Highway Robbery - 13 books and stories free download online pdf in Gujarati

હાઇવે રોબરી - 13

હાઇવે રોબરી 13
દિલાવર એના આલિશાન મકાનમાં એના બન્ટરો સાથે બેઠો હતો. નાથુસિંહે આપેલ ફોટાની પચાસ કોપી એની સામે પડી હતી.
' આ ફોટો લઈ જાવ. ગામેગામ આપણા માણસો ને પૂછો. આ માણસ મારે જોઈએ. કોઈ પણ કિંમતે. '
*************************
ડી.વાય.એસ.પી.રાઠોડ સાહેબને નાથુસિંહ રિપોર્ટ આપી રહ્યો હતો. એક વાત સ્પષ્ટ થઈ હતી કે કદાચ રતનસિંહ લૂંટારાઓ જોડે મળેલ હતો. રતનસિંહના ફોનની ડિટેઇલ ચેક કરવામાં આવી.આંગડીયા પેઢીના કર્મચારીઓ , રતનસિંહના મિત્રો , પડોશીઓ , સગા સબંધી બધાના સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા હતા. પણ કંઇ મળ્યું ન હતું. આખરે પોલીસ પણ ફક્ત કેટલાક અનુમાનો પર પાછી આવી. નાથુસિંહ વિચારતો હતો આવા અનુમાનો પર થી કેસ સોલ્વ ના થાય. રતનસિંહના થોડા મિત્રો અને શહેરના કેટલાક અસામાજિક તત્વો ને પકડી લાવી થોડા ઠમઠોળો. આપોઆપ પોપટની જેમ બધા બોલવા લાગશે. એમાંથી એકાદ તો કામની વાત બોલશે જ.
પણ રાઠોડ જાણતા હતા. આવી અણઘડ નીતિ આ જમાના માં ના ચાલે. મીડિયા , પ્રેસ અને સામાજિક સંસ્થાઓ પાવરફુલ થઈ ગઈ છે. એ ધ્યાનમાં રાખીને જ આગળ વધાય. પટેલ હજુ આવ્યા નહતા. રાઠોડે કોફી મંગાવી અને છાપું હાથમાં લીધું. પોલીસના ફેલિયોર પર અડધું પાનું ભરીને લખાણ હતું. કેટલાક એન.જી.ઓ.તથા સામાજિક આગેવાનોએ શહેરની કથળતી પોલીસ વ્યવસ્થા ની ટીકા કરી હતી. પોલીસ આમજનતાની સલામતી નથી કરી શકતી એ બાબતની ચિંતા કરતા વક્તવ્ય આપી પોલીસ માટે વિવિધ સૂચનો આપ્યા હતા.
પટેલ આવી સેલ્યુટ કરી ઉભા રહ્યા. રાઠોડ સાહેબે છાપું બાજુ પર મૂક્યું.
' પટેલ , સાઇટ પરથી મળેલ આંગળીયોના નિશાન કોઈ ક્રિમિનલ જોડે મેચ થતા નથી. ગુન્હામાં વપરાયેલ ગાડી હજુ સુધી મળી નથી. નમ્બરપ્લેટ ખોટી નીકળી. ઘનશ્યામ નાસ્તા હાઉસ પર મળેલ એક ફોટો જ કંઈક નિર્દેશ કરે છે. પણ હાલ એ વ્યક્તિને શોધવો મુશ્કેલ છે. હવે પાછા આપણે અંધારામાં આવીને ઉભા છીએ. '
' સર. '
' પટેલ , નર્મદા કેનાલની એ જગ્યા જ્યાં સાંજ ના છ થી દસ સુધીમાં આ ઘટના બની છે. એક કામ કરો. એ એરિયા લગભગ ઓછી આબાદી વાળો છે. એ એરિયા માં સાંજે છ થી દસ વચ્ચે હાજર મોબાઈલનું લિસ્ટ લાવો. જે નમ્બર હાઇવે પરથી પસાર થઈ આગળ જતાં રહ્યાં હોય તેને કાઢી નાંખો. બાકી ના 400 કે 500 નમ્બર બચે. એમાંથી ક્યા નમ્બર આંગડિયા પેઢી પર જવાનસિંહની સાથે એકટિવેટ હતા. તે નમ્બર નું લિસ્ટ , બધાના નામ , એડ્રેસ અને ઇસ્યુ કરનાર દુકાનનું નામ , એડ્રેસ , તારીખ લેતા આવો. હું થોડા કામ થી બહારગામ જાઉં છું. બે દિવસ પછી કમિશનર સાહેબ સાથે મિટિગ છે. કદાચ મેટર ત્યાં ચર્ચાય તો જવાબ આપવો પડશે. '
' સર , આજની આખી રાત છે. આજે લિસ્ટ કલેક્ટ કરું છું , કાલ સાંજ સુધી મેટર તૈયાર હશે. '
*************************

આજે ગાડી ફરી લેઈટ હતી. આશુતોષને ગાડી લેઈટ થતી તે ગમતું નહિ. પણ એનો કોઈ રસ્તો એની જોડે હતો નહિ. મનમાં વિચાર આવ્યો. વસંત આવશે લેવા ? જો નહિ આવે તો આજે પણ ફરી ને જવું પડશે. પોતે શા માટે ડરે છે? પોતે શા માટે વસંત જેવો મજબૂત નથી ? એની પાસે આના કોઈ જવાબ ન હતા.
બહાર કમોસમનો વરસાદ પડી રહ્યો હતો.
બાજુના કુપેમાં છ સાત જણ ભેગા થઈ પત્તાં રમતા હતા. જીતનાર પોતાનો આનન્દ વ્યક્ત કરતો હતો અને હારનાર પોતાનો અફસોસ. આશુતોષને પત્તાં રમવાથી પણ ડર લાગતો હતો. હારવા નો. એને સમજાતું નહતું કે લોકો શા માટે જુગાર રમતા હશે? હારનાર પોતાની પાસે જે હોય તે ગુમાવીને અફસોસ કરતો હોય છે તો એ લોકો જુગાર રમતા શા માટે હશે?
કાલે રાધા ભાભી આવ્યા હતા. નંદિની માટે માગું આવ્યું હતું. વસંતને નંદિની ખૂબ વ્હાલી હતી એટલે એ હમણાં છોકરો જોવાની ના પાડતો હતો. ભાભી કહેતા હતા. તમારા તો ભાઈબંધ છે તો સમજાવો એમને.
આશુતોષના મનમાં કડવાશ ઉભરાઈ આવી. પોતે પોતાની જાતને સમજાવી શક્યો નહોતો તો વસંતને શું સમજાવે ? નંદિનીનો માસૂમ ચહેરો નજર સમક્ષ તરી આવ્યો. અને પોતાનું તૂટેલું ખોરડું પણ પાછળ આવીને ઉભું થઈ ગયું. તૂટેલું તૂટેલું ય એ પોતાનું ઘર હતું. બધે થી થાકતો ત્યારે ત્યાં ખાટલો ઢાળતા જ હદયમાં હાશ થતી. પણ એ ઘરમાં નંદિની અને એ પણ મિત્રની બહેન. ના ,આખી જીદંગી મિત્રદ્રોહનો બોજ લઈ પોતે જીવી નહિ શકે.
આશુતોષને પોતાની જાતથી નફરત થવા લાગી હતી. પોતે શા માટે નંદિનીને પ્રેમ કર્યો. કદાચ પ્રેમ કરાતો નહિ હોય. થઈ જતો હશે.
મોબાઈલમાં હાઇડ કરેલા ફોલ્ડરને ખોલ્યું. નંદિની ના કેટલાય ફોટા હતા. નાની હતી ત્યારથી અત્યાર સુધી ના. કેટલાક ફોટામાં એ પોતે પણ હતો. ક્યાંય સુધી એ નંદિનીના ફોટા ને જોઈ રહ્યો.
ગાડી ઉભી રહી. પત્તાં રમનારા બધા હારજીતની વાતો કરતા કરતા ઉતરી ગયા. હવે પછીના સ્ટેશન પર આશુતોષે ઉતરવાનું હતું. જો ધ્યાન ન રાખે તો સ્ટેશન ભૂલી આગળ નીકળી જવાનો ડર હતો. આશુતોષ મોબાઈલ ગજવામાં મૂકી તૈયાર થઈ ગયો.બહાર વરસાદ બંધ થઈ ગયો હતો.
ગાડી ઉભી રહી. આશુતોષ ઉતર્યો. વસંત સામેથી આવતો હતો. અંધારું હતું. પણ આશુતોષ વસંતને અંધારા માં પણ ઓળખી શકે તેમ હતો.
' હાય , આજે ગાડી લેટ થઈ ગઈ? '
' હા , યાર. સોરી તને લેઈટ થઈ ગયું.'
' અરે , એમાં શું,આમેય હું આજે ફ્રી જ હતો.'
' આજે વરસાદ થયો હતો. સિગરેટ લાવ્યો છે. '
' લાવ્યો નથી. પણ આવ વ્યવસ્થા કરી દઉં. '
આશુતોષ હસ્યો. બે સિગરેટ સળગાવી એક એક બન્ને એ લીધી.
' આશુતોષ , કાલે તારી ભાભી જોડે થોડું મનદુઃખ થયું. '
' કેમ? '
' નંદિની માટે કોઈ વાત આવી હતી. પણ તું જ બોલ નંદિની કંઈ એવડી મોટી થોડી થઈ ગઈ છે કે મારે ઉતાવળ કરવી પડે. '
આસુતોષ નહોતો ઇચ્છતો એ જ વાત વસંતે ખોલી. પોતે તો સરસ બહાનું ઓઢી ને બેઠો હતો. કરોડપતિની દીકરી જોડે જ લગ્ન કરીશ. નહિ તો નંદિની ના લગ્નની જેમ એના લગ્નની પણ આમ જ ઉતાવળ થતી હોત.
' ભાભી છે એટલે ચિંતા કરે. પણ વાત એમની ખોટી નથી. '
' જો તું ય રાધાના પક્ષે ના બેસીશ. પોતે તો લગ્ન કરતો નથી અને બીજાને સલાહ આપે છે. '
' અરે હું પક્ષ નથી લેતો. અને કોણે કહ્યું હું લગ્ન નથી કરતો.મારી પસંદની કરોડપતિની દીકરી મળે એટલી જ વાર છે. '
( ક્રમશ : )