Avantinath Jaysinh Siddhraj - 34 books and stories free download online pdf in Gujarati

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 34

૩૪

દિવાસ્વપ્ન

મહારાજે આમંત્રેલા સંન્યાસીઓ રાજવાટિકામાં આવ્યા ત્યારે મલ્હારભટ્ટના આનંદનો પાર ન હતો. એના મનથી એણે પોતાનો એકડો નોંધાવ્યો હતો. સ્તંભતીર્થના રાજા જેવા ઉદયન મંત્રીશ્વરને મહાત કર્યો હતો. હવે પછી એની ગણના મહારાજના રાજદ્વારી વીર નરોમાં થવાની હતી. એનું નામ કેશવ સેનાપતિ જેવાનાં નામ સાથે લેવાવાનું હતું. 

ચરણવંદના કરીને એક પછી એક સંન્યાસીને એ, અંદરના ખંડમાં મહારાજના સાંનિધ્યમાં મોકલી રહ્યો હતો. 

છેલ્લા સંન્યાસીનો વારો આવ્યો. મલ્હારભટ્ટની અધીરાઈ વધી ગઈ. એણે એની સામે જોયા વિના ઉતાવળે ચરણવંદના કરવા હાથ લંબાવ્યો: ‘ભગવન્! એણે આંખ મીંચીને વિવેકથી કહ્યું, ‘તમને પણ મહારાજની પાસે...’ તે નીચે નમ્યો. ચરણે મૂકવા માટે બે હાથ લાંબા કર્યા. મસ્તક નમાવ્યું.

અચાનક એના કાને અવાજ આવ્યો અને એ ચમકી ગયો. એની આંખો ઊઘડી ગઈ.

સામેથી કોઈ બોલી રહ્યું હતું:

‘મલ્હારભટ્ટજી! તમે મારી ચરણવંદના કરો તો તો મને પ્રાયશ્ચિત પડે!’

મલ્હારભટ્ટ થોભી ગયો અને બોલનારની સામે દ્રષ્ટિ કરતાં તો એ સડક જ થઇ ગયો. બે પળ તો પોતે આ શું જોઈ રહ્યો છે તે એ સમજી શક્યો નહિ. એની આંખો ચકળવકળ થઇ ગઈ. મન ભ્રમિત બની ગયું. મગજ વાતનો દોર ઝીલી શક્યું નહિ. મહારાજની આજ્ઞાથી એક પછી એક સંન્યાસીને એ ચરણ ધોઈને મહારાજની પાસે અંદરનાં ખંડમાં મોકલી રહ્યો હતો. ત્યાં સૌને માટે ભોજન હતું. મહારાજ એ ત્રણસો દેવતાનાં દર્શન કરવાના હતા. અને જ્યારે બધી વાત પૂરી થાય ત્યારે કુમારપાલજીને ઉપાડવાના હતા.  

કેશવ અને બર્બરક એ યોજના કરી રહ્યા હતા. કુમારપાલજીને પાટણની વાત લેવાની હતી. બર્બરક સાથે જવાનો હતો. એટલા માટે એક સાંઢણી બહાર રાહ જોતી અધીરાઈમાં ત્યાં ઊભી પણ રહી ગઈ હતી. એમાં આ અવાજ સાંભળીને આંગળી કાપી હોય તો લોહી ન નીકળે એટલી બધી વ્યગ્રતા મલ્હારભટ્ટની રગેરગમાં વ્યાપી ગઈ!

આ ત્રણસોમો સંન્યાસી, કુમારપાલજી છે, એ નિશ્ચિત હતું. મહારાજ પાસે પોતે જ એ પ્રગટ કર્યું હતું. પોતે જ એને હમણાં મહારાજ પાસે લઇ જવાનો હતો. ત્યાં એણે આ જોયું. અને એની કલ્પનામાં કાંઈ ઊતરી શક્યું નહિ: ‘કુમારપાલને બદલે આ કાકભટ્ટ ક્યાંથી ફૂટી નીકળ્યો? અને તે પણ સંન્યાસી રૂપે? ફરીને મારવાડો પહોંચી ગયો કે શું? કે પછી પોતે જે જોયું એ ખોટું હતું? કે આ જે જુએ છે એ ખોટું છે? આમ શી રીતે થયું? તે કાંઈ સમજી શક્યો નહિ, પણ પોતાની કેવી ભયંકર વિડંબના મહારાજ પાસે થશે એ વિચારે એ ધ્રૂજી ઊઠ્યો.

એનો ધોળો પૂણી જેવો ચહેરો કાક જોઈ રહ્યો. એ મનમાં ને મનમાં હસતો હતો. આ બરાબર સપડાયો છે એ વિચારે એણે જીભમાં કૃત્રિમ મીઠાશ લાવીને કહ્યું: ‘ભટ્ટજી! શું જુઓ છો? મારે મહારાજને મળવાનું છે. તમે મને એમની પાસે એકાંતમાં લઇ જાઓ. બીજાનું ધ્યાન ન ખેંચાય માટે જલદી ચાલો, મહારાજ તમારા ઉપર પ્રસન્ન થઇ જશે! હું એવો અગત્યનો એક સંદેશો લાવી રહ્યો છું!’

‘પણ કાકભટ્ટ! તમે આંહીં ક્યાંથી? પહેલાં એ જણાવો. પછી બીજી વાત.’ મલ્હારે ઉતાવળે કહ્યું. 

‘કેમ હું ક્યાંથી? તમે જુઓ છો ત્યાંથી પણ મલ્હારભટ્ટ! હું આંહીં ગમે ત્યાંથી હોઉં, યુદ્ધનો ઉપયોગી અગત્યનો સંદેશો લઈને આવ્યો છું. મારે મહારાજને તરત મળવું જોઈએ. હવે ખોટી ન થાવ, ચાલો, આગળ થાવ!’

‘પણ મારે તમને લઇ જવાનાં નથી એનું શું?’ મલ્હારભટ્ટે આકળા થઈને કહ્યું. 

‘કેમ?’

‘કેમ તે એમ!’ મલ્હારભટ્ટને શું જવાબ આપવો તે સુઝ્યું નહિ.

મનમાં ને મનમાં કાક એની મૂંઝવણ ઉપર હસી રહ્યો હતો, તેણે કહ્યું: ‘મલ્હારભટ્ટ! તમે આ કોને કહો છે એ કાંઈ જાણો છો? હાં, પણ તમારી કાંઈક ભૂલ થતી જણાય છે. કાંઈક બોલો તો ખબર પડે નાં? તમને વાંધો શો છે? મારે મહારાજને તત્કાલ મળવું જ પડે તેમ છે.’

‘તમારે મળવાનું નથી, મળવાનું બીજાને હતું. એ બીજો ક્યાં છે એ પહેલાં કહો, પછી બીજી વાત.’ મલ્હારભટ્ટે કહ્યું. 

‘પણ એ બીજા કોણ? કાંઈ ગાંડા થઇ ગયા છો મલ્હારભટ્ટજી? મેં એમ સાંભળ્યું હતું કે કવિલોકો દિવાસ્વપ્ન જુએ છે; આજે મને ખબર પડી કે તમારા જેવા જોદ્ધાઓ પણ દિવાસ્વપ્ન દેખે છે. તમે ક્યાંક ઘેલામાં ખપી જતા નહિ! આ નગરી કાંતિમાં, માલવનો કે પાટણનો કોઈ જોદ્ધો પ્રવેશી શકતો નથી એનું તમને ભાન રહ્યું લાગતું નથી. સંન્યાસી હું એટલા માટે થયો છું. મેં કાંઈ સંન્યાસ લીધો નથી. મારે ઘેર તમારા ઘર કરતાં રૂપાળું બૈરું છે! ચાલો હવે, મોઢા આગળ થાવ. મહારાજને આપવાની મારી વાત બે પળ મોડી થશે તો કાંઈનું કાંઈ થાશે. આંહીં તમારે માલવરાજ આવી ગયા તે તો ખબર છે નાં?’

‘એનું શું છે?’

‘એનું શું છે? મને લાગે છે, તમને આંહીં કોઈએ ભૂરકી નાખી લાગે છે; કે પછી આ વૈભવ જોઇને તમારી ડાગળી ચસકી જણાય છે! તમે જાતને મહારાજાધિરાજ માનતા જણાવ છો. તેનું શું છે એ તમને જણાવવાનું ન હોય. એ જણાવવાનું છે, મહારાજાધિરાજ ગુર્જરેશ્વરને – ચાલો આગળ થાવ.’ કાકે ગૌરવથી કહ્યું ને એક ડગલું આગળ ભર્યું. મલ્હારભટ્ટની દશા પૂરેપૂરી કફોડી થઇ ગઈ. એ આગળ જઈ શકતો ન હતો, આને ના પાડી શકતો ન હતો અને શું કરવું તે એને સૂઝતું ન હતું. એણે તત્કાળ તો મહારાજ પાસે દોડી જવામાં જ ડહાપણ જોયું: ‘તમે જરા થોભો કાકભટ્ટજી! હું આ આવ્યો!’

