Rajkaran ni Rani - 66 books and stories free download online pdf in Gujarati

રાજકારણની રાણી - ૬૬

રાજકારણની રાણી

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૬૬

ધારેશની વાત સાંભળી જનાર્દનનું ચિત્ત વિચલિત થઇ ગયું. તેના દિલને ધક્કો લાગ્યો હોય એવો અનુભવ થયો. પોતાની નારાજગી છુપાવવા તે વોશરૂમ જવાના બહાને ઊભો થયો અને પછી ગેલેરીમાં જઇને વિચારવા લાગ્યો. જનાર્દનને એમ લાગવા લાગ્યું કે ધારેશનું મહત્વ તેનાથી વધી ગયું છે. હિમાનીને સુજાતાબેન નાની બહેન જેમ રાખે છે પણ મારા કરતાં ધારેશ સાથે રાજકારણ વિશે વધુ વાત કરે છે. કેટલીક વાતો મારાથી છુપાવી રહ્યા છે કે પછી કોઇ કારણથી સ્પષ્ટ રીતે કહી રહ્યા નથી.

પોતે એમ જ સમજતો હતો કે ધારેશનું સ્થાન સુજાતાબેનના દિલમાં એક પ્રેમપુરુષ સુધી જ સીમીત હશે. પણ તેને હોદ્દો આપવાની વાત પરથી તો લાગે છે કે તેની ધારણા કરતાં ધારેશનું સ્થાન ઘણું ઊંચું છે. સુજાતાબેનના ધારાસભ્ય બન્યા પછી કોઇ પદ કે લાભની અપેક્ષા રાખી નથી. નિસ્વાર્થ ભાવથી જ એમને મદદ કરી રહ્યો છે. પરંતુ મનમાં એક આશા જરૂર રહી છે કે તે પોતાની કદર કરશે. અને જતીનને હટાવવામાં સૌથી મોટી ભૂમિકા મારી જ રહી છે. મેં એમને સાથ આપ્યો ના હોત તો સુજાતાબેન કોઇ સંજોગોમાં અહીં સુધીની યાત્રા પૂરી કરી શક્યા ના હોત. તેમણે હિંમત બતાવી અને મેં સાથ આપ્યો એટલે રાજકારણમાં આવી ગયા અને ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યા છે. બહુ ઓછા રાજકારણીઓ હશે જે આટલી જલદી ઉપર આવી શક્યા છે.

કોઇ અભિનેત્રીની ફિલ્મ હિટ થઇ જાય અને તે રાતોરાત સ્ટાર બની જાય એ જ રીતે સુજાતાબેન શિખર પર પહોંચી ગયા છે. એમાં એમની બુધ્ધિ અને સમજનો ફાળો જરૂર છે. પોતે જેનું નમક ખાતો હતો એ જતીનને દગો આપ્યો હતો. એ માત્ર અને માત્ર સારા કાર્ય માટે હતું. પોતે સુજાતાબેનને જતીનની ગુલામીમાંથી છોડાવવા માગતો હતો અને જતીનના ખોટા કામ અટકાવવા માગતો હતો. સારું છે કે જતીનને એ વાતનો ખ્યાલ ના આવ્યો કે પોતે તેની વિરુધ્ધમાં કામ કર્યું છે. પોતે બહુ મોટું જોખમ લીધું હતું. દુનિયાની રીતે પોતે જતીનની પીઠમાં ખંજર ભોંકવા જેવું કાર્ય કર્યું હતું પરંતુ અસલમાં એનો હેતુ જતીનને સાચા રસ્તે ના લાવી શકાય તો પણ ખોટા માર્ગમાંથી હટાવવાનો હતો. ખુદ સુજાતાબેને સ્વીકાર્યું હતું કે જતીનને બેનકાબ કરવામાં મારો ફાળો મુખ્ય રહ્યો હતો. જતીને મારા પર આંધળો વિશ્વાસ કર્યો અને સુજાતાબેનની ચાલમાં ફસાઇ ગયો. પોતે આટલું બધું કર્યું હોવા છતાં ધારેશને મહત્વ આપવાની વાત પચતી નથી. ખેર! મેં સારા ભાવથી અત્યાર સુધી કામ કર્યું છે. જીવનમાં જેટલી વધારે અપેક્ષા એટલું વધારે દુ:ખ અનુભવવાનું હોય છે.

