Graam Swaraj - 3 books and stories free download online pdf in Gujarati

ગ્રામ સ્વરાજ - 3

શાંતિનો માર્ગ ક્યો ?

ઉદ્યોગવાદ

મને બીક છે કે ઉદ્યોગવાદ માનવજાતિને શાપરૂપ નીવડવાનો છે, એક પ્રજા બીજી પ્રજાને લૂંટે એ હમેશને માટે ન ચાલી શકે. ઉદ્યોગવાદનો આધાર તમારી લૂંટવાની શક્તિ પર, પરદેશનાં બજારો તમારે માટે ખુલ્લાં થવા પર, અને હરિફોના અભાવ પર છે. આ વસ્તુઓ ઇંગ્લંડને માટે દહાડે દહાડે ઓછી થતી જાય છે તેથી દરરોજ એનાં બેકારોની સંખ્યા વધતી જાય છે. હિંદુસ્તાનનો બહિષ્કાર એ તો ફક્ત ચાંચડનો એક ચટકો હતો. એ જો ઇંગ્લંડની એ દશા હોય તો હિંદુસ્તાન જેવો વિશાળ દેશ મોટા પાયા પર ઉદ્યોગો દાખલ કરીને લાભ ખાટવાની આશા ન રાખી શકે. ખરું જોતાં હિંદુસ્તાન જ્યારે બીજી પ્રજાઓને લૂંટવા માંડશે - અને જો મોટા પાયા પર ઉદ્યોગો ચલાવે તો તેણે તેમ કર્યે જ છૂટકો - તો તે બીજી પ્રજાઓને શાપરૂપ અને જગતને ત્રાસરૂપ થઇ પડશે, અને બીજી પ્રજાઓને લુંટવા માટે હિંદમાં મોટા ઉદ્યોગો દાખલ કરવાનો વિચાર હું શા માટે કરું ? આજની દુઃખદ સ્થિતિ તમે નથી જોતા ? આપણે આપણા ત્રીસ કરોડ બેકારો માટે કામ શોધી શકીએ છીએ, પણ ઇંગ્લંડ તેના ત્રીસ લાખ માટે કશું કામ નથી શોધી શકતું અને તેની સામે જે સવાલ આવી પડ્યો છે તે ઇંગ્લંડના ભારેમાં ભારે બુદ્ધિશાળી લોકોને હંફાવી રહ્યો છે. ઉદ્યોગવાદનું ભાવી કાળું છે. અમેરિકા, જાપાન, ફ્રાન્સ, જર્મનીએ ફતેહમંદ ફરિફો ઇંગ્લંડ મળ્યા છે. હિંદની મૂઠીભર મિલોની પણતેની સામે હરિફાઇ છે. અને જેમ હિંદમાં જાગૃતિ થઇ છે તેમ દક્ષિણ આફ્રિકામાં પણ જાગૃતિ થશે. તેની પાસે તો અનેક ગણી વિશાળ સમૃદ્ધિ - કુદરતી ખાણોની તેમ જ મનુષ્યની - પડેલી છે. કદાવર અંગ્રેજો આફ્રિકાની કદાવર કોમો આગળ સાવ વેંતિયા દેખાય છે. તમે કહેશો કે તેઓ કંઇ નહીં તો ખાનદાન જંગલીઓ છે. તેઓ ખાનદાન અવશ્ય છે, પણ જંગલી તો નથી... અને થોડાં જ વરસમાં પશ્ચિમની પ્રજાઓ જોશે કે તેમનો માલ... ઓછા ભાવે વેચવાનું દ્ધાર બંધ થઇ ગયું છે. અને જો ઉદ્યોગવાદનું ભાવિ પશ્ચિમમાંકાળું હોય તો હિંદને માટે તો એથીયે કાળું ન નીવડે ?૧

‘આજની અંધાધૂંધીનું શું કારણ ?’ ચૂસણનીતિ. દુર્બળ રાષ્ટ્રોને શક્તિશાળી રાષ્ટ્રો ચૂસે છે તેની વાત હું નહીં કરું, પણ એક રાષ્ટ્ર પોતાના ભાઇબંધ બીજા રાષ્ટ્રને ચૂસે છે તેની વાત કરું છું. યંત્રોને લીધે જ એક રાષ્ટ્ર બીજાં રાષ્ટ્રોને ચૂસી શકે છે ને વસ્તુસ્થિતિને કારણે જ યંત્રો સામે મારો વિરોધ છે. એમ તો એ નિર્જીવ વસ્તુ છે એનો સારો અને ખોટો બંને ઉપયોગ થઇ શકે છે, પરંતુ આપણે જાણીએ છીએ કે એનો ખોટો ઉપયોગ સહેલાઇથી થઇ શકેે છે.૨

ખરે આજે તો પશ્ચિમ ઉદ્યોગવાદથી અને શોષણવાદથી ઓચાઇ ગયું છે. જો પશ્ચિમને એ રોગોની દવા ન મળતી હોય તો પશ્ચિમની નિશાળે ભણનારા આપણે નવા નિશાળિયા એ રોગનું નિવારણ શી રીતે કરી શકીશું ? એ આખો ઔધોગિક સુધારો એક ભારે રોગ છે, કારણ એ નિષ્ટાણય છે, મોટાં મોટાં નામોથી આપણે રખે ઠગાતા ! આગબોટ અને તારની સાથે મારે અદાવત નથી. ઉદ્યોગવાદ અને તેની સાથે જે અનિષ્ટપરંપરા લાગેલી છે તે બાદ રાખીને જો આગબોટ અને તાર રાખી શકાતાં હોય તો રાખીએ. એ કાંઇ સાધ્ય નથી. આગબોટ અને તારની ખાતર આપણે ચુસાવાનું કબૂલ ન કરી શકીએ. માનવજાતિના શાશ્વત કલ્યાણને માટે એ અનિવાર્ય વસ્તુઓ નથી. વરાળ અને વીજળીના ઉપયોગ આપણે જાણીએ છીએ એટલે યોગ્ય પ્રસંગે જ, અને વિદ્યોગવાદમાં તણાયા વિના, તેનો ઉપોયગ આપણે કરી જાણવો જોઇએ. એટલે ઉદ્યોગવાદમાં તણાયા વિના, તેનો ઉપયોગ આપણે કરી જાણવો જોઇએ. એટલે ઉદ્યોગવાદનો કોઇ પણ રીતે આપણે નાશ કરવો જ રહ્યો.૩

જેને એક છેડે ભૌતિક સમૃદ્ધિ માટેની અતૃપ્ત મહત્ત્વકાંક્ષા છે અને બીજે છેડે તેમાંથી પરિણમતું યુદ્ધ છે એવી આ સંસ્કૃતિ તરફ શંકાની નજરે જોતો અને ઇત્તરોત્તર વધતો જતો એવો એક જાગ્રત વર્ગ છે.

પણ એ સંસ્કૃતિ સારી હોય કે ખોટી, હિંદનું ઉદ્યોગીકરણ પશ્ચિની રીતે શા માટે કરવું જોઇએ ? પશ્ચિમની સંસ્કૃતિ શહેરી છે. ઇંગ્લંડ કે ઇટાલી જેવા નાના દેશો તેમની પદ્ધતિઓને શહેરી બનાવે તે પરવડે. આછી વસ્તીવાળા અમેરિકા જેવા મોટા દેશને પણ એમ જ કરવું પડે. પણ ગીચ વસ્તીવાળા વિશાળ દેશને, જેની પ્રાચીન પ્રણાલિકાઓ ગ્રામીણ છે અને જે તેને આજ સુધી ઉપયોગી થતી આવી છે, તે દેશે પશ્ચિમના નમૂનાનું અનુકરણ કરવાની જરૂર નથી, ન કરવું જોઇએ. એક સ્થિતિમાં રહેલા દેશ ંમાટે જે સારું છે તે બીજી સ્થિતિમાં આવેલા દેશ માટે સારું હોય જ એમ નથી છે તે બીજી સ્થિતિમાં આવેલા દેશ માટે સારું હોય જ એમ નથી. એકનો ખોરાક તે બીજા માટે ઝેર હોઇ શકે. દેશની ભૌગોલિક સ્થિતિ તેની સંંસ્કૃતિ ઘડવામાં ઘણો મોટો ભાગ ભજવે છે. ધ્રુવ પ્રદેશોમાં રહેનાર માટે રુવાંટીનો ડગલો (ફર-કોટ) જરૂરી થઇ પડે; પણ વિષુવવૃત્તના પ્રદેશમાં રહેનારને તે ગૂંગળાવી નાખે.૪

હાલની દુઃખદાયક દશા અસહ્ય તો છે જ. ગરીબીનો નાશ થવો જ જોઇએ. પણ ઉદ્યોગવાદ એનો ઉપાય નથી. આપણે બળદગાડાં વાપરીએ છીએ તેમાં દોષ નથી રહ્યો, દોષ તો આપણી સ્વાર્થી વૃત્તિ, અને આપણા પડોશીઓના સ્વાર્થ પ્રત્યેના દુર્લક્ષમાં રહ્યો છે. જો આપણને આપણા પડોશીને વિષે પ્રેમ ન હોય તો ગમે તેવું જબરદસ્ત પરિવર્તન પણ આપણને લાભ કરી શકે તેમ નથી.૫

મારી પાસે તાકાત હોય તો આજે જ હું આવા આ તંત્રને મિટાવું અને તેમ કરવામાં જીવલેણમાં જીવલેણ હથિયારો વાપરતાં આંચકો ન ખાઉં, - જો તેનાથી તેનો નાશ થવા વિષે મને ખાતરી હોય. તેવાં સાધનોનો ઉપયોગ હું તેટલા સારુ કરતો નથી કે એવું સાધન એ તંત્રના અત્યારના સંચાલકોનો નાશ કરે તોપણ તંત્રને તો કાયમ જ કરે. જે લોકો માણસોની બૂરાઇનો નાશ કરવાને બદલે તેવાં માણસોનો જ નાશ કરવા માગે છે તેઓ પોતે જ પેલાઓની બૂરાઇઓ અખત્યાર કરે છે અને માણસોને મારવાથી તેમનામાંની બૂરાઇઓ મરશે એવી ભ્રમણમાં તેઓ જેમનો નાશ કરે છે તેમને વટાળે એવા પંડે બની બેસે છે. બૂરાઇનાં મૂળ ક્યાં છે એ વાતની એમને સમજ નથી હોતી.૬

વિશાળ ઉદ્યોગોની સાથે હરીફાઇ અને ખપતના પ્રશ્નો આવશે, એટલે ગ્રામવાસીઓનું સીધું કે આડકતરું શોષણ થયા વિના નહીં જ રહેવાનું. તેથી આપણે ગામડાંને સ્વાવલંબી, સ્વયંપૂર્ણ બનાવવામાં બધી શક્તિ વાપરવાની છે, ને મોટે ભોગે જે ચીજો વાપરવાની હોય તે જ બનાવવાની છે. ગ્રામઉદ્યોગનું આ રૂપ જળવાઇ રહે તો ગ્રામવાસીઓ પોતે બનાવીને વાપીર શેક એવાં આધુનિક યંત્રો અને ઓજારો વાપરે એમાં કશો વાંધો નથી. માત્ર એ બીજાને ચૂસવાનાં સાધન તરીકે ન વાપરવાં જોઇએ.૭

કોઇ પણ દેશને કોઇ પણ પ્રસંગે યંત્રોદ્યોગો ખીલવવાની જરૂર હોય, એમ હું માનતો નથી. હિંદને તો આ વસ્તુ વિશેષ પ્રમાણમાં લાગુ પડે છે. ખરેખર, ગૃહઉદ્યોગો દ્ધારા પોતાનાં લાખ્ખો ઝૂંપડાંઓની ખિલવણી કરી, સાદું પણ ઉમદા જીવન અપનાવીને તથા દુનિયા જોડે સુલેહશાંતિથી રહીને જ સ્વતંત્ર હિંદ ત્રાહિ ત્રાહિ પોકારી રહેલી દુનિયા પ્રત્યેની પોતાની ફરજ અદા કરી શકશે, એમ હું માનું છું. લક્ષ્મીની પૂજાએ આપણા પર લાદેલી અતિશય વેગીલી યંત્રશક્તિ પર રચાયેલા એવા જટિલ ભૌતિક જીવન સાથે ઉચ્ચ વિચારસરણીનો મેળ નથી. આપણે ઉમદા જીવન જીવવાની કળા શીખીએ, તો જ જીવનનું સઘળું માધુર્ય પ્રગટાવી શકીશું.

ઠીસી ઠીસીને સશસ્ત્ર બનેલી દુનિયા તથા તેના ઠાઠમાઠ અને આડંબર સામે વિસ્તાર અને વસ્તીમાં ચાહે એટલા મોટા પણ એકલદોકલ રાષ્ટ્રને માટે આવું જીવન શક્ય છે કે નથી, એ અશ્રદ્ધાળુના મનમાં શંકા ઉપજાવે, એવો સવાલ છે. એનો જવાબ સીધો અને સરળ છે. સાદાઇનું જીવન જો જીવવા જેવું હોય તો એ પ્રયત્ન કરવા જેવો છે; પછી એવો પ્રયાસ કરનાર ભલેને એક જડ વ્યકિત કે ગણીગાંઠી વ્યક્તિઓનું એક નાનકડું જૂથ હોય.૮

યુરોપનો સુધારો યુરોપિયનોને માટે જરૂર અનુકૂળ છે, પણ જો આપણે એની નકલ કરવા જઇશું તો તેમાં હિંદુસ્તાનની પાયમાલી થશે. આમ કહેવાનો અર્થ એ નથી કે આપણે એમાં જે સારું અને બાહ્ય હોય તેનું ગ્રહણ ન કરવું, તેમ એનો અર્થ એ પણ નથી કે એમાં જે ખરાબ વસ્તુ ઘૂસી ગઇ હશે તે યુરોપિયનોને પણ નહીં છોડવી પડે. શારીરિક ભોગોની અવિરત શોધ અને તેનો વધારો એ એવી એક ખરાબ વસ્તુ છે; અને હું હિંમતબેર કહું છું કે જે ભોગોના તેઓ ગુલામ બની રહ્યા છે તેના વજન તળે દબાઇને તેમને પાયમાલ થવું ન હોય તો તેમને પોતાને પણ તેમની જીવનદૃષ્ટિને નવું રૂપ આપવું પડશે. મારે અભિપ્રાય ખોટો હોય એમ બને, પણ એટલું તો હું જાણું છું કે હિંદને માટે સુવર્ણમૃગ પાછળ દોડવું એ અચૂક મોત વહોરવા બરોબર છે. ‘સાદી રહેણી અને ઊંચા વિચાર’ એ એક પશ્ચિમના ફિલસૂફનું સૂત્ર આપણે આપણાં હ્યદય પર કોતરી રાખીએ. આજે એટલું તો ચોક્કસ છે કે કરોડોને ઊંચી રહેણી મળવી અસંભવિત છે, અને આપણે મૂઠીભર માણસો - જેઓ આમવર્ગને માટે વિચાર કરવાનો દાવો કરીએ છીએ તેઓ - ઊંચી રહેણીની મિથ્યા શોધમાં ઊંચા વિચારને ખોઇ બેસવાનું જોખમ ખેડી રહ્યા છીએ.૯

આપણા ઘણા દેશવાસીઓને મેં એમ કહેતા સાંભળ્યા છે કે આપણે અમેરિકાની જેટલી સમૃદ્ધિ મેળવીશું પણ તેની કાર્યપદ્ધતિઓ આપણે ટાળીશું. હું કહેવાની હિંમત કરું છું કે, એવો પ્રયાસ જો કરવામાં આવશે તો તે ખચીત નિષ્ફળ નીવડવાનો છે. આપણે એક ક્ષણમાં ‘’શાણા, મર્યાદાશીલ અને ઉશ્કેરાયેલા’ બની શકીએ નહીં... જે દેશને મિલોનાં ભૂંગળાંમાંથી નીકળતા ધુમાડાએ અને કારખાનાંના ઘોંઘાટે કદરૂપો બનાવી મૂક્યો છે, તથા પોતે શું કરી રહ્યા છે તેની મોટે ભાગે જેમને કશી ગતાગમ હોતી નથી એવા, તેમ જ ઘણી વાર શુન્યમનસ્ક હોય એવા, માણસોથી ખીચોખીચ ભરેલા સંખ્યાબંધ ડબ્બાઓ જેના રસ્તાઓ પરથી એંજિન ઘસડી લઇ જતાં હોય એવા દેશમાં દેવો વસતા હોય એવા કલ્પના કરવાનું શક્ય નથી. એ રીતે ઘેટાંબકરાંની જેમ ઠાંસી ઠાંસીને ભરવામાંઆવેલા માણસો એકબીજાથી સાવ અપરિચિત હોય છે અને ભારે અગવડ ભોગવતાં હોવાને કારણે, બની શકે તો સૌ એકબીજાને તેમાંથી ધકેલી કાઢવાને તાકતાં હોય છે. આ બધી વસ્તુઓનો ઉલ્લેખ હું તેટલા માટે કરું છું કે, તેમને ભૌતિક પ્રગતિની નિશાની રૂપ લેખવામાં આવે છે. પરંંતુ તેનાથી આપણા સુખમાં રતીભાર પણ વધારો થતો નથી.૧૦

પંડિત નહેરુને વિશાળ યાંત્રિક ઉદ્યોગો જોઇએ છે, કેમ કે તે માને છે કે એે ઉદ્યોગો પર જો રાજ્યની માલિકી સ્થાપનવામાં આવે તો તે મૂડીવાદનાં અનિષ્ટોથી મુક્ત રહેવા પામે. મારો પોતાનો મત એવો છે કે એ અનિષ્ટોથી મુક્ત રહેવા પામે. મારો પોતાનો મત એવો છે કે એ અનિષ્ટો વિશાળ યંત્રોદ્યોગો જોડે સ્વભાવતઃ જડાયેલાં છે, ને રાજ્યની માલિકી કરો તોયે તે નાબૂદ થઇ શકે એમ નથી.૧૧

