From the window of the shaman - 16 in Gujarati Fiction Stories by Ketan Vyas books and stories PDF | શમણાંના ઝરૂખેથી - 16. જાણે શમણાંને મળ્યું ખુલ્લું આકાશ..

શમણાંના ઝરૂખેથી - 16. જાણે શમણાંને મળ્યું ખુલ્લું આકાશ..

૧૬. જાણે શમણાંને મળ્યું ખુલ્લું આકાશ..

પોતાનાં પર મુકાયેલ દરેક હાથનાં સ્પર્શમાં ફર્ક હતો. સુલેખા કે નીતાઆંટીનો હાથ સાંત્વના કે હૂંફ પુરા પાડી જતા હતા. મમ્મીનો માથે મુકાયેલો હાથ એક હુંફનો અનુભવ કરાવી જતા હતા. પણ, જિંદગીની જંગ તો પોતે જ લડવાની હતી. એ બધાંથી અલગ હતો પપ્પાનો હાથ. માથા પર મુકાયેલો પપ્પાનો એ હાથ અને દ્રષ્ટિમાં હિંમત કે સાંત્વના માત્ર નહોતી; સંપૂર્ણ હાજરી અને જવાબદારીની ખાત્રી પણ હતી. "કોઈ વાતની ચિંતા ન કરીશ, બેટા. કંઈ પણ મૂંઝવણ હોય તો તારા પપ્પાને કહેતા ખચકાઈશ નહીં. હું બેઠો છું." પપ્પાના એ શબ્દો નમ્રતાના હૃદયમાં સળવળી ઉઠ્યા. દીકરી માટે પોતાનાં પપ્પાના એ શબ્દોથી ભરેલી દૃષ્ટિ સામે બીજા બધાં તરફથી મળતી હૂંફ કે સાંત્વનાથી સાવ જુદાં હતા!

ને એવી જ લાગણીની અનુભૂતિ નમ્રતાને થઈ આવી - સુહાસના સ્પર્શની સાથે જ! આકુળ-વ્યાકુળ થતું મન સલામતીનો અહેસાસ કરવા લાગ્યું. નમ્રતાએ તેમની સામે નજર કરી. પણ, કાંઈ જ બોલવા માટે શબ્દ નહોતાં. દૂર ધકેલાતા પોતાનાં ઘરનું કરુણ દ્રશ્ય જાણે જીભ અને આંખ પર બાઝી ગયું હતું. સુહાસ સાથે હતાં, છતાંય બધું અલગ હતું. સુહાસ સિવાય પોતાનું લાગે તેવું હજું કાઈ જ નહોતું. બાજુમાં બેઠેલી નણંદ 'ભાભી.., ભાભી..' કહીને વાતો કરાવવા મથતી હતી. એની વાતોથી લાગ્યું કે નવા ઘર પર જઈને સાવ એકલવાયું નહીં લાગે. તેના વર્તન-વ્યવહાર ને ગુણો પણ તેનાં નામ 'મેઘા'ની જેમ હૃદયસ્પર્શી હતાં. પીઢ અને અનુભવી વ્યક્તિની જેમ સમજણ ભરેલી વાતો કરવાની એની રીત જોઈને નામ રાખ્યું હોય તેવું લાગે. અને કેમ ન હોય? હાલ તેનો કોમ્પ્યુટર સાયન્સના પહેલા વર્ષનો અભ્યાસ ચાલે છે. વડોદરામાં હોસ્ટેલમાં રહેવાનું રાખ્યું છે. એ પણ, લગ્ન માટે થોડા દિવસની રજાઓ લઈને આવી હતી.

એક બાજુ મેઘા અને બીજી બાજુ સુહાસ - બેઉની હાજરીથી મનનો ઉદવેગ થોડોઘણો શાંત પડ્યોતો હતો. સાથે સાથે નવા ઘરમાં પ્રવેશ કરવાનો હતો. વહુની વધામણી થવાની હતી. ઉત્સાહમાં ડૂબેલા કુટુંબીજનો બેન્ડવાજાની ધૂમધામ સાથે વરઘોડિયાને ઘર સુધી લઈ જવા થનગની રહ્યા હતા. સુહાસના મુખ પર પણ ખુશી છલક છલક થતી હતી. બધાની સાથે, નમ્રતા પણ પોતાનાં મુખને મલકાવી લેતી હતી. મમ્મી-પપ્પાને રડતાં રાખીને નીકળ્યા પછી આવી રીતે હસતું મુખ રાખીને બધાને મળવાનું હોય એ પણ નમ્રતાને અસમંજસ કરી જતું હતું. 'મારે શું કરવાનું? મન પર મણ્યા મૂકીને ચહેરો હસમુખો રાખવાનો કે પછી, ગંભીર રહીને જે ચાલે છે તે જોવાનું?" મનની સાથોસાથ વસ્ત્રો અને ઘરેણાં અને પાછળ મુકેલા સંસ્મરણો અને સામે ઉભેલી નવી દુનિયા - બધું એકસાથે આવીરીતે પહેલી વાર અનુભવતી હતી..!

"ભાભી ચાલો.., આપણું ઘર આવી ગયું. તમારું ઘર આવી ગયું." મેઘાએ , નમ્રતાની પીઠ પાછળ હાથ લંબાવીને, ભાભીને જાણે બાથમાં લેતી હોય તેમ પકડીને હળવા સ્પર્શપાસમાં વીંટાળ્યા. ભાભીની આંખના પલકારે પ્રેમની ઝલક દેખાતા મેઘાએ પોતાનું હરાખભર્યું માથું નમ્રતાના ખભ્ભે ઝુકાવ્યું.

નમ્રતાને એ જોઈને આશ્ચર્ય પણ થયું કે કોઈ વ્યક્તિ એક-બે મુલાકાતમાં જ આમ પોતાનું કેવી રીતે થઈ જતું હશે. પણ, એ સમજતા વાર ન લાગી જ્યારે સુહાસે મેઘાને કહ્યું ' તારા ભાભીની સાથે જ રહેજે!' બસ, એજ તો મુખ્ય કડી છે, પોતાને આખા કુટુંબને સાથે જોડનાર. બધાનો હક જેટલો સુહાસ પર હતો એટલોજ હક એક દિવસમાં તેનાં પર પણ લાગુ પડી ગયો હતો. અહીં એ સુહાસની પત્ની હતી, કે જેણે તેની સાથે અગ્નિની સાક્ષીએ ફેરા લીધા હતા, વરમાળા પહેરાવી, મંગળસૂત્ર બાંધ્યું ને સેંથો ભર્યો હતો.

અને હવે એજ સુહાસ અને નમ્રતાના ગૃહપ્રવેશનાં ગીતો ગવાતાં હતાં. નવલ દંપતિની વધામણી થઈ. સ્નેહીજનોએ તાળીઓથી વધાવીને બેઉનું સ્વાગત કર્યું. નમ્રતાને હવે આ માહોલમાં રંગાઈ જવાનું હતું. ઘરનાં, કુટુંબના સૌ સ્નેહીજનો ઘરની વહુને મળવા તલપાપડ હતા. કોઈને આશીર્વાદ આપવાના હતા તો કોઈને લેવાનાં હતાં. નાના-મોટાં સૌ કોઈ ખૂબ ઉત્સાહમાં હતા. એક પછી એક ઘણાં કુટુંબીજનો સાથે મુલાકાત અને પરિચય થવા લાગ્યા. બધાં વડીલોના આશીર્વાદ લીધા બાદ ફ્રેશ થઈને ફરી તૈયાર થવાનું હતું. ગૃહપ્રવેશ પછી પણ એક કલાક જેવો સમય નીકળી ગયો હતો. નમ્રતાનું મન અને શરીર બેઉં થાકોડો અનુભવી રહ્યા હતા. ને આખરે, એક કલાક જેવી વિશ્રાન્તિ મળી ગઈ - ફ્રેશ થવા એમજ ત્રીજી વારના વસ્ત્રો બદલવા માટે.

સાંજે ભોજન સમારંભ - રીસેપ્શનનો કાર્યક્રમ ઘરથી એકદમ નજીક સોસાયટીના કોમન પ્લોટમાં જ હતો. તે સમયે; કુટુંબીજનો, સ્નેહીઓ અને મહેમાનો સૌ કોઈ ન્યુલી મેરીડ કપલને આશીર્વાદ અને ભેંટ આપી, ફોટોગ્રાફ પડાવી જમવાના કાર્યક્રમમાં જોડાવા લાગ્યા. આશીર્વાદ અને ભેંટનો પણ નમ્રતા પાસે ઢગલો થઈ ગયો હતો. લોકો તરફથી મળેલ પરબીડીયા કે ગિફ્ટ પેકેટની સાચવણીનું કામ મેઘાએ અને તેની બહેનપણીઓએ સંભાળી લીધું. સુહાસના મિત્રો પણ તેમની બાજુમાં ખડેપગે ઉભા હતા. એક બાજુ ભોજનનો કાર્યક્રમ ચાલુ હતો, બીજી બાજુ નવપરિણિત યુગલને મળીને ફોટા પડાવવાનો; અને સાથે લાઉડસ્પિકરમાં વાગતાં મધુર ગીતો કાર્યક્રમને રંગીન બનાવી રહ્યા હતાં.