જનાર્દન લાંબું વિચારીને એવા નિર્ણય પર આવ્યો કે નસીબમાં જે લખાયું હશે એ થશે અને મળશે. પોતે પોતાના તરફથી કોઇ કસર રાખશે નહીં. તેને હવે ધારેશ માટે ઇર્ષા રાખવાની જરૂર નથી. સુજાતાબેન ભલે મારા માટે કંઇ વિચારતા ન હોય પણ હિમાનીને સાથે રાખે છે એનો મતલબ એ છે કે એમને અમારા પર વિશ્વાસ છે.

જનાર્દનનું ઉદ્વેગભર્યું મન બહુ મુશ્કેલીથી શાંત થયું. તે સ્વસ્થ થઇને અંદર પહોંચ્યો ત્યારે ધારેશ મોબાઇલમાં કંઇ જોઇ રહ્યો હતો.

જનાર્દન વાત શરૂ કરવા બોલ્યો:"સુજાતાબેનના કોઇ સમાચાર આવ્યા કે? આજે એમને ઉજાગરો થવાનો છે..."

"ના, કોઇ સમાચાર નથી. પણ આ સમાચાર ચેનલો એક પછી એક નવા ગાપગોળા ગબડાવે છે કે પછી સાચી આગાહી કરે છે એનો અંદાજ આવતો નથી..." ધારેશ સમાચાર પર નજર નાખતા કહી રહ્યો હતો.

"સમાચાર ચેનલના પત્રકારોને પણ આજે ઉંઘ આવવાની નથી. બ્રેકિંગ ન્યૂઝ માટે આંટાફેરા કરતા હશે. એમના માટે આ સમય જ ટીઆરપી વધારવાનો હોય છે. કેટલીક ચેનલના પત્રકારો મહેનતુ હોય છે તો કેટલાકને રાજકીય પક્ષના માણસો જ ખાનગીમાં માહિતી પહોંચાડી દેતા હોય છે. જેથી ભવિષ્યમાં એમને કોઇ મુશ્કેલીમાં મદદરૂપ થાય. ઘણી વખત તેમના સમાચાર જે તે સમય પર ગપગોળો લાગે પણ એ વાત સાચી સાબિત થતી હોય છે... અત્યારે ખાસ એવા કયા સમાચાર છે જે નવા લાગી રહ્યા છે?" જનાર્દને પોતાના વિચારો વ્યક્ત કર્યા.

"ખબર છે કે રાજેન્દ્રનાથ દિલ્હી ઉપડી ગયા છે...ચેનલે સૂત્રો દ્વારા મળતી માહિતી હોવાનું કહ્યું છે. પરંતુ એમાં તથ્ય હોય શકે છે..." ધારેશ નવાઇથી બોલ્યો.

"શું વાત કરો છો?" જનાર્દન માટે આ સમાચાર કલ્પના બહારના હતા.

"હા, રાજેન્દ્રનાથની દિલ્હી હાઇકમાન્ડ સાથેની મુલાકાત વિશે અનેક અટકળો થઇ રહી છે. દિલ્હીથી રાજ્યમાં સરકારની રચના માટે શંકરલાલજીની ટીમને મોકલવામાં આવી છે છતાં રાજેન્દ્રનાથ દિલ્હી પીએમને મળવા કેમ પહોંચી ગયા એ બહુ મોટી વાત છે..."

"શંકરલાલજીએ તો એમને મુખ્યમંત્રી બનાવવાનું નક્કી કરી જ નાખ્યું છે. મને લાગે છે કે તે પીએમના આશીર્વાદ લેવા ગયા હશે. એમનો આભાર પણ માનવા ગયા હશે. ફરી વખત એમના પર મુખ્યમંત્રી પદ માટે વિશ્વાસ વ્યક્ત કર્યો એ માટે..."

"હું સુજાતાબેનને ફોન કરીને માહિતી મેળવું છું..."

