The mystery of skeleton lake - 11 books and stories free download online pdf in Gujarati

ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક (ભાગ ૧૧ )

રાઘવકુમાર ડૉ.રોયને મળ્યા અને બાબુડા અને પેલા પાગલની પરિસ્થિતિ વિશે પૂછપરછ કરી . યોગ્ય સમય જણાતા એમને આ કેસ પર કામ ના કરવાનું અલ્ટીમેટ અપાયું છે એ વાતની જાણ કરી . ભૂતકાળની ઘટના ફરી આકાર લઇ રહી હતી . હાલ નિવૃત્તિ અધિકારી ડી.જે. ઝાલાને આ કેસ પર તપાસ કરવાના લીધે ટ્રાન્સફર અપાયું હતું અને હવે રાઘવકુમારને પણ આ કેસથી દૂર રહેવા માટે કહેવાયું હતું . કોઈ તો છે જે આ તપાસ પૂર્ણના થાય એમ ઈચ્છે છે ... કદાચ એનાથી તેનું ખૂબ મોટું નુકસાન થાય એમ છે .... જે આખા ડિપાર્ટમેન્ટને પોતાના ઈશારે નચાવી શકે છે ..પરંતુ કોણ ..!?
હવે રાઘવકુમાર સત્તાવાર રીતે ખુલ્લેઆમ મદદ કરી શકે એમ નહોતું . રાઘવકુમાર ડી.જે. ઝાલાના ઘરે પહોંચ્યા અને પોતાની સાથે બનેલી ઘટના સમજાવી . ઝાલાના કસાયેલા મગજને એ સમજતા વારના લાગી કે જે કૅસના કીધે પોતાનું ટ્રાન્સફર થયું હતું એજ કૅસથી રાઘવકુમારને પણ દૂર રહેવાનું કહેવામાં આવ્યું હતું . એમને હવે એ વાત પર પૂરો વિશ્વાસ આવી ગયો હતો કે આ કેસમાં રાજકારણી લેવલના માણસોની સંડોવણી થયેલી છે . ઝાલા સાહેબ ડૉ.રોય અને મહેન્દ્રરાયની મદદ માટે તૈયાર થયા. હવે એક ગુણવત્તા વાળી ટીમની જરૂર હતી , જેના દ્વારા તપાસ યોગ્ય રીતે આગળ વધારી શકાય .
ડિટેકટિવ સોમચંદે જગુ અને રઘુને પકડવા પોતાના નેટવર્કને સક્રિય કર્યું હતું .બધા બાતમીદારોને કાળી એમ્બેસેડર અને બંનેના ફોટા વહેતા કરવામાં આવ્યા હતા. પેલા કેમેરાને પોતાના અત્યંત કુશળ હેકર સી.કે.વીને આપી દીધું હતું જેથી એમાં રહેલો ડેટા સુરક્ષિત રહે અને એમાં શુ છે તે જાણી શકાય . સોમચંદનું નેટવર્ક એટલું તેજ હતું કે પોલીસ સ્ટેશનમાં બનતી પ્રત્યેક વાતની જાણકારી એમને મળી રહેતી . ઓમકાર અને ભાવના રેડ્ડીની ફાઈલોની કોપી પણ એમના સુધી પહોંચી ગઈ હતી અને ઝાલાનો રિપોર્ટ પણ કે જે રાઘવકુમાર પાસે બંને ટીમ-A અને ટીમ-B દ્વારા આવ્યા હતા .