ફ્રેશ થયા પછી નમ્રતાનું મન નવા માહોલમાં ભળવા લાગ્યું હતું. એક પછી એક મળવા આવતા શુભેચ્છકો તેમજ 'મેઘા'મંડળના લીધે નમ્રતાના હૃદયની વ્યથા ક્યાંય ઓસરી ગઈ હતી. ને વળી, અવકાશ મળતા સુહાસ વાતો કરી લેતો હતો. બેઉં ચૂપચાપ બેઠા હોય તો બાજુમાં બેઠેલાં મિત્રો ઉશ્કેરીને બોલવા મજબૂર કરી દયે. દરેક પરિસ્થિતિ ને પ્રસંગો નમ્રતાને નવી દુનિયાને અનુકૂળ થવા પ્રેરકબળ બની રહ્યા હતા. અને નમ્રતા પણ એ માહોલમાં ભળી રહી હતી. છેલ્લા બે દિવસથી ચકરાવે ચડેલું મન સુહાસની બાજુમાં બેસીને હળવી લહેર અનુભવતું થયું હતું. તેના મુખ પર એક ચમક ઉઠવાની શરૂ થઈ હતી. પણ, છતાંય એ પોતાની જાતને નિયંત્રણમાં રાખી રહી હતી. તેની મુસ્કાનમાં હવે દર્દ નહોતું, પણ મર્યાદાતો ચોક્કસ હતી. આજના દિવસનું મુખ્ય પાત્ર કોઈ હોય તો એ નમ્રતા હતી. નમ્રતાની પ્રસંશાના શબ્દો પણ ક્યારેક આજુબાજુથી સંભળાઈ આવતા હતા. કોઈતો વળી સામે આવીને જ વખાણી જતા હતા. કોઈને નમ્રતાની આંખો, કોઈને ચહેરાની લાલી, કોઈને તેના લાંબા વાળ, કોઈને હાથમાં મુકેલી મહેંદીની ભાત, કોઈને તેની સાડીની પ્રિન્ટ, તો કોઈને ઘરેણાંની ડિઝાઇન આબેહૂબ લાગતા હતા.

આજુબાજુના માહોલને જોઈને નમ્રતાને પોતાના મમ્મી-પપ્પાની યાદ આવી ગઈ. "એ લોકો અત્યારે અહીં હોત તો એમને કેટલો આનંદ થાત!" તેની આંખનો ખૂણો ભીનો થયો એટલે તરત જ રૂમલનો વાળેલો ખૂણો ફેરવી દીધો. "એમને અહીં આવવાનું આમંત્રણ આપેલું જ છે, પણ એ લોકો નહીં આવે. કદાચ કાકાને મોકલશે" મનમાંજ ગણતરીઓ કરવા લાગી; અને તે સાચી પણ પડી.

દામોદર કાકા અને કાકી આવીને તેને બાથમાં લઇ લીધી. તેની આંખો માનવા તૈયાર નહોતી. શુભેચ્છા પાઠવી. આશીર્વાદ આપ્યા; ને સાથે આપ્યું મોટું એવું સરપ્રાઈઝ. નમ્રતાની નજર પહોળી થઇ ગઇ. ન માનવામાં આવે તેવું જોઈને...!

સમય અને સ્થળની મર્યાદા તોડીને છલાંગ મારી દેવાનું મન થઈ ગયું, પણ 'મમ્મી-પપ્પા'ને જોઈને સફાળી ઉભી થઇ ગઇ.
"મમ્મી.., પપ્પા..!"

"હા, બેટા.., અમે આવી જ ગયા. સુહાસકુમારનો બહુ આગ્રહ હતો. એમણે કહ્યું કે કોઈ નિયમ નહીં, બસ આવી જજો...! અમે ત્યાં સુધી જંમીશું પણ નહીં! બસ, કુમારની વાત અમારાથી કેમ ઉથાપાય?" પપ્પાએ વાત કરી ત્યાં સુધીમાં તો નમ્રતાએ સુહાસની સામે જોઈને, બે-ચાર વાર વગર બોલ્યે 'થેન્ક યુ' ના ભાવ રેલાવી દીધા. નમ્રતાને જિંદગીનું સૌથી મોટું સરપ્રાઈઝ મળી ગયું હોય તેવું લાગ્યું. નમ્રતાનું મન અંદરને અંદર ઉછળી રહ્યું હતું.

બધા સાથે મળીને જમ્યા. નમ્રતાને આખા દિવસની ભૂખ ઉઘડી હોય તેવું લાગ્યું. તેણે પણ સુહાસ સાથે બેસીને ભોજન લીધું. સગા-વ્હાલાતો નમ્રતા અને સુહાસને મીઠાઈનો આગ્રહ કરવામાં જ લાગી ગયા હતા. પણ, એ આનંદની પળોએ નમ્રતાને હળવી કરી દીધી. ભોજન પછી મમ્મી-પપ્પા અને કાકા-કાકીએ પણ રજા લીધી. હૃદય ભારે થઈ આવ્યું, આંખોમાં પાણી આવી ગયા; પણ ખુશીનું પલડું ભારે જ હતું. નમ્રતાએ ખુલ્લા આકાશનો અનુભવ કર્યો. પોતે જાણે સુહાસની સાથે નીલ ગગનમાં ફરવા નીકળી હોય તેવું અનુભવતી રહી.
* * * * *

"થેન્ક યુ." કહી, પહેલી વાર નમ્રતાએ પોતાનો હાથ સુહાસના હાથ પર મુક્યો. આખા દિવસથી સૌની વચ્ચે ઘેરાયેલ ને રાતે એક વાગે નિરાંતનો શ્વાસ લઈ નમ્રતાએ સુહાસની આંખોમાં આંખ પરોવી.

"ચોકલેટ..!" સુહાસે હાથ લંબાવ્યો.

"ના, ચોકલેટ આજે નહીં.., કાલે "ચોકલેટ લઈ બાજુમાં મૂકી દીધી. "આજે ગળ્યું બહુ ખવાયું છે.."

"એવું નહીં ચાલે. આજે તો માન રાખવું જ પડે ને!" હાથ લંબાવી ચોકલેટનું બોક્સ ફરી નમ્રતાની સામે ધરી દીધું. "આજે ચોકલેટ પણ ડ્રાયફ્રુટની છે. પ્લીઝ. આમાં મારે ભાગ પણ નહીં જોઈતો."

નમ્રતાને ચોકલેટ ખાવાની સહેજ પણ હિંમત નહોતી થતી. લોકોએ આગ્રહ કરી કરીને બહુ ખવડાવી દીધેલું. ગળપણનો સ્વાદ જતો નહોતો. પણ, સુહાસની ખુશી જોઈને જ તેણે ચોકલેટને બહાર ખેંચી લેવા પુઠાનું બોક્ષ ખોલ્યું.

"થોડી જ ખાઈશ, તમારા માન ખાતર..! " એમ કહી રેપર ખોલ્યું. "આ ક્યાં ચોકલેટ છે? ...." એ સમજી ગઈ હતી. રેપરમાં બોક્સ અને તેમાં હતી એક સુંદર મજાની, પાતળી અને એકદમ ડેલીકેટ ચેઇન ને સાથે મસ્ત મજાનું 'NS' ની ડિઝાઇન વાળું પેન્ડલ..!

"પહેરીને જો..પછી હજુ એક સરપ્રાઈઝ છે.' સુહાસના કહેવાથી તેણે તે પહેર્યા પછી આંખ બંધ કરી.., ને પછી "ઓકે, હવે ખોલ આંખ..."

સુહાસે હાથમાં અરીસો પકડી રાખેલો. પોતાનો પ્રિય અરીસો અહીં સુધી પહોંચી ગયો હતો એ વાત નમ્રતાના મનમાંથી જ નીકળી ગઈ હતી.

સામે અરીસો હતો. અરીસામાં નમ્રતાનું મુખમંડળ છલકાતું હતી. ને સાથે હતો સુહાસનો ચહેરો....નમ્રતાનાં હોઠ બોલવાનું તો જાણે સાવ ભૂલી જ ગયા હતા. એ જોતી રહી અરીસા તરફ - સુહાસ અને નમ્રતાનું પ્રતિબિંબ.

સુહાસે ઉભા થઈ અરીસાને બાજુનાં ટેબલ પર ઉભો ગોઠવી દીધો. "કાલે ગોઠવી દઈશું.''

નમ્રતાની આંખનો ખૂણો ભીંજાય ગયો હતો. સુહાસે પોતાની આંગળીથી તેનું આંસુ લૂછયું. બેઉં આંખો મળી. સુહાસની આંખની કીકીઓમાં તે પોતાનાં પ્રતિબિંબને જોઈ રહી, વિશાળ સમુદ્રની લહેરો પર પોતે સરી રહી હતી. પાણીના મોજા ને મંદ મંદ લહેરાતી હવા તેને દુરની દુનિયા તરફ લઈ જઈ રહ્યા હતા. ઉપર નીલા રંગનું શાંત આસમાન, ને નીચે સમુન્દ્રની લહેરો; ને હવાની લહેરો ક્ષિતિજ તરફ દોરી જતી હતી....

..... ક્રમશ:

Rate & Review

Sheetal

Sheetal 10 months ago

Jitendrasinh Vala

Jitendrasinh Vala 10 months ago

Jagdishbhai Kansagra
Heena Suchak

Heena Suchak 10 months ago

Dipti Trivedi

Dipti Trivedi 1 year ago