Geetabodh - 1 books and stories free download online pdf in Gujarati

ગીતાબોઘ - 1

અધ્યાય પહેલો

મંગળપ્રભાત

જ્યારે પાંડવો-કૌરવો પોતાની સેના લઈને લડાઈના મેદાન કુરુક્ષેત્રમાં આવી ઊભા ત્યારે કૌરવોના રાજા દુર્યોધન દ્રોણાચાર્યની પાસે બંનેના મુખ્ય લડવૈયાઓનું વર્ણન કરે છે. લડાઈની તૈયારી થતાં બંનેના શંખ વાગે છે ને શ્રીકૃષ્ણ ભગવાન, જે અર્જુનનો રથ હાંકનાર છે તે, તેના રથને બંને લશ્કર વચ્ચે લાવે છે. આ જોઈ અર્જુન ગભરાય છે ને શ્રીકૃષ્ણને કહે છે : મારાથી આની સામે કેમ લડાય ? પરાયાંની સાથે લડવાનું હોય તો તો હું હમણાં લડી લઉં. પણ આ તો સ્વજન છે, મારાં જ છે. કૌરવ કોણ ને પાંડવ કોણ ? એ તો કાકા કાકાના. અમે સાથે ઊછર્યા. દ્રોણ તે કૌરવોના જ આચાર્ય થોડા છે ? અમને પણ તેમણે જ બધી વિદ્યા શીખવી. ભીષ્મ તો અમારા બધાના વડીલ છે. તેની સાથે લડાઈ કેવી ? ખરું છે કે કૌરવો આતતાયી છે. તેમણે ઘણાં દુષ્ટ કર્મો કર્યાં છે, અન્યાય કર્યો છે, પાંડવોની જમીન છીનવી લીધી છે, દ્રૌપદી જેવી મહાસતીનું અપમાન કર્યું; એ બધો એમનો દોષ ખરો, પણ એમને મારીને મારે ક્યાં જવું ? એ તો મૂઢ છે, એના જેવો હું કેમ થાઉં ? મને તો કંઈક જ્ઞાન છે. સારાસારનો વિવેક છે. તેથી મારે જાણવું જોઈએ કે સગાંઓની સાથે લડવામાં પાપ છે. ભલે તેઓ પાંડવનો ભાગ પચાવી બેઠા, ભલે તેઓ અમને મારી નાખે, પણ અમારાથી તેમની સામે હાથ કેમ ઉગામાય ? હે કૃષ્ણ, હું તો આ સગાંવહાલાંની સામે નહીં લડું. એમ કહી તમ્મર ખાઈને અર્જુન પોતાના રથમાં પડ્યો.

ચઆમ આ પહેલો અધ્યાય પૂરો થાય છે.તેનું નામ અર્જુવિષાદયોગ છે. વિષાદ એટલે દુઃખ. જેવું દુઃખ અર્જુનને થયું તેવું આપણને બધાંને થવું જોઈએ. ધર્મવેદના, ધર્મજિજ્ઞાસા વિના જ્ઞાન મળે નહીં. જેના મનમાં સારું શું ને માઠું શું એ જાણવાની ઈચ્છા સરખી ન થાય તેની પાસે ધર્મવાતો શી ?

(કુરુક્ષેત્રની લડાઈ એ નિમિત્તમાત્ર છે અથવા ખરું કુરુક્ષેત્ર આપણું શરીર છે. તે કુરુક્ષેત્ર છે તેમ જ ધર્મક્ષેત્ર છે. જો તેને આપણે ઈશ્વરનું નિવાસસ્થાન માનીએ ને કરીએ તો તે ધર્મક્ષેત્ર છે. તે ક્ષેત્રમાં આપણી સામે કંઈ ને કંઈ લડાઈ હોય છે અને આવી ઘણીખરી લડાઈઓ આ મારું ને આ તારું એમાંથી થાય છે, સ્વજન-પરજનના ભેદમાંથી આવી લડાઈ થાય છે. એટલે જ ભગવાન અર્જુનને કહેવાના છે કે, અધર્મમાત્રનું મૂળ રાગદ્વેષ છે. ‘મારું’ માન્યું તેમાં રાગ ઉત્પન્ન થયો - ‘પારકાનું’ માન્યું એટલે દ્વેષ ઉત્પન્ન થયો - વારભાવ થયો, તેથી ‘મારું-તારું’ નો ભેદ ભૂલવો ઘટે છે એટલે રાગદ્વેષ છોડવા ઘટે છે એમ ગીતા અને બધા ધર્મગ્રંથો પોકારી પોકારીને કહે છે. એ કહેવું એક વાત છે, એ પ્રમાણે કરવું નોખી વાત છે. ગીતા એ પ્રમાણે કરવાનું પણ આપણને શીખવે છે. એ કેમ તે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું)