From the window of the shaman - 15 in Gujarati Fiction Stories by Ketan Vyas books and stories PDF | શમણાંના ઝરૂખેથી - 15. શમણાં ચાલ્યા સજી શણગાર..

શમણાંના ઝરૂખેથી - 15. શમણાં ચાલ્યા સજી શણગાર..

૧૫. શમણાં ચાલ્યા સજી શણગાર..


.....સવાર થતાંની સાથે જ ઘરનો માહોલ સંગીતમય બની ગયો હતો. નમ્રતાના શમણાંનો સારથી આવે તેની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. નમ્રતા પણ સુંદર મજાના શણગારમાં દીપી ઉઠી હતી. જાનૈયાઓની આગતા-સ્વાગતાની તૈયારીઓને લીધે ઘરમાં અને નજીકમાં જ આવેલી સમાજની વાડી સુધી લોકોની ચહલ-પહલ બરાબર જામી હતી.

સદાનંદભાઈ, નમ્રતાના પિતા, પોતાની બધી વ્યવહાર કુશળતા વાપરીને સગા-સંબંધીઓની સરભરામાં કાંઈ ખામી ન રહી જાય તેની કાળજી રાખીને બધાને મળવામાં, સ્વાગત કરવામાં અને આયોજનમાં વ્યસ્ત હતાં. દીકરીનાં લગ્ન સમયે ત્રણ-ચાર વર્ષથી રિસાયેલ નાનોભાઈ દામોદર એટલે કે નમ્રતાના કાકા પણ આજે મોટાભાઈની પડખે ને પડખે હાજર હતા. સદાનંદભાઈનો બે-એક મહિનાથી લગ્નની તૈયારીમાં થાકેલો ચહેરો નાનાભાઈની હાજરીથી સમાજના મોભીઓની વચ્ચે જાજરમાન થઈ ઉઠ્યો હતો. બીજી બાજુ, સરયુબહેનનું મુખમંડળતો સગા-સંબધીઓમાં થતી બે ભાઈઓની અને દીકરીના લગ્નની વાતોથી જ ઝગમગ થતું હતું. આ બધાથી દૂર, એક રૂમમાં તૈયાર થઈને બેઠેલી નમ્રતા પપ્પા-મમ્મીની ખુશી તેમજ પ્રસંગની ખુશીની મહેફિલ લગાવેલ સ્વાજનોને જોઈને ખુશ તો થતી હતી પણ ક્યારેક અચાનક જ વિહવળ થઈ જતી હતી. તેણે બાજુમાં બેઠેલી સુલેખાનો હાથ પકડી રાખ્યો હતો.

"શું થાય છે?" નમ્રતાના કપાળની ત્વચાને રૂમાલથી થોડી સરખી કરતાં સુલેખાએ પુછ્યું. " કેમ મૂંઝવણ થાય છે? ઘરેણાંનો ભાર લાગે છે કે ભારીભરખમ વસ્ત્રોનો? કે પછી.." બોલીને અટકી જાય છે.

" શું? કે પછી..?"

"એમ કહું છું કે આટલી રાહ જોઈ તો થોડી વધારે.."

"ધત..," પોતાનાં મુખનાં ભાવને જેમતેમ કરી છુપાવતી હોય તેમ, "કેમ, તને તો જાણે કોઈ અનુભવ જ ન હોય એમ વાત કરે છે? નમ્રતાની વાત પૂરી થઈ ત્યાં જ આંટી આવીને બાજુમાં બેઠાં.

"બેટા, મન પર ભાર તો આવી જ જાય. આ દિવસ અને આ ઘડી એવી જ હોય છે. પણ, આજે લગ્નનો દિવસ છે. દરેક સ્ત્રી માટે લગ્નનો દિવસ ખૂબ અણમોલ હોય છે." આંટીએ તેના માથા પર હાથ મુકતાં કહ્યું.

"હા, આંટી; હું ખુશ જ છું. પણ..પણ આજે એમ થાય છે કે લગ્ન બહુ જલ્દીથી આવી ગયું. એમ થાય છે કે હજુતો મેં મારા મમ્મી-પપ્પા સાથે સરખો સમય જ ક્યાં વિતાવ્યો છે? હું જઈશ પછી એમનું કોણ ધ્યાન રાખશે? ને, મારા પપ્પાને તો મારા વિના ખાવાનું ગળેય નહીં ઉતરે. મેં કેમ લગ્ન માટે હા પાડી દીધી? આજે.., આજે મને ન સમજાય તેવી મૂંઝવણ સતાવે છે."

