Jalpari ni Prem Kahaani - 15 books and stories free download online pdf in Gujarati

જલપરી ની પ્રેમ કહાની - 15

મુકુલને હવે શરીરમાં થોડો સફરનો થાક લાગી રહ્યો છે. બેડમાં પડતાની સાથે જ એણે આંખો મીચી અને એની સામે એની માં નો ચહેરો સામે આવી ગયો. નીકળતી વખતે માં ની આંખ ના આંસુ એને યાદ આવ્યાં. એને બહું એકલું લાગવા લાગ્યું. એના મનમાં અનેક વિચારો આવવા લાગ્યા.


હું સ્વાર્થી તો નથી થઈ ગયો ને? મારા સપનાઓ ને પામવામાં અને મારી ઈચ્છાઓ ને પૂરી કરવા માં ક્યાંક હું મારી ફરજ તો નથી ચૂકી ગયો ને? માં બાપ હજારો અરમાનો લઈને દીકરા ને મોટો કરે છે, માં બાપ વિચારે છે કે, મારી જિંદગી ના ચોથા ચરણમાં જ્યારે વૃદ્ધત્વ મને ઘેરી વળશે, આખી જિંદગી કરેલી મહેનત થી મારું શરીર થાકી જશે ત્યારે મારો દીકરો મારો સહારો બનશે, મારી હિંમત બનશે, અને હું મારા સપનાઓ પૂરા કરવા એમને છોડી ને અહીં આવી ગયો છું. મેં મારા મમ્મી પપ્પા સાથે અને એમની આશાઓ સાથે અન્યાય તો નથી કર્યો ને?


મુકુલ નું મન વિષાદથી ભરાઈ ગયું. એને સમજ નથી પડી રહી એટલા માંજ એના મોબાઇલની રીંગ વાગી અને એના વિચારોની દોર તૂટી એણે ફોન હાથમાં લઈને જોયું તો મમ્મી નોજ ફોન હતો. સ્ક્રીન ઉપર મમ્મી નામ વાંચતાં જ મુકુલની આંખો ચમકી ગઈ.


મુકુલે કોલ રિસિવ કર્યો, એ કંઈ બોલે એ પહેલાં જ મમ્મી બોલ્યાં.... બેટા કેમ છે? મમ્મી હું એક દમ ઠીક છું. તમે કેમ છો? હું પણ બેટા. ત્યાં કેમ છે બધું? તને રહેવા માટે જગ્યા મળી ગઈ? હા મમ્મી મને એક કવોટર મળી ગયું છે અને સાથે એક મિત્ર પણ. અમે બે જણ છીએ એક કવોટરમા. બહું સરસ જગ્યા છે મમ્મી, અમારા કમાન્ડર પણ સ્વભાવે બહું સારા છે. અહીં બધુંજ સારું છે તમે જરા પણ ચિંતા ના કરશો.


સારું બેટા પોતાનું ધ્યાન રાખજે. તું જમ્યો બેટા? હા મમ્મી અને આજે કમાન્ડર સરે મને એમના ઘરે ડિનર માટે બોલાવ્યો છે એટલે રાત્રે જમવવામાં થોડું મોડું થશે. ભલે બેટા પણ પોતાનું ધ્યાન રાખજે અને સમય સર જમજે. હા, મમ્મી. પપ્પા અને વિશાલ શું કરે છે? બેઠા છે, આજે તારા વગર બધાને સુનું સુનું લાગે છે ઘરમાં..... બોલતાં બોલતાં મમ્મી નું ગળું ભરાઈ આવ્યું અને એમનો અવાજ સહેજ રૂંધાયો. મમ્મી તમે બધા તમારું ધ્યાન રાખજો. સાંભળો મમ્મી મારે કમાન્ડર સર ને ત્યાં જવા માટે રેડી થવાનું છે એટલે હવે ફોન મૂકું છું. ભલે બેટા.


મુકુલે જાણી જોઈ ને વાત ટુંકાવી દીધી. જો વધારે વાત ચાલી હોત તો મમ્મી રડવા લાગત. મુકુલ ની આંખ ના ખૂણા પણ સહેજ ભીના થઈ ગયા. એણે ઊંડો શ્વાસ લીધો અને પોતાની જાત ને ઓડર કર્યો, કેપ્ટન મુકુલ તમારે કમજોર નથી પડવાનું. એણે પોતાની જાત ને થોડી સ્વસ્થ કરી. બાજુમાં પડેલી બોટલ માંથી બે ઘૂંટ પાણી પીધું.


થોડી જ વારમાં મુકુલ ને ઊંઘ આવી ગઈ. આખી રાતનો ઉજાગરો, મુસાફરી નો થાક અને મનમાં ચાલી રહેલું વિચારોનું બવંડર આ બધા માં ક્યારે ઊંઘ આવી ગઈ એની ખબર ખુદ મુકુલ ને પણ ના પડી.


કેપ્ટન મુકુલ.....ઉઠો કેપ્ટન મુકુલ રાત થઈ ગઈ છે અને ઘડિયાળ માં બરોબર સાડા આંઠ વાગી ગયા છે. મુકુલ ના કાન માં કંઈ અવાજ પડ્યો પણ એની આંખ ખુલવા તૈયાર જ નથી. ઘેરી નિંદ્રા માં છે મુકુલ. ફરી થી એજ અવાજ એજ સંબોધન મુકુલ ના કાને પડ્યું. મુકુલે જહેમત કરી આંખ ઊંચી કરી તો સામે કેપ્ટન પ્રકાશ ઉભો છે. બેડરૂમ માં લાઈટ ચાલુ હોવા થી મુકુલે પહેલી વાર અજવાળામાં બેડરૂમ ને જોયો. હજી એની આંખો એને ઢળી જવા જાણે જીદ કરી રહી છે.


ક્રમશઃ.........