Graam Swaraj - 4 books and stories free download online pdf in Gujarati

ગ્રામ સ્વરાજ - 4

શહેરો અને ગામડાંઓ

દુનિયામાં બે વિચારધારા મોજૂદ છે. એક વિચારધારા જગતને શહેરોમાં વહેંચવા ઇચ્છે છે, બીજી ગામડાંમાં વહેંચવા ઇચ્છે છે. ગ્રામ સંસ્કૃતિ અને નગરસંસ્કૃતિ તદ્દન ભિન્ન વસ્તુઓ છે. એક યંત્ર અને ઉદ્યોગીકરણ પર આધાર રાખે છે, બીજી હાથઉદ્યોગો પર. આપણે બીજી પસંદ કરી છે.

આમ તો ઉદ્યોગીકરણ અને મોટા પાયાનું ઉત્પાદન એ હજુ તાજેતરની પેદાશ છે. આપણા સુખમાં તેણે કેટલો વધારો કર્યો છે એ આપણે જાણતા નથી. પણ આપણે એટલું જાણીએ છીએ કે એની પાછળ છેલ્લાં બે વિશ્વયુદ્ધો આવ્યાં. બીજું વિશ્વયુદ્ધ તો હજુ પૂરું નથી થયું, અને પૂરું થાય તોપણ આપણે ત્રીજા વિશ્વયુદ્ધની વાત સાંભળવા લાગ્યા છીએ.

આપણો દેશ આજે જેટલું દુઃખી અને કફોડી હાલતમાં છે તેટલો કયારેયે નહોતો. શહેરોના લોકોને મોટા નફા અને સારા પગાર મળતા હશે. પણ એ બધુૂં ગામડાંનું લોહી ચૂસીને થઇ શક્યું છે. આપણે લાખો અને કરોડો ભેગા કરવા નથી. આપણે આપણા કામ માટે આપણું જીવન હોમવા તૈયાર વાત કંઇ જ નથી. આપણને શ્રદ્ધા હોવી જોઇએ અને આપણે આપણી જાતને વફાદાર રહેવું જોઇએ. આપણી પાસે આટલી વસ્તુઓ હોય તો ત્રીસ લાખની આપણી મૂડી ગામડાંમાં વિકેન્દ્રિત કરીને આપણે ત્રણસો કરોડની રાષ્ટ્રીય સંપત્તિ નિર્માણ કરવાને શક્તિમાન થઇશું. એ મુખ્ય વસ્તુ કરવા માટે જે જરૂરી છે તે એ કે ગામડાંને સ્વાવલંબી અને સ્વાશ્રયી કરવાં. પણ યાદ રાખજો કે, સ્વાવલંબનની મારી કલ્પના સંકુચિત નથી. મારા સ્વાવલંબનમાં સ્વાર્થ અને અભિમાનને અવકાશ નથી.૧

હિંદુસ્તાનનાં શહેરોમાં જે સંપત્તિ જોવામાં આવે છે તેથી આપણે છેતરાઇએ નહીં. તે ઇંગ્લંડ કે અમેરિકાથી આવતી નથી. તે અત્યંત ગરીબ લોકોના લોહીમાંથી આવે છે. હિંદુસ્તાનમાં સાત લાખ ગામડાં છે એેમ કહેવામાં આવે છે. તેમાંના કેટલાંકનું તો નામનિશાન પણ રહ્યું નથી. બંગાળ, કર્ણાટક અને બીજી જગ્યાએ ભૂખમરો અને રોગને કારણે હજારો મરી ગયા છે તેની તો ક્યાંય કશી નોંધ નથી. ગામડાંના લોકો કેવી હાલતમાં દિવસો કાઢી રહ્યા છે તેનો કશો ખ્યાલ સરકારી દફતરો આપી શકે એમ નથી. પણ હું જાતે ગામડાંમાં રહેનારો રહ્યો એટલે હું ગામડાંની હાલતથી વાકેફ છું. હું ગામડાંનું અર્થશાસ્ત્ર જાણું છું. હું તમને કહું છું કે, ઉપરનું દબાણ તળિયાના લોકોને કચડી નાખે છે.

જે જરૂર છે તે એ કે તેમની પીઠ ઉપરથી ઊતરી જવું.૨

મુંબઇની મિલોમાં જે મજૂરો કામ કરે છે તે ગુલામ બન્યા છે. જે બૈરાંઓ તેમાં કામ કરે છે તેમની દશા જોઇ હરકોને કમકમાટી આવશે. મિલોનો વરસાદ નહોતો વરસ્યો ત્યારે કંઇ તે ઓરતો ભૂખે નહોતી મરતી. આ સંચાનો વાયરો વધે તો હિંદુસ્તાનની બહુ દુઃખી દશા થશે. મારી વાત ભારે પડતી જણાશે, પણ મારે કહેવું જોઇએ કે આપણે હિંદુસ્તાનમાં મિલો કરીએ તેના કરતાં હજુ માન્ચેસ્ટરમાં પૈસા મોકલી તેનું સડેલું કાપડ વાપરવું એ ભલું છે, કેમ કે તેનું કાપડ વાપરવાથી આપણો પૈસો હિંદુસ્તાનમાં રહેશે રહેશે, પણ તે પૈસો આપણું લોહી લેશે, કેમ કે આપણી નીતિ લઇ જશે. જેઓ મિલમાં કામ કરે છે તેમની નીતિ કેવી છે તે તેઓને પૂછવું. તેઓમાંથી જેઓએ પૈસો એકઠો કર્યો છે તેઓની નીતિ બીજા પૈસાદાર કરતાં સરસ હોવાનો સંભવ નથી. અમેરિકાના રૉકફેલર કરતાં હિંદના રૉકફેલર કંઇ ઊતરે એમ માનવું એ તો અજ્ઞાન જ ગણાય. ગરીબ હિંદુસ્તાન છૂટી શકશે, પણ અનીતિથી થયેલું પૈસાદાર હિંદુસ્તાન છૂટનાર જ નથી.

મને તો લાગે છે કે આપણે કબૂલકરવું પડશે કે અંગ્રેજી રાજ્યને નિભાવી રાખનાર તે પૈસાદાર માણસને રાંક બનાવે છે. એવી બીજી વસ્તુ તો દુનિયામાં વિષય છે. એ બંને વિષય વિષમય છે. તેનો દંશ સર્પના દંશ કરતાં ભૂંડો છે. સર્પ કરડે ત્યારે દેહ લઇને છૂટકો કરે છે. પૈસો અથવા વિષય કરડે છે ત્યારે દેહ, જીવ, મન, બધું લેતાં પણ છૂટકારો થતો નથી. એટલે આપણા દેશમાં મિલો થાય તેથી ખાસ રાજી થવા જેવું રહેતું નથી.૩

ગરિબ ગામડિયાઓને પરદેશી સરકાર ને તેમના પોતાના દેશબાંધવો, એટલે કે શહેરોના રહેનારાઓ, બંને ચૂસે છે. ગામડિયાઓ અનાજ પકવે છે ને જાતે ભૂખ્યા રહે છે. તેઓ ઢોરની સાથે જેવા થઇ દૂધ મેળવે છે જેંમાંનું ટીપું તેમનાં છોકરાં જોવા પામતાં નથી. આ નામોશીનો કંઇ પાર નથી. હરેક માણસને પૂરતો પોષણવાળો આહાર, રહેવાનું સુઘડ ઘર, પોતાનાં બાળકોની કેળવણી માટે સગવડ અને માંદગી વખતે પૂરતી તબીબી રાહત, એ બધું મળવું જોઇએ.૪

આપણાં આજનાં દસપાંચ શહેરો તો આપણા પ્રજાશરીર પર બાઝેલો મેલનો પોપડો છે અને આપણાં ગામડાંનો જીવનરસ ચૂસવાનું પાપકાર્ય જ કરી રહ્યાં છે... અત્યારે તો અનેક લોહી ઉકાળનારા જુલમોથી સસડતાં શહેરો ગામડાંની પ્રજાના જીવન અને સ્વાતંત્ર્યને રાતદિવસ ભયરૂપ છે.૫

દુનિયાભરમાં યુદ્ધને માટે ગામડાનો માણસ હરગિજ જવાબદાર નથી પણ શહેરનો માણસ જવાબદાર છે.૬

મારી દૃષ્ટિથી શહેરો વધ્યાંછે. તે બૂરું થયું છે. એ માનવજાતની અને દુનિયાની કમનસીબી છે; ઇંગ્લંડની કમનસીબી છે અને હિંદુસ્તાની કમનસીબી તો છે જ છે. એનું કારણ એ કે, ઇંગ્લંડે હિંદુસ્તાનને તેનાં શહેરોમારફતે જ ચૂસ્યું છે, અને શહેરોએ ગામડાંઓને ચૂસ્યાં છે. ગામડાંના લોહીની સિમેન્ટ વડે જ શહેરોની મોટી મોટી મહોલાતો બંધાઇ છે. મારી એવી ઉમેદ છે કે, જે લોહીથી શહેરોની નાડીઓ ફૂલી ગઇ છે, તેને પાછું ગામડાંની નાડીઓમાં વહેવડાવવું.૭

‘શહેરોને આપે સમાજશરીર પરના ફોલ્લા કે ગૂમડાં તરીકે વર્ણવ્યાં છે. એ ફોલ્લાઓ યા ગૂમડાંનું શું કરવું ?’

તમે દાક્તરને પૂછો, તો તે કહેશે કે ફોલ્લા યા ગૂમડાંનું શું કરવું. એમને કાપીને કે એના પર મલમપટ્ટી કે પોટીસ લગાવીને મટાડવાં જોઇએ. એડવર્ડ કોર્પેન્ટરે સુધારાને વ્યાધિ તરીકે વર્ણવ્યો છે અને ઉપાય કરીને તેને સાજો કરવા જણાવ્યું છે. મોટાં મોટાં શહેરો ઊભાં થવાં, એ એ રોગની નિશાની છે. કુદરતી ઉપચારવાળો હોઇને સ્વાભાવિક રીતે હું આખી વ્યવસ્થાને શુદ્ધ કરી, તેને કુદરતી રીતે સુધારવાના પક્ષનો છું. શહેરવાસીઓનાં હ્ય્દયનાં મૂળ ગામડાંઓમાં રહેલાં હોઇ, જો તેઓ ખરેખર ગ્રામવૃત્તિવાળા બને, તો બીજી બધી વસ્તુ તો આપમેળે થઇ રહેશે અને ફોલ્લો કે ગૂમડું તરત જ બેસી જશે.૮

હું માનું છું ને મેં અસંખ્ય વાર કહ્યું છે કે હિંદુસ્તાન એનાં ગણ્યાંગાંઠ્યાં શહેરોમાં નહીં પણ સાત લાખ ગામડાંઓ વસે છે. પણ આપણે અહીં ભેગા થયા છીએ તે ગ્રામવાસીઓ નથી પણ શહેરવાસીઓ છીએ. આપણે શહેરોમાં વસનારાઓએ માની લીધું છે કે હિંદુસ્તાન એનાં શહેરોમાં વસે છે અને ગામડાં તો આપણી હાજતો પૂરી પાડવાને સરજાયેલાં છે. આપણે કદી એમ પૂછવા નથી બેઠા કે એ ગરીબ લોકોને પૂરતાં અન્નવસ્ત્ર મળે છે કે નહીં અને એમને તડકો ને વરસાદથી રક્ષણ કરવા છાપરું છે કે નહીં.૯

મેં જોયું છે કે શહેરવાસીઓને સામાન્ય રીતે ગ્રામવાસીઓને લૂંટ્યાં છે; વસ્તુત : તેઓ ગરીબ ગ્રામવાસીઓની મહેનત પર, તેમની સંપત્તિ પર જીવેે છે. ઘણા અંગ્રેજ અમલદારોએ હિંદુસ્તાનના લોકોની સ્થિતિ વિષે લખ્યું છે. પણ મારી જાણ પ્રમાણે કોઇએ એમ નથી કહ્યું કે હિંદુસ્તાનનાં ગામડાંના લોકોને પેટ-પૂરતું ખાવા મળે છે. ઊલટું એમણે કબૂલ કર્યું છે કે ગામડાંની વસ્તીનો મોટો ભાગ ભૂખમરા જેવી સ્થિતિ ભોગવે છે અને દશ ટકા અડધે પેટે રહે છે, અને કરોડોને ચપટી ગંદું મીઠું, મરચાં ને ચાવલ કે સત્તુ ખાઇને સંતોષ માનવો પડે છે.

પંચોતેર ટકા વસ્તી ખેડૂતોની છે. પણ જો આપણે તેમની પાસેથી તેમની મહેનતનું લગભગ પૂરું ફળ લઇ લઇએ અથવા બીજાઓને લઇ લેવા દઇએ તો આપણામાં સ્વરાજની ભાવના છે એમ ન કહેવાય.૧૧

શહેરો પોતાની સંભાળ રાખવા સક્તિશાળી છે. આપણે તો ગામડાંઓ તરફ વળવાનું છે. આપણે તેમને તેમના પૂર્વગ્રહો, વહેમો અને સંકુચિત દૃષ્ટિમાંથી મુકત કરવાના છે. આ બધું આપણે તેમની વચ્ચે વસીને, એમના સુખદુઃખમાં ભાગ લઇને અને તેમનામાં કેળવણી અને ઉપયોગી માહિતીનો ફેલાવો કરીને જ કરી શકીએ, બીજી કોઇ રીતે નહીં.૧૨

આપણે આદર્શ ગ્રામવાસી બનવાનું છે. સામાન્ય ગ્રામવાસીઓને તો આજે સફાઇ વિષે વિચિત્ર ખ્યાલ છે, અથવા કહો કે બિલકુલ ખ્યાલ નથી. તેઓ શુંખાય છે ને શી રીતે ખાય છે એનો તેઓ વિચાર જ કરતા નથી. એવા આપણે થવાનું નથી. તેઓ જેમ ગમેે તેમ રાંધે છે, ગમે તેમ ખાય છે, ગમે તેમ રહે છે, એવું આપણે કરવાનું નથી. આપણે એમને આદર્શ ખોરાક બતાવવો જોઇએ. આપણે કરવાનું નથી. આપણે એમને આદર્શ ખોરાક બતાવવો જોઇએ. આપણે જે ગમે તે કર્યું, ન ગમે તે છોડી દીધું, એમ આપણે ન ચલાવવું જોઇએ, પણ ઊંડા ઊતરીને એ રુચિઅરુચિનાં કારણો તપાસવાં જોઇએ.૧૩

સૂરજના પ્રખર તાપમાં કેડે વળીને કાળી મજૂરી કરતા ગ્રામવાસીઓ સાથે આપણે તાદાત્મ્ય અનુભવવું જોઇએ અને જે ખાબોચિયામાં તેઓ નહાય છે, તેમનાં કપડાં-વાસણો ધુએ છે તથા જેમાં તેમનાં ઢોર પાણી પીએ છે અને આળોટે છે તે ખાબોચિયામાંથી પાણી પીવું આપણને કેવું લાગે તેનો પણ આપણે વિચાર કરવો જોઇએ. એમ કરીશું ત્યારે જ આપણે આમજનતાના સાચા પ્રતિનિધિ ગણાઇશું અને ત્યારે આપણી દરેક હાકલનો તેઓ જરૂર જવાબ વાળશે.૧૪

એમને આપણે બતાવવું જોઇએ કે તેઓ કેમ પોતાની જરૂર જોગાં શાકભાજી, ઝાઝા ખર્ચ વિના ઉગાડી શકે ને એ ખાઇને તંદુરસ્તી જાળવી શકે. આપણે એમને એ પણ બતાવવું જોઇએ કે તેઓ લીલી શાકભાજીને રાધે છે એટલે તેમાંનાં વિટામિન ઊડી જાય છે.૧૫

સમય, આરોગ્ય ને ધનનો બચાવ કેમ થઇ શકે એ આપણે એમને શીખવવાનું છે. લાયોનલ કર્ટિસે કહેલું કે હિંદુસ્તાનનાં ગામડાં એ તો ઉકરડા છે અને આપણે નમૂનેદાર ગામડાં બનાવવાનાં છે. આપણાં ગામડાંની આસપાસ તાજી હવાની કંઇ ખોટ છે ? છતાં ગામડાંના લોકોને તાજી હવા મળતી નથી. એમની આસપાસ તાજામાં તાજી વનસ્પતિના ભંડાર ભર્યા છે, છતાં તેમને તાજી શાકભાજી મળતી નથી. આ ખોરાકની બાબતમાં હું મિશનરીની પેઠે બોલું છું, કેમ કે ગામડાંને સુંદરતાના નમુના બનાવવા એ મારું ધ્યેય છે, મારું જીવનકાર્ય છે.૧૬

ભારતવર્ષનાં ગામડાંની આવી દુર્દશા હમેશા હતી કે કેમ એ શોધી કાઢવાથી કશો લાભ નથી. જો આથી સારી એમની દશા કદી ન હોય તો આપણે આપણી જે પ્રાચીન સંસ્કૃતિને માટે અભિમાન રાખીએ છીએ તેની એ એબ ગણાય. પણ જો એમની દશા આથી સારી કદી ન હતી, તો આપણે સૈકાંઓથી જે પડતી અને વિનાશ આપણી આસપાસ જોઇ રહ્યા છીએ... તેની સામે એ ગામડાં ઝીક ઝીલીને જીવતાં શી રીત રહી શક્યાં છે?

દરેક સ્વદેશપ્રેમીની સામે કામ એ છે કે આ પડતી શી રીતે અટકાવવી, અથવા બીજા શબ્દોમાં કહીએ તો ભારતવર્ષનાં ગામડાંની નવેસર રચના એવી રીતે કેમ કરવી જેથી શહેરમાં રહેવામાં જેવી સુખસગવડ મનાય છે તેવી જ ગામડાંમાં રહેવામાં લાગે. દરેક દેશદાઝવાળા માણસની સામે આજે એ એક જ કામ છે. કદાચ એવો એવો સંભવ હોય કે આ ગામડાંનો ઉદ્ધાર થવો શક્ય જ ન હોય, ગામડાંની સંસ્કૃતિનો જમાનો આથમી ગયો હોય, અને સાત લાખ ગામડાં પોષતાં સાતમો સુવ્યવસ્થિત શહેરો સ્થપાય એવું બનવાનું હોય. ભારતવર્ષને નસીબે એમ થવાનું હશે તોયે તે એક દિવસમાં નહીં બને. ઘણાં ગામડાં અને ગ્રામવાસીઓને ભૂંસાઇ જવાને અને બાકીનાનું શહેરો અને શહેરીઓમાં રૂપાંતર થવાને વખત લાગશે જ.૧૭

ગામડાંની હિલચાલ એ જેટલી ગ્રામવાસીઓની તેટલી જ શહેરવાસીઓની કેળવણીને માટે છે. શહેરમાંથી આવતા સેવકોએ ગામડાંનું માનસ કેળવવું રહ્યું છે અને ગ્રામવાસીઓની ઢબે રહેવાની કળા શીખી લેવી રહી છે. આનો અર્થ એવો નથી કે તેમણે ગામડાંના લોકોની પેઠે ભૂખે મરવું પણ એનો અર્થ એવો તો અવશ્ય છે કે જૂની રહેણીમાં ધરમૂળથી પલટો થવો જોઇએ.૧૮

એક જ માર્ગ આપણે માટે છે : એમની વચ્ચે વાસ કરી ધામાં નાખવા; એમનાં ભંગી, એમના નર્સ, એમના નોકર - એમના શુભેચ્છું નહીં - એવા બનીને અડગ શ્રદ્ધા રાખી, આપણા ગમા-અણ્ણમાં ભૂલી જઇ, કામ કૂટ્યે જવું. એક વાર તો સ્વરાજની વાત પણ આપણે જાણે ભૂલી જઇએ; અને ડગલે ને પગલે જેમની હાજરી આપણને નડે છે એવા અમલદાર વર્ગોને જરૂર વિસારી દઇએ, તેઓ તો જ્યાં છે ત્યાં છે. આ મોટા પ્રશ્નોની પંચાત કરનારાં તો ઘણાં પડેલાં છે. આપણે તો નાનુંસરખું ગામડાનું કામ ઉકેલવા લાગીએ, કેમ કે એ આજ જરૂરનું છે અને આપણા ધ્યેયને પહોેચ્યા પછી પણ જરૂરનું રહેવાનું છે. ખરેખર, આ ગ્રામસેવાનું કામ જ્યારે સફળ થશે ત્યારે તે જ આપણને આપણા ધ્યેય નજીક લઇ જવાનું છે.૧૯

જૂનાં ગામડાંનાં મહાજનો જે નાશ પામ્યાં છે તેને સજીવન કરવાં જોઇએ. હિંદુસ્તાનનાં ગામડાં દેશનાં કસબા ને શહેરોને એટલો બધો માલ પેદા કરીને પૂરો પાડતાં. આપણાં શહેરો જ્યારે પરદેશોના માલનાં હાટ થઇ પડ્યાં ને પરદેશથી સસ્તી ને ભમરાળી ચીજો લાવીને ગામડાંમાં ઝીંકવા માંડીને એ વાટે ગામડાંનું ધન શોષવા માંડ્યું ત્યારથી હિંદુસ્તાન ધનહીન ને દરિદ્ર બન્યું.૨૦

શહેરો ગામડાં પર નિર્ભર રહે પોતાના બળનું સિંચન ગામડાંમાંથી કરે, એટલે કે ગામડાંઓને વટાવવાને બદલે પોેતે ગામડાને ખાતર વટાવાય તો અર્થ સિદ્ધ થાય ને અર્થશાસ્ત્ર નૈતિક બને. આવા શુદ્ધ અર્થની સિદ્ધિને સારુ શહેરોનાં બાળકોના ઉદ્યોગને ગામડાના ઉદ્યોગો સાથે સીધો સંબંધ હોવો જોઇએ.૨૧

આપણે એક પ્રાચીન ગ્રામ સભ્યતાના વારસ છીએ, આપણા દેશનો વિસ્તાર, જનસંખ્યા ભૌગોલિક સ્થિતિ અને આબોહવા ઉપરથી તે ખાસ ગ્રામ સભ્યતાને માટે જ વિધાતાએ નિર્મલો લાગે છે. આ સભ્યતાને અંગે દોષો પેદા નથી થયા એમ કહેવા હું નથી માગતો પણ આ દોષો સહેજે મટાડી શકાય તેવા છે. આપણી પ્રાચીન ગ્રામ સભ્યતાને મૂળથી ઉખેડી તેની જગ્યાએ શહેરી સભ્યતા સ્થાપવી એ મને તદ્દન અશક્ય લાગે છે. વિનાશક ઉપાયોથી હિંદુસ્તાનની ત્રીસ કરોડની જનસંખ્યા ઘટાડી ત્રીસ કે ત્રણ લાખ જેટલી કરી નાખવા માટે આપણે તૈયાર હોઇએ તો તે એક જુદી વાત છે. એટલે હું મારી બધી સૂચનાઓ કરતી વખતે એ માની જ લઉં છું કે આપણે આપણી પ્રાચીન સભ્યતાનો આશ્રય કોઇ દિવસ છોડવાના નથી, અને તેમાંના દોષો દૂર કરવાનો પૂરેપૂરા પ્રયત્ન કરવાના છીએ.