Wheels keep spinning - 6 in Gujarati Fiction Stories by SUNIL ANJARIA books and stories PDF | પૈડાં ફરતાં રહે - 6

પૈડાં ફરતાં રહે - 6

6

જીવણ માં'રાજ પાંચની રાજકોટ વોલ્વો માટે તૈયાર થ્યા. ન્યાં એક ઓર્ડરલી એટલે કે ટ્રાફિક મેનેજર સાયેબનો પીયૂન એક ચિઠ્ઠી લઈ આવ્યો. 'કાર્તિક દવેને સાહેબ બોલાવે છે. હું જોઈ ર્યો.

ઓલો એસ.સી. ઉભો થઈને ઇની હારે ગ્યો. થોડી વારમાં પાસો આઇવો. મને કયે, 'ડ્યુટી આવી. પાંચની રાજકોટ વોલ્વોમાં. એનો કંડકટર બીજે મુકાયો. કોઈ કંડકટર રજા ઉપર છે એની જગ્યાએ. એટલે એને બદલે હું જઈશ.

મોટા ભાઈ, તમારી સાથે જે વડોદરા સુધી ને જમવામાં ભેગા હતા એમાં ઘણું સમજવા મળ્યું. દુનિયા જોવાની મારી નજર જ બદલાઈ ગઈ. આમ તો આપણે કાલે સવારે સાથે નીકળવાના હતા. ચાલો ત્યારે, મળીએ.'

મેં કીધું, 'જે માતાજી'.

ઈ માતાજીનું નામ ન બોલ્યો. જાવા દે.

અમારી ઘણી ટ્રીપ પંખીના મેળા જેવી હોય સે. ઓલું હું સ્ટીરીઓ પર વગાડું સું, 'પલ દો પલ કા સાથ હમારા, પલ દો પલ કે યારાને હૈ' ઈવું. કોઈ કંડકટર હારે જીવ મળી જાય તો સગા ભાઈયું જેવા થઈ જઈએ. અળગા રે'વું હોય ઈ ભલે આઘો રે'તો.

ઈ નીકળ્યો. મને યાદ આવ્યું, આ ટ્રીપ તો જીવણ મા'રાજ લઈ જવાના હતા! મેં ઈમને ભલામણ કરી, 'આ નવો કંડકટર સોરો આવે સે તમારી ટ્રીપમાં. ઈનો પેલો દી' સે નોકરીમાં. હાચવજો. આમ તો ઈ વોલ્વોમાં ગરદી વસે ટિકીટ ફાડવાની ને એવી જફા ન હોય. પણ ઇનો કદાસ ઘરની બાર્ય એ પેલો દી' સે.

જીવણ મા'રાજ કયે 'કેવું નો પડે. તેં ભલામણ કરી એટલે બસ. ભોમિયા!

આ પણ બિચારો મારી જેવો ભુદેવ ક્યાંય નહીંને કંડકટરની નોકરીમાં લાગ્યો છે. '

મેં કીધું 'જીવણ મા'રાજ, તમે તો કો સો કે બધાં આ જનમે કરવાનાં કરમ સે. કોઈ કામ ઊંસુ કે કોઈ નીસું નથ. પુરાણ વાંસે ને લગન કરાવે ઈ ઉંસો ને એસટીમાં ગુડાય ઈ નીસો ઈવું કેમ માનો સો? આપણું કામ જે આપણને રોટલો રળી આપે ને આપણાં સોકરાંનાં પેટ ભરે ઈ સૌથી ઊંસું.

ને બીજું કઉં, કોઈને કે'તા નઈ. ઈવડો ઈ ઓલા દલીત કે'સે કે કેવરાવે સે ઈ સે.

'તે નામ તો કાર્તિક દવે છે. એમ કેમ?'

'હોય. આજ કાલ પોતે સે ઈનું ગઉરવ કરવાને બદલે અટક બદલીને રેવાનો વા ઉપડ્યો સે. એમ કેમ કઈરું ઈ તમે ઈને જ પુસજો. આ તો મને કેન્ટીનમાં એણે કીધું તું.

કદાચ કાસ્ટ સર્ટિ ભરીને ઈ લોકોના ક્વોટામાં યે આઇવો હોય. પણ નોકરીના રેકોર્ડમાં જાત લખવાની ઈમાં હાચી જાત લખહે, બાર અટક દવે લખાવસે. જી હોય ઈ. તમે ઈને હાચવજો. લ્યો તારે રામરામ.'

'ભોમિયા, ચા તો પીવાઈ ગઈ. હાલ મારી ભેગો નીચે. બસ ઉપડે પછી જા ક્યાંક પગ છૂટો કરવા જઈએ. તારે તો કાલ સવારની બસ છે.' મા'રાજે આગરહ કઈરો. હું નીસે ગ્યો.

રફીક ને નાથગર પણ મારી હારે આઈવા.

વોલ્વો મુકાવાને વાર હતી. ટ્રાફિક કંટ્રોલર સાયેબ ને બીજા સાયેબ ન્યાં પ્લેટફોર્મ પાસે વોલ્વો પેસેન્જરો માટે વેઇટીંગરૂમ હોય ન્યાં ઉભેલા. ઈ બે સાહેબે ચા મંગાવી. અંદર એક કાકા ને માજી બેઠેલાં. એને માટે પણ એક મોકલી. કાકી કાકાને કે 'એસટીમાં ચા કેમની આપી? અંદર ફ્રુટી આપે છે ઈ તો ખબર છે.' કાકા પણ જોઈ રહ્યા. સાહેબે આ સાંભળ્યું. કહે, 'તમે બે વડીલો એકલાં બેઠાં જોયાં. પછી તમને મૂકીને પીવી એ અમને ન ગમ્યું. બાકી આ એસટી નથી આપતી. અમે મંગાવી એમાંથી આપી.'

કાકા ખુશ થઈ ગયા. આભાર માનતા કે' પૈસા હું આપું. સાહેબ મારા જેવું જ બોલ્યા, 'એસટીમાં આવે એ દરેક મુસાફર અમારો મહેમાન કહેવાય. મહેમાનને ચા પવાય કે એની પીવાય?' ઈમણે ઓલા ચા વાળા છોકરાને પઈસા આપી દીધા. કાર્તિક ઈ જોઈ રયો. ઈનું મગજ ઈ બધું રેકોર્ડ કરતું તું. હારું, એસટીની નોકરી હારે દુનિયામાં વરતવા કાંક હારું શીખ્યો. છોડની રોપણી સારી રીતે થઈ. એનું ઝાડ બનસે તો હારૂં ફળ આપનારું બનસે.

મા'રાજે ચાવી ફેરવી. એસીના ઘરઘરાટ સાથે અમને હાથ કરતી વોલ્વો ખાલી આઠદસ પેસેન્જરને લઈને ઉપડી.

લોકો અમારાં અછો વાનાં કરતાં પણ પ્રાઇવેટને જ હારી ગણે સે. મને લાગી આવે. અમને બધાને એસટી ઉપર પ્રેમ હોય ઈ બધાને નો હોય. લાખ કરતાં પણ વોલ્વો આઠ દસ પેસેન્જર લઈ ખાલી જાય ને પ્રાઇવેટમાં ઓછી સગવડ ને વધુ ભાડું દઈને પણ લોક એમાં જાય. અમારી મથરાવટી મેલી. પણ હું થાય? અમારે તો આવે ઈને ભગવાન ગણી સલામત પોંચાડવાના.

અમે બાકીના લોકો વડોદરા ફરી આવ્યા. એસટીની નજીક જ નટરાજ થિયેટરમાં થોડું જૂનું હિંદી પીક્ચર ચાલતું હતું. અત્યારે કેન્ટીનમાં જમવાની જરૂર નો'તી. થોડે દુર કડકબજારને બીજે છેડેથી આગળ જઈએ ત્યાં સ્વામિનારાયણ પંથીઓ આત્મીય લોજ ચલાવે છે. કેન્ટીનથી થોડા જ વધારે રૂપિયામાં સારું જમવાનું મળ્યું. સ્ટેશન પાસે નાના ઢાબાઓ છે પણ ઈ કેન્ટીન જેવા જ.

જમીને રાતે વાતો કરતા સુઈ ગ્યા. વેલા વાગે સાડાચાર.

મને તો સપનામાં પણ ઓલા લૂંટારાઓ પાછળ દોડતો હોઉં એવું આવ્યું. ઈમાં તો હું જ બંદૂક ફોડતો તો. કદાચ મશીનગન. જાગીને જોયું તો દોઢ. પાછું ઘર, મારાં ઠકરાણાં, નાનો બહાદુરસિંહ ને મારી ઢીંગલી સોના સાથે રમતો હોઉં એવું જોતો તો ન્યાં સાડાચારની એલાર્મ વાગી. ઘર તો સપનામાં રોજ આવે જ ને? એક વીકલી ઓફમાં ને ક્યારેક દૂર હોઈએ તો બે અઠવાડિયે ઘર ભેળા થઈએ.

બરસ કરી, ડીલે લોટા બે લોટા પાણી રેડી યુનિફોર્મ પહેર્યો. યુનિફોર્મ જરૂરી છે. ઈ પેરતાં જ તમારું ખોળીયું એ નોકરીમાં પરવેસી જાય. માઈંથી સ્માર્ટ ને ચુસ્ત લાગીએ. મેં યુનિફોર્મ પેર્યો ને મારો આતમા ભૂમિપાલસિંહમાંથી એસટી ડ્રાઇવરનો બની ગ્યો.

મારી હારે રફીક પણ ઉતર્યો. ઈ કે' ઈને આ જ ટ્રીપના કંડકટર તરીકે આવવાનો ઓર્ડર હતો. સવારે પોણા પાંચે પણ માઈક ચાલુ હતું.

કન્ટ્રોલ કેબિનમાંથી એનાવન્સ થયું- 'દાહોદ જતી જીજે 1 પીઓ 1212 પ્લેટફોર્મ 6 ઉપરથી પાંચને પાંચ મિનિટે ઉપડશે.'

હું એક ધબકારો ચુકી ગ્યો. આ તો મારી વહાલી 1212! ઈને તો નુકસાન થ્યું તું ને?

રફીક અને હું કન્ટ્રોલ કેબિન પાહે ગ્યા. લોગબુકમાં ટાઈમ ને કિલોમીટરની એન્ટ્રી કરી. મસ્ટરમાં હાજરી પુરી. હું 1212 ધોવા જાઉં ત્યાં તો રફીકનું ધ્યાન પઈડું. બા'ર એન્ટ્રી ગેઇટ પાહે કોઈ લારીમાં સ્ટવ ભડભડતો 'તો. અમે ઉપડતા પેલાં ચા પીવા ગ્યા.

મોટાં તપેલાંમાં ચા ઉકળતી 'તી. ચાવાળો ઘડીકમાં તપેલીમાં ચા, દૂધ, પાણીનું મિક્સચર હલાવે તો ઘડીકમાં ચમચાથી હથેળીમાં એની અંજલી લઈ પીવે. અમને ઉભા જોઈ એણે સ્પીડ મારી. આદુ કચરી નીચોવ્યું ને એક તપેલી ઉપર કપડું રાખી, સાણસીથી ચાનું તપેલું પકડી ઈ તપેલીમાં અધ્ધરથી રેડી. સાપુતારાના ગીરા ધોધની ઘોડે (જેમ) ચા ની ધારા ઊંચેથી તપેલીમાં પડતી રહી ને ઈની સુગંધ નાકમાં જઈ પીવાની ઇસ્સા મોટી ને મોટી કરતી રઈ.

અમે એક આખીમાંથી એક એક રકાબી ચા પીધી. પ્લેટફોર્મ 6 પર આઈવા.

આજે તો 1212 નહાઈ ધોવાઈ તાજાં ભરેલાં ડીઝલ ને કલાક પે'લાં કરેલા વોશની સુગંધથી મહેકી રહી. હારો દી' હશે તે એકાદ ગુલાબનો હાર સોત (પણ) સડાવેલો. અપસરા બસનું રૂપ લે તો આવી જ લાગે. પુરુષને એકલા ઓરડામાં તૈયાર થઈને મઘમઘતી, ઢોલીયા પાંહે ઉભી નવોઢાને જોઈ થાય ઈવું મને આ ચમકતી દમકતી, મઘમઘતી બસને જોઈ, સૂંઘીને થઈ ગ્યું.

ઠકરાણાંના સમ, અમને ડ્રાઇવરોને અમારી રોજની બસ જોઈનેય આવું થાય. હાસું કઉં સું બાપલા.

તો હું ઇમ જ, ટાયર પર સડી મારી સીટે બેઠો. બસની કેબિનની અંદર મીરર પાંહે માતાજીની છબીને અગરબત્તી કરી. ઇગ્નિનીશન ઘુમાવ્યું. નવોઢાને પિયુનો સ્પરસ (સ્પર્શ) થાય ને પ્રેમથી હુંકારો દયે ઈમ મારી 1212 ધીમો ઘુરકાટ કરી રઈ. મેં પ્રેમથી ઈનાં ક્લચ ને એક્સીલરેટર દબાવ્યાં. ઈને વહાલ કરતો હોઉં ઈમ સ્ટિયરિંગ હળવે હાથે ઘુમાવીને પકડી ઘુમાવ્યું. ભગવાનનું નામ લઈ સહુથી મોર્ય બાર નીકળવાના ગેટ હામી નજર માંડી બસ જાવા દીધી એય.. ને પાણીના રેલાની ઘોડ્યે.

બસને ડ્રાઇવર એક મશીન તો નથી જ ગણતો. એને માટે ઈ જીવતું માણહ સે. ઈને હું ગણે? રોજી આપે એટલે મા, એની હારે બોઈલા વના જ વાતું થતી હોય ને ઈ હમજતી હોય એટલે બેન, વહાલ કરીને હાથમાં રમાડીએ એટલે દીકરી કે આમ તમારો માંયલો પુરુષ જાગી જાય ઈવું લાગે એટલે વહાલસોઈ પરણેતર કે ઈ બધું જ વારાફરતી. વખત વખતના મૂડ ઉપર!

ઠીક. તો પરભાત ફુઈટા પેલાંની તાજી હવા લેતી 1212ને સેલાવતો હું રાજમેલ થઈ પુરવ બાજુથી વડોદરા છોડી દાહોદને રસ્તે પઇડો. પાસળ રફીક ટિકીટ કાપતો 'તો ઈના પંચીંગનો ટીકટીક અવાજ આઇવો. પસી ઈણે બસની લાઈટ બંધ કરી.

અંધારામાં બસની અંદરની લાઈટ જરૂર ન હોય ત્યારે બંધ રાખીએ તો સામેના વાહનની લાઈટું હરખી દેખાય ને આંખમાં વાગે નઈ. મેં મારી કેબિનની લાઈટ પણ બંધ કરી. અમે ડાકોર તરફ જતા'તા. જય રણછોડરાય.

હજી અંધારું ઘોર હતું. રસ્તે સામેથી મધ્યપ્રદેશ પાસીંગની ટ્રકુંની હાર આવતી 'તી. ઈ લોકો હાંજે નીકળ્યા હસે 'તી અતારે પો ફાટવા પેલાં જવું હોય ન્યાં પુગી જાય.

વડ ને પીપળા જેવાં ઝાડની કમાનોના દરવાજા વસેથી અંધારાંની પાંસળીયું જેવા ઈના પડછાયાના પટ્ટા ચીરતી બસ ફાસ્ટ જાતી તી. થોડો રીપેર થતો હોય કે તૂટેલો હોય ઈવો ઉબડખાબડ રોડ આઈવો. વસે વસે આદિવાસી એરીયાનાં 'અમૂકજી નો મુવાડો' એવાં બોર્ડ દેખાતાં હતાં. દૂર અંતરિયાળ છાપરાં હજી ઘોરતાં હોય ઈવું લાગતું 'તું.