"જો, એતો સ્ત્રીઓનાં જીવનમાં એકવાર તો આ પ્રસંગ અને આવો સમય આવે જ છે. આજે નહીં તો કાલે, તારે લગ્ન કરીને જવાનું જ છે. સાચું કહું તો આવી દરેક પરિસ્થિતિને સહન કરવાની ક્ષમતા સ્ત્રીમાં હોય જ છે. અને; માં-બાપને પોતાની દીકરીનાં લગ્નનો ઉત્સાહ પણ એટલો જ હોય છે." મમ્મી તરફ ઇશારો કર્યો, " જો તારા મમ્મીને..! તારા લગ્નના ઉત્સાહમાં ઊંચકયા ઊંચકાય નહીં તેવી ખુશી છે, અને એવું જ તારા પપ્પાનું છે.

"આંટી.., પપ્પા તો કાયમ એવી જ રીતે રહેતા હોય છે. બાકી તો મને જ ખબર છે કે એમનાં દિલ પર શું વિતતું હશે!

"હા, એ બધુંય સાચું...!" સુલેખાએ મમરો મૂકી નમ્રતાનું મન વાળ્યું. "જોજે ઓ બહેન, આમ મમ્મી-પપ્પના વિચારોમાં જીજાજીને ન ભૂલી જતી. એમનોય વિચાર કર. કેટલી તૈયારીઓ કરીને તને લેવા આવી જશે, હમણાં!"

"તૈયાર રહેજો" બહારથી બે-ત્રણ બહેનો વારાફરતી આવીને એકના એક સંદેશ આપી ગયા. " જાન આવી ગઈ છે...!"

નમ્રતાના હૈયાની ધડકન એવીતે વધી કે જાણે તેનું હૃદય હમણાં બહાર આવી જશે. મન- હૃદય આટલી બધી ખુશીના માહોલમાં ફફડાટ અનુભવવા લાગ્યું. સુલેખાનો હાથ ફરી જોરથી પકડી લીધો. આંટીની નજરથી એ છાનું ન રહ્યું. એમણે કશું જ કહ્યું નહીં પણ નમ્રતાની પીઠ પર હાથ ફેરવ્યો. નમ્રતાને એ હાથમાં પણ ખૂબ સાંત્વનાની અનુભૂતિ થઈ આવી. લગ્નની એ ઘડી આવી ગઈ હતી. નમ્રતા લગ્નમંડપમાં પહોંચી ગઈ ગતી. બધાનું ધ્યાન બસ દુલ્હન પર જ લાગેલું હતું. આટલા બધાં કુટુંબી જનો, સગા-સંબંધીઓ, અડોશી-પડોશી ને સુહાસના પક્ષે આવેલા મહેમાનો બધા તરફ પોતાની નજર કરવાની હિંમત નહોતી થતી, પણ એટલો અંદાજ લગાવી લીધો કે લોકોનું ધ્યાન પોતાનાં તરફ છે. એવો પણ ખ્યાલ આવ્યો કે કેટલાક ચહેરા જાણીતા હતા. લગ્નની વિધિ શરૂ થઈ. સુહાસ પોતાની સાથે હતા, નજીક હતા, સામે હતા; પણ ચહેરો ઊંચકીને તેમની સામે કે મંડપમાં હાજર લોકોની સામે જોવાની હિમ્મત નહોતી થતી. થોડી વારતો નમ્રતાને એવું લાગ્યું કે "..આટલા બધાં લોકોની વચ્ચે બેસીને લગ્ન કરવાની આ કેવી વિધિ!" આંખની પાંપણ ઊંચકીને ધીમેથી નજર ફેરવી લીઘી. બધા જાણે પોતાની સામે જોઇને બેઠાં હતાં. 'બે વ્યક્તિને લગ્ન કરવાના છે, આખી જિંદગી સાથે રહેવાનું છે, બસ એ બધુંતો બરોબર છે; પણ લોકો જાણે કોઈ દિવસ મને જોઈ ન હોય તેમ જોઈ રહ્યા છે!" ફરતી ફરતી પોતાની નજર બે-ચાર વાર સુહાસ તરફ પહોંચી ગઈ હતી. સુહાસને જોયા પછી નમ્રતાનાં મનની વિહવળતા જરી શાંત પડી. તેમનો ચહેરો પણ સ્મિત ફરકાવવાની હિંમત નહોતો કરતો, પણ એમનું મુખ અને આંખોમાં ચમક હતી. સુહાસના સ્મિતના બદલે ફરકેલી પાંપણ નમ્રતાને હિંમત આપતી હતી. "હું મારી જાતને કેમ રોકી શક્તિ નથી? આટલા બધાં લોકોની નજરથી બચીને એમના તરફ નજર કરું તોય કેવી રીતે?" એમ વિચારીને સુહાસ તરફ એક નજર કરી લીધી અને પોતાનાં મનમાં થતી મૂંઝવણને સમજવા માટે મથામણ કરતી રહી.

જેમ જેમ લગ્નની વિધિ ચાલતી રહી અને સમય પસાર થતો ગયો તેમ તેમ નમ્રતાનું મન થોડું હળવું થતું રહ્યું. લગ્નમંડપના માહોલને લીધે વધી ગયેલ હૃદયનાંની તીવ્રતા શાંત પડતી ગઈ. સુંદર અને આભૂષણોથી સુશોભિત ચહેરા પર હિંમત અને ગર્વની આભા ફેલાય ઉઠી . મનમાં તરંગ લેતી સંકોચની લાગણી નરમ પડી. સાવ ચૂપ થઈને બેઠેલી નમ્રતાને કઈ જરૂર લાગે તો બાજુમાં બેસેલ સુલેખા, કે આંટી કે મમ્મી સાથે વાત પણ કરતી થઈ. એક-બે વાર સુહાસ સાથે વાત કરવાનો ને મસ્તી કરવાનો મોકો મળ્યા પછી તો એને એવું લાગ્યું "લગ્નનો દિવસ ખરેખર કેટલો યાદગાર બની જતો હોય છે." બાજુમાં સુહાસની હાજરી હતી, જેની સાથે આજે અગ્નિની સાક્ષીએ એક સૂત્રમાં બાંધવાનું હતું. તેમનાં કુટુંબના સભ્યો નજીક ગોઠવાઈને બેઠેલા હતા. ભાવિ સાસુ-સસરા, નણંદ અને દિયર પણ નજીક બેઠા હતા. એમના ચાર-પાંચ મિત્રો પણ હાજર હતા.

"બેટા.." આંટીએ કાન સુધી નજીક આવીને કહ્યું, "પુરોહિતના સૂચનો ઘ્યાનથી સાંભળજે. હવે બધી અગત્યની વિધિઓ શરૂ થાય છે. પતિ-પત્નીએ પાળવાના સૂચનો લગ્નવિધીનો જ એક ભાગ હોય છે."

નમ્રતાએ હકારમાં ડોકી હલાવી. એક પછી એક વિધિઓ ચાલતી રહી. યજ્ઞની ધૂણી ક્યારેક ક્યારેક વરઘોડિયાને આંખમાં લાગ્યા કરતી હતી. જોતજોતમાં મંગળફેરા ની વિધિ પણ પુરી થઈ ગઈ. પુરોહિતે જરૂરી સૂચનો કર્યા. પુરોહિત તરફથી મળતા દરેક સુચને નવોદિત દંપતીની આંખો ઈશારાથી સુખદુઃખમાં સાથે રહેવાની કસમ ખાતી હતી. લગ્ન સમાપનની જાહેરાત થઈ. સૌના આશીર્વાદથી આખરે બન્ને લગ્નગ્રંથિથી જોડાય ગયા હતા.

લગ્નની સંપૂર્ણ ક્રિયા પુરી થઈ ત્યાં સુધીમાં ઘણાખરા મહેમાનોનું જમણવાર પણ પૂરું થઈ ગયું હતું. વરઘોડિયાને પણ પણ ભોજન માટે લઈ જવાયા. નમ્રતાએ થોડુંઘણું ખાધું. એનાથી કંઈજ ગળે ઉતરતું ન હોય તેવું લાગતું હતું. મમ્મી-પપ્પાનું ઘર છોડીને જવાનું હતું. હૃદય ભારે થવા લાગ્યું હતું. એક પછી એક લોકો મળવા આવતા હતા. વડીલો તરફથી આશીર્વાદ, સલાહ, સૂચનો, ને મિત્રો દ્વારા હસી મજાક ને ઘણું બધું હૃદયનો ભાર વધારી રહ્યું હતું. સ્વજનો તરફથી મળેલ ભેંટ અને આશીર્વાદથી જ પેટની ભૂખ શમી ગઈ હતી. સુહાસે થોડુ જમી લેવાનો આગ્રહ પણ કર્યો. બેઉં એકબીજાને ખવડાવ્યું. દરેક પ્રસંગ એક યાદગાર દ્રશ્ય બનીને ફોટોગ્રાફરના કેમેરામાં કેદ થઈ રહ્યા હતા. એ બધામાં એક ઘટના તો નમ્રતાના હૃદયમાં સોંસરવી ઉતરી ગઈ. લગ્ન પત્યું, જમવાનું પત્યું; ને સુહાસે એક ચોકલેટ નમ્રતાના હાથમાં મૂકી દીધી.

"આમાંથી એકાદ ટૂકડો તો મને આપીશને, કે પછી?" સુહાસ આટલું બોલે છે ત્યાં તો નમ્રતાએ અડધી ચોકલેટ સુહાસના હાથમાં મૂકી દીધી હતી. એકબીજાને ચોકલેટ ખવડાવીને દિલના ભાવોને વ્યક્ત કર્યો. પણ, નમ્રતાની જીભને આજે સ્વાદ નહોતો આવતો. વિદાયનો સમય નજીક આવતો ગયો તેમ તેનાં ચહેરા પરની રેખાઓ ભારે થવા લાગી હતી. આજે એને પહેલી વાર અનુભવ થયો કે "ખુશી અને દુઃખ બેઉં એકસાથે કેવા લાગતા હોય. પોતાને એવું લાગ્યું કે છોકરા પક્ષે તો માત્ર ખુશીને ઉજવવાની આવતી હોય છે. વિદાય લેતી કન્યા માટે લાગણીની આ સ્થિતીને શામાં ગણવી? એક બાજુએ ગૃહસ્થ જીવન શરૂ કરવાની ખુશી ને બીજી બાજુ પોતાનાં માં-બાપને તેમજ ઘરને છોડીને જવાનું દુઃખ..!"

બધી તૈયારીઓ ચાલુ થઈ ગઈ હતી. વિદાયનું પણ મુહૂર્ત હોય. લોકોની મુહૂર્ત સાચવવાની વાતો પણ નમ્રતાને તીરની જેમ ભોકાઈ જતી હતી. "એવી તે કેવી ઉતાવળ દીકરીને વળાવી દેવાની?" આવા વિચાર સાથે પણ એ યંત્રવત બની પ્રસંગના પ્રવાહમાં દોરાય રહી હતી. કોઈ છુટકો પણ નહોતો. પુરોહિતની સૂચના પ્રમાણે જ બધા અનુસરતા હતા. બધા વડીલ સ્વજનો, પડોશીઓ, સગા-સંબંધીઓએ આશીર્વાદ આપ્યા ને બે-ચાર શીખામણના શબ્દોથી નમ્રતા માટે આજીવન સંગ્રામનું જાણે ભાથું ભરી દીધું હતું. સુલેખાની અને નીતાઆંટીની હાજરીતો હુંફના હલેસા મારતી હોય તેવું લાગતું હતું.

ને, મમ્મીના ટપક ટપક થતાં આંસુને રોકવા એ નમ્રતાના ગજાની વાત નહોતી. મમ્મીના આંસુમાં
પોતે જાણે ઊંડા મહાસાગરમાં ઉતરી જતી હતી. મમ્મીના ખભ્ભા પર રાખેલું માથું નમ્રતાએ ભીંજવી દેવામાં કાંઈ ઉણપ નહોતી રાખી. અને, સદાનંદભાઈનાં આશીર્વાદના બે બોલ નીકળતા તો તેમના ગળે ડૂમો ભરાઈ ગયો હતો. દીકરીના માથે હાથ મુક્યો, પોતાનાં ખભ્ભા પર દીકરીનું માથું મૂક્યું ને આંખોમાં કાળું ડિબાંગ વાદળું બાઝી ગયું.

નમ્રતાના કાનમાં સાસુ-સસરાના શબ્દો પડ્યા "નમ્રતાની કોઈ ચિંતા ન કરશો.., એ જેમ અહીં રહી છે; તેમ જ ત્યાં રહેશે. આજથી એ અમારી દીકરી છે." એ લોકો તેના મમ્મી-પપ્પાને સાંત્વના આપતા હતા. એની સાથોસાથ, એજ શબ્દોનો સંકેત આપતો હોય તેમ સુહાસે નમ્રતાના હાથના પંજાને હળવેથી દબાવ્યો. અને નમ્રતા સાવ ચેતનહીન જેવી, પપ્પા અને મમ્મીની સામે નજર કરતી, સુહાસની પાછળ દોરાતી ગઈ.

આનંદની કીકીયારી કરતી શણગારેલી કારની બારીમાંથી નમ્રતાએ વિદાય માંગતી નજર કરી. સામે હતો મમ્મીનો રડીરડીને ફૂલી ગયેલો એ ચહેરો, પપ્પાની મૌન થઈ વર્ષ્યા વગરની વાદળીની જેમ થીજી ગયેલી આંખો, ને એટલા બધાં સ્વજનો હોવા છતાંય કિલ્લોલ ભૂલી ગયેલી ઘરની દીવાલો....

કાર આગળ નીકળી ગઈ હતી - એક વળાંકે; અને નમ્રતા પણ - નવી દુનિયાની સફરે! સુહાસે નમ્રતાના હાથ પર પોતાનો હાથ મુક્યો..!

....ક્રમશ:

Rate & Review

Sheetal

Sheetal 10 months ago

Amita Patel

Amita Patel 10 months ago

Heena Suchak

Heena Suchak 10 months ago

Bipinbhai Thakkar

Bipinbhai Thakkar 11 months ago

Pinkal Diwani

Pinkal Diwani 1 year ago