ધારેશને અડધી રાત્રે રાજેન્દ્રનાથની દિલ્હીની મુલાકાત વિશે જાણવાની ચટપટી વધી ગઇ તેથી જનાર્દનને નવાઇ લાગી અને મનોમન હસ્યો પણ ખરો કે ધારેશને રાજકારણનો ચટાકો લાગી ગયો છે! ધારેશની વાત પરથી જનાર્દનને એવું લાગ્યું કે રાજેન્દ્રનાથની દિલ્હીની મુલાકાત તેને અપેક્ષિત ન હતી.

ધારેશે સુજાતાબેનને ફોન લગાવ્યો. એમણે ફોન કાપી નાખ્યો અને થોડીવાર પછી સંપર્ક કરું છું એવો સંદેશો મોકલાવ્યો.

ધારેશ રૂમમાં આંટા મારવા લાગ્યો. તેને બેચેન જોઇને જનાર્દનનું આશ્ચર્ય વધી રહ્યું હતું. તેણે એનો અંદાજ મેળવવા પૂછ્યું:"રાજેન્દ્રનાથ વિશે સુજાતાબેન પાસે કેવી રીતે માહિતી હશે?"

"મારા ખ્યાલથી સુજાતાબેન શંકરલાલજીને મળવા જવાના હતા. તેમની પાસે તો માહિતી હોવી જ જોઇએ. પક્ષ પ્રમુખ શંકરલાલજી જ્યારે અહીં હાજર હોય ત્યારે તેમની પરવાનગી વગર રાજેન્દ્રનાથ પીએમ સાહેબને મળવા જઇ જ ના શકે. એમને વાત કરે તો જ જઇ શકે. અને વાત ના કરે તો પીએમ સાહેબ મળવાનો સમય પણ ના આપે. સુજાતાબેન કહેતા હતા કે ભલે રાજેન્દ્રનાથની પહોંચ ઘણી હશે પરંતુ શંકરલાલજી કમ નથી..." ધારેશને પોતાના વિચારો જનાર્દન સાથે વહેંચવાનું ગમ્યું.

જનાર્દનને થયું કે ધારેશ તો મિત્ર જેવો છે. હું એના વિશે અલગ જ વિચારતો હતો.

ધારેશના મોબાઇલની રીંગ વાગી ના વાગી ત્યાં તો તેણે ફોન ઉંચકી લીધો. ધારેશને સમજતા વાર ના લાગી કે સુજાતાબેનનો જ ફોન છે.

"હા...વાહ! બહુ સરસ! ચાલો ખૂબ ખૂબ અભિનંદન!" બોલીને ધારેશ કપાઇ ગયેલા ફોન સામે ખુશીથી જોઇ રહ્યો. તે એવી રીતે ફોનને જોઇ રહ્યો હતો કે જાણે એમાં સામે વિડીયો કોલ પર સુજાતાબેન દેખાતા હોય.

જનાર્દનની ચટપટી વધી ગઇ. તેને અંદાજ આવી ગયો કે સુજાતાબેન મંત્રીપદ મેળવવામાં સફળ થયા છે. ધારેશે એમને અભિનંદન આપી દીધા છે. વ્યસ્તતાને કારણે બીજી કોઇ વાત કરી શક્યા નથી.

અચાનક જનાર્દનના ખભા પર હાથ મૂકીને ધારેશ એકદમ ખુશ થઇને બોલ્યો:"ભાઇ! સુજાતાબેન મુખ્યમંત્રી બનવા જઇ રહ્યા છે!"

જનાર્દનને પોતાના કાન પર વિશ્વાસ આવતો ન હતો. તેના મનમાં અપાર ખુશી સાથે અનેક વિચાર આવી રહ્યા હતા. આ કેવી રીતે શક્ય બન્યું? સુજાતાબેન ખરેખર રાજકારણની રાણી બની રહ્યા. રાજેન્દ્રનાથ એમને મુખ્યમંત્રી તરીકે સ્વીકારી શકશે? રાજેન્દ્રનાથ કદાચ પીએમને ફરિયાદ કરવા જ ગયા હશે? પીએમ એમની વાતમાં આવી જશે તો? એમ કહેવાય છે કે રાજેન્દ્રનાથ પીએમના માણસ છે. શંકરલાલજીએ સુજાતાબેનને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લીધો હોય તો પીએમ એને સ્વીકારશે? આ મુદ્દે પીએમ અને પક્ષ પ્રમુખ વચ્ચે રાજકારણ ગરમાશે તો?

ક્રમશ: