Case No. 369 Satya ni Shodh - 31 books and stories free download online pdf in Gujarati

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” - 31

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ”

ડો. હિના દરજી

પ્રકરણ – ૩૧

રીયા: “હા ડોક્ટર... મને ખાતરી નથી... પણ તમે જે પ્રમાણે પૂછો છો... એના પરથી મને લાગે છે હું મા બનવાની છું...”

રીયાનાં શબ્દો સાંભળી ઘરમાં સન્નાટો થઈ જાય છે. જો વાત સાચી હોય તો ખુશી મનાવવી કે દુ:ખ કરવું એમ બધા વિચારે છે.

ડોક્ટર: “તમારું અનુમાન સાચું છે... તમે પ્રેગ્નેટ છો... અને તમારે વધારે ટેન્શન લેવાનું નથી... આરામ કરવાનો છે... બચુભાઈ તમે મારા ક્લિનિક પર રીયાને લઈ આવો... એક-બે ટેસ્ટ કર્યા પછી એમની દવા શરૂ કરવી પડશે...”

બચુ અને ડોક્ટર બહાર જાય છે. સાધના આંખો લુછતી રીયા પાસે આવે છે: “બેટા, સાચે મારા અર્જુનનો અંશ દુનિયામાં આવવાનો છે?” હાજર દરેક સભ્યની જેમ સાધનાને વિશ્વાસ આવતો નથી. રીયા આંખોથી હા બોલે છે. સાધના એના માથાને ચુમી બોલે છે: "બેટા, તું આ બાળકને જન્મ આપવા ના માંગતી હોય, તો તું એબોર્શન કરાવી શકે છે..."

એ વખતે વ્હિલચેરમાં બેસી વિક્રાંત અને નીલિમા રૂમમાં આવે છે. વિક્રાંત: "હા રીયાભાભી અર્જુનભાઇનું અધુરું કામ પુરૂ કર્યા પછી તમારે બીજા વ્યક્તિ સાથે લગ્ન કરવા જોઇએ... આગળ જતાં આ બાળક….."

રીયા હાથ ઊંચો કરી વિક્કીને બોલવાની ના પાડે છે: "મમ્મી હું અર્જુનનાં અંશને જન્મ આપીશ... એના દુશ્મનો જોડે બદલો પણ લઈશ..."

બીજા કોઇ કઇંક બોલે એ પહેલા વિશાલ રૂમમાં આવે છે: "કરણસર, શુક્લા અને ખત્રી ડબલ ગેમ રમી ગયા..."

કરણ મોટેથી હસે છે: "વિશાલ, એ લોકો ડબલ ગેમ રમશે એનો મને અંદાજ હતો... બોલ મારૂં સસ્પેન્શન આવ્યું હશે... અથવા તો મારી બદલી આવી હશે..."

પર્વતસિંહ અને વિક્રાંતનાં ચહેરા પર પણ હસી આવી હતી. જ્યારે બીજા બધાને કાંઈ ખબર પડતી ન હોવાથી આશ્ચર્યથી એક-બીજા સામે જોતા હતા. કરણ: "શું આવ્યું છે? મારૂં સસ્પેન્શન આવ્યું છે? કે મારી બદલી આવી છે?"

વિશાલ: "સર... બદલી આવી છે... અને માત્ર તમારી નહીં... મારી અને સંજયની પણ આવી છે... તમારી બદલી પૂના થઈ છે... મારી કોલ્હાપુર થઈ છે... અને સંજયની મુંબઈમાં જ બીજી પોલીસચોકીમાં થઈ છે... હમણાં રાવજીએ ફોન પર જણાવ્યું કે આપણાં ત્રણેયનાં ટ્રાન્સફર લેટર આવ્યા છે..." વિશાલ થોડી વાર પછી આગળ બોલે છે: "સર, રાવજીએ બીજા પણ સમાચાર આપ્યા છે... અંગાર જર્મની ભાગી ગયો... શુક્લા અને ખત્રી બન્નેને ખેંગારનાં ઘરેથી હસતા-હસતા નીકળતા જોયા છે..."

