તું એકલી જ ત્યાં પડી છો. અહીં આવતી રહે. ભાઈને કેવડો બંગલો છે. તું પણ સચવાઈ જઈશ."

" એમ તે આ સંસાર મૂકી અવાતું હશે?"

" તો આ એક મીરાંને ત્યાં તાણી જા. સથવારો તારે."

" એ છોડી ત્યાં ઉછરી છે અહીં સેટ ન થાય. હું કાંઈ એની જવાબદારી ન લઉં"

" એને ત્યાં ખેંચીશ તો જ આ બધા ત્યાં દોડી દોડી આવશે. તારા એક માટે કોઈ ધક્કા ન ખાય."

" એ તો એમ જ હોય, હમણા બેય ભાઈઓ આવ્યા હતા. કોઈ ન આવ્યું અહિં."

" એ તો મોટાભાઈની તબિયત નાજુક હતી એટલે ન આવ્યાં."

" ખબર પડી મને !"

" એક કામ કર ત્યાં બાપુજીનો બંગલો એમ જ પડયો છે તો તું ચાવી માંગી ને રહેવા જતી રે."

" એમ કેમ માંગવી ચાવી?"

" લે, ચાવી નહીં, બંગલો માંગ...તારો પણ હક થાય. ભૂલતી નહીં ."

"સારું, હું કંઈક વિચારું." આમ કહી ફોન મૂકાય છે.

આવતી કાલે રવિવાર છે. જોઈ હવે આગળ શું નિર્ણય લે છે રાહુલભાઈ.સગાઈ અને બંગલાનો....

------------ (ક્રમશઃ) ------------

લેખક : શિતલ માલાણી "સહજ"

જામનગર

૭/૧૧/૨૦૨૦