Atut Bandhan - 3 books and stories free download online pdf in Gujarati

અતૂટ બંધન - 3




(વૈદેહી એનાં પિતાના મૃત્યુ પછી એનાં મામા મામી દયાબેન અને ગોવિંદભાઈ સાથે રહેવા આવે છે જ્યાં એને તેઓ નોકરાણી બનાવી દે છે. ઘરનું કામ કરતાં કરતાં પણ ભણવામાં હોંશિયાર વૈદેહી બારમાં ધોરણમાં જિલ્લામાં ટોપ કરે છે. દયાબેન એને કોલેજ જવા દેવા નહતાં માંગતા પણ લોકલાજે એમણે એને નજીકમાં સામાન્ય કોલેજમાં મોકલી જ્યાં એની શિખા નામની એક મિત્ર બની. એક દિવસ શિખા રડતી હતી. એનાં રડવાનું કારણ જાણી વૈદેહી ચોંકી ગઈ. હવે આગળ)

વૈદેહીએ શિખાને પાણી આપ્યું. પાણી પીધા પછી શિખા થોડી શાંત થઈ એટલે વૈદેહીએ એને પૂછ્યું,

"હવે બોલ. શું થયું છે ? તું આટલી બધી રડે છે કેમ ?"

"વૈદુ, કોમર્સ ફેકલ્ટીમાં ફાઈનલ યરનાં વિક્રમ નામનાં એક છોકરાએ મને પ્રપોઝ કરી."

"તો એમાં આટલું બધું રડવાની શું જરૂર છે ?" વૈદેહીએ પૂછ્યું.

"એણે કહ્યું છે કે આવતાં વિક વેલેન્ટાઈન ડેના દિવસે જો મેં એનું પ્રપોઝલ એકસેપ્ટ નહીં કર્યું તો એ આખી કોલેજ સામે કંઇક એવું કરશે જેનાંથી મારી બેઈજતી થશે. અને મારી બેઈજતી કર્યા પછી એ સ્યુસાઈડ કરી લેશે." શિખાએ રડતાં રડતાં કહ્યું.

"અરે પણ એમાં આટલું ડરવાની શું જરૂર છે ? ચાલ મારી સાથે. આપણે અત્યારે જ એની ફરિયાદ પ્રિન્સિપાલ સરને કરીએ." વૈદેહીએ શિખાનો હાથ પકડી ઉભી કરતાં કહ્યું.

"નથી કરી શકતી. એણે કહ્યું છે કે જો હું પ્રિન્સિપાલ સર કે પછી બીજા કોઈને ફરિયાદ કરીશ તો એ મારાં ઘરે પહોંચી જશે અને મારી ફેમિલી સામે મારી છાપ ખરાબ કરશે." શિખાએ કહ્યું અને પાછી રડવા લાગી.

"શિખા, હજી વેલેન્ટાઈન ડેને એક અઠવાડિયું બાકી છે. ત્યાં સુધીમાં હું કોઈ ને કોઈ રસ્તો જરૂર કાઢીશ. પણ એના પહેલાં તું આ રડવાનું બંધ કર. અને હા તારા ચહેરા પર જે ડરની રેખાઓ છે ને એને હટાવ અને મસ્ત મોટી સ્માઈલ ફેસ પર લાવ. એ મજનુની ઓલાદને તો હું જોઈ લઈશ." વૈદેહીએ કહ્યું.

આ એક અઠવાડિયું વૈદેહી શિખા સાથે જ રહેતી. શિખા પણ વૈદેહીની સાથે જ કોલેજ જતી હતી. આમ તો શિખાને મૂકવા દરરોજ ડ્રાઈવર આવતો પણ જ્યાં સુધી વૈદેહી કોલેજ નહીં પહોંચે ત્યાં સુધી એ ગાડીમાંથી ઉતરતી જ નહીં. આ એક અઠવાડિયું વિક્રમ પણ એમને જોવા મળ્યો નહીં. વૈદેહી શિખાને લઈ કોમર્સ ફેકલ્ટીમાં પણ આંટો મારી આવી પણ એ વિક્રમ એને ક્યાંય દેખાયો નહીં.

