Highway Robbery - 14 books and stories free download online pdf in Gujarati

હાઇવે રોબરી - 14

હાઇવે રોબરી 14

જવાનસિંહ કિટલી ચાલુ કરી ને બેઠો હતો. સવારના લગભગ અગિયાર વાગ્યા હતા. એણે ચ્હા નાસ્તા ની સાથે નાના પાયે પૂરી શાક બનાવવાનું પણ ચાલુ કર્યું હતું. કેટલાક રિક્ષાવાળા અને ખેતરોમાં બહારગામથી આવેલા મજૂરો જવાનસિંહના ત્યાં પૂરીશાક ખાવા આવતા હતા. શરૂઆત નાના પાયા ઉપર હતી. પણ જવાનસિંહ વિચારતો હતો કે બધું વ્યવસ્થિત ઉતરે તો એક સરસ પાકી હોટલ બનાવી ત્રણ ચાર છોકરા રાખી સારી હોટલ મોટા પાયે કરવી. જેલમાં ગયા પછી જવાનસિંહની જમવાનું બનાવવા પર હથોટી આવી ગઈ હતી.પણ કોને ખબર હોય છે કે કુદરતને શું મંજુર હોય છે.
એક મોટરસાઇકલ પર બે માણસ આવ્યા. ચ્હા પીધી અને જવાનસિંહને સાઈડમાં બોલાવ્યો. અને ગજવા માંથી એક કાગળ કાઢી જવાનસિંહની સામે ધરી બોલ્યો, ' આ માણસને ઓળખે છે.'
જવાનસિંહે કાગળ હાથમાં લીધો. ધ્યાનથી જોયો અને એનું હદય એક ધબકારો ચુકી ગયું. પણ તરત જ સ્વસ્થતા ધારણ કરતા જવાનસિંહે કહ્યું,' ક્યાંય આને જોયું હોય એવું લાગતું નથી. પણ બોસ વાત શુ છે? '
' વાત ખાસ છે. પણ જો તારા ધ્યાનમાં આ માણસ આવે તો તેની માહિતી લઈ રાખજે. અમે આવતા રહીશું. અને વધારે જરૂર લાગે તો પોલીસને જાણ કરી દેજે. '
' જુઓ ભાઈ હું સીધો સાદો માણસ છું. મને આ બધું નહિ ફાવે. '
એક માણસે જેકેટ સહેજ સાઈડમાં કર્યું.જવાનસિંહ ને એણે છુપાવેલ દેશી તમંચો દેખાતો હતો. ' અમે દિલાવર ભાઈના માણસ છીએ.પોલીસને જાણ કરવામાં તને ડર લાગતો હોય તો અમે આવતા જતા રહીશું. પણ ભાઈને હેરાન કરનારને ભાઈ છોડતા નથી. ધ્યાન રાખજે.' અને એ બન્ને મોટરસાઇકલ લઈ જતા રહ્યા.
જવાનસિંહના કપાળ પર ચિંતાની લકીરો ઉપસી આવી. આ ફોટો પેલા બે ટપોરીમાંના એક રઘાનો હતો. પણ આ દિલાવર અને પોલીસ એને કેમ શોધે છે. પોતાની મેટર હશે કે બીજી કોઈ. બીજી કોઇ મેટર હોય તો ભલે પણ તોય ગાફેલ ના રહેવાય. પ્રહલાદ કે વસંત ને વાત કરવી પડશે.દિલાવરના માણસો આવી રીતે ગામે ગામ જો શોધશે તો બે દિવસમાં એ રઘલો પકડાઈ જશે. અને જો એ પકડાયો તો ખેલ ખતમ. જવાનસિંહને ધ્રુજારી આવી ગઈ. જવાનસિંહની ઈચ્છા થઈ કે સમય બગાડ્યા વગર હાલ જ જાઉં. પણ અંદર નો ક્રિમિનલ જાગૃત થયો. જો એ હાલ જશે તો આ આવેલા માણસો ને તરત જ પોતાના ઉપર શંકા થશે. કંઈ નહીં સાંજે થોડા વહેલા પાંચ વાગે કિટલી બંધ કરી નીકળી જઈશ.
************************
રાઠોડ સાહેબના મોબાઈલમાં રીંગ વાગતી હતી. એ.સી.પી. રોય સાહેબનો કોલ હતો.
' યસ સર , રાઠોડ હિયર. '
' રાઠોડ , આ બધું શું ચાલે છે? '
' શેનું સર? '
' ઠીક , એક વાત બતાવો , આંગડિયા પેઢીનો કેસ ક્યાં સુધી પહોંચ્યો? '
' હજુ ખાસ પ્રગતિ થઈ નથી. પણ બે દિવસમાં હું કંઇક સમાચાર આપીશ. '
' રાઠોડ , દિલાવરના માણસો એક ફોટો લઈ ગામે ગામ એક માણસને શોધે છે. કદાચ તે માણસ એના ભાઈ ના ખૂન મતલબ લૂંટમાં સામેલ હોવાની શક્યતા છે. વાત સમજાય છે રાઠોડ. પોલીસના પહેલા ગુંડા લોકો તપાસ ચાલુ કરી આગળ વધે છે. કે પછી પોલીસે તપાસનો દોર દિલાવરને સોંપી દીધો છે? '
' સર , એક માણસને શંકાના દાયરામાં લીધો છે. હજુ તપાસ ચાલુ છે. પણ આ કઈ રીતે બની શકે? સમજાતું નથી. '
' રાઠોડ , કાલે કમિશનર સાહેબ સાથે મિટિંગ છે. જવાબ તૈયાર કરીને આવજો. અને એવું ના થાય કે છેલ્લે પોલીસના હાથમાં એમની લાશો જ આવે.'
' સર , એવું નહિ થાય. હું જોઉં છું.'
' ટેઈક કેર , બી એલર્ટ.'
' યસ સર. '
રાઠોડના કપાળ પર કરચલી પડી. ફોટો ખરેખર કોનો હશે? પોતે જેને શોધતા હતા એનો કે બીજા કોઈનો ? અને જો પોતે જેને શોધતા હતા એનો જ ફોટો હોય તો એ દિલાવર પાસે ગયો કેવી રીતે ?આવી વાતોથી તે ગભરાતા નહિ. પણ એ.સી.પી. સાહેબની વાત સાચી હતી. જો દિલાવરના હાથ માં એ લોકો આવી જાય તો છેલ્લે પોલીસને એમની લાશ જ મળે.અને એ ફક્ત પોલીસનું નહિ પણ પોતાનું પણ ફેલિયોર ગણાય. પણ આ વાત અને ફોટો દિલાવર સુધી પહોંચ્યો કેવી રીતે ? વાત તો પોતાના સ્ટાફ સુધી જ મર્યાદિત હતી. મતલબ સ્ટાફમાં કોઈ ફુટેલું છે. આ મુદ્દો તો પોતે સંભાળી લેશે. પણ બીજો કોઈ અગત્યનો મુદ્દો હોય તો કઈ રીતે વિશ્વાસ મુકાય.
*************************
સાંજે ચાર તો પરાણે વગાડ્યા. જવાનસિંહે કિટલી બંધ કરવાની તૈયારી કરી. બપોરે અઢી વાગે પેલા બે બાઇક પર ફરી ત્યાંથી પસાર થયા હતા. જવાનસિંહને ત્યારે થયું કે સારું થયું કે પોતે કિટલી વહેલી બંધ ના કરી.
એને વીચાર આવ્યો કોના પાસે જાઉં. વસંત તો સીધો માણસ છે. ગુરુ તો ચિંતામાં પડી જશે. પણ પ્રહલાદ તો ઉડજુડીયો છે.શુ કરું? આખરે એણે વસંતને ફોન લગાવ્યો.
