earn books and stories free download online pdf in Gujarati

કમાણી

કમાણી..... વાર્તા.. દિનેશ પરમાર 'નજર
***************************************
સંજોગોના પાલવમાં છે બધું,
દરિયાને ઠપકો ના આપો
એક તરતો માણસ ડૂબે છે
એક લાશ તરીને આવે છે

– સૈફ પાલનપુરી

****************************************
રેવન્યુ વિભાગના ક્લાસ વન અધિકારી સુભાષરાય ગુણવંતરાય મજમુદાર ની અંતિમ યાત્રા, જ્યારે સ્મશાનમાં પહોંચી ત્યારે સ્મશાન યાત્રામાં આવેલા સગા, સંબંધી, મિત્રો, વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને બીજા સંલગ્ન લોકોથી સ્મશાન ઊભરાતું હતું.
સ્વર્ગસ્થ સુભાષરાયના દીકરા મયંક અને સાહિલે એક અછડતી નજર તેઓ ઉપર નાખી અને પિતાના આ સંબંધોના વૈભવથી મન માંને મનમાં પોરસાયા.
કેટલા લોકો પિતાશ્રીને માન આપતા હતા અને ચાહતા હતા...?
તેમની ત્યાંની સ્થાનિક દર્શન વિધિ પતાવી, વિદ્યુત-ભઠ્ઠી કેટલાય સમયથી બંધ હોઈ, અગ્નિ સંસ્કાર માટે લાકડા ગોઠવવાની ક્રિયા શરૂ થતા લોકો આડાઅવળા, ઝાડ નીચે, બાંકડા પર કે જ્યાં ખુલ્લી જગ્યા જોઈ ત્યાં ગોઠવાતાં ગયા.
એક ખૂણામાં ઉભેલા બે ઓળખીતામાંથી એક બોલ્યો, " યાર.. સાહેબ મરદ હતા, મારે હાઈ વે પર ગાર્ડન રેસ્ટોરન્ટ બનાવવી હતી, પણ વર્ષોથી ત્યાં ઘેટાં બકરાં બાંધીને રહેતા અને છૂટક મજૂરી કામ કરતા લોકોના બાપદાદાને લગભગ પચાસ એક વર્ષ પહેલાં, મારા દાદાએ ઈનામ પેટે લખી આપેલી જમીન, ધાક ધમકી આપી, અને રેકોર્ડ પરથી તેમનું ઈનામી નામ હટાવી પરત અપાવી, નો ડાઉટ તેના માટે સારી એવી રકમ આપવી પડી, પણ કામ કરી આપ્યું. "
તો આગળ લીમડા નીચે બાંકડા પર બેઠેલા બે વાતો કરતા હતા." એક મોકાની કરોડો રૃપિયાની જમીન મને ગમી ગયેલી તે ખરીદવાની ઈચ્છા હતી, પણ... "
ત્યાં બાજુમાં બેઠેલો બોલ્યો," પણ..? પણ.. શું..? "
જેની જમીન હતી તે વર્ષો પહેલાં અમેરિકા કાયમ માટે સ્થાયી થયેલા, તે ત્યાં જ ગુજરી ગયા. "
" પછી તો સાહેબને વાત કરી, સાહેબે તપાસ કરી શોધી કાઢ્યું કે, અમેરિકા જતા અગાઉ તે જમીનની કાંઈ પણ કાર્યવાહી કરવાની થાય તો તેના કારોબાર માટે જમીન માલિકે તેના સગા ભાણિયાને પાવર ઓફ એટર્ની (કુલ મુખત્યારનામું) કરી આપ્યું હતું."
"તેમણે ભાણિયાને બોલાવી સમજાવ્યો કે તેના મામા ગુજરી ગયા છે અને હવે કાયદા મુજબ આ પાવર અસ્તિત્વમાં રહેતો નથી તેથી આ જમીન પર કશું થઈ શકે તેમ નથી. પરંતુ તે સાથ સહકાર આપે તો સારી એવી રકમ અપાવી શકે તેમ છે. "
" પછી..? " બાજુવાળો પ્રશ્નાર્થ ચહેરે જોઈ રહ્યો.
" ભાણિયો પૈસા મળતા હોઈ સાહેબની વાત સાથે સંમત થતા, કોઈ જૂના સ્ટેમ્પ પેપર પર મારી અને ભાણિયા વચ્ચે વેચાણ કરાર કરાવી અને તે જમીન મને અપાવી, જોકે તેમાં સારી એવી રકમ મારે સાહેબને આપવી પડી, આ તો બુધ્ધિના જ પૈસા અને કમાણી છે ને!!!"
સ્ટાફ અને બીજા પણ સ્મશાનમાં આ રીતે તેમની બુધ્ધિ અને કામ કરી આપવાના કૌશલ્ય વિશે જ ચર્ચા કરતા હતા.
જેવી તેમની ડેડ બોડી લાકડા સાથે ગોઠવાઈ ગઈ અને બંને ભાઈઓએ અગ્નિદાહ આપ્યા બાદ, દરેક લોકોને હાથ જોડી મળતા ગયા તેમ તેમ લોકો હાથ જોડી, પોતાના કામ ધંધા પર જવા ઉતાવળે સ્મશાન છોડી ગયા.
છેલ્લે બે ભાઈ અને તેમના કાકા કિર્તીભાઈ તથા કિર્તીભાઈના દીકરા રાજન અને મોહિત સિવાય સ્મશાનમાં કોઇ દેખાતું ન હતું.