આમ ને આમ આખું અઠવાડિયું વિતી ગયું અને વેલેન્ટાઈન ડે આવી ગયો. આ દિવસે વૈદેહી વહેલી ઉઠી ગઈ અને જલ્દી જલ્દી ઘરનું બધું કામ પૂરું કર્યું અને કોલેજ જવા માટે તૈયાર થઈ. આમ તો વૈદેહીને તૈયાર થવામાં કંઈ હોતું નહીં. એ હંમેશા સિમ્પલ પટિયાલા ડ્રેસ પહેરતી અને મેકઅપનાં નામે તો માથે એક નાની બિંદી જ લગાવતી. પણ એમાં પણ એની સુંદરતા આંખે જઈને વળગતી. જેવી એ કોલેજ બેગ લઈ બહાર નીકળી દયાબેને એનો હાથ પકડી અંદર ખેંચી લીધી.

"કોની સાથે મોં કાળુ કરવા જઈ રહી છે ?"

"મામી, આ તમે શું બોલો છો ?" વૈદેહીએ આઘાત સાથે કહ્યું.

"ઓહો, મેડમ તો એવી રીતે પૂછે છે જાણે કંઈ સમજાયું જ નહીં હોય ! સવારની વહેલી ઉઠી બધું કામ ફટાફટ પૂરું કર્યું અને દરરોજ કરતાં અડધી કલાક વહેલી કોલેજ જાય છે. મને મૂર્ખ સમજી છે ? મને આ તમારાં વેલેન્તીન બેલેન્તીન બધું સમજાય છે. કયા આશિકને મળવા જવાની છે ?" દયાબેને વૈદેહીનો હાથ અમળાવી કહ્યું.

"મામી, હું કોઈને મળવા નથી જતી. મારે આજે કોલેજ વહેલું જવાનું છે એટલે હું જલ્દી જાઉં છું." વૈદેહી આંખમાં આવેલા આંસુ માંડ રોકતાં બોલી.

"એક વાત ગાંઠ બાંધી લેજે. જો તેં બહાર તારું મોં કાળું કર્યું છે તો આ ઘરમાંથી ધક્કો મારી તને બહાર કાઢી મૂકીશ. સમજી ?" દયાબેને વૈદેહીનો હાથ છોડી એને ધક્કો મારી કહ્યું અને ત્યાંથી એમનાં રૂમ તરફ જતાં રહ્યાં. વૈદેહી એનાં કાંડા પર પડી ગયેલ લાલ નિશાનીને જોઈ રહી. એક આંસુ ટપકી એનાં ગાલ પર અટકી ગયું. વૈદેહી તરત જ સ્વસ્થ થઈ અને કોલેજ જવા નીકળી.

જેવી એ કોલેજ ગેટ પાસે પહોંચી, એણે શિખાની ગાડી ઊભી રહેતી ત્યાં નજર કરી પણ એનાં આશ્ચર્ય વચ્ચે આજે ત્યાં કોઈ ગાડી નહતી ઉભી રહી. થોડીવાર સુધી વૈદેહી ત્યાં ઉભી રહી પણ શિખા ત્યાં ન આવી તેથી એણે વિચાર્યું કે શિખા ડરનાં માર્યા કોલેજ નહીં આવી હોય. આમ વિચારી એ એનાં ક્લાસ તરફ ગઈ. એણે જોયું તો શિખા લોબીમાં આંટા મારી રહી હતી.

"શિખા ! હું ગેટ પર તારી રાહ જોઈ રહી હતી."

"વૈદુ, આજે મને ભાઈ મૂકવા આવ્યા હતાં."

"તારા પેલાં ઈટલીવાળા ભાઈ આવી ગયા !"

"હા, ભાઈ કાલે જ આવ્યાં. એમને ખબર નહીં કઈ રીતે જાણ થઈ ગઈ કે હું ટેન્શનમાં છું અને એ આજે મને મૂકવા આવ્યા. રસ્તામાં એ મને કેટલીયવાર મારી ચિંતાનું કારણ પૂછી ચૂક્યા છે. ભાઈ મને વધુ કંઈ પૂછતે તો મારાથી રહેવાતે નહીં અને જો ભાઈને બધી ખબર પડતે તો એ શું કરતે એ તો ભગવાન જ જાણે. એથી હું ગાડીમાંથી ઉતરી તારી રાહ જોયા વગર આવી ગઈ. પણ એ વિક્રમ મારી પહેલાં આવ્યો હતો. એણે મને લેટર આપ્યો છે."

"શું છે એમાં ?" વૈદેહીએ પૂછ્યું.

"મેં હજી સુધી વાંચ્યો નથી." શિખાએ લેટર વૈદેહી તરફ ધર્યો. વૈદેહીએ લેટર ખોલ્યો. એમાં લખ્યું હતું,

"શિખા, માય લવ. જેમ મેં તને કહ્યું હતું એમ આજે તો તારે મારું પ્રપોઝલ એકસેપ્ટ કરવું જ પડશે. તો હું કોલેજ પાર્કિંગમાં તારી રાહ જોઈ રહ્યો છું. આવીને સીધી મારી ગાડીમાં બેસી જજે. મારી ગાડીનો નંબર છે GJ 6 KR 1211. હું જાણું છું કે તું જરૂર આવશે કારણ કે જો તું નહીં આવી તો.....તું જાણે જ છે કે હું શું કરીશ. બાય બાય માય લવ.
With Love Vikram"

"મારે નથી જવું. પણ હું નહીં ગઈ તો એ...એ....મને એની બહુ બીક લાગે છે. હું શું કરું ?" શિખા લોબીમાં મુકેલ એક બેન્ચ પર બેસતાં બોલી.

"એને તો હું જોઈ લઈશ. તું અહીંયા જ રહેજે. હું આવું છું."

વૈદેહીએ કહ્યું અને શિખાને ક્લાસમાં બેસાડી એ કોલેજ પાર્કિંગમાં ગઈ. એણે પાર્કિંગમાં નજર ફેરવી. એણે ફરીથી લેટરમાં ગાડીનો નંબર વાંચ્યો અને GJ 6 KR 1211 નંબરની ગાડી શોધવા લાગી અને એને એ ગાડી પાર્કિંગમાં એક ખૂણામાં આવેલા લીમડાનાં ઝાડ નીચે દેખાઈ. ગાડી પાસે એક છોકરો ઊભો હતો. વૈદેહી વિક્રમને પહેલી જ વખત જોઈ રહી હતી. એણે રેડ કલરની ટીશર્ટ અને ડાર્ક બ્લુ જીન્સ પહેર્યું હતું. જેલ નાંખીને વાળને સેટ કર્યા હતાં. એકદમ સોહામણો લાગતો આ છોકરો આવું વિચિત્ર વર્તન કરી શકે એ વૈદેહીની સમજની બહાર હતું.

"આને જોઈને કોણ કહેશે કે એણે કોઈ છોકરી સાથે આવું વર્તન કર્યું. આને તો હું નહીં છોડુ." વૈદેહી બબડી અને વિક્રમ તરફ આગળ વધી.

વૈદેહીએ જઈને સીધો જ વિક્રમ ઉપર પેલો લેટર ફેંક્યો અને એની પર વરસી પડી.

"સમજે છે શું પોતાની જાતને ? તું આમ ધમકી આપશે અને તારી મનમાની કરશે. જો તારું પ્રપોઝલ એકસેપ્ટ નહીં થાય તો તું બેઈજતી કરશે ? શું કરશે તું ? બોલ..શું કરશે ?" વૈદેહી ચપટી વગાડતાં વગાડતાં બોલી રહી હતી અને વિક્રમ વૈદેહીને અપલક નજરે જોઈ રહ્યો હતો.

"અરે હા, તું સ્યુસાઇડ કરવાનો હતો ને ? તું શું કામ મહેનત કરે છે. તું પહેલાં બેઈજતી કર તો ખરો ? પછી હું તારું ખૂન નહીં કરી નાંખુ તો મારું નામ બદલી નાખજે."

વૈદેહીનું બોલવાનું બંધ જ નહતું થઈ રહ્યું. એ તો બોલ્યે જતી હતી. આજુબાજુ ટોળું ભેગું થઈ ગયું હતું એનું પણ એને ભાન નહતું. વૈદેહી ગુસ્સામાં લાલ ટામેટા જેવી થઈ ગઈ હતી. એને આમ ગુસ્સામાં બોલતાં જોઈ પેલો હસ્યો. એને હસતાં જોઈ વૈદેહીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. એણે એના ગાલ પર જોરદાર તમાચો જડી દીધો. પેલાએ તો આશ્ચર્ય અને આઘાતનાં માર્યા એનો હાથ ગાલ પર મૂકી દીધો. વૈદેહી આગળ પણ એનું બોલવાનું ચાલુ જ રાખતે પણ ત્યાં જ એક છોકરો ટોળાંને વિખેરતા ત્યાં આવ્યો અને બોલ્યો,

"Hey Sarthak, are you ok ? What is happening here ?"

"સાર્થક !" વૈદેહી બોલતાં બોલતાં અટકી ગઈ.

"સાર્થક. અને હા મેં કોઈને કોઈ લેટર નથી લખ્યો. અને હું કોઈની બેઇજતી નથી કરતો." એણે કહ્યું અને ત્યાંથી જતો રહ્યો. ટોળું પણ વિખેરાઈ ગયું. વૈદેહી આશ્ચર્યમાંને આશ્ચર્યમાં ત્યાં જ ઉભી રહી.

થોડીવાર થઈ ત્યાં એક છોકરો આવ્યો અને એણે વૈદેહીને કહ્યું,

"ઓહ તો તારી ફ્રેન્ડે એની અવેજીમાં તને મોકલી છે ! નોટ બેડ ! તું તો એનાથી પણ વધારે...." આટલું બોલતાં તો એક જોરદાર મુક્કો એનાં મોં પર પડ્યો.

વૈદેહીએ જોયું તો વિક્રમને મુક્કો મરનાર સાર્થક હતો.

"હેય, કોણ છે તું ? હિંમત કઈ રીતે થઈ મને હાથ લગાડવાની ?" વિક્રમે કહ્યું. સાર્થકે વિક્રમનો કોલર પકડ્યો અને કહ્યું,

"તને હાથ લગાડવાનું પહેલું કારણ...છોકરીઓની ઈજ્જત કરતાં શીખ. જે વ્યક્તિ સ્ત્રીની રિસ્પેક્ટ નથી કરતી એની હું પણ રિસ્પેકટ નથી કરતો અને બીજું કારણ...તારા કારણે આ મેડમે અડધી કોલેજ સામે મને તમાચો માર્યો. જે આજ સુધી કોઈએ કર્યું નથી." આટલું કહી સાર્થકે વિક્રમનો કોલર છોડી એને સીધો કર્યો અને એકદમ ધીમેથી કહ્યું,

"જો મને ખબર પડી કે તેં કોઈ છોકરી સાથે મિસબિહેવ કર્યું છે તો તો તું ગયો બોસ."

"છે કોણ તું મને ધમકી આપવાવાળો ?" વિક્રમે કહ્યું.

"આ શહેરનો નવો એસીપી." સાર્થકે કહ્યું અને ત્યાંથી જતો રહ્યો.

વૈદેહી ફાટી આંખે એને જતાં જોઈ રહી.

વધુ આવતાં ભાગમાં.....