. હવે સોમચંદને પણ ટીમ બનાવીને સાથે કામ કરવામાં સરળતા લાગશે એમ જણાયું .બીજા દિવસ સવારનો સમય હતો . કેસરિયો બાંધેલા સૂર્યએ જાણે ચંદ્રને પાછળ ધકેલી ક્ષિતિજ પર પોતાનું સ્થાન જમાવવાની મથામણ શરૂ કરી દીધી હતી . ડી.જે ઝાલા એ આખી રાત ટીમ બનાવવા વિશે અને આગળ શુ કરવું એના વિશે વિચારવામાં જ સમય ગાડ્યો હતો તેથી આંખોમાં થોડી ઊંઘ દેખાતી હતી . ત્યાં અચાનક તેમની ગાડી આગળ એક ભિખારી જેવો દેખાતો માણસ અચાનક આવી ગયો અને એમને બ્રેક લગાવવી પડી. એની ગાડી ધસડાઈને ઝાડ સાથે અથડાતા બચી ગઈ .આ જોઈને ઝાલાને સ્વાભાવિક જ ગુસ્સો આવી ગયો , પરંતુ ઉંમર લાયક અને અસ્તવ્યસ્ત વેશ જોઈને એના પર દયા આવી ગઈ . નજીક જઈને પૂછ્યું
" તમે ઠીક તો છો .... વાગ્યું તો નથી...??"
" હા ..બેટા..ઠીક છુ...આ વધતી ઉંમરની કમજોરી અને ઉપર થી મારી મોતિયા વાળી આંખો , બંનેએ સાથ છોડી દીધો છે ..."
" માફ કરજો.... હું તમારી કોઈ મદદ કરી શકું..!?
"મને ....... ઇડર જવું હતું ... મને છોડી દેશો ..!?"
" અરે હું પણ ત્યાં જ જઇ રહ્યો છુ જરૂર છોડી દઈશ ..બેસોને...." એમ કહીને એ વૃદ્ધને બેસવામાં મદદ કરી . ગાડી હવે ફરી રસ્તા પર પોતાની પહેલાની ઝડપે આગળ વધી રહી હતી .પેલો માણસ શાંતિથી ઝાલા તરફ જોઈને કૈક વિચારી રહ્યો હતો
" નિવૃત્તિના દિવસોમાં તમારે આરામ કરવો જોઈએ એવું નથી લાગતું ....? ડી.જે. ઝાલા સાહેબ ....!!!?" પેલા ફાટેલા તૂટેલા વસ્ત્રો વાડો અજાણ્યો વૃદ્ધ બોલ્યો. આ સાંભળી ફરી ઝાલા સાહેબે અચાનક જ બ્રેક મારી ગાડી ધીમી કરી , હવે એમના ગુસ્સાનો પાર નહોતો , આ મેલોઘેલો માણસ જે થોડા સમય પહેલા સ્પષ્ટ બોલી પણ શકતો નહોતો એ હાલ ધમકીના શબ્દોમાં પોતાના નામથી બોલી રહ્યો હતો , હતો કોણએ..!!? એ જાણવા ઝાલા ત્રાટકયા
" છે કોણ તું .... !?? મને કેવી રીતે ઓળખે છે ...!?"
" તમે ૬ વર્ષ પહેલાના ભાવના રેડ્ડીના કૅસ પર કામ કરી રહ્યા છો ...બરાબરને ...!? " ખિસ્સા માંથી દેશી તમંચો એમના લમણે તાકીને આગળ કહ્યું "હટી જાવ...૬ પહેલા ટ્રાન્સફરથી કામ ચાલી ગયું હતું , બાકી હવે આની ગોળી ચોર અને પોલીસ વચ્ચેનો ભેદ નહી જાણે...."
આટલું કહી પેલા ભિખારી જેવા માણસે ગાડી ઉભી રાખવા કહ્યું , આમ તો ઝાલા ખૂબ બહાદુર આદમી હતા પરંતુ શસ્ત્ર સામે બહાદુરી બતાવવી મૂર્ખામીભર્યું હતું એ વાત સારી રીતે જાણતા હતા . આથી મજબૂરીમાં એના તાબા હેઠળ થઈ ગયા અને બોલ્યા
" આજે તો બચી ગયો બેટા.... આગળની વખત હાથમાં આવ્યો તો ફરી કોઈને દેખાવા લાયક નહીં છોડું..."
" ચલ હટ.... માં****.." ફરી ગાડી ઉભી રાખવા કહ્યું . ગાડી સ્થિર ઉભી હતી .ઝાલાએ ધમકી આપી એની બીજી જ સેકન્ડે એક બીજી ગાડી આવીને ઉભી રહી . પેલા માણસે તમંચાનો પાછળનો ભાગ ઝાલાના કપાળ પર ઝીંકતા કહ્યું
" તારા જેવા કેટલાય આવ્યા અને ગાયબ થઈ ગયા મા**** , તું તો હવે પોલીસનો પાલતુ છે ... શુ ઉખાડી શકીશ ...જા ઉખાડી લે .... યાદ રાખજે જીવવું હોય તો દૂર ચાલ્યો જા આ કૅસ થી...."
આટલું કહી ભિખારી પેલી કાળી એમ્બેસેડરમાં બેસી ગયો અને ઝાલા કઇ પ્રતિક્રિયા કરે એ પહેલા ધુમાડાના ગોટા ઉડાડતી ગાડી દૂર ચાલી ગઈ . ઝાલા થોડી ક્ષણ અવાચક બની ગયા , એમના હાથ પર કશું અનુભવાતા તેઓ તંદ્રા માંથી ઉઠ્યા ત્યાં હાથ લોહીથી ખરડાયેલ હતા . અચાનક ફોડ પડી કે પેલા ભિખારીના પ્રહારથી લોહી નીકળી રહ્યું હતું . પોતાના ગજવામાં રહેલા રૂમાલ વડે ત્યાં થોડું દબાણ આપી બાંધી દીધું અને સીધા રાઘવકુમાર પાસે પહોંચ્યા .
રાઘવકુમાર કસાક વિચારમાં પડ્યા હતા , ત્યાં બહાર અફરાતફરી મચી ગઈ . બહાર જઈને જોયું તો એક કોન્સ્ટેબલ ડી.જે. ઝાલાની મલમપટ્ટી કરતો હતો . એમની આસપાસ નાનકડું ટોળું વળ્યું હતું .રાઘવકુમારને આવતા જોઈને બધા ચૂપચાપ પોતાના કામે વળગી ગયા . નજીક આવીને પૂછ્યું
" ઝાલા ... તમને શુ થયુ ...!??" ઝાલા એ આખી વાત ટૂંકમાં સમજાવી , એમનો ગુસ્સો એમની આંખમાં દેખાઈ રહ્યો હતો. એ બે ટકાના ગુંડાએ પોતાને ઇજા પહોંચાડી હતી ... એ વાત બહાદુર ડી જે. ઝાલા થી કેમ સહન થાય ...!? એમની વાત સાંભળી અચાનક કૈક વિચાર આવતા પોતાના કેબિનમાં ગયા અને એક ફાઇલ લઇ આવ્યા અને પૂછ્યું
" કાળી એમ્બેસેડર લઈને આવેલા...!?"
" હા...!!"
" આ બંને હતા ....!??" જગુ અને રઘુડાનો ફોટો બતાવતા કહ્યું .
ભિખારી જેવા વેશને કારણે ઓળખાણ કરવી મુશ્કેલ હતી . પરંતુ ઘ્યાનથી જોતા એના ગળા પર રહેલું ડ્રેગન ટેટુ દેખાયું જે પેલા ભીખારના ગળે પણ હતું . તેથી સરળતાથી કહી દીધું ...
" જી હા , રાઘવ ... આજ હતા મા**** . જેમ બને એમ પકડવા પડશે .... એને ઝાલા પર વાર કર્યો છે , એને જીવ વહાલો નથી લાગતો .."
ટ્રીન...ટ્રીન.......ટ્રીન....ટ્રીન......પોલીસ સ્ટેશન પરનો ટેલિફોન ગાજયો
" હેલ્લો.... ઇડર ડિવિઝન-B પોલીસ સ્ટેશન..... "
" રાઘવકુમાર સાથે વાત કરાવો...." માત્ર આટલો જ અવાજ સામેથી આવ્યો. ફોન રાઘવકુમારને આપવામાં આવ્યો
" જી ... રાઘવકુમાર બોલું છુ ...તમે કોણ...!?"
" એ બધું છોડો.... તમે જે કાળી એમ્બેસેડર ગોતો છો એવી જ એક એમ્બેસેડર હોટેલ રાજપથ-અમદાવાદ બહાર ત્રણ-ચાર દિવસથી પડેલી છે " આટલું કહીને સામાં છેડાથી ફોન કપાઈ ગયો .
માહિતી સાચી છે કે ખોટી એ તપાસ કરવાનો સમય નહોતો , તેથી આ વાત ઝાલાને જણાવી . એમને પોતાના અંગત માણસોની એક ટીમને અમદાવાદ એસ.પી. રિંગરોડના અસલાલી વિસ્તાર પરની હોટેલ રાજપથ પર જવા સજ્જ કરી .રાઘવકુમારને કેસ પરથી દૂર રહેવાનું કહેવાયું હતું , તેથી એમનું સાથે જવું અશક્ય હતું .
લગભગ સવા કલાકમાં પુરા બંદોબસ્ત સાથે ઝાલા હોટેલ રાજપથ નીચે હાજર હતા . એમને આખી ટીમને બે-બે ની સંખ્યામાં વિભાજીત કરી. એમની ટિમ આવા ઓપરેશન માટે સ્વયં તાલીમ પામેલી હતી , કારણ કે એક સમયે પોતે પણ ભાગતા ફરતા ગુનેગારો જ હતા ઝાલા સાહેબે એમની આ માસ્ટરીનો ઉપયોગ સારા કામ માટે કરવા જણાવ્યું હતું ત્યારથી તેઓ ઝાલા સાહેબ માટે કામ કરી રહ્યા હતા .
ઝાલાના બે માણસ ત્યાં નજીક માંજ આવેલા પાનના ગલ્લા પર સિગારેટ સળગાવી રહ્યા હતા . અને પેલી કાળી એમ્બેસેડર અને એમના માલિક વિશે પૂછપરછ કરી રહ્યાં હતા . બીજા બે માણસ રેસ્ટોરન્ટના રસોડાના પાછળના ભાગે નજર નાખીને બેઠા હતા . એક માણસ રિસેપ્શન પાસે નજર રાખીને બેઠો હતો . જ્યારે અન્ય એક કાળી એમ્બેસેડરને અડીને મહેમાનોના સ્વાગતની તૈયારી કરી રહ્યો હતો . લગભગ બધા એક્ઝીટ માર્ગ બંધ કરી દેવામાં આવ્યા હતા . હવે રમત શરૂ થવાનો સમય હતો . ઝાલા રેસેપ્શન પર ઉભા રહી પેલા બે ફોટા બતાવી પૂછપરછ ચાલુ કરી .પેલા રેસેપ્શનિસ્ટ ગભરાઈ ગયો અને ગભરાતા અવાજે કહ્યું "... ઉપર ૪૦૩ ." ઝાલાના ઈશારા સાથે એક માણસ લીફ્ટ પાસે ગયો અને બીજા બે માણસ સીડીથી ઉપર ચડી રહ્યા હતા .
ચોથા માળ પર ચડવાની સીડી હતી ત્યાંથી થોડા આગળ ચાલીને લોબી ડાબી તરફ વળતી હતી. ઝાલા લપતા-છુપાતા એ ખૂણા સુધી પહોંચ્યા . આગળ જોવા ડોક નમાવી ત્યાં પેલા ડ્રેગન ટેટુ દોરેલો જગુ પોતાની તરફ આવી રહ્યો હતો . એ ગુસ્સા વાળી લાલ આંખો અને જગુડાની આંખો એક ક્ષણ માટે મળી અને ભયની ઘંટડી વાગતા તે પાછો દોડ્યો પોતાના રૂમ તરફ , અચાનક દોડવા જતા ઝાલા લપસી પડ્યા એટલી વારમાં પેલો જગુ પોતાના કમરામાં લપાઈ ગયો હતો . ઝાલા એને બહાર નીકળવા માટે વોર્નિંગ આપી રહ્યા હતા .
જગુ અંદર હાંફી રહ્યો હતો . પોતાના વિશેની માહિતી આ યમરાજને કોને આપી હશે એ વિચારમાં હતો . પરંતુ હાલ એ વિચારવાનો સમય નહોતો . એને આજુબાજુ નજર દોડાવી , કદાચ ક્યાંક છટકબારી મડી જાય ... ત્યાં અચાનક એની નજર વિન્ડો એ.સી. પર પડી . એના પર પોતાના વજને લટકાઈ જવાથી એ.સી.બહાર નીકળી ગયું અને બહાર જવાનો દ્વાર ખુલ્લો થઈ ગયો .એ.સી. પગની નજીક પડવાથી એક આંગળી ચુથાઈ ગઈ હતી .પરંતુ હાલ એનું સંપૂર્ણ ધ્યાન જીવ બચાવવા પર હતું. ઝડપથી નાનકડી બારીમાંથી બહાર નીકળ્યો . બહારતો નીકળી ગયો પરંતુ નીચે ઉતારવાનો કોઈ માર્ગ દેખાયો નહી . તેથી ટી.વીની ડીશ ના દોરડા સાથે લટકાઈને નીચે ઉતારવા લાગ્યો .છેલ્લો માળ બાકી હતો ત્યાં એ દોરડું ભાર સહનના થવાને લીધે તૂટી પડ્યું અને સીધો જમીન પર પટકાયો . એક દર્દનાક ચીસ પડાઈ ગઇ જેનો અવાજ એમ્બેસેડર પાસે ઉભેલા માણસને સંભળાઈ ગયો તેથી ગાડી પાસે ઉભેલો માણસ અવાજની દિશામાં દોડ્યો . એટલી વારમાંતો જગુડો લંગડાતો-લંગડાતો દૂર નીકળી ગયો હતો .
ઝાલા હજી છેલ્લી વોર્નિંગ આપી રહ્યા હતા . હવે એમને દરવાજો તોડવા આદેશ આપ્યો . દરવાજો તૂટતા અંદર એ.સી. નીચે પટકાયેલું હતું અને ફર્શ પર થોડું લોહી પડ્યું હતું . એમને એક સેકન્ડના થઈ આખી પરિસ્થિતિને સમજતા ... એમને તાત્કાલિક બધા એક્ઝીટ પરના માણસોને સચેત કર્યા ,પરંતુ મોડું થઈ ગયું હતું. જગુડો આટલી વારમાં દૂર નીકળી ગયો હતો . સફળતા માત્ર છ હાથ દૂર હતી ... પરંતુ કોઈ નાની અમથી ભૂલના કારણે એક મહત્વનો માણસ હાથમાંથી ચાલી ગયો હતો . તેથી ઝાલાને પોતાની જાત પર ગુસ્સો આવતો હતો . નીચે કાળી એમ્બેસેડર હજી પોતાના સ્થાને ઉભી હતી , રઘુડાનો કોઈ પતો લાગ્યો નહોતો . એને ધરતી ગળી ગઈ કે પછી આકાશમાં અદ્રશ્ય થઈ ગયો ...!! ઝાલાના આદેશ મુજબ એમ્બેસેડરનું લોક તોડી નાખવામાં આવ્યું , ગાડીને પોતાના કબજામાં લેવામાં આવી.
