Kalmsh - 5 books and stories free download online pdf in Gujarati

કલ્મષ - 5



મધરાત વીતી ચૂકી હતી છતાં વિવાનની આંખમાં નિદ્રારાણી પધારે એવી નિશાની નહોતી.
પોતાનો જ અતીત એવી રીતે ખેંચી રહ્યો હતો જાણે કોઈ રસમય નવલકથાના પાનાં.

માની ઠંડી પડી રહેલી ચિતાને જોઈ રહેલા કિશોર સંપૂર્ણપણે હોશમાં હતો. એને ખબર હતી કે હવે પાસે ન તો કોઈ છત હતી ન કોઈ સહારો.
નિશિકાંત સાથે છેવટ સુધી ઉભા રહ્યા હતા માસ્તરસાહેબ.
એમણે નિશિકાંતના માથે હાથ ફેરવ્યો અને ખભાને હળવેથી થપથપાવ્યો.
કેટલી હૂંફ હતી એ સ્પર્શમાં, જાણે મધદરિયે અટવાતી કોઈ નૈયાને દિશા મળી ગઈ હોય.
નિશીકાંતે પાછળ ફરીને માસ્તરસાહેબની સામે જોયું ત્યારે એમાં ફક્ત દેખાઈ મમતા.

'ચાલ નિશિકાંત , મારી સાથે... 'સાહેબ બોલ્યા.
નિશીકાંતને સમજતા વાર ન લાગી કે માસ્તરસાહેબ પોતાને ઘરે લઇ જવાની વાત કરી રહ્યા હતા.
જરા સરખી ગરદન ધૂણાવી હા કહેવા સિવાય નિશિકાંત પાસે વિકલ્પ પણ ક્યાં હતો ?

સ્મશાનથી ગામ વટાવી શાળા પાસે નજીકમાં આવેલા માસ્તરસાહેબના ઘરે પહોંચ્યા ત્યારે કિશોરને તો અંદાજ નહોતો આવ્યો પણ માસ્તરસાહેબનો તો ખબર હતી કે સ્વાગત કઈ રીતે થશે .
ડેલી ખખડાવી ને બાર વર્ષની અલ્લડ કન્યાએ બારણું ખોલ્યું.

'સુધા, તારી માને કહે બે બાલદી ગરમ પાણી નવાણિયામાં મૂકે।'

ત્યાં તો અંદરથી સાદ થયો : સુધા , કોણ આવ્યું જો તો....'

'એ તો પિતાજી છે. ગરમ પાણી માંગે છે ' સુધાએ બહાર ઉભા ઉભા જ જવાબ વાળ્યો. સુધા કુતુહલથી પિતા સાથે આવેલા છોકરાને નિહાળી રહી હતી. શાળામાં આ છોકરાને જોયો તો હતો પણ આજે બાપુ એને ઘરે શું કામ લાવ્યા હશે ?'

'ગરમ પાણીનું અત્યારે શું કામ પડ્યું ? ' માસ્તરસાહેબના પત્ની ઉમા લોટવાળા હાથે જ બહાર આવી .

થોડું વજનદાર શરીર અને મહારાષ્ટ્રીયન ઢબે પહેરેલી સુતરાઉ સાડી, ગોરા કપાળ પર શોભતો રૂપિયા જેવડો મોટો ચાંદલો. સોપારી ખાઈ ખાઈને લાલ થઇ ગયેલા દાંત. તડને ફ્ડ કરવાની વૃત્તિ એમને હસ્તગત હશે એ દેખાવ પરથી જ લાગતું હતું.

'લો, આ કોને સાથે લઇ આવ્યા ?' ઉમાએ પહેલો પ્રશ્ન નિશિકાંત સામે જોઈને કર્યો.
' શાંતિ શાંતિ ,ઉમા, છોકરો થાકી ગયો છે. એ નહાઈ લે એટલે જમાડીને ઊંઘવા દે. પછી હું માંડીને વાત કરું છું. ' માસ્તરસાહેબે સમયની નજાકત સાચવતાં કહ્યું.
ઉમા ત્યારે તો વધુ ન બોલી પણ તેના ચહેરા પર તરી રહેલી રહેલી નારાજગી સ્પષ્ટપણે દેખાતી હતી.
માસ્તરસાહેબને આનો જ ડર હતો પણ નિશિકાંતને એકલો છોડવો ક્યાં ?
ગામમાં એક દરવાજો એને માટે ખુલ્લો નહોતો.

નિશિકાંત એટલો થાક્યો હતો કે જમીને પથારીમાં પડ્યો તેવો જ ઊંઘી ગયો.
ઉમા એ ઘડીની જ રાહ જોતી હતી.
માસ્તરસાહેબ પાસે આખી વાત કહ્યા વિના છૂટકો પણ નહોતો.
દિવસ દરમિયાન થયેલી ઘટનાની જાણકારી ઉમા સુધી પહોંચી ચૂકી હતી પણ પતિ એ છોકરાને પોતાના ઘરે લઇ આવશે એવી તો કલ્પના પણ કરી નહોતી.

'એટલે? આ છોકરો હવે આપણે ત્યાં રહેવાનો છે ?' ઉમાની ભ્રુકુટી વંકાઈ ગઈ.

'ઉમા, ગામમાં એના માબાપનું ઘર છે , સીમમાં ખેતર છે. પણ, હમણાં સરપંચ પાટિલના હાથમાં છે. થોડા દિવસની વાત છે આપણે મધ્યસ્થી કરાવવાની છે. નહીંતર આ છોકરો રસ્તે રખડતો થઇ જશે.' માસ્તર રોષે ભરાયેલી પત્નીને યેનકેન પ્રકારે આશ્વાસન આપી સમજાવી રહ્યા હતા.

'એટલે તમે સરપંચ સામે માથું ઊંચકશો ? ગામમાં કોઈ માઈનો લાલ નથી જે પાટીલની સામે પડે. તમે એક જ છો ?' ઉમાનો ડર ખોટો પણ નહોતો.

'લડવા ઝગડાવાની વાત નથી , સમજાવટથી મામલો નિપટી જશે. આ કિશોરની જિંદગીનો પ્રશ્ન છે.'

'ને માનો કે સરપંચ તમારી વાત ન માને તો ? ' ઉમાએ સચોટ દલીલ કરી. : તમને ખબર છે ને મુંબઈમાં હાઇસ્કુલના ટ્રસ્ટી સાથે આમ જ તકરાર વહોરી લેવા પર તો તમને ત્યાંથી વિદાય કરવામાં આવ્યા હતા. ત્યારે આ જ સરપંચે તમને અહીં નોકરી આપી સાચવી લીધા હતા. પછી ? એ જ વાતનું પુનરાવર્તન થશે તો સાચવવા કોણ આવશે?'

'ઉમા , પહેલા તેલ જોવા દે, તેલની ધાર જોવા દે. હું સરપંચનો મિજાજ જોઈને જ વાત કરીશ ને ...એ મારી વાત નહીં ટાળે ' માસ્તરસાહેબને આખી વાત ક્યાંથી ખબર હોય એ તો સરપંચને હજી સજ્જન જ સમજી રહ્યા હતા.

માસ્તરસાહેબ ને ઉમા વાત કરી રહ્યા હતા ત્યારે તેમને ખબર નહોતી કે રાત્રે પાણી પીવા ઉઠેલો નિશિકાંત તેમની વાત સાંભળી રહ્યો છે.

************

નિશિકાંતને માસ્તરસાહેબને ઘરે રહેતાં બે મહિના થઇ ગયા હતા , નિશિકાંત માસ્તરસાહેબના બાળકો સાથે હળીમળી ગયો હતો. સુધા , માસ્તરસાહેબની દીકરી બે ત્રણ વર્ષે નાની હતી અને પ્રકાશ , બે વર્ષે મોટો. નિશીકાંત જેટલો જ, એક જ કક્ષામાં બંને ભણતાં હતા એટલે એ નિશિકાંત સાથે થયેલી કરૂણ ઘટનાથી અજાણ પણ નહોતો. જો કોઈ નારાજ હોય તો એ હતી ઉમા, માસ્તરસાહેબની પત્ની, એનું વર્તન નિશિકાંત પરત્વે થોડું ઠંડુ હતું બાકી છોકરાઓ એકમેક સાથે એવી રીતે હળીમળી ગયા હતા જાણે વર્ષો જૂના ભાઈબંધ.

એક વાત થાળે નહોતી પડતી એ હતી સરપંચ સાથેની વાત. સરપંચ સાથે માસ્તરસાહેબને કોઈ વાત થઇ હોય એવા આસાર મળતા નહોતા.
ઉમા વારે તહેવારે એક જ વાત લઈને બેસી જતી : ક્યારે આ છોકરો જશે અહીંથી ?

'ઉમા, પરીક્ષા માથે છે , એ એકલો જીવ કેમ કરીને રહેશે। એકવાર પરીક્ષા પતી જવા દે. '
માસ્તરસાહેબનો આ જવાબ સાંભળીને ઉમા વધુ ચીડાતી.
'તમારી બાંધી આવકમાં આપણાં ચારજણનું પૂરું થતું નહોતું તેમ બાકી હોતું તે આને લઇ આવ્યા. '

'ઉમા, ભગવાને આપણને એક દીકરો ને એક દીકરી આપ્યા છે તેની બદલે સમજીશું બે દીકરા આપ્યા છે. 'માસ્તરસાહેબનું દિલ નિશીકાંતને એકલો મૂકી દેવા માનતું નહોતું.
પણ, ઉમાને આ દલીલ હરગીઝ મંજૂર નહોતી.
એ ગામમાં ચાલતી કૂથલી મન પર લઇ લેતી હતી.

તમને ખબર છે ગામમાં શું વાત થાય છે ? એક દિવસ ઉમાએ વાત છેડી, : ' ગામલોકો વાત કરે છે આ કેટલો કમનસીબ છોકરો છે, માબાપને ખાઈ ગયો. '

'ગામલોકોને મોઢે ગરણું બંધાય છે ? '

'ના , ગામલોકોની વાત સાચી તો ખરીને , ને આ અપશુકનિયાળ છોકરો આપણા ઘરમાં આવ્યો ને કઈંક અમંગળ થયું તો ?' ઉમાના મનમાં આશંકા ગામલોકોએ બાંધી હતી.
માસ્તરસાહેબ પાસે આ લોજિકનો કોઈ જવાબ ન હતો.
એમણે ઉભા થઇ પોતાનો કોટ પહેર્યો, માથે ટોપી મૂકી ને ઘરની બહાર હળવે ડગલે નીકળી ગયા.

નિશિકાંત રોજ ચાલતી આ ગડભાંજ જોતો રહેતો. માસ્તરસાહેબના ઘરમાં પોતે કંકાસનું કારણ બને છે એ વાત એને ઘણી પીડતી.
ક્યારેક એકાંતમાં એ માસ્તરસાહેબ પાસે મન મૂકીને રડી પડતો.

સાતમા ધોરણની પરીક્ષા પતી જવા આવી હતી. હવે સમય હતો નજીકના કસ્બામાં જઈને હાઈસ્કુલમાં પ્રવેશ લેવાનો.
માસ્તરસાહેબે એક કામ સારું કર્યું હતું , એમણે ગામના થોડાં સહૃદયી લોકોને વાત કરીને નિશિકાંતને શિષ્યવૃતિ મળે તેવી જોગવાઈ કરી દીધી હતી.
માસ્તરસાહેબનો દીકરો પ્રકાશ પણ નિશિકાંતના વર્ગમાં હતો. માસ્તરસાહેબે નક્કી કર્યો બંનેનો દાખલો બાજુના ગામ ખડકીમાં આવેલી હાઈસ્કુલમાં કરાવવો. બંને છોકરાઓનું એડમિશન હાઈસ્કુલમાં થઇ ગયું હતું. સમસ્યા હતી રોજ જવા આવવાની. ગામથી ખડકી જતી બસ અઢી કલાકે ત્યાં પહોંચાડતી હતી.તે પણ શાળાને સમયે નહીં. એવી હાલતમાં નક્કી કરાયું કે પ્રકાશ અને નિશીકાંતે શાળાની હોસ્ટેલમાં રહેવું. બંને માટેનો હોસ્ટેલનો ખર્ચ માસ્તરસાહેબને પોષાય તેમ નહોતો ત્યાં જ એક ઘટના બની.

હાઇસ્કુલના ટ્રસ્ટીઓ પોતાની શાળા માટે નિવૃત્ત થઇ રહેલા પ્રિન્સિપાલની જગ્યાએ નવી વ્યક્તિની શોધમાં હતા. થોડા સમય પૂર્વે શાળાના ઇન્સ્પેક્શન માટે આવેલા કોઈ સાહેબે હાઇસ્કુલના ટ્રસ્ટીઓને માસ્તરસાહેબની ભલામણ કરીને કામ થઇ ગયું.

પહેલીવાર એવું બન્યું કે માસ્તરસાહેબનું કુટુંબ ખુશ હતું. બાકી હોય તેમ માસ્તરસાહેબે આ પ્રગતિનો યશ નિશિકાંતને આપ્યો હતો. પહેલીવાર ઉમાને લાગ્યું હતું કે વર્ષો પછી કોઈ સુખદ બનાવ બન્યો છે એટલે નિશિકાંત ભાગ્યવાન તો ખરો જ.

આખું કુટુંબ ગામલોકોની રજા લઈને હવે ખડકીમાં આવી વસ્યું હતું।
પહેલો મહિનો તો ઘર શોધવામાં , નવી સ્કૂલમાં ગોઠવણ કરવામાં ગયો.
સહુ કોઈ આનંદમાં હતા.
દિવસો ખુશહાલીમાં જઈ રહ્યા હતા.
નવી શાળામાં અભ્યાસ સાથે સાથે નિશિકાંત અને પ્રકાશ વચ્ચે વિકસી રહી હતી એક ખાઈ. ઘરમાં સ્કૂલમાં ન જાણતાં જ સહુ કોઈ બંનેની સરખામણી કરતા રહેતા.
હવે તો ઉમાનું વર્તન પણ ઘણું બદલાયું હતું. નિશિકાંત ઘરના તમામ નાનામોટા કામ કરતો, માસ્તરસાહેબના કામ કરતો.
ભણવામાં હોશિયાર નિશિકાંત પાસે પ્રકાશ પોતાનું ગૃહકાર્ય પણ કરાવતો. ઉમા ઘરના , રસોઈના કામમાં પણ નિશિકાંતને કામે લગાડી. નિશિકાંત ચૂપચાપ આ બધું કર્યે જતો. એની સામે ધ્યેય એક જ હતું: ભણવું.
રાત્રે માસ્તરસાહેબ ને ઉમા સોપારી ચાવતાં ટીવી જોતા ત્યારે પ્રકાશ પાછળ બારણે રખડવા ઉપડી જતો. પહેલેથી જ ગયેલો તો હતો હવે મિત્રવૃંદમાં લપેટાયો હતો. ત્યારે ઘરના કામમાંથી પરવારેલો નિશિકાંત પુસ્તકો લઈને બેસતો. માત્ર ભણવાના નહિ , સ્કૂલની લાઇબ્રેરીમાંથી લાવેલા વિવિધ રસના પુસ્તકો.
એ પછી ધાર્મિક હોય કે આત્મકથાઓ , પુસ્તકો જ નિશિકાંતને માટે જીવવાનું બળ બની રહ્યા હતા.

જોતજોતામાં વર્ષો વીતી ગયા.
પ્રકાશ ને નિશિકાંત બંને બારમા ધોરણની પરીક્ષામાં બેઠા હતા. ધાર્યું હતું એવું જ પરિણામ આવ્યું હતું. નિશિકાંત આખી ડિસ્ટ્રિક્ટમાં પ્રથમ આવ્યો હતો અને પ્રકાશ માંડ માંડ પાસ થયો હતો.

બંને છોકરાંઓને હવે શહેરમાં જવાનું હતું ,કોલેજમાં ભણવા માટે.
માસ્તરસાહેબ બંનેને લઈને શહેરમાં આવ્યા તો ખરા પણ કોલેજ અને હોસ્ટેલની ફી સાંભળીને જ ઠરી ગયા હતા. નસીબજોગે કોલેજના પ્રિન્સિપાલ માસ્તરસાહેબના જૂના મિત્ર હતા , એમને એક તોડ કાઢી આપ્યો. બંને છોકરાઓ શહેરમાં પાર્ટટાઈમ નોકરી કરે અને સાથે ભણે.
આ સુઝાવથી બધી સમસ્યાઓ ઉકેલાઈ તો નહોતી જતી પણ હળવી જરૂર થઇ જતી હતી.

પ્રકાશ અને નિશિકાંતને ભાગે હોસ્ટેલમાં રૂમ પણ સાથે આવ્યો હતો.
સવારની કોલેજ બાર વાગ્યે પતી જતી પછી મેસમાં જમી બંને છોકરાઓ પોતપોતાને કામે જતા.
પ્રકાશ કામ કરતો હતો એક નામી વકીલને ત્યાં. ફાઇલિંગથી માંડી નાના મોટા પરચુરણ કામ કરતો ને નિશિકાંત કામ કરતો હતો એક પ્રોફેસરને ત્યાં.

પ્રોફેસર શ્રીવાસ્તવ હતા એકલા, પોતાની ધૂનમાં રત. નિશિકાંત તેમના પુસ્તકોથી લઇ ફાઇલિંગના કામ સંભાળતો હતો. પ્રોફેસર શ્રીવાસ્તવ રાતદિવસ લખતા હતા પુસ્તકો , જે રસ નિશિકાંતમાં ઉતારવા લાગ્યો હતો. સહૃદય પ્રોફેસરે નિશિકાંતના ઉત્કર્ષમાં પણ રસ લીધો હતો.

'નિશિકાંત , એક સમય એવો આવશે કે માણસનું કામ કમ્પ્યુટર કરશે, એવો સમય દૂર નથી જ્યારે માનવી કરતાં મશીન વધુ ત્વરાથી વિચાર કરી અમલીકરણ કરશે. આ આવતીકાલની ભાષા છે. જેને જીતવું હશે એને આ શીખવું પડશે.'

પ્રોફેસર શ્રીવાસ્તવે નિશીકાંતને પોતાનું જૂનું લેપટોપ પણ આપી દીધું હતું. એ શરૂઆત હતી નિશિકાંતની નવી જિંદગીની. પહેલા રસ હતો માત્ર ભણવામાં.. પછી પુસ્તકોમાં અને હવે નવું પરિમાણ ઉમેરાયું હતું કમ્પ્યુટર.

પ્રોફેસર હવે નિશિકાંતના ફ્રેન્ડ, ફિલોસોફર ને ગાઈડ બની રહ્યા હતા. પ્રકાશ સાથે વિસંવાદિતા ઓછી કરવાનું કામ આ નવા ઉદભવેલા કમ્પ્યુટરપ્રેમે.
સવારે કોલેજ , બપોરથી મોડી સાંજ સુધી નોકરી અને મધરાત સુધી કમ્પ્યુટર પર બંને યુવાનો મચી રહેતા. બંને માટે આ નવું રમકડું હતું જે તેમના જ્ઞાનની ક્ષિતિજ વધારી રહ્યું હતું.

બંને યુવકોની જિંદગી એક રફ્તારે , એક લીટીમાં આગળ વધી રહી હતી. મોટા શહેરમાં બંને યુવાનો એકમેકના પૂરક બની રહ્યા હતા. કોલેજમાં ભણતાં સહાધ્યાયી બંને મિત્રોને ભાઈ સમજવાની ભૂલ કરી દેતા હતા.