કરણ અને પર્વતસિંહ એકબીજા સામે જુએ છે. વિક્કી: “વિશાલભાઈ એ તો થવાનું હતું... કરણભાઇએ ભાઈનો વિડીયો બતાવ્યો એમાં ખેંગાર પણ દેખાય છે... અંકલ ખેંગારે ઊંચું જોર લગાવ્યું... ખેંગારને પણ ભાઈનો ડર હશે... અર્જુનભાઈ અને કરણભાઈ બન્ને એક થાય તો એને તો મરવાના દિવસો આવે... કરણભાઈની ટ્રાન્સફરથી કમિશ્નર પણ સંડોવાયેલો છે, એ સાબિત થાય છે... જે થયું તે સારા માટે થયું છે કરણભાઈ... મને મલ્ટિપલ ફ્રેક્ચરનાં ઓપરેશન પછી લડાઈ કરવા માટે સક્ષમ થતાં કમસેકમ છ થી નવ મહિનાનો સમય લાગશે એવું ડોકટરે જણાવ્યું છે... રીયાભાભી પણ હમણાં આરામ કરશે... નીલિમા હજુ કમજોર છે... તેને બચુકાકા પાસે ટ્રેનિંગ લેવાની છે... પ્રતીક અને રોહિત પણ એકસાથે દસ માણસો જોડે લડી શકવા માટે દુર્બળ છે... આપણને સમયની જરૂર હતી અને આપણને સમય મળ્યો છે...”

સાધના અત્યાર સુધી બધાની વાતો શાંતિથી સાંભળતી હતી: “પર્વતભાઈ હું પણ હવે થોડી ઘણી વાત સમજી ગઈ છું... ખેંગારે એના ભાઈને જર્મની મોકલી દીધો છે... દુશ્મનો સચેત થઈ ગયા છે... આપણને સમયની જરૂર છે... રીયા જો બાળકને જન્મ આપવા માંગતી હોય તો એ તમને સાથ નહીં આપી શકે... દરેકને મુકાબલો કરવા માટે સક્ષમ થવાની, યોગ્ય યોજના અને સમયની જરૂર છે... ભગવાને ખેંગાર, અંગાર અને રાજુને થોડું વધારે જીવનદાન આપ્યું છે... મને ભગવાન પાસે કોઈ ફરિયાદ નથી... તો હવે આપણે એક કામ કરવાનું છે... બસ યોગ્ય સમયની રાહ જોવાની છે... કરણ બેટા તું શાંતિથી પુના તારી પત્ની અને બાળક સાથે રહેવા જા... કાંઈ જ બન્યું નથી એ પ્રમાણે આપણે દુશ્મનોને દેખાડવાનું છે... બધું શાંત પડી ગયું એમ રાખવાનું છે... મારા અર્જુનનો અંશ આ દુનિયામાં આવવાનો છે... એની ખુશીમાં બદલો લેવાની મને કોઈ ઉતાવળ નથી...”

સાધના, હંસા, કિશોર અને સુધા બીજા રૂમમાં જાય છે. સાધના એની સાથે રીયાને પણ લઈ જાય છે. જાણે અત્યારથી રીયાને કોઈ ટેન્શન આપવા માંગતી નથી. બધા જ સાધનાની વાત સાથે સંમત થાય છે. દરેક પોતાનું નબળું પાસું બતાવી એને દૂર કરવાની યોજના બનાવે છે. કરણ અને વિક્કી દરેકે શું કરવાનું છે એ નક્કી કરે છે. આ બધી યોજનામાં સલિમને કેટલાક અગત્યનાં કામ સોંપવામાં આવે છે.

યોજના નક્કી થાય છે તરત વિક્કી ઓપરેશન કરાવવા અને રીયા ચેકઅપ કરાવવા માટે જાય છે. જતી વખતે નીલિમા હાથ જોડી કરણને પ્રણામ કરે છે. કરણ પહેલી વાર ધ્યાનથી નીલિમાને જુએ છે. સુંદર, માસૂમ ચહેરો. ચહેરાની સુંદરતા એટલી નિર્દોષ દેખાતી હતી, કોઈપણ વ્યક્તિનું એના ઉપર દિલ આવી જાય. આટલી સુંદર અને નાજુક છોકરી પર અંગારે બળાત્કાર કર્યો હતો. એ બળાત્કારની પીડા સહન કર્યા પછી નીલિમાનો ચહેરો થોડા અંશે રોદ્ર અને મન કઠોળ બન્યા હતા. માસૂમ સુંદરતાવાળો રોદ્ર ચહેરો બળાત્કારીને સજા આપવા માટે ઉત્સુક બન્યો હતો. નીલિમાની ગહન આંખોમાં આત્મવિશ્વાસ છલકાતો હતો. એના હોઠનું શાંત હાસ્ય મક્કમ નિર્ણયની સાક્ષી પરતું હતું. કરણ મનોમન નીલિમાને સફળતા મેળવવા માટે આશીર્વાદ આપે છે.

***

પછીના મહિનાઓ ખૂબ ઝડપથી પસાર થાય છે. કરણ પૂનામાં તેની પત્ની અને બાળક સાથે રહી નોકરી પર ધ્યાન આપે છે. સંજય અને વિશાલ પોતપોતાની પોલીસચોકીમાં કામે લાગી જાય છે. રીયા માતૃત્વ ધારણ કરવા, એક સારી માતા બનવા માટે સાધના, હંસા અને સુધા જે કરવાનું અને શીખવાનું કહે, તે કરે છે અને શીખે છે. ઓપરેશન પછી વિક્કી થોડા જ અઠવાડિયામાં કરાટે, બોક્સિંગ અને કસરત ચાલુ કરે છે. પર્વતસિંહ દરરોજ પ્રતીક, રોહિત, વિક્રાંત અને નીલિમાને કોઇને કોઇ પેંતરાબાજી બાબતે સમજણ આપી એના પર ધ્યાનથી કામ કરવાનું શીખવાડે છે. બચુભાઈ ચારેયને સારી રીતે ટેનિંગ આપી લડાઈ કરવા માટે મજબૂત કરવા લાગે છે. પર્વતસિંહનાં સમજાવવાથી ત્રણેય મિત્રો PSIની પરીક્ષા આપવા માટે તૈયાર થાય છે.

સલિમને જે કામ સોંપવામાં આવ્યું હતું, તે કામ માટે એ માણસોને કામે લગાડે છે. કરણ, પર્વતસિંહ તથા વિક્કીને ખેંગાર અને રાજુનાં દરેક કામની રજેરજ વિગત આપવાનું કામ તેને સોંપવામાં આવ્યું હતું. સલિમ એના માણસો દ્વારા બધી માહિતી એકઠી કરી બધાને પહોંચાડતો હતો. આ મહિનાઓ દરમિયાન કરણ એકપણ વાર સુરત આવતો નથી અને કોઈને મળતો નથી. સંજય અને વિશાલને પણ મળતો નથી.

રીયા સુંદર મજાની દીકરીને જન્મ આપે છે. અર્જુનનાં નામમાંથી ‘અર’ અને રીયાનાં નામમાંથી ‘યા’ લઈ એનું નામ ‘આર્યા’ પાડવામાં આવે છે. નાજુક અને માસૂમ નીલિમા હવે શકિતશાળી વીરાંગના બની હતી. એક સમયે ઊંચો અવાજ સાંભળી ડરથી થરથર કાંપતી નીલિમા આજે સિંહણ જેવી ગર્જના કરી લોકોને બીવડાવતી હતી. નીલિમાની ધગસ અને આવડત જોઈ બચુ અને પર્વતસિંહ એને દરેક બાબતમાં છણાવટથી ટ્રેનીંગ આપે છે. એના ફળ સ્વરૂપે એ રીયા કરતાં પણ વધારે કાબેલ બને છે. વિક્કી એની કાબેલિયતનાં વખાણ કરી વધારેને વધારે તાકાતવાન બનવા માટે પ્રેરણા આપતો રહે છે.

સુધા, હંસા અને સાધના દરેકનાં ખોરાક અને બીજી જરૂરિયાતનું ધ્યાન રાખે છે. બજારમાંથી વસ્તુઓ લાવવાનું કામ કિશોર બહુ સારી રીતે કરે છે. દરેક પોતાનાં કામમાં વ્યસ્ત રહી એકબીજાને સાથ આપતા યોગ્ય સમયની રાહ જોતાં રહે છે.

***

બીજી બાજુ અંગાર જર્મનીમાં ઐયાસી કરતો હોય છે. ખેંગાર અને રાજુ તેમનાં કામમાં વ્યસ્ત થઈ જાય છે. શુક્લા અને ખત્રી બન્ને અર્જુનનાં ખોફમાંથી બહાર આવી ગયા હોય છે અને ખેંગાર અને રાજુનાં ગેરકાનુની કામોને રક્ષણ આપતા રહે છે. થોડા સમય માટે માસૂમ અનાથાશ્રમ અને સંકટ હોસ્પિટલમાં ચાલતી પ્રવૃતિ બંધ કરી હતી. પરંતુ સમય જતાં અર્જુન તરફથી કોઈ ધમકી ના આવી એટલે ધીરે-ધીરે બધા કામો ફરી શરૂ થવા લાગે છે.

***

એક દિવસ સલિમનાં એક માણસને અંગાર ટૂંક સમયમાં મુંબઈ પરત થવાનો છે એ સમાચાર મળે છે. એ સમાચાર મળતા સુરત અને પૂનામાં હર્ષોલ્લાસ ફેલાય છે. આગળ શું કરવું એના માટે રણનીતિ તૈયાર કરવા માટે એકઠા થવાનો સમય આવ્યો હતો. સાથે વિક્કી, પ્રતિક અને રોહિત PSIની પરીક્ષા પાસ થયા હતા એટલે ખુશીઓમાં વધારો થયો હતો.

પર્વતસિંહ પોતાનાં ચક્રો ગતિમાન કરે છે. મહારાષ્ટ્રનાં DGPને મળવા જાય છે. એક વર્ષથી વધારે સમય પસાર થાય પછી પર્વતસિંહને જોઈ DGP સમજી જાય છે કે હવે યુધ્ધ શરૂ થશે. એ પર્વતસિંહને શાંત રહેવા માટે સમજાવે છે. પર્વતસિંહ માત્ર એક જ સવાલ કરે છે ‘કરણ, વિશાલ અને સંજયની ફરી મુંબઈમાં ટ્રાન્સફર કરવી છે કે નહીં?’ કમિશ્નરનાં હાથે પણ ગેરકાનૂની કામ થયા હતા. એ જાહેર થાય તો એમની બદનામી નક્કી હતી. DGP પ્રથમ કમિશ્નરની બદલી કરાવે છે. નવા આવેલા કમિશ્નર કરણ, વિશાલ અને સંજયની બદલી મુંબઈ કરાવે છે. વિક્કી, પ્રતિક અને રોહિતને PSI તરીકે સેવા જલ્દી ચાલુ કરાવવા માટે કમિશ્નર પર દબાણ કરે છે. નવા આવેલા કમિશ્નર પર્વતસિંહનાં સારા મિત્ર હોવાથી આ બધા કામ આસાનીથી થઈ જાય છે.

અંગાર પાછો ફરે એ પહેલા મુંબઈમાં કરણ અને વિક્કી પોતાની પોલીસચોકીનો ચાર્જ સંભાળે છે. શુક્લા અને ખત્રીને કરણ પાછો આવ્યો એની હવે બીક રહી નહોતી. દોઢ વર્ષ જેવો સમય પસાર થઈ ગયો હોવાથી હવે કરણ કશું કરશે નહીં એવો વિશ્વાસ થયો હતો.

અંગાર જે દિવસે મુંબઈ પાછો આવે છે. એ રાત્રે શુક્લાનાં ફોન પર અર્જુનનો ફોન આવે છે. ઉંધમાં હોવાથી શુક્લા સ્ક્રીન પરનું નામ વાંચ્યા વગર ફોન ઉપાડે છે. ફોન જ્યારે પૂરો થાય છે ત્યારે શુક્લાની ઊંધ ઊડી ગઈ હતી અને પરસેવે રેબઝેબ થયો હતો. ફરી એકવાર અર્જુનનાં નામનો ખોફ એની આંખોમાં ફરતો હતો.

ક્રમશ: