Rajkaran ni Rani - 65 in Gujarati Social Stories by Mital Thakkar books and stories PDF | રાજકારણની રાણી - ૬૫

રાજકારણની રાણી - ૬૫

રાજકારણની રાણી

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૬૫

જનાર્દનને સુજાતાબેનની વાત પરથી સુરેશભાઇ માટે હમદર્દી અને રાજેન્દ્રનાથ કુટિલ હોવાનું સાબિત થઇ રહ્યું હતું. તે સુરેશભાઇને મુખ્યમંત્રી પદ માટે ના પાડવા સમજાવવા ગયા હતા.

સુજાતાબેન પોતાની વાતને આગળ ધપાવતાં બોલ્યા:"સુરેશભાઇને મળી ત્યારે એમને મારી વાત યોગ્ય લાગી. આમ પણ હવે આ એમની છેલ્લી જ ટર્મ છે અને એમણે મારા રસ્તે ચાલીને પ્રચાર કર્યો હતો. મેં એમના માટે પણ પ્રચાર કર્યો હતો. એમને અગાઉનો રાજેન્દ્રનાથનો અનુભવ સારો ન હતો. રાજેન્દ્રનાથે એમને ઉપમુખ્યમંત્રી બનાવવાની આ ચૂંટણીના પરિણામ પછી ઓફર આપી જ હતી. જો હાઇકમાન્ડ એમને મુખ્યમંત્રી બનાવી દે તો રાજેન્દ્રનાથના અભિમાનને જબરદસ્ત ઠેસ પણ લાગે. એ નવો ચોકો રચીને પક્ષમાં ઉથલપાથલ કરી શકે એમ છે. આ બધી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને સુરેશભાઇએ મુખ્યમંત્રી કે ઉપમુખ્યમંત્રી જેવા કોઇ પદ માટે તૈયારી બતાવી નહીં અને મારી સામે જ શંકરલાલજીને ફોન કરીને કહી દીધું કે તેમને આ ઉંમરે હવે કોઇ હોદ્દાની અપેક્ષા નથી. યુવાનીથી લઇ અત્યાર સુધીમાં ઘણા મહત્વના વિભાગોમાં એ કામ કરી ચૂક્યા છે. હવે માત્ર માર્ગદર્શન આપવા માગે છે. તેઓ શાંતિથી ધારાસભ્ય પદ પર રહીને રાજકીય કારકિર્દી પૂરી કરવા માગે છે...મેં એમને કેટલાક દાખલા આપીને સમજાવ્યા કે સ્વચ્છ ઇમેજને કારણે પક્ષ પછીથી એમને રાજ્યપાલ બનાવીને કદર કરી શકે છે..."

સુજાતાબેન વાત પૂરી કરે એ પહેલાં એમના મોબાઇલની રીંગ વાગી. ફોન ઉપાડતા પહેલાં એમણે કંઇક વિચાર કર્યો. આવનાર ફોનમાં કોઇ શું કહેવાનું હતું અને એનો પોતે શું જવાબ આપવાનો છે એનું જાણે મનમાં રીહર્સલ કરતા દેખાયા. ફોનની રીંગ પૂરી થાય એ પહેલાં ઉપાડીને બોલ્યા:"હલો..."

સામેથી જે કહેવાયું એના જવાબમાં બોલ્યા:"હા, વાંધો નહીં... હું આવું જ છું. મને ખબર જ હતી...હા..."

ફોન મૂક્યા પછી સુજાતાબેન હિમાની તરફ જોઇ હસીને બોલ્યા:"આપણે ફરી જવું પડશે. લાગે છે કે આ કતલની રાત છે. એટલા બધા સમીકરણ ગોઠવાય છે અને બદલાય છે કે આગળ શું થશે એનો કોઇને ખ્યાલ જ આવતો નથી...."

જનાર્દનને એ પૂછવાનું યોગ્ય ના લાગ્યું કે કોનો ફોન હતો અને ક્યાં- કેમ મળવા જવાના છે? આ રાત આજે વધારે લાંબી લાગી રહી છે. સુજાતાબેન સાથે હિમાની પણ જઇ રહી છે એટલે એમની દિવસભરની દોડધામનો અહેવાલ પણ હમણાં મળવાનો નથી.

સુજાતાબેન અને હિમાની ફટાફટ તૈયાર થઇને નીકળી ગયા. જનાર્દન અને ધારેશ ફરી એકલા પડ્યા. જનાર્દને સમાચાર જાણવા યુટ્યુબ પર ન્યૂઝની લાઇવ ચેનલ ખોલી ત્યારે આવતીકાલે જાહેર થનારા મુખ્યમંત્રી પદ માટેના જ સમાચારો ફ્લેશ થઇ રહ્યા હતા. એમાં એવું પણ લખ્યું હતું કે કેટલાક ધારાસભ્યોના નાના-મોટા ગૃપ મોકાનો લાભ લેવા એકબીજાનો સંપર્ક કરી રહ્યા છે. ફલાણા ગૃપની શંકરલાલજી સાથેની મુલાકાતથી એવી અટકળ થઇ રહી છે કે દરેકને કોઇને કોઇ મંત્રીપદની અપેક્ષા છે. 'ભારત લોકસમર્થન સંવાદ પાર્ટી' ના હાઇકમાન્ડ માટે બહુમતિ પછી પણ રાજયમાં સરકાર રચવાનું મુશ્કેલ બની રહ્યું છે. એક અહેવાલમાં એવું પણ કહેવાયું કે આવતીકાલે મુખ્યમંત્રીની જાહેરાત થવાનું મોકૂફ રહી શકે છે. પરંતુ એમ કરવાથી વિપક્ષને મોકો મળી શકે અને પક્ષમાં સંપ ના હોવાનો ખોટો સંદેશ પ્રજામાં જઇ શકે છે. આવતીકાલે મુખ્યમંત્રીપદની જાહેરાત ના થાય તો પણ સંભવિત મંત્રીઓની યાદી બહાર આવી શકે છે. જનાર્દનને થયું કે રાજકારણમાં આવ્યા પછી રાતના ઉજાગરા વધી જાય છે. પ્રજાના કામો વિશે અત્યારે વિચારવાનો કોઇની પાસે સમય નહીં હોય. દરેક ધારાસભ્ય પોતાનું સ્થાન બનાવવા દોડધામ કરી રહ્યા છે.

તેણે પોતાના મનને રાજકીય હલચલમાંથી બહાર કાઢીને ધારેશ પર કેન્દ્રિત કરવા એના તરફ જોયું. એ પણ મોબાઇલમાં સમાચાર જોઇને વિચારી રહ્યો હતો.

"તમે પણ રાજકીય સમાચારો પર નજર નાખતા લાગો છો?" ધારેશે વાતની શરૂઆત કરી.

"ના-ના, આજના માટે હવે બહુ થયું. રાજકારણ મારો પ્રિય વિષય નથી. હું તો મારા પ્રિય લેખકનો લેખ વાંચી રહ્યો છું. મને પહેલાંથી જ નવું નવું વાંચવાનો અને વિચારવાનો શોખ રહ્યો છે..."

"તમે નોકરી છોડ્યા પછીના આયોજન વિશે કંઇ વાત કરતા હતા..." જનાર્દને થોડીવાર પહેલાં સુજાતાબેન આવ્યા ત્યારે એમના ઉલ્લેખ સાથે અટકેલી વાતનું અનુસંધાન સાધવાનો પ્રયત્ન કર્યો.

"હા, સુજાતાબેનના કહેવાથી મેં નોકરી છોડી દીધી છે. એમનો આગ્રહ કે સૂચન જે કહો એ મુજબ એમની જેમ સામાજિક પ્રવૃત્તિ કરવી જોઇએ. તમને થતું હશે કે આમ કોઇ અજાણી વ્યક્તિના કહેવાથી મેં નોકરી છોડી દીધી છે. આજના સમયમાં નોકરીને બદલે સમાજસેવા કરવી જોઇએ એવું વિચારનાર મૂરખ ગણાય છે. જેમની પાસે ખૂબ પૈસો છે એ લોકો પણ કામધંધો સમાજસેવા માટે છોડી દેતા નથી. પરંતુ કામધંધાને કારણે સમાજસેવા કરી શકે છે. હું રાજકારણીઓની વાત કરતો નથી હોં! એ લોકો તો રાજકારણમાં બધું જ મળતું હોવાથી નોકરી કે કામધંધો છોડીને આવ્યા હોય છે. સુજાતાબેન વળી એમાં અલગ છે. એમણે મને ખાસ કોઇ વાત કરી નથી પરંતુ એવો વિશ્વાસ અપાવ્યો છે કે ભવિષ્યમાં તેઓ જે પ્રવૃત્તિ કરવાના છે એમાં કોઇ જાણીતાનો સાથ જરૂરી છે. હું એમને વર્ષોથી ઓળખું છું. એમના પ્રત્યેની લાગણી કે હમદર્દી જે કહો તે પણ હું નોકરી છોડીને એમની સાથે જોડાઇ ગયો છું. આમપણ ધારાસભ્ય બન્યા પછી એમની જવાબદારી વધી જવાની છે. એમને કોઇ સહાયકની જરૂર પડવાની છે. અને હું રાતોરાત પાટનગર આવીને એમની સૂચના મુજબ કામ કરી રહ્યો છું. મારું ભવિષ્ય કેવું છે એની મને જ ખબર નથી!"

ધારેશની વાત જનાર્દનને આંચકો આપી ગઇ. સુજાતાબેનના એક જ બોલ પર ધારેશ નોકરી છોડીને પાટનગર આવી ગયો એ પરથી તેમના વચ્ચેના પ્રેમને ફરી પાંગરતો જોઇ શકાય છે. પણ ધારેશને સહાયક બનાવવાની વાત કંઇ સમજમાં ના આવી. શું એ મારું સ્થાન લેશે? સુજાતાબેનને મારા પર વિશ્વાસ નથી? મને એમ હતું કે સુજાતાબેન ધારાસભ્ય બન્યા પછી મને વધુ જવાબદારીવાળું કામ સોંપશે. કદાચ કોઇ હોદ્દો આપશે. પણ એ તો ધારેશને આગળ કરી રહ્યા છે. જતિનની જેમ સુજાતાબેન તરફથી પણ ઠિંગો જ મળશે કે શું?

જનાર્દનનું મન ખાટું થઇ ગયું.

ક્રમશ:

Rate & Review

Usha Patel

Usha Patel 4 weeks ago

sandip dudani

sandip dudani 10 months ago

Parash Dhulia

Parash Dhulia 10 months ago

Pradyumn

Pradyumn 10 months ago

Pannaben Shah

Pannaben Shah 10 months ago