આજે રશિયામાં મોટા યંત્રોદ્યોગો પરાકાષ્ઠાએ પહોંચેલા છે એમ કહી શકાય.એ રશિયા સામે નજર નાખું છું તો ત્યાંનું જીવન આકર્ષક લાગતું નથી, બાઇબલની ભાષામાં કહું તો ‘માણસ આખું જગત જીતે પણ જો પોતાનો આત્મા ગુમાવે તો એથી એનું શું શ્રેય થવાનું હતું ?’ આધુનિક ભાષામાં કહીએ તો માણસ પોતાનું વ્યક્તિત્વ ગુમાવે અને યંત્રના છેક જડ ખીલા જેવો બની જાય તો એના મનુષ્ય તરીકેના ગૌરવને એબ લાગે. દરેક વ્યક્તિ સમાજનો પૂર્ણ સંસ્કારી, પૂરો વિકાસ પામેલો અંશ બને તેમ હું તો ઇચ્છું છું. ગામડાંઓએ સ્વાશ્રયી, સ્વયંપૂર્ણ બનવું જ જોઇએ. અહિંસાને રસ્તે કામ લેવું હોય તો એથી બીજો ઉકેલ હું જોતો જ નથી. મારા મનમાં તો એ વિષે લવલેશ શંકા નથી.૧૨

ઇશ્વર હિંદુસ્તાનને યંત્રયુગથી અને સંસારને યંત્રમય હિંદુસ્તાનથી બચાવે. આજે એક મૂઠી જેટલી કોમ (ઇંગ્લંડ) આર્થિક લૂંટને પંથે ચડી આખા જગતની જંગલી અભણ ગણાતી કોમોના પેટ ઉપર પગ મૂકીને બેઠેલી છે. જો તેત્રીસ કરોડ લોકોની પ્રજા આ માર્ગે ચડે તો આખા સંસારને વેરાન કરી નાખે.૧૩

હિંદુસ્તાનનું ભાવિ પશ્ચિમના રક્તમલિન પંથે નથી - પશ્ચિમ જ એથી કંટાળ્યું છે - પણ સાદા અને પવિત્ર જીવનથી જે શાંતિ મળે છે તે શાંતિવાળા રક્તરહિત પંથે છે. હિંદુસ્તાન આજે પોતાનો આત્મા ખોવાના જોખમમાં છે. એ આત્મા ખોઇને એ જીવી ન શકે. એટલે ‘પશ્ચિમના હુમલાના સામે અમારાથી ન ટકી શકાય’ એમ પ્રમાદથી અને લાચારીથી કહેવાને બદલે આપણે પોતાની અને જગતની ખાતર તેની સામે અટકાવ કરવાને કમર કસવી જોઇએ.૧૪

યંત્ર

‘આદર્શ તરીકે આપ સંચાનો સદંતર ત્યાગ ન ઇચ્છો ?’

આદર્શ તરીકે તો હું કબૂલ કરું કે સંચાનો સર્વથા ત્યાગ હોવો જોઇએ, જેમ આદર્શ તરીકે શરીરનોયે સર્વથા ત્યાગ આવશ્યક છે. કારણ શરીર મોક્ષમાં અંતરાયરૂપ નીવડે તો તે ત્યાજય જ છે અને એ વિચારે તો સાદામાં સાદા સંચાનો - હળ અને સોય જેવાનો પણ હું ત્યાગ કરું. પણ એ વસ્તીઓ રહેવાની - જેમ શરીર રહે છે - એક અનિવાર્ય અનિષ્ટ તરીકે એ વસ્તુઓ રહેવાની.૧૫

યંત્રોને માટે સ્થાન છે, તે કાયમ થઇ ગયાં છે. પણ તેમને માનવીના આવશ્યક પરિશ્રમનું સ્થાન લેવા દેવું જોઇએ અહીં. સુધારવામાં આવેલું હળ સારી વસ્તુ છે. પરંતુ કોઇ માણસ પોતાની કોઇક અણધારી યાંત્રિક શોધ દ્ધારા હિંદની બધી જમીન ખેડી શકે અને ખેતીની સઘળી પેદાશ પર પોતાનો કાબૂ જમાવે તથા લોકોને માટે બીજો કશો રોજગાર રહે નહીં તો તેઓ ભૂખે મરશે અને આળસું રહેવાને કારણે ઠોઠ થઇ જશે. કેટલાક તો આજેયે એવા થઇ જ ગયા છે. પણ એ સ્થિતિમાં બીજા અનેક લોકો એવી દુર્દશામાં મુકાઇ જવાનું હરપળે જોખમ રહે છે.

