Atut Bandhan - 4 books and stories free download online pdf in Gujarati

અતૂટ બંધન - 4





(વિક્રમે શિખાને જે ધમકી આપી હોય છે એનાથી ગુસ્સે ભરાયેલી વૈદેહી વિક્રમની ગાડી પાસે ઉભા રહેલા સાર્થક ને વિક્રમ સમજી ખરીખોટી સંભળાવે છે અને એને તમાચો મારી દે છે. પાછળથી એને જાણ થાય છે કે એણે જેને તમાચો માર્યો એ વિક્રમ નહીં પણ સાર્થક છે. સાર્થક વિક્રમ ને કહે છે કે એ શહેરનો નવો એસીપી છે. હવે આગળ)

વૈદેહી ચૂપચાપ ક્લાસરૂમમાં જઈને બેસી ગઈ. એને આમ ચૂપચાપ જોઈ શિખા કંઈ સમજી નહીં. એણે વૈદેહીનાં ખભે હાથ મૂક્યો.

"વૈદુ, શું થયું ? તું વિક્રમને મળી ? શું કહ્યું એણે ? એ તારી વાત માન્યો કે નહીં ?" શિખાએ પૂછ્યું.

વૈદેહીએ શિખા તરફ જોયું અને પછી કહ્યું,

"એસીપી"

"એસીપી ! કોણ એસીપી ?"

"મેં એસીપીને થપ્પડ મારી." વૈદેહી હજુ પણ જાણે ભાનમાં નહતી.

"શું ? તું તો પેલાં વિક્રમને મળવા ગઈ હતી ને ? ત્યાં એસીપી ક્યાંથી આવ્યા ? વૈદુ...વૈદુ..." શિખાએ વૈદેહીનો ખભો પકડી ઢંઢોળી કાઢી.

વૈદેહી અચાનક જાણે ભાનમાં આવી હોય એમ એની જગ્યા પરથી ઉભી થઈ ગઈ.

"યાર, બહુ મોટી ગરબડ થઈ ગઈ." વૈદેહીએ એનાં માથે હાથ મૂકીને કહ્યું.

"ગરબડ ! કેવી ગરબડ ? વિ..વિક્રમ....એ કંઈ કરે તો નહીં ને ?" શિખાને વૈદેહીનાં મોંઢે ગરબડ શબ્દ સાંભળી ડર લાગવા માંડ્યો.

"નહીં યાર, વિક્રમને તો એસીપીએ બરાબર ધોયો છે તો એ તો કંઈ નહીં કરે પણ મેં એસીપીને થપ્પડ મારી દીધી એનું શું ?"

"તું શું બોલી રહી છે વૈદુ ? સરખી વાત કરે તો કંઈ સમજાય મને." શિખા બોલી.

"એમાં એવું થયું કે લેટરમાં જે ગાડીનો નંબર લખ્યો હતો ત્યાં જે છોકરો ઊભો હતો......" વૈદેહીએ જે કંઈ પણ પાર્કિંગમાં થયું એ બધું સવિસ્તાર જણાવ્યું.

"What ! તેં ‌એક એસીપીને થપ્પડ મારી દીધી ! શું તેં એમને સોરી કહ્યું ? એમણે તને માફ કરી દીધી ?"

"અરે બાબા સોરી કહેવાની વાત તો દૂર રહી. મારા મોંમાંથી તો એક શબ્દ પણ નીકળ્યો નહીં. હું તો બાઘાની જેમ એને જોઈ જ રહી. પણ હવે મને ડર લાગે છે." વૈદેહીએ કહ્યું.

વૈદેહીનાં ચહેરા પર ડર જોઈ શિખાને પણ ડર લાગવા માંડ્યો. એક પછી એક એમ ત્રણ લેક્ચર પત્યાં પણ વૈદેહીનું એમાં જરાય ધ્યાન નહતું.

લેક્ચર પૂરાં થતાં એ શિખા સાથે ઘરે જવા નીકળી. કોલેજ કેમ્પસમાં જ વિક્રમે શિખા અને વૈદેહીનો રસ્તો રોક્યો. બંને પહેલાં તો ગભરાઈ ગઈ પણ વૈદેહી તરત સ્વસ્થ થઈ અને એણે શિખાને એક સાઈડ કરી અને કહ્યું,

"લાગે છે તું બહુ જલ્દી માર ભૂલી ગયો ?"

"તારી હિંમત કઈ રીતે થઈ પોલીસને જાણ કરવાની ? હવે તું જો હું શું કરું છું ?" વિક્રમે કહ્યું અને શિખા તરફ આગળ વધ્યો. વૈદેહી એ બંને વચ્ચે આવી ગઈ અને કહ્યું,

"જેના હાથે તેં માર ખાધો એ કોણ છે એ જાણે છે તું ? પોલીસ તો એ પછી થયા પણ એ પહેલાં એ શિખાનાં મોટા ભાઈ છે. તો કંઈ પણ કરતાં પહેલાં એકવાર એટલું જરૂર વિચારી જોજે કે શિખાને કંઈ થયું તો તારું શું થશે ?" વૈદેહીએ કહ્યું.

શિખા તો ફાટી આંખે વૈદેહીને જોઈ જ રહી. જ્યારે વિક્રમ વૈદેહીની વાત સાંભળી અટકી ગયો.

"શું થયું ? જા...વધ આગળ. પણ તારી શું હાલત થશે એ વિચારી લેજે." વૈદેહી ફરીથી બોલી.

વિક્રમ કંઈ બોલ્યો નહીં અને વૈદેહી તરફ ગુસ્સામાં જોઈ ત્યાંથી જતો રહ્યો.

"ઓયે તેં એવું કેમ કહ્યું કે હું પેલાં પોલીસવાળાની બહેન છું ?" શિખાએ પૂછ્યું.

"હું તો એની બહેન નહીં બની શકું ને ? અરે મેં એને થપ્પડ મારી એ એણે પણ જોઈ હતી. હવે કોઈ બહેન પોતાના ભાઈને આમ થપ્પડ થોડી મારે જાહેરમાં. તો મેં એને તારો ભાઈ બનાવી દીધો. હવે વધારે વિચારવાનું બંધ કર અને ચાલ. મોડું થાય છે." વૈદેહીએ કહ્યું અને બંને ઘર તરફ વળ્યાં.

'જો પેલાં એસીપીએ મને એરેસ્ટ કરી લીધી તો ? એક પોલીસ પર હાથ ઉપાડવો પણ એક ગુનો જ ગણાય છે. અને જો મારું આ ભાઈ બહેનવાળું જુઠ્ઠાણું એને ખબર પડશે તો શું થશે ?' વૈદેહી વિચારવા લાગી.

આમ જ વિચારતાં વિચારતાં એ ઘરે પહોંચી. બે દિવસ પછી એની સોસાયટીમાં લગ્ન હોવાથી એનાં મામી ત્યાં ગયા હતા, અંજલી સ્કૂલે ગઈ હતી અને એના મામા જોબ પર... તેથી એ ઘરે એકલી જ હતી. એણે ફટાફટ ઘરનું કામ આટોપ્યું અને પછી નોટ્સ લખવા બેઠી. પણ લખવામાં એનું ધ્યાન જ નહતું. વારંવાર એની આંખો સામે સાર્થકનો ચહેરો આવી જતો હતો.

"આટલું બધું ડરવાની કંઈ જરૂર નથી વૈદુ, તેં કંઈ જાણીજોઈને એને થોડી થપ્પડ મારી હતી ! એ તો ભુલથી મરાઈ ગઈ. એણે પણ તો કંઈ કહ્યું નહીં. એણે કહેવું જોઈતું હતું ને કે પોતે કોણ છે ? હું...હું...કંઈ એનાથી ડરતી નથી." વૈદેહી એકલી એકલી બબડી.

એણે બધાં વિચારો ખંખેરી નાંખ્યા અને લખવામાં ધ્યાન પરોવ્યું પણ બહાર થતાં કોલાહલે એનું ધ્યાન ભંગ કર્યું. એ ઉભી થઈ અને શું થઈ રહ્યું છે એ જોવા બહાર ગઈ. જેમનાં ઘરે લગ્ન હતા એ ઘર પાસે મોટી ભીડ જામી હતી.

"કાકા, શું થયું ?" વૈદેહીએ એની બાજુમાં રહેતાં કાકાને પૂછ્યું.

"અરે બેટા, જો ને લગ્નવાળા ઘરમાં ધોળા દિવસે ચોરી થઈ ગઈ. પારસભાઈ અલમારીમાંથી કંઇક કાઢી રહ્યાં હતાં કે ચોરે એમનાં માથે કંઇક મારી દીધું અને બધાં ઘરેણાં અને રૂપિયા લઈ ભાગી ગયો." એ કાકાએ કહ્યું.

"અરે કોઈ પોલીસને તો બોલાવો. અહીં જે થયું એ પોલીસને જણાવીશું તો જ એ ચોર પકડાશે." ભીડમાંથી કોઈ બોલ્યું.

પોલીસનું નામ સાંભળી વૈદેહીને સાર્થક યાદ આવી ગયો. એને ફરીથી ધ્રુજારી છૂટી ગઈ. એને શું કરવું એ પણ સમજાયું નહીં. એ ચૂપચાપ બધાં સાથે જઈને ઉભી રહી ગઈ.

થોડીવાર થઈ ત્યાં પોલીસ જીપ ત્યાં આવી પહોંચી. વૈદેહી ભીડમાં છુપાઈ ગઈ જેથી જો સાર્થક ત્યાં આવે તો એને જોઈ ન શકે. પોલીસ જીપમાંથી ફટાફટ પાંચ છ હવલદાર ઉતર્યા અને બધી ભીડને એક બાજુએ કરી. એમાંથી સિનિયર લાગતાં એક હવલદારે પારસભાઇ પાસે જઈ એમને પૂછપરછ કરવાનું શરૂ કર્યું.

પારસભાઈનાં માથા પર પટ્ટી લગાવી હતી. પણ એમનાં શર્ટ પર લોહીનાં દાગ દેખાઈ રહ્યાં હતાં જે જોઈ એટલું તો સમજી શકાતું હતું કે ચોરે કોઈ ભારે વસ્તુથી પ્રહાર કર્યો હોવો જોઈએ. કોલાહલ વધતો જ જતો હતો તેથી એક હવલદારે કહ્યું,

"થોડી શાંતિ જાળવો. સીસીટીવી ફૂટેજ આવી જ ગઈ છે તો જે કોઈપણ ચોર છે એ પકડાઈ જ જવાનો છે."

"જો ફૂટેજ આવી ગઈ છે તો રાહ કોની જોઈ રહ્યા છો ? જલ્દી જોઈ ચોરને પકડવાનું કામ આગળ વધારો ને !" ભીડમાંથી એકે કહ્યું.

"જ્યાં સુધી અમારાં એસીપી સાહેબ નહીં આવે ત્યાં સુધી કામ આગળ નહીં વધે." બીજા હવલદારે કહ્યું.

બધાં અંદરોઅંદર ચર્ચા કરવા લાગ્યા ત્યાં જ ઘરઘરાટી બોલાવતી એક બુલેટ આવી.

"એસીપી સાહેબ આવી ગયા." સિનિયર હવલદાર બોલ્યો અને બુલેટ તરફ અગ્રેસર થયો.

બધાનું ધ્યાન એ તરફ ગયું. વૈદેહી પણ એ તરફ જોવા લાગી. પોલીસનાં યુનિફોર્મમાં સજ્જ એક વ્યક્તિ બુલેટ પરથી ઉતર્યો. એને જોતાં જ વૈદેહીની આંખો પહોળી થઈ ગઈ.

અચાનક કાચ તૂટવાના અવાજે વૈદેહીની તંદ્રા તોડી અને એ વર્તમાનમાં પાછી ફરી. એક બિલાડી ખુલ્લી બારીમાંથી રૂમમાં કૂદી અને પાણી ભરેલો જગ નીચે પડ્યો અને સાથે મૂકેલું કાચનું ગ્લાસ પણ પડ્યું અને ફૂટી ગયું. વૈદેહી ઉભી થઈ અને રૂમની લાઈટ ચાલુ કરી. એણે ઘડિયાળમાં જોયું તો રાતનાં બે વાગ્યા હતા. વૈદેહી બારી પાસે જઈને ઉભી રહી. ઠંડો ઠંડો પવન ફુંકાઈ રહ્યો હતો. વૈદેહીનાં લાંબા વાળ હવામાં લહેરાઈ રહ્યાં.

"કાશ કે હું તને મળી જ ન હોત સાર્થક. કાશ મેં તારી સાથે લગ્ન જ ન કર્યા હોત. કાશ તેં મારા જીવનમાં પ્રવેશ જ ન કર્યો હોત." વૈદેહી આંખમાં આંસું સાથે આકાશમાં જોઈ બોલી.

વધુ આવતાં ભાગમાં....