Abhimanyu Sarahadni Pele Par - 1 books and stories free download online pdf in Gujarati

અભિમન્યુ સરહદની પેલે પાર....! - પ્રકરણ-1

અભિમન્યુ

સરહદની પેલે પાર....!

પ્રકરણ-1

પ્રસ્તાવના

આ લઘુવાર્તા સત્યઘટના ઉપર આધારિત ઈન્ડીયન એરફોર્સના એક એવાં પાઈલટની છે જે યુદ્ધ જેવાં સંજોગોમાં સરહદની બીજી બાજુ ફસાઈ જાય છે. સત્યઘટના ઉપર આધારિત હોવાં છતાં વાર્તાને રોમાંચક બનાવવા કેટલીક સાહિત્યિક છૂટછાટ લેવામાં આવી છે. આમ આ વાર્તા સત્યકથા અને કલ્પાનાનું મિશ્રણ છે. વાર્તા લખવાનો ઉદ્દેશ્ય કોઈની ફિલિંગ્સ હર્ટ કરવાનો કે કોઈની ઈન્સલ્ટ કરવાનો બિલકુલ નથી. તેમજ વાર્તા ફક્ત મનોરંજનનાં ઉદ્દેશ્યથી લખવામાં આવી છે. આ સિવાય આપણી ઈન્ડીયન એરફોર્સના જાંબાઝ જવાનોને એક નાનકડું સેલ્યુટ કરવાનાં ઉદ્દેશ્યથી લખાઈ છે.

વાર્તા લખતી વખતે શક્ય એટલાં Real Facts જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો છે. છતાંય કોઈપણ પ્રકારની Factual Mistake થઈ હોય તો તેની તરફ ધ્યાન દોરી માફ કરજો.

આમતો આ વાર્તા મેં ઘણો સમય પહેલાં લખી હતી. આમ છતાં, પ્રકરણ વાઈઝ લખવામાં મારે આ વાર્તાને ફરીવાર એડિટ કરવી પડી છે. આ પ્રકારની કોઈપણ સ્પર્ધામાં ભાગ લેવાનો આ મારો પ્રથમ અનુભવ છે.

આશા છે તમને વાર્તા પસંદ આવશે.

પ્લીઝ તમારો ફીડબેક કોમેન્ટ સેક્શનમાં કે મેસેજમાં અવશ્ય જણાવજો. વાચકો મને મારાં Instagram ઉપર પણ મેસેજ કરી શકે છે. (Instagram@Krutika.ksh123)

▪▪▪▪▪

Thank you, my best friend Siddharth,

વાર્તામાં અનેક સૂચનો અને સુધારાં કરી આપવાં માટે.

▪▪▪▪▪

અભિમન્યુ

સરહદની પેલે પાર....!

પ્રકરણ-1

“અભિ...! ટ્રેન ઉપડવાનો ટાઈમ થઈ ગ્યો છે...! ચલ યાર જલ્દી...!”

શ્રીનગર રેલ્વે સ્ટેશનનાં પ્લેટફોર્મ ઉપર ઉભેલાં અભિમન્યુને તેનાં જિગરી યાર પૃથ્વીએ કહ્યું.

પોતાની ફિયાન્સનાં ઉત્તરાનાં વિચારોમાં ખોવાયેલાં અભિમન્યુએ કોઈ જવાબ ના આપ્યો.

“ઓ સ્ક્વોડ્રન લીડર અભિમન્યુ સાહેબ...!” ટ્રેન ઉપડવાની સાઈરન સંભળાતા પૃથ્વી ફરીવાર ટોંન્ટ મારતો હોય એમ બોલ્યો.

એક ફાઈટર પાઈલટ તરીકે ઇન્ડિયન એરફોર્સમાં જોડેયલો હોનહાર અભિમન્યુ આજે એક આખી સ્ક્વોડ્રનનો લીડર હતો. પૃથ્વી તેનો નેવિગેટર પાઈલટ હતો. જે અભિમન્યુનાં ફાઈટર પ્લેનની પાછલી સીટમાં બેસતો. ઈન્ડિયન એરફોર્સના શ્રીનગર એરબેઝમાં બંન્નેની જોડી એટલી ફેમસ હતી કે ત્યાં તેઓ શોલેના “જય-વીરૂ” તરીકે ઓળખાતાં. ફર્ક માત્ર એટલો હતો શોલેના જય-વીરૂ સાઈડકારવાળાં બાઈકમાં બેસતાં જ્યારે ઈન્ડિયન એરફોર્સના આ “જય-વીરૂ” ફાઈટર પ્લેનમાં (આગળ-પાછળની સીટમાં) જોડે બેસતાં.