પેલા પાનના ગલ્લા વાળા આપેલી જાણકારી અનુસાર એ (જગુડો) ખૂબ પૈસા વાળો માણસ હતો . છેલ્લા ઘણા દિવસથી રોજ ૫૦૦ રૂપિયાની ખાલી સિગારેટ અને પાનમસાલા ખાઈ જાય છે , એને મળવા એક મોટી ગાડી વાળો ભાઈ આવેલો જે મોંઘા જણાતા સૂટ-બુટ-ટાઈ માં હતો ઉપર અજીબ ટોપી પહેરી હતી અને આંખો પર કાળા ચશ્માં જેથી મોઢું દેખાતું નહોતું . થોડા સમય પછી ખૂબ પૈસા આવવાના છે , પછી તો જિંદગી સેટ છે બોસ... રેન્જરોવર ગાડી , મુંબઈમાં જુહુ બીચ પર બંગલો હશે .. એ પણ મોટા માણસ જેમ રહેશે એવી વાતો કરતો હતો .
પેલા પાનના ગલ્લા વાળા માણસે આપેલી માહિતી પરથી લાગ્યું કે ખરેખર આ માણસ કયાંતો ખૂબ મોટા ગુનેગાર સાથે જોડાયેલો હતો કે જે કોઈ મોટી ઘટનાને અંજામ આપવા મથી રહ્યા હતા, ક્યાં તો તદ્દન જૂઠો હતો. એ બન્ને માંથી કોઈ હાથમાં ના આવતા ઝાલા એમ્બેસેડરને પોતાના અડ્ડા પર લઈને જઇ રહ્યા હતા . તેમાંથી કાંઈ હાથ લાગી જાય તો પોતાનું કામ આગળ વધી શકે એમ હતું .
બીજી તરફ જગુ અસલાલીથી દૂર લંગડતો લંગડતો નીકળી ગયો હતો . એકતો એના અંગુઠા માંથી લોહી નીકળી રહ્યું હતું અને પાછો ઉપરથી પટકાયો હતો હાલ એની હાલત ધોબીના કૂતરા જેવી થઈ પડી હતી . એ નતો હોટેલ પર જઇ શકતો હતો કે નતો પોતાના બોસ પાસે ... પરંતુ હવે ઝાલાના માણસો જંગલી કૂતરાની જેમ પાછળ પડ્યા હતા . જ્યાં જોશે ત્યાં ઠાર મારી દેશે અને કોઈને ખબર પણ નહીં પડે . તેથી ના છૂટકે એને પોતાના બોસ પાસે જવાનું નક્કી કર્યું , કારણ કે એનો બોસ કદાચ થોડો મારીને છોડી દે પરંતુ ઝાલાના માણસો ખૂબ ખતરનાક હતા . જગતાપ લંગડાતો લંગડાતો કોઈક ગામના સીમાડે પહોંચી ગયો હતો . સૂર્ય આથમી જવાની તૈયારીમાં હતો , આજુબાજુ અંધારું પથરાઈ ગયું હતું . નજર નાની કરી દૂર ગામનું નામ વાંચવાનો પ્રયત્ન કર્યો પરંતુ કશું દેખાયું નહીં . તેથી ત્યાં જ જર્જરિત થઈ ગયેલા બસ સ્ટેન્ડ માંજ રાત વિતાવી સવારે કોઈ સુરક્ષિત સ્થળે પહોંચવાનું નક્કી કર્યું .
રાત્રીના બે વાગ્યાની આસપાસનો સમય છે , ગામના છેવાડે પવનના ઠંડા વાયરા સાથે દૂર રહેલા છાણના ઢગલા માંથી મંદ મંદ સુવાસ આવી રહી હતી અને ગરમીને લીધે બહાર નીકળેલા તમરા પોતાના કર્કશ અવાજથી વાતાવરણ ગજવી રહ્યા હતા . શિયાળાના દિવસો શરૂ થઈ ગયા હતા તેથી જગતાપ ઠંડીમાં કાપી રહ્યો હતો , ઉપરથી આ ઠંડો પવન એના દુખાવાને ખૂબ કષ્ટ આપી રહ્યો હતો . હજી ઓછું હોય એમ ભૂખ્યું પેટ આંખોના પોપડાને એક ક્ષણ માટે પણ નીચે થવા દેતું નહોતું . મહામહેનતે જગતાપે શાંતિનો શ્વાસ લીધો ...એ પોતાના પેટ અને શરીરનું દર્દ ભૂલી ધરતીના ખોળામાં પોઢી ગયો .
હજી અડધી કલાક માંડ થઈ હશે જગતાપને ઊંઘ આવી એને , ત્યાં દૂરથી અંધારાને ચીરતું કોઈ વાહન આવી રહ્યું હતું . રાત એકદમ શાંત હતી અને તમરા પણ હવે પોઢી ગયા હતા તેથી દૂરથી આવતા વાહનનો અવાજ સાંભળી શકાતો હતો . આખો દિવસ ચાલીને થાકેલો જગુ હજી પેલા અવાવરું બસ સ્ટેન્ડમાં સૂતો હતો . દુરથી આવતો પ્રકાશ એકદમ એ જગ્યાથી નજીક આવીને ઉભો રહ્યો જ્યાં જગુ સૂતો હતો . ગાડીને આવીને ઉભેલી જોઈને એક બીજો માણસ દૂરથી દોડીને નજીક આવ્યો અને પેલી અવાવરું જગ્યા તરફ ઈશારો કર્યો . હવે આ ગાડી વાળો માણસ નીચે ઉતર્યો એને કાળું માસ્ક પોતાના મોઢાને છુપાવવા પહેર્યું હતું . એને એક કોથળો , એક લાકડી , એક રસ્સી અને નાની ટોર્ચ લઈને અવાવરું જગ્યા તરફ બિલ્લી પગે આગળ વધવાનું શરૂ કર્યું .વિશેષ પ્રકારની ટોર્ચનો પ્રકાશ એકદમ આછો કર્યો અને પેલી જગ્યામાં જગુંડાનું સ્થાન ગોત્યું . પછી ધીમેકથી એની નજીક જઈને હાથરૂમાલ કાઢી એના નાક પર રાખ્યો . જગતાપ ઘેરી નિંદ્રામાંથી જાગે એ પેલા જ કલોરોફોર્મ સુંધીને ફરી ગાઢ નિંદ્રામાં સુઈ ગયો . રસ્સી વડે જગતાપના હાથ-પગ એકદમ ટાઈટ બાંધીને એક પાતળો કોથળો ઓઢાડી દીધો . પેલો માણસ દુરથી આ બધું જોઈ રહ્યો હતો . ગાડી ચાલકે એને નજીક આવવા ઈશારો કર્યો . ગાડીચાલકે પેલા માણસને આ કોથળામાં બાંધેલા જગતાપને ઉપાડી પોતાની ગાડીમાં મુકવામાં મદદ કરવા જણાવ્યું . ગાડીચાલકે થોડી નોટો પેલા માણસના હાથમાં મૂકી અને ત્યાંથી રવાના થવા ઈશારો કર્યો . થોડી જ વારમાં એ માણસ અંધારામાં અદ્રશ્ય થઈ ગયો .આમ આખી ઘટના એક પણ શબ્દ ઉચાર્ય વગર પુરી થઈ ગઈ . હવાને પણ ખબરના પડે તેવી રીતે જગુડાનું અપહરણ થઈ ગયું અને કોઈને ખબર પણ ના પડી . પરંતુ આ કાળા માસ્ક વાળો જગુડાનું અપહરણ કરનાર કોણ હતું ..?


(ક્રમશઃ)

મિત્રો આશા રાખું છું કે તમને મારી પ્રથમ નવલકથા વાંચવાની મજા આવતી હશે .

તમારા અભિપ્રાય આવકાર્ય છે .

તમારા અભિપ્રાય મને વોટ્સએપ પર મોકલી શકો છો .
મો. 96011 64756