એને અંદર દોડતો જતો કાકે જોયો. એ ગયો કે તરત તે પેટ પકડીને હસી પડ્યો: બામણો ખોડ ભૂલી જાય એવો પાઠ શીખ્યો છે! પોતાને કોઈએ જોયેલ તો નથી નાં એ જાણવા એણે એક નજર ચારે તરફ ફેરવી. એટલામાં તો મલ્હારભટ્ટ દોડતો આવ્યો: ‘કાકભટ્ટજી! મહારાજ બોલાવે છે, ચાલો આ તરફથી ચાલો!’

કાકભટ્ટ મહારાજને મળવા ઊપડ્યો. પણ ધ્રૂજવાનો વારો હવે એનો હતો. કુમારપાલજીને જાણે અદ્રશ્ય કરી દીધો છે ને એને બદલે પોતે આવી ગયો છે એવી જ વાત મલ્હારે કરી હશે. એ વાતને દિવાસ્વપ્ન જેવી ઠરાવવાની હતી. તે વિચાર કરતો ચાલ્યો. મહારાજ જયસિંહદેવ અત્યારે કદાચ કોઈ કારણસર બોલે નહિ, તોપણ સમજે નહિ એમ તો નથી જ બનવાનું અને તો એના ભવિષ્યનો જીવનપથ વિકટ થઇ જવાનો હતો. તે હિંમતથી આગળ ગયો. 

અંદર ગયો તો સંન્યાસીઓની પૂજાઅર્ચના શરુ થઇ ગઈ હતી. કેશવ સેનાપતિ સૌને પ્રેમથી આસન ઉપર બેસાડી રહ્યો હતો. એ પણ કાકભટ્ટને આ રૂપમાં તરત કળી શક્યો નહિ. પણ એને એકને મહારાજની પાસે અંદરના ખંડમાં મલ્હારભટ્ટ લઇ જતો હતો એ એણે જોયું. અને એને નવાઈ લાગી. 

એણે મલ્હારભટ્ટને નિશાની કરીને રોક્યો. પાસે જઈને પૂછ્યું: ‘કેમ? આમ કેમ?’

મલ્હારભટ્ટ શરમનો માર્યો નીચું જોઈ રહ્યો. પછી તેણે ધીમેથી કહ્યું: ‘આ તો કાકભટ્ટ છે! પ્રભુ!’

‘હેં! કાકભટ્ટ? કેમ આવે વેશે?’ કેશવના આશ્ચર્યનો પણ પાર ન હતો. પણ એને આશ્ચર્યમાં જ રાખીને મલ્હારભટ્ટ પાછળ આવી રહેલા કાકને લઈને મહારાજની પાસે ઊપડી ગયો. 

કેશવ વાતને પામી ગયો. સ્તંભતીર્થના વણિક વિના આ બ્રાહ્મણ એકલો આ હિંમત કરે નહિ. તેણે આ ત્રીજી વખત ઉદયનને, રાજનીતિના દોરને, પોતાની ધારણા પ્રમાણે લેતો અને મહારાજનો અદના સેવક હોવાનો દાવો પણ ચાલુ રાખતો જોયો. તેને અત્યારે આ અસહ્ય લાગ્યું.

મલ્હારભટ્ટની પછવાડે જ મહારાજ પાસે ગયો. મલ્હારભટ્ટ કાકભટ્ટને રજૂ કરીને મહારાજને વાત કરી રહ્યો હતો. ત્યાં જ ઉતાવળે કેશવે પ્રવેશ કર્યો: ‘મહારાજાધિરાજ! મારી રંકની એક વિજ્ઞપ્તિ છે. ઉદયન મહેતો આંહીં ક્યાંક છે, એને હમણાં જ હાજર થવાનું કહેવરાવું જોઈએ!’