ઘરગતુ યંત્રમાં હરેક પ્રકારના સુધારાને હું વધાવી લઉં, પરંતુ એની સાથે સાથે જ આપણે કરોડો ખેડૂતોને તેમને ઘરઆંગણે બીજો કંઇ રોજગાર આપવાને તૈયાર હોઇએ તે સિવાય નૈસર્ગિક શક્તિથી ચાલતી ત્રાકો દાખલ કરીને હાથના પરિશ્રમને સ્થાનભ્રષ્ટ કરવો એ ગુનો છે એમ હું સમજું છું.૧૬

જે યંત્ર સૌના હિતમાં ઉપયોગી થાય એમ હોય તેનો જ ઉપયોગ વાજબી ગણાય.૧૭

એથી જો હિંદનું દારિદ્ય અને તેમાંથી પેદા થતું આળસ ટાળી શકાતું હોય તો હું ચાહે તેટલા અટપટા યંત્રના ઉપયોગની તરફેણ કરું મેં રેંટિયો ગરીબાઇ દૂર કરવાના તથા કામ અને સંપત્તિના દુકાળને અશક્ય કરી મૂકવાના એકમાત્ર ઉપલબ્ધ સાધન તરીકે સૂચવ્યો છે, ખુદ રેંટિયો પણ કીમતી યંત્ર છે. અને હિંદની વિશિષ્ટ પરિસ્થિતિને અનુકુળ હોય એવા સુધારાઓ તેમાં કરવાનો મેં મારી રીતે યત્કિચિત્‌ પ્રયાસ કર્યો છે.૧૮

‘તમે યંત્રોની વિરુદ્ધ છો ?’

ઉત્તરમાં હું ઘસીને ‘ના’ કહું છું. પણ યંત્રો વિચાર વિના વધાર્યે જવાની હું વિરુદ્ધ છું, અને યંત્રોની દેખીતી સફળતાથી હું અંજાવાને તૈયાર નથી. વળી દરેક હિંસક યંત્રની સામે મારો હડહડતો વિરોધ છે. પણ વ્યક્તિની મહેનત બચાવે, અને કરોડો ઝુંપડાંવાસી ગામડિયાઓનો બોજો હલકો કરે તેવાં સાદાં હથિયાર અને સાધનોને હું જરૂર વધાવી લઉં.૧૯

મારો ઝઘડો યંત્રોની ઘેલછા સામે છે, યંત્રોની સામે નથી. પરિશ્રમનો બચાવ કરનારાં કહેવાતાં યંત્રોની ઘેલછા સામે મારો ઝઘડો છે. પરિશ્રમ એટલે દરજજે બચાવ્યા જાય છે કે આખરે હજારો અને લાખોને બિચારાઓને ભૂખે ટળવળવું પડે છે, અને અંગ ઢાંકવાનું પણ કશું મળતું નથી. મારે સમય અને પરિશ્રમનો બચાવ જરૂર કરવો છે, પણ તે ખોબા જેટલા માણસોને માટે નહીં, પણ સમસ્ત માનવજાતિ માટે; સમય અને પરિશ્રમનો બચાવ થઇ ખોબા જેટલા લોક ધનાઢ્ય થઇને બેસે એ મને અસહ્ય છે - હું તો સૌનો પરિશ્રમ અને સમય બચે એ ઇચ્છું, સૌ કોઇ ખાઇ શકે. મને પહેરી ઓઢી શકે એ ઇચ્છું, સર્વોદ્ય ઇચ્છું. આજે યંત્રોને પરિણામે લાખોની પીઠ ઉપર ખોબા જેટલા લોક સવાર થઇને બેઠા છે અને તેમને રગડે છે, કારણ એ યંત્રો ચલાવવા પાછળ લોભ રહેલો છે, ધનતૃષ્ણા રહેલી છે, જનકલ્યાણ નથી રહેલું.

‘ત્યારે આપ યત્રોના દુરુપયોગ વિરુદ્ધ છો, સદુપયોગ વિરુદ્ધ નહીં.’

હા, પણ અને ઠીક સમજી લો. વિજ્ઞાનની શોધો એ ધનપ્રાપ્તિનાં સાધન પહેલાં મટવાં જોઇશે. એ ધનપ્રાપ્તિનાં સાધન મટશે ત્યારે જ યંત્રોનો સદુપયોગ થશે. ત્યારે જ કારીગરોને અસહ્ય કામનો બોજો ન રહે, ત્યારે કારીગરો કામદારો મટી માણસ બનશે. યંત્રો કલ્યાણસાધક હોય તો ભલે હો. એટલે યંત્રોનો સદંતર નાશ નહીં પણ એની ંમર્યાદા બંધાય એમ હું ઇચ્છું છું.

‘તો છેવટે પછી યંત્રમાન અનિષ્ટ છે એમ નહીં કહેવું પડે ?’

કદાચ કહેવું પડે. પણ યંત્રો જ્યાં સુધી માણસના ઉપર હુમલો નથી કરતું ત્યાં સુધી સહ્ય છે, તે માણસને અપંગ નથી કરી મૂકતું ત્યાં સુધી સહ્ય છે. એટલે કેટલાંક યંત્ર તો ઉપયોગી રહેવાનાં જ. સિંગરનો સીવવાનો સંચો લો. એ અતિશય ઉપકારક વસ્તુઓમાંની એક છે અને એની શોધની આસપાસ કેવી પ્રેમશૌર્યની કથા રહેલી છે. સિંગરે પોતાની સ્ત્રીને કપડાં ઉપર વાંકી વળી આખો દિવસ ધીમે ધીમે આંખ તાણતી, ટાંકા મારતી, સીવીને થાકીને લોથ થતી જોઇ. તે તેને સાલ્યાં કીધું. અને આખરે તેણે પોતાના અતિશય પ્રેમના બળે કરીને સીવવાનો સંચો ઉત્પન્ન કર્યો. તેમ કરીને તેણે કેવળ પોતાની સ્ત્રીની જ મહેનત બચાવી એટલું જ નહીં પણ દરેક જણની બચાવી.

‘પણ એવા સંચાને આપણે સ્વીકારીએ તો પછી એવા સંચા બનાવવાનાં કારખાનાંને પણ સ્વીકારવાં પડે ના ?’

હા, પણ આવાં કારખાનાં તો કોઇ ખાનગી શખસોની માલિકીનાં ન હોય, પણ સરકારીની જ માલિકીનાં હોય એટલું કહેવા જેટલો ‘સોશિયાલિસ્ટ’ હું છું જ. તો જ એ વ્યાપારને અર્થે ઉત્પન્ન થતાં થાય. એટલે જ હું કહું છું ના કે યંત્રો ભલે હોય, પણ તે તો નવા જ સમાજ બંધારણમાં હોઇ શકે, કેવળ લોકકલ્યાણ અર્થે ચાલતાં હશે એટલે તેમાં મજૂરનું કલ્યાણ પણ લક્ષમાં રાખવામાં આવતું હશે જ. જેને મજૂરી કરવાની હશે, જેને તે સંચા ચલાવવાના હશે, તે તો આદર્શ અને આક્રમણ મનમોહક સ્થિતિમાં કામ કરતા હશે.

સિંગરનો સંચો તો કેવળ એક જ દાખલો લીધો. બીજા પણ એવા અનેક દાખલા લેવાય. દાખલા તરીકે ત્રાક અનેક વાર ઠરડાય છે, ઘણાં કાંતનારાને એ ભારે મૂંઝવણ થઇ પડે છે. તેને સીધી કરતાં ખૂબ વખત જાય છે. એ ત્રાકને તુરત સીધી કરનારું કોઇ યંત્ર હોય તો એ તૂટી જાય એમ નહીં, પણ દરેક કાંતનારાની પાસે જ આવી ત્રાકની ઠરડ મટાડનારું યંત્ર હોય તો તે બહું ઉપયોગી થઇ પડે.૨૦

‘ત્યારે તો આપ આ યંત્રયુગની જ સામે છો !’

એ તો તમે મારા વિચારને વિકૃત રૂપ આપ્યું. મને યંત્ર સામે વિરોધ નથી, પણ યંત્ર જ્યારે આપણું શેઠ થઇ બેસે ત્યારે તેની સામે મારો પૂરેપૂરો વિરોધ છે.

‘આપ હિંદુસ્તાનને ઉદ્યોગપ્રધાન નથી બનાવવા માગતા ?’

બનાવવું છે, પણ તે મારી ઢબે. જૂનાં ગામડાંનાં મહાજનો જે નાશ પામ્યાં છે તેને સજીવન કરવાં જોઇએ. હિંદુસ્તાનનાં ગામડાં દેશનાં કસબા ને શહેરોને જોઇએ એટલો બધો માલ પેદા કરીને પૂરો પાડતાં. અમારાં શહેરો જ્યારે પરદેશોના માલનાં હાટ થઇ પડ્યાં ને પરદેશથી સસ્તી ને ભમરાળી ચીજો લાવીને ગામડાંમાં ઝીંકવા માંડી ને એ વાટે ગામડાંનું ધન શોખવા માંડ્યું ત્યારથી હિંદુસ્તાન ધનહીન ને દરિદ્ર બન્યું.

‘ત્યારે આપ કુદરતી અર્થવ્યવસ્થા પર પાછા જવા માગો છો ?’

હા, નહીં તો મારો શહેરમાં પાછા જવું જોઇએ. મોટું વેપારનું કે ઉદ્યોગનું સાહસ ખેડવાની શક્તિ મારામાં પૂરેપૂરી છે, પણ એ લાલસા મેં જાણીબૂજીને જતી કરી છે. એ જતી કરી છે તે ત્યાગની ભાવનાથી નહીં, પણ મારા હ્ય્દયે જ એની સામે બળવો ઉઠાવ્યો તેથી. કેમ કે પ્રજાની જે લૂંટ રોજરોજ ચાલી રહી છે તેમાં મારાથી ભાગ લઇ શકાય એમ હતું જ નહીં. હું ગામડાંમાં ઉદ્યોગોનો બહોળો ફેલાવો કરવા માગું છું, પણ તે જુદી રીતે.૨૧

ક્ષણભર માની લો કે મનુષ્યની જેટલી હાજતો છે તે બધી યંત્રો વાટે પૂરી પડે છે. છતાં યંત્રોથી થતી પેદાશ તો અમુક પ્રદેશોમાં જ થઇ શકે, અને તેથી તમારે એ માલની વહેંચણી માટે અટપટો રસ્તો લેવો જ પડે. પણ જો માલ જે જગ્યાએ જોઇએ ત્યાં જ પેદા થાય ને ત્યાં જ વહેંચાય તો દગાને માટે ઓછો અવકાશ રહે. અને સટ્ટો તો કોઇ કરી જ ન શકે... જે જગ્યાએ માલ પેદા થાય ત્યાં જ વપરાય એવી સ્થિતિ આવશે ત્યારે ઉત્પત્તિનો વેગ અમર્યાદપણે અને ગમે તે ભોગે વધારવાની લાલચ નહીં રહે. આજની આપણી આર્થિક વ્યવસ્થાને લીધે જે પાર વિનાની મુસીબતો ને ગૂંચવાડા ઊભા થાય છે તે પણ પછી તો ટળી જશે... મોટા પ્રમાણમાં ઉત્પાદન તો જરૂર જોઇએ... રેંટિયાનો સંદેશો એ જ છે. એમાં પણ મોટા પ્રમાણમાં ઉત્પાદન છે પણ તે લોકોનાં ઘરમાં થાય છે. એક માણસ જે માલ પેદા કરે છે તેને તમે દસ લાખથી ગુણો તો એ પ્રચંડ ઉત્પાદન ન થયું ? ... પણ તમે “મોટ પ્રમાણમાં ઉત્પાદન” એ શબ્દો વાપરો છો તે એના રૂઢ અર્થમાં, એ અર્થ એ છે કે “અતિશય અટપટાં યંત્રોની મદદથી બને તેટલા ઓછામાં ઓછા માણસોએ કરેલું ઉત્પાદન...” મારું યંત્ર તો એવું હોવું જોઇએ કે જે સાદામાં સાદું હોય અને કરોડો ઘરોમાં રાખી શકાય એવું હોય.૨૨

એક સામાન્ય બુદ્ધિના માણસ તરીકે, હું જાણું છું કે, માણસ ઉદ્યોગો વિના જીવી શકે નહીં. એથી કરીને, હું ઉદ્યોગીકરણનો વિરોધ ન કરી શકું. પણ યંત્રોદ્યોગો દાખલ કરવાની બાબતમાં મને ભારે ચિંતા થાય છે. યંત્રો વધારે પડતી ઝડપથી ઉત્પાદન કરે છે અને સાથે સાથે એક એવી અર્થવ્યવસ્થા નિર્માણ કરે છે જે હું સમજી શકતો નથી. જેના ફાયદા કરતાં જેની બૂરી અસર વધારે પ્રમાણમાં હોય એવી કોઇ પણ વસ્તુ સ્વીકારવા હું માગું નહીં. આપણા દેશની કરોડોની મૂક આમજનતા તંદુરસ્ત અનેે સુખી બને તથા આધ્યાત્મિક દૃષ્ટિએ તેની પ્રગતી થાય એ હું માગું છું. અને એ હેતુ પાર પાડવા માટે આપણને યંત્રોની જરૂર નથી. અસંખ્ય લોકોને કામ મળતું નથી, તેઓ બેકાર છે. પણ આપણી સમજ વધતાં આપણને યંત્રોની જરૂર લાગે, તો જરૂર આપણે તે અપનાવીશું. આપણને ઉદ્યોગ જોઇએ છે, આપણે ઉદ્યોગી બનીએ. આપણે વધારે સ્વાશ્રયી બનીએ તો પછી આપણે બીજા લોકોથી આટલા બધા દોરવાઇશું નહીં. આપણે જ્યારે પણ યંત્રોની જરૂર લાગશે ત્યારે આપણે તે દાખલ કરીશું. એક વાર આપણે અહિંસા પ્રમાણે આપણું જીવન ઘડીએ પછી યંત્રોને કેવી રીતે નિયમનમાં રાખવાંં તેની આપણને જાણ થશે.