History of Shatrunjaya books and stories free download online pdf in Gujarati

શત્રુંજયનો ઇતિહાસ

શત્રુંજયનો ઇતિહાસ

શત્રુંજયનો ઇતિહાસ પૌરાણિક-ઐતિહાસિક કાળથી ઘટના પ્રધાન રહ્યો છે.
પૌરાણિક કાળ એટલે કે ઇતિહાસના વર્ષોની ગણતરી અને આલેખન પહેલાના યુગમાં આ જાજરમાન તીર્થની ભવ્યતા અને પ્રભાવકતા ચરસસીમાં ઉપર હતી ભગવાન ઋષભદેવ સ્વયં અહીં પૂર્વ નવ્વાણુ વાર પધાર્યા હતા. એમની ચરણ રજથી આ તીર્થ પાવન બન્યું. ત્યારબાદના યુગમાં સમયે સમયે આ તીર્થના જિર્ણોદ્ધાર થતા રહ્યા. વિક્રમસંવત 100 અથવા 108માં યુગપ્રધાન આચાર્ય વજ્રસ્વામી વરદ હસ્તે મધુમતી-મહુવાના રાજવી શ્રેષ્ઠિ જાવડશા (જાવડિશા) એ અપાર સંપત્તિનો સદ્વ્યય કરીને શ્રીશત્રુંજય મહાતીર્થનો જિર્ણોદ્ધાર કરાવવા પૂર્વક સુંદર દેરાસર બનાવી ને તક્ષશિલા નગરીમાંથી રાજા જગમલ્લની ધર્મચક્ર સભાના ભોયરામાંથી પ્રાપ્ત આદિનાથના જિનબિંબની વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરાવી. આ ઘટના શત્રુંજયના ઇતિહાસમાં 14માં ઉદ્ધાર તરીકે સ્થાપિત થઇ. ત્યારબાદ લગભગ બારસો વરસનો ઇતિહાસ અજ્ઞાત રહે છે. અથવા તો એના અંકોડા ઉપલબ્ધ નથી. કારણકે ઇતિહાસ કાળની ગર્તામાં ધકેલાઇ ગયો. આ દરમિયાન બનેલી ઘટનાઓની કોઇ તવારીખ સચવાઇ નથી કે ઉપલબ્ધ નથી.
વિકાસના અનેક તબક્કાઓ જેમાં અતિ પ્રાચીન ઇક્ષ્વાકુ વંશની ક્ષત્રિય પરંપરાથી પ્રારંભ થઇ, ચૌલુક્ય યુગ(10-12મી સદી) સોલંકી યુગ(12-13મી સદી) મુસ્લિમ નવાબી યુગ (13થી 17મી સદી) ને અગ્રેજી હકુમતનો સમયગાળો(18-19મી સદી) તથા સ્વરાજ્ય પછીના સમયથી વર્તમાન સમયના ગાળા દરમ્યાન વિકાસનું વ્યોમ જેમ જેમ વિસ્તરતું રહ્યું. તેમ તેમ વખતોવખત વિનાશના વાવાઝોડાં પણ ઝીંકાતા રહ્યા.
સોલંકીરાજ દરમિયાન ગુજરાતના મહામંત્રી ઉદયનના સમયથી શત્રુંજય મહાતીર્થની ઐતિહાસિક ઘટનાઓની પ્રધાન તવારીખ પ્રારંભાય છે.
શ્રીશત્રુંજયોદ્ધારપ્રબંધ ઉપરથી જાણવા મળે છે કે, કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રચાર્ય, ગૂર્જર સમ્રાટ કુમારપાળદેવ અને મહામંત્રી ઉદયનના સમયમાં શ્રીશત્રુંજય મહાતીર્થ ઉપરનું મુખ્ય જિનમંદિર લાકડાનું બનેલું હતું. ઉદયન મંત્રીશ્વરે એને પાષાણનો બનાવવાનો સંકલ્પ કર્યો કે “જ્યાં સુધી આ દેવમંદિર પાષાણનું ન બને ત્યા સુધી મારે હંમેશને માટે એકાશનનું તપ કરવું,” પણ યુદ્ધ ભૂમિ ઉપર જ એમનો દેહાંત થઇ જવાના કારણે, ઉદયનન પોતાની આ પ્રતિજ્ઞા પુરી ના કરી શક્યા, પણ એમના પિતૃભક્ત, ધર્મભક્ત અને રાજ્યભક્ત સુપુત્ર બાહડ મંત્રીએ પિતાશ્રીની ભાવના પુરી કરવા, શ્રી શત્રુંજયના મુખ્ય મંદિરને પાષાણથી નિર્મિત કરાવીને વિક્રમસંવત 1213માં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના વરદ હસ્તે એની પ્રતિષ્ઠા કરાવી.
આ પછી આ પહાડ ઉપર, વાઘેલા રાજ્યશાસનમાં, મહામંત્રી વસ્તુપાળ- તેજપાળના સમયમાં, અને તે પછીના વખતમાં પણ નવા નવા દેવ મંદિરો બંધાવા લાગ્યાં અને તીર્થની શિલ્પકળાની શોભામાં ક્રમે ક્રમે વધારો થવા લાગ્યો જિન મંદિરોનો આ વધારો મોટે ભાગે, દાદાના મુખ્ય દેરાસરની આસપાસ થયો હતો.
પણ કમનસીબે, આ વધારો એકધારો ચાલુ ન રહી શક્યો, અને 14માં સૈકાના ઉત્તરાર્ધમાં, વિક્રમસંવત 1369માં તીર્થ ઉપર થયેલ મુસલમાનોના આક્રમણને લીધે, તીર્થના મંદિર અને મૂર્તિઓ ખંડિત થયા અને તીર્થ ઘણા મોટા સંકટમાં આવી પડ્યું. આવા ભારે મુસીબતનાં સમયમાં, પાટણના શ્રેષ્ઠી દેશળશાના વગદાર અને બાહોશ સુપુત્ર સમરાશા ઓસવાળે અહીં તીર્થનો ઉદ્ધાર કરાવીને એની પુન:પ્રતિષ્ઠા કરાવવાનું બીડું ઝડપ્યું.અને તીર્થોદ્ધારનુ એ કાર્ય એમણે બે વર્ષ જેટલા ટૂંકા સમયમાં જ સફળતા પૂર્વક પૂરૂં કરાવીને વિક્રમસંવત 1371માં એની પ્રતિષ્ઠા તત્કાલીન મહાન આચાર્યભગવંત શ્રી સિદ્ધસેનસૂરિશ્વરજીના પાવન સાનિધ્યમાં એમના જ વરદ હસ્તે કરાવી, જે 15માં ઉદ્ધાર તરીકે યાદગાર બની ગઇ.
આપછી બે સૈકા બાદ, વિક્રમની સોળમી સદીના ઉત્તરાર્ધમાં, મુસ્લિમોના હુમલાને કારણે આ તીર્થ વળી પાછું ખંડિત થયું. આ વખતે ચિત્તોડગઢના મંત્રી સ્વનામધન્ય કર્માશાએ, ભારે હિંમત દાખવીને, વિક્રમસંવત 1587માં આ તીર્થાનો 16મો જિર્ણોદ્ધાર કરાવ્યો અને મહાન મંત્રવિધાવિશારદ આચાર્ય ભગવંત વિધામંડનસૂરિજીના હસ્તે પ્રતિષ્ઠા કરાવી. આ મહાન આચાર્ય ભગવંત એટલા વિનમ્ર અને પ્રસિદ્ધથી દૂર રહેનારા હતા કે પ્રતિષ્ઠા વખતે શિલાલેખમાં પોતાનું નામ ના મૂકાવતા “સર્વ સૂરિભ્ય” એ પ્રમાણે કોતરાવ્યું. મહાતીર્થના જિર્ણોદ્ધાર ની પરંપરા મંત્રીશ્વર કર્માશાહે કરાવેલ સોળમાં જિર્ણોદ્ધાર એ અત્યાર સુધી છેલ્લા જિર્ણોદ્ધાર તરીકે નોંધાય છે. આ ઉદ્ધાર કંઇક એવા શુભ ચોઘડીયે અને એવા મજબૂત પાયા ઉપર થયો છે કે જેથી એ પછી તીર્થ ઉપર આવી પડેલી કોઇ આપતિના કારણેકે સમયના ઘસારાને લીધે તીર્થની સાચવણી માટે નવેસરથી ઉદ્ધાર કરવાની જરૂર નથી પડી. જોકે સમયે સમયે સમારકામ જાળવણી વગેરે માટે કાર્યો કરવામાં આવતા રહ્યાં આજ અરસામાં વિક્રમસંવત 1650(ઇસ્વીસન્ 1594)માં જૂના અને જીર્ણ થયેલા પ્રાસાદને ખંભાતના શ્રેષ્ઠિશ્રી તેજપાલ સોનીએ પુનનિર્મિત કરાવીને એનું નામ “નંદિવર્ધન પ્રસાદ” આપ્યું જેની પુન:પ્રતિષ્ઠા જગદગુરૂ શ્રી હીરવિજય સૂરિશ્વરજીના વરદ હસ્તે કરાવી. ત્યારે મૂળનાયક ભગવાનની પ્રતિષ્ઠા કરાવવામાં આવી હોય એવો ઉલ્લેખ નથી. અને એ પુનરુદ્ધારને જિર્ણોદ્ધારનું નામ અપાયું નથી. વર્તમાનમા જે દેરાસર વિધ્યમાન છે તે આ નંદિવર્ધન પ્રસાદ જ છે. આ અંગેનો વિક્રમ સંવત 1650નો શિલાલેખ પણ છે.
વિક્રમની સત્તરમી સદી તો જૈન શાસનની પ્રભાવનાની દ્રષ્ટિએ તેમજ શ્રીશત્રુંજય તીર્થના મહિમાની અભિવૃદ્ધિની દ્રષ્ટિએ-એમ બન્ને દ્રષ્ટિએ, જૈન સંસ્કૃતિના ઇતિહાસનાં સોનેરી અક્ષરોથી અંકિત થાય એવી હતી.