' ગુરુ ક્યાં છો? '
' કામ હતું? '
' હા. '
' ખેતર પર મલ. '
વસંત રાધાને થોડી વારમાં આવવાનું કહી નીકળી ગયો. ખેતરે પહોંચ્યો અને જવાનસિંહ આવ્યો. વસંતે રૂમ નું તાળું ખોલ્યું. બહાર છાંયડો થઈ ગયો હતો. ખાટલો લાવી બહાર પાથર્યો. જવાનસિંહ એમાં બેસી ગયો. વસંત પાણીનો ગ્લાસ લઇ આવ્યો. એક શ્વાસમાં જવાનસિંહ પાણી પી ગયો. વસંત રૂમમાં ઇમરજન્સી માટે રાખેલ નાસ્તો ડિશમાં લઇ આવ્યો.વસંત આવીને ખાટલામાં બેઠો. થર્મોશ માંથી ગ્લાસમાં ચ્હા કાઢી જવાનસિંહને આપી. વસંતે જોયું જવાનસિંહ કંઈક વિચારોમાં ખોવાયેલ હતો.
' જવાન , બોલ શુ વાત છે?'
' ગુરુ , એક વાત છે. પણ તમે કોઈ ટેનશન ના લેતા કેમકે તમારા સુધી કોઈ આસાનીથી પહોંચી નહિ શકે.'
' જવાન વાત શુ છે ? '
' ગુરુ , આજે મશહૂર ડોન દિલાવરના બે માણસ આવ્યા હતા.આપણા બે ટપોરી પૈકી રઘલાંનો ફોટો લઈ એને શોધતા હતા. ખબર નથી , આપણા કેસ માટે શોધવા નીકળ્યા હતા કે બીજા કોઈ કામ થી. '
' જવાન , છાપામાં હતું કે એ હત્યાકાંડમાં એક માણસ દિલાવરનો ભાઈ હતો. કદાચ એટલે દિલાવર એમને શોધતો હોય. '
' પણ ગુનેગાર ને તો પોલીસ શોધે , કોઈ વ્યક્તિ થોડો શોધવા નીકળે. '
' ના જવાન , સામાન્ય માણસ અને દિલાવરમાં આ જ એક મોટો ફરક છે. કદાચ પોલીસ તપાસમાં ક્યાંક રઘાનો ફોટો ક્યાંકથી મળ્યો હોય. અને એ વાતની ખબર દિલાવરને પડી ગઈ હોય. પણ જવાન એક વાત વિચારવા જેવી છે. આપણે ક્યાંય કોઈ એવિડન્સ છોડ્યો નથી. તો રઘાનો ફોટો આવે કેવી રીતે ? '
' ગુરુ , ગુન્હાના ઇન્વેસ્ટીગેશનની આ જ મોટી વિશેષતા છે. આપણને જ્યાં બધું બરાબર લાગતું હોય ત્યાં જ ગુન્હાનો એવિડન્સ બહાર આવતો હોય છે. '
' તો જવાન એક જ રસ્તો છે , ક્યાંક થી તપાસમાં જાણવા મળે કે એ લોકો રઘાને કેમ શોધી રહ્યા છે ? તો જ ખબર પડે. '
' ગુરુ હું એ પૂછવા આવ્યો છું કે આગળ શું કરવું છે? '
એક પળ વસંતના શરીરમાં ધ્રુજારી આવી. હાથ પગ પાણી પાણી થતા હોય એવું લાગ્યું. એની વિચારશક્તિ ખતમ થઈ ગઈ હોય એવું લાગ્યું. એણે કહ્યું, ' જવાન ,તને જે યોગ્ય લાગે તે કર. એક વાર પ્રહલાદને મળિયે. એ શું કહે છે. '
' ગુરુ , પ્રહલાદ તમને ઓળખતો નથી , હું જ એને મળી લઉં છું. જોઉં શુ થાય છે. '
' ઓ.કે. જવાન સાચવજે. '
' ગુરુ ડોન્ટ વરી , હું નીકળું. આપણી પાસે સમય નથી.મારે આજે જ પ્રહલાદ ને મળવું પડશે. '
વસંતના અવાજમાં સહેજ કંપન આવ્યું.
' જવાન સાચવજે. જય માતાજી. '
' જય માતાજી. '
( ક્રમશ : )