********

અમદાવાદના જોધપુર જેવા પોશ એરિયામાં સ્વતંત્ર બંગલો ધરાવતા સુભાષરાય ગુણવંતરાય મજમુદાર અને તેમના નાના ભાઈ કિર્તી ગુણવંતરાય મજમુદાર નો જન્મ મણિનગર રેલ્વે સ્ટેશનની પૂર્વ તરફની એક ખુબ જુની ઈન્ડસ્ટ્રીયલ વર્કરની વસાહતમાં થયો હતો.
તેઓના પપ્પા કાપડની મિલમાં કામ કરતા હતા.
બન્ને ભાઇઓ મણિનગર વિસ્તારમાં આવેલી શાળામાં ભણતા, સુભાષ ભણવામાં હોશિયાર હોઈ અને બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ આવતા તે મેઇન અંગ્રેજી વિષય સાથે ગ્રેજ્યુએટ થયો અને રેવન્યુ વિભાગમાં ડાયરેક્ટ ક્લાસ ટુ માં સિલેક્ટ થતા જોડાઈ ગયો.
જ્યારે નાનો કિર્તી ભણવામાં સામાન્ય હોઈ એસ એસ સી માં ફેઈલ થતા બાપાએ તેમની કોલોનીના મેઇન રોડ પર પડતા તેમના રો-હાઉસના આગળના ભાગે કરિયાણાની દુકાન કરી આપી.કિર્તીનો મોટો દીકરો રાજન કોલેજના છેલ્લા વર્ષમાં હતો જ્યારે નાનો મોહિત બાર સાયન્સમાં આવ્યો હતો.

ખુબ સાદું જીવન જીવતા કિર્તીભાઈની તબિયત પણ સારી રહેતી નહોતી. મોટાભાઈ સુભાષના ગુજરી ગયાને માંડ વર્ષ થવા આવ્યું ત્યાં તેમની તબીયત વધુ બગડતા, દવાખાનામાં જ દમ તોડી દીધો.

**********

કિર્તી મજમુદારની અંતિમયાત્રા જ્યારે સ્મશાનમાં પહોંચી ત્યારે તેમના પુત્રો, થોડા ઘણા સગા સંબંધી, તેમની કોલોનીમાં રહેતા પાડોશીઓ અને તેમના ચાર પાંચ મિત્રો હતા. અને તેમના મોટા બાપાના બે પુત્રો મયંક અને સાહિલ.

મયંક અને સાહિલે એક નજર તેઓ પર નાખી અને એકબીજા સામે સૂચક નજરે જોયું. જાણે તેઓ મનમાં બોલતા હતા કે, " તેઓના પિતાજીની અંતિમ યાત્રા સમયે આખું સ્મશાન ઉભરાયુ હતું. અને અત્યારે....? પિતાજીએ સંબંધોની કેવી કમાણી કરી હતી?"
જ્યારે અગ્નિદાહ આપી બંને ભાઈ મયંક અને સાહિલ લોકોને હાથ જોડી રહ્યા. તે પછી પણ બે ચારને બાદ કરતા બધા એક તરફ ઉભા હતા.
લગભગ બધાની આંખો ભીની હતી.
કારણ.. ?
કારણ કે કીર્તિભાઈએ પૈસા કરતા સંબંધોને વધારે મહત્વ આપ્યું હતું. ત્યાં ઉભેલા લોકોને, પૈસા ના હોય, તકલીફમાં હોય ત્યારે અનાજ કરિયાણાની, કે કોઈના ભણતા બાળકોની ફી ભરાવા કે કોઈ હોસ્પિટલમાં દાખલ થયેલાને, ડાબા હાથને ખબર ન પડે તેમ જમણા હાથે મદદ કરી હતી.અને આ ત્યાં ઉભેલા, જેની આંખો ઝળઝળિયાંથી ભરેલી હતી તે અને વિદાય લઈ ચૂકેલા કીર્તિભાઈ જ જાણતા હતા.
ચેહ ઠંડી પડ્યા પછી, કળશમાં અસ્થિ એકત્ર કરી બંને ભાઈઓ તેમના પિતરાઈ ભાઈઓ, સગા સંબંધી, મિત્રો, પાડોશીઓ ભારે હૈયે પરત ફરી રહ્યા હતા.
ત્યારે...
તેમના મોટા બાપાના બે પુત્રો મયંક અને સાહિલ,મનમાં વિચારી રહ્યા કે, " ખરા અર્થમાં કોણે જીવનની સાચી કમાણી કરી જીવન ઉજાગર કર્યું...?"

***************************************