gujaratni bhatigal sanskruti books and stories free download online pdf in Gujarati

ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ

ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ
આલેખન : અલ્પા ભટ્ટ પુરોહિત
તારીખ : ૩૦-૦૬-૨૦૨૨

પુરાતન કાળથી અહીં તહીં ભટકીને શિકાર કરી કે કંદમૂળ અને ફળો શોધી ખાનાર, જ્યાં - ત્યાં જગ્યા મળે એ ગુફામાં કે ઊંચા વૃક્ષ ઉપર અસ્થાયી વસવાટ કરતો મનુષ્ય, બુદ્ધિમાં ચડિયાતો હોવાથી ધીમે ધીમે નદી કિનારે, સપાટ મેદાનોમાં લાંબા ગાળાનો અને પછી કાયમી વસવાટ કરતો થયો. જેમાં ક્રમશઃ કુટુંબ અને જૂથની ભાવના વિકસી. આ જૂથોનાં પોતપોતાનાં નિયમો, રિવાજ, વિચારધારા, ઈશ્વર પ્રત્યેની ભાવના, પ્રકૃતિ માટેનો આદર તેમજ નીતિ, ઘડાતાં ગયાં. આ બાબતો સંકલિતપણે સંસ્કૃતિ તરીકે ઓળખાઈ.

ધીમે ધીમે આ વસાહતોમાંથી ગ્રામ વિકસ્યાં અને દરેક ગ્રામની પોતાની સંસ્કૃતિ વિકસી. આ સંસ્કૃતિ દરેક જૂથ કે ગ્રામની પોતાની અનોખી ઓળખ બની. આપણું રાજ્ય ગુજરાત હોય કે દેશ ભારત કે પછી સમગ્ર વિશ્વ, દરેક સ્થળનાં નાનકડાં પણ, પ્રાચીન સ્થળની આગવી જે સંસ્કૃતિ છે તેમાં, ત્યાં વસેલાં લોકોની કુટુંબપ્રથા, આહાર- વિહાર, જન્મ - મૃત્યુ - લગ્ન જેવાં પ્રસંગોનાં રીતરિવાજ, પહેરવેશ, આભૂષણ, શણગાર, નૃત્ય, ગાયન, વાદન, વાદ્ય દરેક બાબતમાં વૈવિધ્ય જોવા મળે છે. આપણાં રાજ્ય ગુજરાતમાં તો કહેવત છે કે, 'બાર ગાઉએ બોલી બદલાય' પણ, માત્ર બોલી(ભાષા ઉચ્ચારણની ઢબ) જ નહીં, બાકીનાં પરિબળો પણ બદલાય છે.

એક સંસ્કૃતિનું બીજી સંસ્કૃતિઓથી અલગ તરી આવવું એ જ સંસ્કૃતિનું ભાતીગળ (અલગ ભાતનું) હોવું. આ ભાતીગળપણું માનવીને જુદાં પાડવાં કરતાં તેમનાંમાં અનોખાપણું ઉપસાવવાનો ભાગ વધુ ભજવે છે. આ સંસ્કૃતિની ભાતીગળતા પાછળ સમયાંતરે જે તે પ્રદેશમાં પ્રવેશેલ બાહ્ય પ્રજાનાં આચાર વિચારોનો પણ સમાવેશ થતો ગયો અને બે કે તેથી વધુ પ્રજા સાથે જીવન જીવતાં જીવતાં એકબીજાંનાં ખાનપાન, પહેરવેશ, કેશકલાપ, સંગીત-નૃત્ય, ભાષા વગેરેને અપનાવતાં, તેની આપ-લેથી એક તદ્દન નવાં જ પ્રકારની પેટા સંસ્કૃતિ વિકસી. ગુજરાત રાજ્યને મળેલ સોળસો કિલોમીટરનાં લાંબા દરિયાકિનારે ઘણી અલગ અલગ પ્રજાઓ વેપાર ખેડતી કે વસવાટ હેતુ આવી. તેમનાં આગમન અને સહજીવનથી રાજ્યની સંસ્કૃતિમાં કંઈ કેટલાયે અવનવાં આયામો ઉમેરાયાં. સાબરમતી નદીની ખીણમાં કરાયેલ ઉત્ખનનનાં પરિણામરૂપ મોહેં-જો-દડો જેવી પુરાતન નગરસંસ્કૃતિનાં પુરાવા મળ્યાં, જે ગુજરાતની સંસ્કૃતિ અતિ પ્રાચીન હોવાનું દર્શાવે છે. સાગરકાંઠે વસવાટ કરતી નિષાદ પ્રજા અને શ્રીકૃષ્ણ સાથે દ્વારકા આવી વસેલ યાદવપ્રજાએ ગોપસંસ્કૃતિ વિકસાવી હશે. ત્યાર બાદ સ્થાયી પણે કૃષિ સંવર્ધન અહીં પાંગર્યું હશે. ત્યાર બાદ શહેરીકરણની અસરે પણ સંસ્કૃતિમાં નોંધપાત્ર ફેરફાર કરી સંસ્કૃતિનો નવતર ચીલો ચાતર્યો.

સંસ્કૃતિની ભાતીગળતાની છાપ જે તે પ્રદેશનાં ચિત્રો, તેમાં વપરાતાં પરંપરાગત રંગોમાં, સ્થાપત્યોમાં અંકિત થતી રહે છે જેવાં કે રંગોળી કળા, વારલી અને પીઠોરા પ્રકારનાં ભીંતચિત્રો, ચંદરવાની ભાત, વગેરે. નૃત્ય, નાટકો જેવાં લોક મનોરંજનનાં સાધનોમાં ભાતીગળપણું પ્રવર્તે છે જેમકે, રાસડા, ગરબો, ગરબી, સીદી કે કોળી નૃત્ય, ભવાઈ, રામલીલા. સંસ્કૃતિમાં મૂળ ભાષા ગુજરાતી પણ જુદાં જુદાં પ્રદેશમાં આગવા લહેકાથી બોલાતી સુરતી ઢબ('ત' નાં બદલે 'ટ', 'ને' નાં બદલે 'ની'), ચરોતરી, હાલારી, કાઠિયાવાડી, કચ્છી જેવાં અનેક ઉચ્ચાર ભેદ છે.

આ ઉપરાંત જે જૂથ જે પ્રકારનું કાર્ય જીવનયાપન માટે કરતું હોય તે પ્રકારનાં પ્રકૃતિનાં તત્વોની પૂજા પણ તેમની સંસ્કૃતિમાં જ આવરી લેવાય છે. જેમ કે, ખેતી કરનાર જમીન અને વૃષ્ટિનાં દેવ ઈન્દ્રની પૂજા કરે તો વળી દરિયો ખેડનાર દરિયાદેવની પૂજા કરે. ઓજારોથી કામ કરનાર વિશ્વકર્મા દેવની પૂજા કરે. વળી, પૃથ્વી ઉપરની હરિયાળીનું પ્રમાણ જળવાઈ રહે માટે પિતૃઓની શાંતિ કાજે પીપળો, સૌભાગ્યવતીનાં સૌભાગ્યની રક્ષા હેતુ વડ અને વિવિધ વેલા, લગ્ન, સીમંત જેવાં પ્રસંગે રાંદલ તેડવાં, અમાસનાં દહાડે લીલોતરી ન કાપવી જેવાં રિવાજો પેઢી દર પેઢી દ્રઢ કરાય છે.

આપણી ભાતીગળ સંસ્કૃતિ અહીં વિરમતી નથી, તેને વિસ્તૃતપણે સમજવાનાં દ્વાર ઊઘાડે છે. અંતે, એક વાત નિશ્ચિત છે કે, વૈવિધ્યસભર સંસ્કૃતિનાં તાંતણે બંધાયેલાં માનવી પોતાનું હીર જાળવી રહીને સતત પ્રગતિનાં પંથે ચાલે છે.

અલ્પા ભટ્ટ પુરોહિત
વડોદરા