પણ, ક્યારેય એક સરખો સમય કોઈનો જતો નથી.
શાંત લાગતાં પાણીમાં એક તોફાન આકાર લઇ રહ્યું હતું તેનો કોઈને અંદાજ સુધ્ધાં ન આવ્યો.
પ્રકાશ ક્યારે કુસંગતમાં ફસાયો તેનો ખ્યાલ ન તો નિશિકાંતને આવ્યો ન પ્રકાશને પોતાને.
કોલેજમાં એક કાર્ટેલ હતી ધનવાન નબીરાઓની , જે લોકો સાથેની ઉઠબેસ પ્રકાશને એવી ગર્તામાં લઇ જવાની હતી કે ત્યાંથી પાછા ફરવું મુશ્કેલ જ નહીં અશક્ય બની જાય.
નિશીકાંતને એનો ખ્યાલ ઘણો મોડો આવ્યો.
દિનબદિન પ્રકાશનું વર્તન બદલાઈ રહ્યું હતું. વારંવાર પૈસાની ભીડ રોજની થઇ પડી. નિશિકાંતને સમજ નહોતી પડતી કે પ્રકાશને રોજ પૈસાની જરૂર કેમ પડતી હતી ?
કોલેજમાં વારંવાર ગેરહાજર રહેવું પ્રકાશ માટે રોજની વાત થઇ રહી હતી. નિશિકાંત એ વાત માસ્તરસાહેબને કરવી કે ન કરવી એ મથામણ હતો , એક વાત નક્કી હતી કે જો માસ્તરસાહેબને આ કુસંગતની જાણ થઇ તો પ્રકાશને અહીંથી લઇ જશે એ પણ નક્કી હતું.
નિશીકાંતે વાત પોતાના પૂરતી જ રાખી હતી પણ વિધિએ આ વાતનો ઘટોસ્ફોટ કરવાનું વિચારી રાખ્યું હતું.

એક સાંજે પ્રકાશ હોસ્ટેલ પાછો ન ફર્યો. નિશિકાંત એની ભાળ કાઢતો એ કામ કરતો હતો તે વકીલને ત્યાં પહોંચ્યો. સૌથી મોટો આંચકો તો નિશિકાંતને ત્યારે લાગ્યો જયારે ખબર પડી કે પ્રકાશ મહિનાઓથી કામે ગયો જ નહોતો.
નિશીકાંતે આખી રાત વ્યગ્રતામાં વિતાવ્યા પછી સવાર થતાં પહેલું કામ પોલીસ સ્ટેશન જવાનું વિચાર્યું .
એ વિચાર અમલી બનાવે એ પહેલા જ આખી હોસ્ટેલમાં સમાચાર પ્રસરી ગયા હતા કે પ્રકાશ અને હોસ્ટેલના બીજા ચાર વિદ્યાર્થીઓ ડ્રગ્ઝ લેતા પકડાયા હતા જે સળિયા પાછળ હવા ખાતાં પડ્યા હતા.

નાના શહેરમાં આ મોટા સમાચાર હતા. બપોરની બસમાં માસ્તરસાહેબ પણ આવી પહોંચ્યા હતા.
હવે પ્રકાશનું ભાવિ ધૂંધળું હતું. આ કોલેજ અને હોસ્ટેલમાં એને માટે કોઈ જગ્યા નહોતી.

પ્રકાશ કામ કરતો હતો એ જ વકીલે મદદ કરીને પ્રકાશને છોડાવ્યો તો ખરો પણ બીજે દિવસે માસ્તરસાહેબ પ્રકાશને લઈને ગામ જઈ રહ્યા હતા ત્યારે ત્રણેની આંખો સજળ હતી.
'મારું લોહી આ કારનામા કરશે ને મારે એને આમ બેઈજ્જત થઇ લઇ જવો પડશે એ તો સ્વપ્ને વિચાર્યું નહોતું , પણ નિશિકાંત , તું ભણજે , તારા માબાપનું સ્વપ્ન પૂરું કરજે ' માસ્તરસાહેબ નિશીકાંતનો હાથ પોતના હાથમાં લઈને ગળગળાં થઇ બોલ્યા હતા. નિશીકાંતને સમજાતું નહોતું કે જવાબ શું આપવો ?

પ્રકાશ તો આંખ ઊંચી કરીને જોઈ શકવાની હાલતમાં નહોતો.
એને જે કામ કર્યું હતું તેનાથી આખી જિંદગી બેહાલ થઇ જવાની હતી.

ગામ જતી બસ પર મૂકવા ગયેલો નિશિકાંત ક્યાંય સુધી બસને જોતો રહ્યો. બસ જતી રહી હતી અને છતાં એ શૂન્યમનસ્કે ઉભો હતો.

ક્રમશ:

પિન્કી દલાલ