થોડાં દિવસો પહેલાં ભારતના કશ્મીર ખાતે પુલવામાં પ્રાંતમાં થયેલાં ભયંકર ટેરરિસ્ટ અટેક પછી અભિમન્યુ અને તેની સ્ક્વોડ્રનને સાંકેતિક મેસેજ મળ્યો હતો. જે મુજબ અભિમન્યુ અને તેની સ્ક્વોડ્રનનાં સાથીદારોએ અલગરીતે (ટ્રેન, બસ વગેરે રસ્તે) શ્રીનગર એરબેઝથી ટ્રેન દ્વારાં સાંકેતિક નામ અપાયેલાં ઇન્ડિયન એરફોર્સના બીજાં એક એરબેઝ પહોંચવાંનું હતું.

“જો તું આ લડાઈમાં જઈશ...! તો આપડી સગાઈ તૂટશે....!” પોતાનાં મોબાઈલમાં સ્ક્રીનલૉક ઉપર વૉલપેપરમાં સેટ કરેલાં ઉત્તરાનાં ફોટો સામે બે ઘડી અભિમન્યુ જોઈ રહ્યો અને તેણીએ કહેલી વાત વિષે વિચારી રહ્યો.

“હવે ટ્રેનમાં બેસવું છે...! કે પછી તમારું મિગ ફાઈટર જેટ અહિયાં મંગાવું...!?” પૃથ્વી ફરીવાર ટોંન્ટ મારતો હોય એમ બોલ્યો.

“કેટલીવાર કીધું તને....! બી સિરયસ....!” પહેલેથીજ ઉડાઉ અને કેરલેસ સ્વભાવના પૃથ્વીની વાત સાંભળીને અભિમન્યુ સહેજ અકળાઈને બોલ્યો અને આજુબાજુ જોયું “કોડ મેસેજનો મતલબ નઈ ખબર પડતી તને....!? આપડે પાર્ટી કરવાં નથી જઈ રહ્યાં...!”

“અરે પાર્ટીજ હશે...!” અભિમન્યુની પીઠ ઉપર ધબ્બો મારીને પૃથ્વી ફરીવાર એવાંજ ઉડાઉ સ્વરમાં બોલ્યો પછી તેણે પણ આજુબાજુ જોઈને ધીમેથી અભિમન્યુને કાનમાં કહ્યું “આતંકવાદીઓની પાર્ટી કરશું આજે...! તું જોજે...! એની માને...!”

અભિમન્યુએ ઘુરકીને પૃથ્વી સામે જોયું.

પુલવામાં પર થયેલાં આતંકવાદી હુમલા પછી મળેલાં સાંકેતિક મેસેજનો અર્થ અભિમન્યુ પણ સમજી ગયો હતો. આમ છતાં, પૃથ્વીના હરખપાદુડાં સ્વભાવથી વિપરીત શાંત અને ઠરેલ સ્વભાવનો અભિમન્યુ કોઈપણ પૂર્વધારણાઓ બાંધવાંમાં નહોતો માનતો.

“ખબર નઈ …! તને એરફોર્સે કેવીરીતે સિલેક્ટ કરી લીધો...!” માથું ધૂણાવીને અભિમન્યુ વ્યંગ કરતાં બોલ્યો “ઇન્ટરવ્યુ કેમનું પાસ થયો તું....!?”

“અરે જે રીતે આપડાં બાબુઓ પાસ કરે છે...!” પૃથ્વી રે-બનનાં એવિયેટર ગોગલ્સ આંખે ચઢાવી પોતાનાં સામાનની બેગપેક ખભે ભરાવતાં બોલ્યો “દેખાડો કરીને...!?”

“બાબુઓ...!?” નીચાં નમીને અભિમન્યુએ પણ પોતાની બેગપેક ઉઠાવીને ખભે ભરાવી અને પ્લેટફોર્મ પાસે ઊભેલી ટ્રેનનાં કૉચ તરફ જવાં લાગ્યો.

“આ બાબુઓ કોણ છે...!?” કૉચ તરફ જતાં-જતાં અભિમન્યુએ પોતાની પાછળ આવી રહેલાં પૃથ્વીને પૂછ્યું.

“અરે કેમ બાબુઓ નઈ ખબર તને...!?”પ્લેટફોર્મની ભીડમાંથી સાચવીને જતાં-જતાં પૃથ્વીએ નવાઈ પામીને પૂછ્યું.

“અમ્મ...! નોપ...! નઈ ખબર...!”

“અરે યાર આપડા કહેવાતાં સિવિલ સર્વન્ટો....! જે UPSCની એક્ઝામમાં અને ઇન્ટરવ્યુમાં મોટી-મોટી વાતો કરે છે...! કે એ લોકો દેશની સેવાં કરવાં માંગે છે...! ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડવા માંગે છે...! બ્લા..બ્લા.. બ્લા...!” પૃથ્વી વ્યંગ કરતો હોય એમ ભારોભાર નફરતથી બોલ્યો “અને IAS કે IPS બન્યાં પછી એજ લોકો સૌથી મોટાં ભ્રષ્ટાચારી બની જાય છે...! અને અબજો રૂપિયાનાં કૌભાંડો કરીને દેશની “અદ્ભુત સેવાં” કરે છે...!”

“અદ્ભુત સેવાં” શબ્દો કહેતી વખતે પૃથ્વીએ પોતાનાં સ્વરમાં એટલો વ્યંગ ભેળવ્યો કે ઉદાસ હોવાં છતાં અભિમન્યુથી મલકાઈ જવાયું.

બંને હવે પોતાનાં એસી કૉચ પાસે આવીને ઊભાં રહ્યાં.

“તને શું લાગે છે...!? આવાં IAS કે IPSઓને સામાન્ય જનતાં “બાબુઓ” કહીને કેમ ટોંન્ટ મારે છે...!?” પૃથ્વીએ પૂછ્યું.

“જ્યાં સુધી મને યાદ છે...!” કૉચનાં દરવાજાની રેલિંગ પકડીને અંદર એન્ટર થતાં-થતાં અભિમન્યુ પણ ટોંન્ટ મારતો હોય એમ બોલ્યો “તું પણ બાબુ બનવાની (UPSC)ની એક્ઝામ આપવાં માટે ગયો’તોને....!”

“અરે એ તો હું એ લોકોને સબક શીખવાડવા માટે બનવા માંગતો’તો....!” અભિમન્યુની પાછળ-પાછળ કૉચમાં એન્ટર થતાં-થતાં પૃથ્વી બોલ્યો “જો હું IAS બની ગ્યો હોત...! તો પછી સિનિયર પદે પહોંચ્યાં પછી હું આવાં ભ્રષ્ટ ઓફિસરોની પથારી ફેરવી નાંખત...!”

પૃથ્વી ભોળાંભાવે બોલ્યો અને કૉચમાં અંદર ચાલતો-ચાલતો પોતાની સીટ તરફ જઈ રહેલો અભિમન્યુ મલકાઈ ઉઠ્યો.

પૃથ્વીનાં બાળક જેવાં ભોળાં સ્વભાવને ઓળખતો અભિમન્યુ કાયમ તેની દરેક વાતમાં સપોર્ટ કરતો. બંને સ્કૂલ ફ્રેન્ડ હતાં. જોકે બંને તેમનાં શહેરની અલગ-અલગ કૉલજમાં ભણ્યાં હતાં. કોલેજકાળ દરમ્યાનજ એરફોર્સની ભરતીમાં બંનેએ સાથે ફૉર્મ ભર્યું હતું. જેમાં બંનેનું સિલેકશન થઈ ગયું. એરફોર્સની એકજ એકેડમીમાં બંનેની ટ્રેનિંગ પણ સાથેજ થઈ હતી. ટ્રેનિંગથી માંડીને ફાઈટર પાઈલટ તરીકેની તેમની જોબ દરમ્યાન અભિમન્યુએ દર વખતે પૃથ્વીને તેની ભૂલો માટે સિનિયર ઓફિસરોની સજા કે પછી ઠપકાંથી બચાવ્યો હતો. જોકે પૃથ્વીની ભૂલ માટે અભિમન્યુ તેને દર વખતે “પર્સનલ”માં ખખડાવી નાંખતો. નટખટ પૃથ્વી હવે પછી એ ભૂલ રિપીટ નહીં કરવાનું વચન આપીને વાત ઉડાવી દેતો. બંનેનાં આવાં બોન્ડીંગને લીધેજ તેમને “જય-વીરૂ” કહેવાતાં હતાં.

કૉચમાં પોતાનાં સામાનની બેગ્સ પોત-પોતાની સીટ નીચે સરકાવીને બંને સામે-સામે વિન્ડો સીટમાં બેઠાં.

થોડીવાર પછી ટ્રેન ઉપડી. અને પૃથ્વી પાછો UPSCનાં ભ્રષ્ટ અધિકારીઓને લગતી એજ વાતો કરવાં લાગ્યો. પૃથ્વીનું મન રાખવાં અભિમન્યુએ થોડીવાર સુધી તેની વાતોનો પ્રતીભાવ આપ્યે રાખ્યો, પછી ટ્રેન ફૂલ સ્પીડે ચાલવાં લાગતાં બારીમાંથી બહાર જોઈ રહીને નજીકનાં ભૂતકાળમાં ખોવાઈ ગયો.

▪▪▪▪▪

“જો અભી...! તને ભલે ખોટું લાગે....!” ઉત્તરાં બોલી રહી હતી.

કૉલેજની નજીકમાં આવેલાં એક કૉફી શોપમાં બંને બેઠાં-બેઠાં “ફ્યુચરનાં પ્લાનિંગ” વિષે વાતો કરી રહ્યાં હતાં.

ઉત્તરા અને અભિમન્યુ એકજ કૉલેજમાં ભણતાં હતાં. ઉત્તરાનાં પિતા એક સરકારી બેન્કમાં મેનેજરના હોદ્દા ઉપર હતાં. મિડલ ક્લાસની ઉત્તરા મોટેભાગે એકટીવા લઈને કૉલેજ જતી. જોકે કોઈવાર એકટીવા બગડ્યું હોય કે સર્વિસમાં હોય તો તે પોતાની કૉલેજની ફ્રેન્ડસ જોડે બસમાં જતાં ખચકાતી નહીં. પોતે ઠરેલ અને સરળ સ્વભાવની હોવાને લીધે તેનાં જેવાંજ સ્વભાવના સીધાં અભિમન્યુ સાથે તે કૉલેજનાં બીજાં વર્ષમાં પ્રેમમાં પડી હતી.

આર્થિકરીતે ઉત્તરાથી સહેજ ઓછો પણ મિડલક્લાસમાં આવતો અભિમન્યુ કૉલેજ જવાં કાયમ બસમાં ટ્રાવેલ કરતો. હાઈટમાં એવરેજ બોયઝથી સહેજ ઉંચો અને બોડીમાં એથ્લીટ બાંધો ધરાવતો અભિમન્યુ દેખાવમાં સહેજ સાધારણ પણ આકર્ષક હતો. બંનેની પહેલી મુલાકાત પણ કૉલેજ જતાં-જતાં બસમાંજ થઇ હતી. અભિમન્યુથી આકર્ષાયેલી ઉત્તરાએ ત્યાર પછી કૉલેજ આવવાં-જવા માટે એકટીવાની જગ્યાએ બસનો ઉપયોગ કરવાનું શરુ કરી દીધું હતું. જોકે છોકરીઓની બાબતમાં “ડફોળ” કહેવાય એવો અભિમન્યુ તેનાં માટે બસમાં કૉલેજ આવતી ઉત્તરાનો એ ઈશારો સમજી નહોતો શક્યો અને ખાસ્સો લાંબો સમય સુધી બસમાં સાથે ટ્રાવેલ કરતાં હોવાં છતાં બંને વચ્ચે કોઈજ વાતચીત નહોતી થઈ.

છેવટે બીજાં વર્ષમાં કૉલેજની ઈન્ટરનલ એક્ઝામમાં બસ ચુકી ગયેલાં અભિમન્યુને ઉત્તરાએ પોતાનાં એકટીવા ઉપર કૉલેજ સુધી લીફ્ટ આપી ત્યારથી બંને વચ્ચે વાતચિતનો દોર શરુ થયો. એક્ઝામ હોવાથી ઉત્તરા એકટીવા ઉપર કોલેજ જતી. અને ત્યાર પછી અભિમન્યુને રોજે એકટીવા ઉપર જોડે લઈ જતી.

બીજાં વર્ષમાં એકટીવા ઉપર શરુ થયેલી તેમની લવ સ્ટોરી ત્રીજા વર્ષમાં છેવટે મેરેજની વાત સુધી પહોંચી ગઈ હતી.

ખૂબસૂરત અને સુશીલ ઉત્તરા અભિમન્યુનાં ફેમીલીને જોતાંજ ગમી ગઈ હતી. સામે ઉત્તરાના ફેમીલીમાં પણ અભિમન્યુને લઈને કોઈ નારાજગી નહોતી. પરંતુ વાત ફક્ત ઉત્તરાનાં પિતાની એક જિદ્દ ઉપર આવીને અટકી હતી.

“પપ્પાની વાત સાચી છે...! તું ગમે તે કર...! પણ એક ગર્વમેન્ટ જોબ તો જોઈએજ...!” ઉત્તરા કડક સ્વરમાં બોલી.

લગ્ન કરવાની શરતના ભાગરૂપે ઉત્તરાના પિતાએ જિદ્દ પકડી હતી કે અભિમન્યુએ કોઈપણ એક સરકારી નોકરી મેળવવીજ પડશે, નહીંતો મેરેજ શક્ય નથી.

“યાર સરકારી નોકરી મળવી એટલી ઇઝી થોડી છે..!” અભિમન્યુ દયામણું મોઢું કરીને દલીલ કરતાં બોલ્યો.

“ઈઝી તો કશું પણ નથી યાર લાઈફમાં...! એટલે ટ્રાય નઈ કરવાનો..!?” ઉત્તરા સહેજ ચિડાઈને બોલી “હજી તારી પાસે આટલું વરસ છે...! એક વર્ષમાં તું એક નોકરી મેળવી શકે..!?”

“યાર આ કૉલેજનું છેલ્લું અને ઇમ્પોર્ટન્ટ વરસ છે...! હું ગર્વમેન્ટ જોબની તૈયારી કરું...! કે કૉલેજની એક્ઝામની..!?” અભિમન્યુ પણ સહેજ ચિડાયો.

કૉફીશોપમાં બેઠેલાં કેટલાંક કપલ્સનું ધ્યાન તેમની તરફ ગયું.

“અને એમાંય તારાં મેનેજર પપ્પાને ખબરની નઈ...! કઈ સરકારી નોકરીથી સંતોષ થશે...!” અભિમન્યુ ટોન્ટ મારતો હોય એમ બોલ્યો.

“અરે યાર કોઈપણ સરકારી જોબ ચાલશે..!” ઉત્તરા સમજાવતી હોય એમ બોલી “મારાં પપ્પા પોતે પણ બેન્કમાં ક્લાર્ક તરીકે લાગ્યાં’તાં...! પછી મેનેજરની પોસ્ટ માટે એક્ઝામ આપી-આપીને અહિયાં પહોંચ્યાં...! તું પણ એવી કોઈ ક્લાર્ક કે પ્યુનની એક્ઝામ આપીને એક જોબ લઈલે...પછી કોઈ હાયર પોસ્ટ માટે તૈયારી કરતો રે’જે....!”

“તો પણ...! એક વર્ષમાં..!?”

“તું એક વર્ષમાં ક્લાર્ક કે પ્યુન ના બની શકે યાર...!?” ઉત્તરા ફરીવાર ચિડાઈ “લોકો IAS બની જતાં હોય છે...!”

એક ઊંડો નિ:શ્વાસ નાંખી અભિમન્યુ શૂન્યમનસ્ક તાકી રહ્યો અને વિચારી રહ્યો.

“કોઈકે બવ સાચુંજ કીધું છે...!” અભિમન્યુ ટોન્ટમાં બોલ્યો “કે આ દુનિયામાં નાનાં ગલુડિયાં, નાનાં બાળકો અને સુંદર છોકરીઓને લોકો નિ:સ્વાર્થ પ્રેમ કરે છે...! બાકી છોકરાંઓને તો લોકો તેમનું બેન્ક બેલેન્સ કે પછી ગવર્મેન્ટ જોબ જોઇનેજ “પ્રેમ” કરે છે...!”

“અચ્છા...! તો તું જ્યારે બસમાં કૉલેજ જતો’તો..! અને હું તારી પાછળ-પાછળ હું પણ બસમાં આવવાં લાગી’તી...! ત્યારે તારી જોડે કેટલું બેન્ક બેલેન્સ હતું...!? કે પછી કઈ ગર્વમેન્ટ જોબ હતી...!? બોલ..!?” વળતો ટોન્ટ મારીને ઉત્તરા અભિમન્યુ સામે જોઈ રહી.

ભોંઠો પડ્યો હોય એમ અભિમન્યુ નીચું જોઈ રહ્યો.

“મારો પ્રેમ નિ:સ્વાર્થજ હતો....!” ઉત્તરા એજરીતે ચિડાઈ રહીને બોલી “અને કોઈપણ બાપ હોય..! પોતાની છોકરીને આર્થિકરીતે કમજોર છોકરાં જોડે ના પરણાવે...! આપડી પણ છોકરી આવે ત્યારે તું કોઈ તારાં જેવાં અભિમન્યુ જોડે કરાઈશ એનાં મેરેજ...! બોલ...!?”

“સોરી...! ભૂલથી ડાયલોગ મરાઈ ગયો...!” અભિમન્યુ નાનાં બાળક જેવું મોઢું બનાવીને બોલ્યો.

“તને આવાં ડાયલોગો શીખવાડે છે કોણ...!?” ઉત્તરા ચિડાયેલી હોવાં છતાં અભિમન્યુનો એવો બાળક જેવો ફેસ જોઇને પરાણે મલકાઈ ઉઠી.

“મેં તો Instagram ઉપર વાંચ્યો તો...!”

“અચ્છા...! એટલે ગમે ત્યાં ડાયલોગ મારી દેવાનો એમ...!? વિચાર્યા વગર...!?” ઉત્તરા પાછી ચિડાઈને બોલી.

અભિમન્યુ નીચું જોઇને ચુપ બેસી રહ્યો.

“હું છોકરી થઈને સોશિયલ મીડિયા નઈ જોતી...! તો તું શું એ બધાંમાં લાગેલો રે’છે..!? એનાં કરતાં એક્ઝામની તૈયારીઓ કરને..!”

“હાં..સારું...!” અભિમન્યુ નારાજ થઈને નીચું જોઈ રહ્યો.

“જો..! પપ્પાએ ચોખ્ખું કીધું છે...!” ચેતવણી આપતી હોય એમ ઉત્તરા હથેળી ધરીને બોલી “કે આ છેલ્લું વર્ષ પૂરું થાય એ પછી જો તું કોઈ ગર્વમેન્ટ જોબમાં નઈ લાગે...તો પપ્પા એમની રીતે કોઈ ગર્વમેન્ટ જોબવાળો છોકરો ગોતી લેશે...! મારાં માટે...!”

એટલું બોલીને ઉત્તરા અભિમન્યુ સામે જોઈ રહી. અભિમન્યુ શૂન્યમનસ્ક થઈને વિચારે ચઢી ગયો.

▪▪▪▪▪

“યાર...! મેં કીધું ‘તુંને...! ટેરરિસ્ટોની પાર્ટી થશે...!” પોતાની જોડે ચેયરમાં બેઠેલાં અભિમન્યુ તરફ પોતાનું મોઢું નમાવીને પૃથ્વીએ ધીરેથી કહ્યું.

શ્રીનગરથી ટ્રેનમાં તેઓ તેમને મળેલાં ગુપ્ત મેસેજની લોકેશન ઉપર પહોંચી ગયાં હતાં. આ લોકેશન આમતો ઈન્ડીયન એરોફોર્સનો એક અન્ય બેઝજ હતો. પણ આખું મિશન અને તેની કોઈપણ ઇન્ફોર્મેશન લીક ના થઈ જાય એટલે મિશન સાથે જોડાયેલાં તમામને એ એરબેઝ ઉપર પહોંચવા માટે સાંકેતિક મેસેજ દ્વારા ઇન્ફોર્મ કરાયા હતાં.

યુદ્ધ કે તેનાં જેવી પરિસ્થિતિઓમાં દરેક પાઈલટોને સુચના આપવાં માટે જે રૂમમાં એકઠાં થવાંનું કહેવાતું, એ “War Room”માં અભિમન્યુ અને પૃથ્વી સહિત તેમનાં જેવાં અન્ય હોનહાર અને ચુનંદા પાઈલટો જેઓ ઈન્ડીયન એરફોર્સના અન્ય એરબેઝ ઉપર પોસ્ટેડ હતાં તેઓ પણ ત્યાં આવ્યાં હતાં.

વોર રૂમ કોઈ સ્કૂલના ક્લાસ રૂમ જેવોજ પણ સહેજ મોટો ઓરડો હતો. જેમાં સામેની દીવાલ ઉપર લાગેલાં એક વ્હાઈટ બોર્ડ પર રૂમની છતમાં લાગેલાં પ્રોજેકટરમાંથી પ્રકાશ પડી રહ્યો હતો. જોકે રૂમમાં બીજી લાઈટ્સ ચાલું હોવાને લીધે પ્રોજેક્ટરનાં પ્રકાશનું અજવાળું ઝાંખું દેખાઈ રહ્યું હતું. પ્રોજેકટરમાંથી વ્હાઈટ બોર્ડ ઉપર ઈન્ડીયન એરફોર્સનો ધ્વજનો ફોટો પ્રોજેક્ટ થઇ રહ્યો હતો. સામે ચેયરમાં બેઠેલાં પાઈલટોને વ્હાઈટ બોર્ડ દેખાય એ રીતે બોર્ડની સહેજ સાઈડમાં એક નાનકડું સ્ટેજ અને તેની ઉપર લાકડાનું એક માઈક ટેબલ મુકવામાં આવ્યું હતું.

વોર રૂમમાં મિશન વિષે જાણકારી આપનાર સીનીયર ઑફિસર હજી સુધી આવ્યાં ન હોવાને લીધે બધાં પાઈલટો એકબીજાં જોડે ચર્ચાઓ કરી રહ્યાં હતાં. જેથી વોર રૂમમાં કોલાહલ થઇ રહ્યો હતો.

વોર રૂમમાં હાજર પાઈલટોની સંખ્યા જોઇને અભિમન્યુ એટલું તો સમજી ગયો હતો કે જે પણ મિશન હશે એ મોટાપાયે હાથ ધરવાનું છે.

“યાર મજા આઈ જશ..!”

પૃથ્વી બોલવાંજ જતો હતો ત્યાંજ માઈક ટેબલની જોડે વોર રૂમમાં આવવાનાં બીજાં દરવાજેથી છાતી ઉપર અનેક મેડલો લગાવેલી બ્લ્યુ કલરની રુઆબદાર એરફોર્સ વર્દીમાં એક સીનીયર ઑફિસર એન્ટર થયાં.

તેમને અંદર એન્ટર થતાં જોઈને પૃથ્વી સહીત બધાંજ મૌન થઇ ગયાં અને તરતજ પોતાની જગ્યાએ ઉભાં થઇ ગયાં.

માઈક ટેબલની જોડે આવીને તે ઑફિસરે માત્ર હકારમાં ડોકું ધુણાવ્યું અને બધાંજ પાઈલટો પોત-પોતાની ચેયરમાં પાછાં બેસી ગયાં. પોતાનાં માથે પહેરેલી ઈન્ડીયન એરફોર્સની નેશનલ એમ્બલ્મવાળી કેપ ઉતારી તે ઑફિસરે માઈક ટેબલ ઉપર મૂકી.

“બોયઝ....! એઝ યુ નો...!” કોઈજ જાતની ઔપચારિકતા વિનાજ તેમણે સીધુંજ માઈકમાં મુદ્દાની વાત શરુ કરતાં પોતાનાં ભારે અને સત્તાવાહી સ્વરમાં કહ્યું “વી આર અન્ડર અટૈક....!”

▪▪▪▪▪

Instagram@Krutika.ksh123