Wheels keep spinning - 5 books and stories free download online pdf in Gujarati

પૈડાં ફરતાં રહે - 5

5

વડોદરા આ દિલધડક પીછો ને પકડાપકડી છતાં બસ ખાસ મોડી નો'તી. એ બધું કોઈ નો માને, મને પણ સપનું જોયા જેવું લાગતું 'તું, પણ થઈ ગ્યું. હંધું હાચેહાચું હતું. મને ઈ પૂરું થ્યા કેડે નાનપણમાં ચોરપોલીસ રમતા ઈ યાદ આયવું. એમાં તો ચોર હોઈએ તો દોડીને ગામના પાદરે ભેખડો પરથી કૂદીને દોડતા ને પોલીસનો દાવ લેતા સોકરાવ પર નાના ઢેખાળા ફેંકતા. આંય તો હાચી ધડબડાટી મચી ગઈ 'તી.

એક તો ઈ વખતે અમે વડોદરા પહેલાંનું ટોલબુથ ક્રોસ કરી ગ્યા 'તા એટલે રસ્તો બહુ બાકી નોતો ર્યો. ઈ વખતેય પંદરેક મિનિટ વે'લા હતા. ને બીજું, નવી બસ હારી આવેલી. મારૂં કીધું માનતી 'તી.

આંય પુગ્યા તારે મારી ડ્યુટીના આઠ કલાક થઈ ગ્યા તા. અમારે એસટીમાં આઠ કલાક ડ્યુટી હોય. ઈ પસી જે મોટું ડીપો આવે ન્યાં ડ્યુટી ચેન્જ થાય. બીજો ટાઈમ થાય ઈ થોડા ટેમનો ઓવરટાઈમ મળે. અર્ધા કલાક જેવું બાકી હોય ને પસી બીજો મોટો ડીપો આવવાને વાર હોય તો ઈ આઠ કલાક પુરા ગણી લેવાય. લોગબુકમાં ટાઇમકીપરની પાહે લોગબુકમાં એન્ટ્રી કરાવવાની હોય. ઈ મેં કરાવી. કંડકટર અમદાવાદથી બેઠેલો. મસ્ત ઇસ્ત્રીટાઈટ ખાખી યુનિફોર્મ, નવી નક્કોર બેગ, ટિકિટનું નવું નક્કોર મશીન લઈને ચડેલો.

હવે તો આ મશીનથી ટિકીટ આપવાની. એમાં સ્ટેજ હોય. ક્યાંથી ક્યાં એની વિગત ટાઈપ કરે. પસી ઓલું લીલા એરા વાળું બટન દબાવે એટલે સરર.. અવાજ કરતી ટિકીટ બાર આવે. હું નોકરીમાં ર્યો તારે પંચીગ માટે સોકરાં દેડકો બોલાવે ઈમ ટીકટીક કરતો ને પાતળી એવી વીસ રૂ., દસ રૂ., ઇમ કરતાં પૈસાની ટિકિટ ફાડતો. ઈ પાતળી ટીકીટ બધી મુસાફરે હાચવવાની. કંડક્ટરે ચામડાના પાકીટમાં આવેલા પૈસા ને બાકી વેંચેલી ટિકીટોનો ટોટલ એમ હિસાબ જમા કરવાનો. હવે તો ઈ મશીનમાં જ સરવાળો થઈ જાય. બે મિનિટમાં જો બરાબર ટિકીટ ફાડી હોય તો ઈ નવરો. ક્યાંક ભીડમાં ભૂલ થાય તો ટિકીટના ટોટલ જેટલા પૈસા પુરા કરવા ઈને ઘરના જોડવા ય પડે. આ તમને અમારી નોકરીમાં શું હોય ઈનો થોડો ખ્યાલ આઈપો.

મેં નવા ડ્રાઇવરને ચાવી સોંપી. લોગબુકમાં કિલોમીટર લખાવ્યા. બસ ડીઝલ તો સુરતથી ભરાવે તો ચાલે એમ હતું એમ સાહેબે કીધું. આ બસો કેટલી એવરેજ આપે છે એનો એ લોકો પાસે રેકોર્ડ હોય જ.

હું મારો થેલો લઈ પેલાં તો કેન્ટીનમાં ગ્યો.

અમુક ડ્રાઇવરો ને કંડક્ટરો રસ્તે કોઈ પણ ઢાબા પાહે બસ ઉભી રાખી જમવા ઉતરે. ઢાબાવાળા પાસે પેસેન્જરોને ન્યાં ફરજીયાત જમવું પડે. એની થાળી દીઠ ઈ કંડકટર, ડ્રાઇવરને કમિશન આપે. હું તો કેન્ટીનમાં જ ગ્યો. મુસાફરો મેં કીધું ઈમ એસટીના મે'માન કે'વાય. ને અમે બસવાળા યજમાન. તો મે'માન જમે ન્યાં યજમાને જમવું પડે ને!

મેં હાથ ધોયા અને એક ખાલી ટેબલે મારું ટિફીન લઈને બેઠો. ઠકરાણાંએ કરી દીધેલ રોટલા ને અથાણું કાઢ્યાં. વેઈટર એલ્યુમીનીયમની ડીશમાં કાંદા ને મરચાં લાવ્યો. મેં છાશ ને શાકનો ઓર્ડર આપ્યો. બપોરે બે વાગે પણ સેવ ટમેટાંનું શાક ને એમાંયે તેલમાં તરતી સેવ. નામના જ ટમેટાંના કટકા. મેં બીજું શાક કયું સે ઈ પૂસ્યું. દૂધી ને ચણાદાળનું. એમાં બાફયા વગરની ચણાદાળ ઓસી ને વધુ દૂધી હોય ને ઈ બેય પાણીમાં તરતાં હોય ઈવું, શાક કરતાં સૂપ કે'વો ઠીક પડે ઈવું આઇવું. હાલે.

મેં ઘેરથી થેલાના આગલા ખાનામાં લાવેલ સાબુની ચપતરીથી હાથ ધોયા. ગમછો ખભે વીંટયો, મારો નેપકીન કાઢ્યો ને રોટલો શાકમાં બોળી કટકો ખાધો. ત્યાં ઓલો સ્માર્ટ દેખાતો નવો, મોટા બાબલા જેવો લાગતો કંડકટર બીજે ટેબલે બેઠો. હું એની સામે હસ્યો. ઈ સ્હેજ મરક્યો.

દુનિયામાં હોઠનો મરકાટ જ બે હૈયાંને નજીક લાવે સે. મેં એને કીધુ, 'ન્યાં દૂર કેમ બેઠા સો? આંય આવીને બેહો.'

ઇ આઇવો ને મારી હામે બેઠો. આમ તો રોલો મારતો આજુબાજુ જોતો હોય ઈવું લાગતું 'તું. હું યે હમજતો હશે પોતાને. એના ડ્રેસ પર હજી ઈસ્ત્રી કડક હતી. કોઈ ડાઘો ન પડે એટલે એણે ખોળામાં રૂમાલ રાખ્યો. વેઇટરને આંય હું મળે સે ઈ પુસ્યું. નક્કી નવી ભરતી. નવો બાવો બમણી ભભૂત ચોળે.

ઈ આજુબાજુ જોયા કરતો 'તો. કોડા, આ ભોમિયા બાપુ બેઠા સે એની હારે વાત કર. ઉધાર થાહે તારો. મેં પુઈસું, 'આજે ઓલા લેટર રૂપાણી સાયેબે આઈપા ઇમાંના?'

એણે ડોકું હલાવી હા પાડી.

મને તો, રસ્તા પર ચોંટી રે'વું જરૂરી ન હોય તા'રે બોલવા જોઈએ. એકવાર હમણાં જ અમને કોક સાયેબે કીધું તું કે વાતું કરવાથી 'સ્ટ્રેસ' ઓસો ર્યે. કાં તો આ બચારો ગભરાતો હસે. નવો સે એટલે. ને કાં તો મગજમાં રાઈ ભરી હશે. બેયની દવા સે મારી કને.

મેં એને રોટલો ધર્યો. એની પુરીશાકની પ્લેટ આવે એટલી વારમાં એણે એક બટકું તો ભઈરું. મેં એને કેન્ટીનવાળો અમને ઇસ્ટાફ વાળાને જ મૂકી જતો ઈ ગોળની ગાંગડી હોત (પણ) આપી. સંબંધની ગળી શરૂઆત.

'આજે જ જોઈન થયો. અમને આખા ગુજરાતમાં 1600 લોકોને એપોઇન્ટ કર્યા. આ વડોદરા ડિવિઝનમાં અમે 135.' એણે આખરે મોંમાં ભરેલા મગ વેર્યા ખરા.

'ખબર છે. હું છાશ પીવું સું. છાશ કે અમુલ મસ્તી મગાવું?' મેં પુઈસું. ઇનો પેલો દી' હતો. મારે તો અડધી નોકરી ગઈ ને અડધી રઈ. હું 2001 માં ર્યો તો.

ઈની પુરીશાકની પ્લેટ આવી. એણે મારો રોટલો ખાધો, ભલે બટકું, પણ પુરી શાકમાં મને આગરહ નથી કરતો. ટેવ નથ? કે એકલા ખાવાની ટેવ સે!

'તમે કેવા?' એણે મને પૂછયું.

'તને કેવો દેખાઉં સું ગગા?' મેં હામું પુઈસું.

ઈ મારાથી વીસેક વરહ નાનો લબરમુછીયો જુવાન હતો. કંડકટર એમ તો ડ્રાઇવરથી ઊંચી પોસ્ટ કે'વાય પણ ઈ મારાથી ખાસ્સો નાનો હતો. અને કંડકટર - ડ્રાઇવરની તો જોડી હોય. બધે કંડકટરને અમે ડ્રાઇવર એક નામે જ બોલાવીએ.

'સારા જ છો. મને રોટલો આપ્યો, ઓળખાણ કાઢી.. આ તો હું એમ પૂછું છું કે નાતે કેવા છો?'

'લે કર વાત. ભઈલા, નાતે આપણે બધા નોકરીયાત. પેટા નાત એસટી વાળા.'

'તોય.. જાણવા માટે.'

'હું કામ જાણવું સે? ને તોય કઉં. હું રજપૂત. હવે કયે. હું કામ પુસવું થ્યું?'

'હું તો એસ.સી.- મેઘવાળ.'

' લે. 'તી ઈ કેમ કેવું પઇડું?' મેં પુઈસું.

'તમે લોકો અમારામાંથી ખાવ નહીં કે અમારી સાથે બેસો નહીં તો! પછી કહેતા નહીં કે નહોતું કીધું.'

હું રાતો ચોળ થઈ ગ્યો.

'લે આ બેઠો તો સું. ને લે આ ખાધું.' કહેતાં મેં ઇની પુરીનું બટકું ઇના બટેટાના કાચા રઈ ગેલા શાકમાં બોળીને ખાધું.

'છોરા, આ 2020 હાલે સે. અમે ખાસ ન ભણેલા પણ એવું નથ માનતા. હું તો જો કે મેટ્રિક પાસ સું, આવું તો આજ કાલ ગામડાના માણહ પણ નથી માનતા.

જો, ઇ આભડછેટ આજથી હો દોઢહો વરહ પેલાં હતી કારણ કે અમુક લોકો જે પણ કામ કરે, ઇમાં કે'સે ચોખ્ખાઈ નો'તા રાખતા. એટલે આજે હમણાં આ કોરોનાએ હીખવાઇડું એવું તારે (ત્યારે) હતું.

પાનસો વરહ પે'લાં નરસી મેતાને ઈ … લોકોએ કીધું કે અમારે ન્યાં ભજન કરવા આવો. તો એ કયે આખો વાસ ચોખ્ખો કરો ને બધા નહાઈને બીજાં લૂગડાં પે'રો તો ભગવાન આવશે ને તો જ હું ભજન કરીશ.

આજે તો જો, હું આ વીસ વરહથી ડ્રાઇવર સું. મારી ભાહા જો ને તારી. કોણ હુધરેલું લાગે સે?

ને ભાઈ, મારી ભાહાજ ઇવી સે હોં! બાકી મારું માન સે એસટીમાં.ગુજરાતના રસ્તાઓનો પાક્કો ભોમિયો સું ને ડ્રાઇવિંગને ઘોળીને પી ગ્યો સું. સ્ટિયરિંગ મારૂં સાસ્તર ને એસટીની ટ્રીપું મારી ગીતા. હું નાતજાતમાં માનતો નથ.

તે હમજી લે, તારેય ઈ બધું માનવાનું નહીં. ને તું હું ભણ્યો સે?'

'કોલેજનાં બે વર્ષ. પછી ફેઈલ થયા કર્યો. ફાધર એસટીમાં જ છે. એટલે વળી અહીં થયું.'

'તો હું ખાલી ભાહાજ આવી બોલું સું. રોજ કામેય ડ્રાઇવરો હારે રે. એટલે ઇની જ ભાહા બોલું. પણ આપણા ભણવામાં બઉ ફેર નથ. બેય મેટ્રિક પાસ. તું બે વરસ કોલેજનું પગથિયું ચડી આઇવો. શેરમાં ર્યો. ને હું ગામડામાં. એટલે આ ભાહા બોલું ને તું તો શહેરની ચોખ્ખી બોલી બોલે છે ને કાંય!'

'આ તો ફાધરે એના સાહેબના સાહેબ થ્રુ છેડા અડાડ્યા. એટલે સિલેક્ટ થયો. બાકી એટલી લાગવગ..'

મેં એને વચ્ચેથી અટકાવ્યો.

'મને ખબર નથી. મારા દાદા મારા ફાધરને કહેતા હતા ને ફાધર ઘરમાં મને ને મારા ભાઈઓને વાત કરે. કોઈ નાટકમાં પણ કહેલું કે એ લોકોનાં કામ તમે લઈ લો ને તમારા એ લોકો..'

'જો, કોઈ કામ એ લોકો ને તે લોકોનું નથી. તારા બાપા એસટીમાં ખુરશીમાં બેસીને કામ કરવાની નોકરીમાં છે. તારા દાદા? સ્વીપર હતા?'

ઈ ગુસ્સે થ્યો. 'એ સ્કૂલમાં પીયૂન હતા. પછી પ્રાયમરીમાં ટીચર. એ વખતે પણ.'

 

'તો ઈ કોનું કામ કોણે લીધું, તને ઝેર રેડી કે'વાયું સે ઇ પરમાણે? તારી ત્રણ પેઢી, કદાચ આઝાદીથી એંસી વરસમાં ગણો તો ચાર કે પાંચ પેઢી તો તારી ભાસામાં 'તમારું' કે'વાતું કામ નો'તી કરતી. 'એ લોકોનું કામ' એટલે ભણાવવાનું ને સરકારમાં મોટી પોસ્ટનું કેતો હો તો તમે હંધાય વૈજ્ઞાનિક થઈને રિસર્ચ કરહો? બંદૂક લઈ મિલિટરીમાં ચીન હામે જાહો?

ભાઈ, અમુક લોકો પોતાના સવારથ હાટુ કાનમાં ઝેર રેડે છે એમાં પડ નઈં. કદાચ મોગલોએ ને પસી અંગ્રેજોએ હંધાયને નાતજાત જોયા વના દબાઈવા. પસી હો દોઢહો વરહમાં આ નાતજાતની ખાઈ વધુ પડતી પો'ળી થઈ ગઈ. અમુક લોકોએ જાણી જોઈને કરી. બહો અઢીસો વરહ હામે નવા જમાનાના સો વરહ તો તમે કેવાતાં ઉંસા વરણની હારોહાર તો ઉભા. હું ઈમ નઈ કઉં કે તક મળે તો તમે અમને દબાઈવા જ સે ને દબાવો જ સો. પાંચ સાત એસસી મળે ને એકલો ઉજળિયાત હોય તો એની પાસળ પડી જાય. મને તો અનુભવ થાય સે. પણ જાવા દે. મુક એ તું કે' છ ઈ ઉજળિયાત પર ઝેર ઓકવાનું. ઈ લોકોનો યે વાંક નથી કે આજના જમાનામાં ઈમને કેવાતી હુધરેલી વરણમાં જન્મ આઇપો. આજે તો ઈમાં જન્મ લેવો ઈ કમનસીબી કે'વાય સે. ઈ બધું ખોટું. લડવું હોય તો હારે મળીને લડવા જેવું ઘણું સે. નાતજાતને નામે અંદરોઅંદર નઈં.

લે, મેં તારી એક પુરી, પૂરી કરી નાખી. આ દહીં બે વસે બે ચમચી લઈને આપણે બેય એક જ કપમાંથી ખાઈને ઉભા થઈએ.

હવેથી મારી હારે નાતજાત બાબત બોલવું નઈં. હારે નોકરી કરીએ તો જે કરીએ ઈ હારે મળીને હંધું કરસું.'

મેં મારી રીતે ઈને સૂચના આપી દીધી. ઈ હમજી ગ્યો. મેં કીધું 'તારી નોકરી નવી સે. મને તારો મોટો ભાઈ હમજજે. કાંઈ પણ મુશ્કેલી હોય તો આ ભોમિયા બાપુ હારે રેશે.'

ઈ કયે 'સારું મોટાભાઈ'.

એક નવો સંબંધ એસટીએ જોડ્યો.

અમે હારે જ બસસ્ટોપની ઉપર દાદરો ચડી અમારી ડૉરમીટરી કે' સે ઈ આરામ લેવાની જગ્યાએ ગ્યા.

ઉપર લાંબા રૂમમાં લાઈનબંધ લોઢાના પલંગો હતા. ઉપર બેસી ગે'લાં ગાદલાં પાથરેલાં. ઈની ઉપર પોતાની લૂંગીયું પાથરી કોઈ ડ્રાઇવર, કંડકટર સુતા 'તા. પંખાઓ હવા ફેંકવા કરતાં અવાજ વધારે કરતા હતા. એમાંના અમુક લોકોનો પરસેવો ગંધાતો હતો. બારી પાહે લાંબી દોરી બાંધી એની ઉપર ઈ બધાના ગંજી જાંગીયા સુકાતા 'તા. એક ખૂણામાં સીંકમાં કોઈ દાઢી કરી રયો 'તો, તો કોઈ ઈ જાય તો પોતે બરશ કરી મોઢું ધોવે એની રાહ જોતો ઉભો 'તો.

અમારું બધે એવું જ ઠેકાણું એક રાત કાઢવાની હોય. કોઠે પડી ગ્યું તું. હું તો બે ચાર જાણીતા ડ્રાઈવર મળ્યા તે વાતોનાં વડાં કરવા માંડ્યો. આ મારો ખાસ દોસ્ત રફીક આવી ગ્યો, બીજા નાથગર ગોસાઈ, જીવણ મા'રાજ ( આ ભામણ ડ્રાઇવર સે. ઈને થવું પઇડું સે. કોનું કામ કોણે લીધું?) બધા હારે વાતું કરી. મારી રૂપાણી સાયેબે શાબાશી આપી ઈ વાત મારા પેલાં પુગી ગઈ 'તી. બધા કયે સા મંગાવ. મેં કીધું હાંજે પાંચ પસી મંગાવું. મેં તો જે લંબાવી, બે કલાક ઘોરી ગ્યો. ઓલો નવો બસારો સખમાં નો'તો. એણે આવી ડોરમીટરી પે'લી વાર જોઈ હશે. જીવણ મા'રાજ હમજી ગ્યા. ઈમને પાંસની બસ હતી તોયે ઇને પોતાનો બારી પાસેનો પલંગ આપી પોતે નીચે આંટો મારવા નીકળી ગ્યા.

અમે ઉઠીને સા મંગાવી. કેન્ટીનની સા હારી નો'તી આવતી. બાર ગેટ પાંહેથી લારીની મંગાવી. સોકરો એક સફેદ કોડીના પોટમાં ચા ભરી ઉપર રકાબી ઢાંકી બે ચાર કપ રકાબી લાવ્યો. મેં, રફીકે, નાથગરે, જીવણ મા'રાજે - બધાએ નાતજાત યાદ કર્યા વના હારે મળીને પીધી. ઈવડા ઈ, હું કેતો તો? 'એસ સી', ઈનેય આપી. અમે એકલા ખાતાપીતા શીખ્યા નથ.

ક્રમશઃ