ન્યાં વસેથી કોઈ સીટ પરથી કોઈ બાઈ માણહની ઉંહકારા હાથે (સાથે) ચીસ પડી. બાઈ બોકાહા નાખવા મઈંડી. અમારે ગામ ભેંસ વીયાય તારે અમળાય ઇમ આડી ઉભી થાય ને 'વોય.. માડી' કરતી જાય. ઈનો ધણી હશે ઈ ભાયડો મારી કેબિન પાહે આવી હાથ પસાડવા લાઈગો. મેં પાસળ જોયું. ઈ કયે, 'નજીકના ઇસ્ટેન્ડને ચ્યએટલી વાર સો?'

મેં પાસળ ઈની હામે જોઈ કીધું 'કાં પુંસવું પઈડું? આ અડધી કલાકમાં પુગ્યા સેવાલીયા. ડાકોર તો ગ્યું.'

ઈ ગભરાયેલો હતો. કયે, 'જલ્દી કરોને સાયેબ?' દેવરો (ભગવાન) થારો ભલો કરે.'

મને એની રીત પરમાણે બે હાથ જોડી, ફાળીયું ઉતારી કયે 'નજીકમાં કોઈ ગામ દેખાય તો ન્યાં લઈ લો. મારી બાઈને વેણ ઉપડી સો.'

ઈ લોકો બસારાં દુનિયાના બીજા બધાથી ઈટલા દુઃખી, ઈટલા વાતવાતમાં હડધૂત થતા હોય સે કે જેને વિનવવા હોય ઈની હામે ફાળીયું ધરી દે. પાસા કામ થૈ જાય ઈટલે દેવને જીવતો બકરો કે મરઘો સડાવે. ઈ મૂંગો જીવ બસારો ફાળીયું ન પાથરી હકે ઈટલે પગમાં માથું નમાવી ચીસો પાડે. ઈ ટાણે ઈ જીવ ભોગ દેવા હાટુ કપાતો જોવો તો ઉભા ન ર્યો. આંખું હોત બંધ થઈ જાય.

હું ચોઇંકો. મેં કીધું, 'તે આટલી સેલા (છેલ્લા) દી' લગણ રાહ હું લેવા જોઈ? હું ટ્રાય કરું સું પણ આ કોઈ મુવાડામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ નઈં હોય. હોય તો અટાણે આટલું વેલું દાક્તર નઈં હોય. ભારે કરી. '

ઈની હાથે બીજી ડોહી હતી ઈ ઉભી થઈને આવી. કયે, 'ડ્રાઈવર દીકરા, કાંક કર. આ તો પાણી પડવું હરુ થૈ જયું.'

હું નિઃસહાય હતો. આમ અંતરિયાળ ને ઈ પણ ભાંગતી રાતે ક્યાં જાઉં? ઈ બાઈ મારી બેન બરાબર. પણ આ વીરો એમાં હું કરી હકે?

બાઈની ચીહુ વધી. એનું 'આ.. વોય..' આખી બસને ઉઠાડી ગ્યું. હા, ઓલી રાજકોટવાળી વોલ્વો ખાલી જેવી હતી, મારી તો લગભગ ખીચોખીચ ભરેલી. ઈસ્ટેન્ડિંગ પેસેન્જર હોત લીધા 'તા. સોમવાર અને પાછી હવારની પે'લી બસ ઈટલે આદિવાસીઓ અને ગોધરા કૉર્ય રે'તા શહેરી જેવા માણાથી ભરેલી હતી.

બાઈની ચીસું સહન ન થાય એટલી વધી ગઈ. બાઈ કરાંજવા (દુઃખથી ચિત્કાર કરવા) માંઈંડી.

ક્રમશઃ