મહારાજે કેશવ સામે જોયું. એમણે તેને ધાગધાગાં થતો દીઠો. તેને શાંત રહેવા એક સહજ નિશાની કરી, મહારાજ કાક તરફ ફર્યા: ‘હેં કાકભટ્ટ! ઉદયન આવી ગયો ઇંગનપટ્ટનથી’

‘પ્રભુ! હું નીકળ્યો ત્યાં સુધી તો કંઈ વાત ન હતી, વખતે રસ્તામાં એણે સમાચાર મળ્યા હોય, મહારાજ આંહીં છે એ, અને આ બાજુ આવ્યા હોય, તો તો સેનાપતિજીને કાંઈ મળ્યા વિના રહે?’

મહારાજ સિદ્ધરાજદેવે આ વાતને આંહીં હવે એટલેથી જ અટકાવી દેવામાં કાંઈ સાર જોયો. એને લાગ્યું કે ભવિષ્યની વાત હવે ભવિષ્યમાં. કુમારપાલ અત્યારે ઊપડી ગયો લાગે છે એ ચોક્કસ. કાકે બે હાથ જોડીને ધીમેથી ઉમેર્યું. ‘મહારાજ!’ આડીઅવળી વાતને ટાળવામાં જ પોતાનો ઉદ્ધાર દીઠો હતો. ‘મહારાજ! મારે એક અગત્યનો સંદેશો આપવાનો હતો. મેં માલવરાજને આંહીં આવતા રસ્તામાં જોયા અને એટલા માટે હું દોડતો આવ્યો.

‘સારું કર્યું કાકભટ્ટજી! ક્યાં જોયેલા? તમે આપણી મળવાની છાવણી ક્યારે છોડી? કાંઈ કામે છોડી હશે!’

‘મહારાજ! હું તો નીકળ્યો અમસ્તો ટેલવા – ત્યાં મને ભણકારા વાગ્યા...’

‘કોણે વાત કરી?’ 

‘એક ઊડતી વાત મળી ગઈ પ્રભુ! કે માલવરાજ કાંતિનગરી જઈ રહ્યા છે. મહારાજ આંહીં હોય ને માલવરાજ પણ આંહીં આવે, એમાં મને ભેદ લાગ્યો. એટલે હું દોડ્યો એની પાછળ... રસ્તે ખબર મળી કે નગરીમાં તો કોઈ માલવ કે પાટણના દેશજનને પ્રવેશ જ મળતો નથી.

‘બરાબર છે કાકભટ્ટ!’ મહારાજ જયદેવે એની વાતનો તાર પકડી લીધો, ‘એટલે તમે આમ આવ્યા એ તો બરાબર; પણ કાકભટ્ટજી! તમારી પાસે કંઈ સાચી વાત છે? હોય તો કહી નાખો. મારે અત્યારે માલવનું કામ છે. ન હોય વાત તો, મલ્હારભટ્ટને કહો તમને ભોજન આપે.’ મહારાજે તરત એક તાલી પાડી. દ્વારમાં બર્બરક દેખાયો. કાકભટ્ટ ધ્રૂજી ગયો. હમણાં કાં તો પોતાની જાત આને સોંપી દેવાની આજ્ઞા થશે! એણે હતું એટલું તમામ બુદ્ધિબળ વાક્યમાં મૂકી દેવાનો પ્રયત્ન કર્યો. તેણે કહ્યું: ‘મહારાજ! એ માલવરાજ આપણા ગજેન્દ્રને રોકવા હવે રસ્તામાં પડ્યો હોવો જોઈએ. મારે ખરું એ કહેવાનું હતું! પ્રભુ! મેં એ જાણ્યું છે.’

‘ક્યે માર્ગે? વિંધ્ય રસ્તે કે નર્મદા રસ્તે?’ મહારાજે ઉતાવળે પૂછ્યું.

‘મહારાજ! હું તો દોડતો આવ્યો છું. રસ્તો જે એણે નક્કી કર્યો હોય તે ખરો. પણ એ માર્ગ રોકશે એ નક્કી છે.’

‘તમને કેમ ખબર પડી?’

‘મેં કાનોકાન સાંભળ્યું છે પ્રભુ! એની સાથે આંહીં આવ્યો ત્યારે સંન્યાસી સાધુ કિરાતનું ટોળું હતું. એ રસ્તામાં વિખેરાઈ ગયું. એ પોતે શ્રેષ્ઠીરૂપે પાછો ફરી જાશે. પેલું ટોળું બે ભાગમાં વિભક્ત થઇ ગયું હશે કદાચ બંને રસ્તા રૂંધે. કિરાત ઘણા હતા.’

‘એમ? ત્યારે તો તમારી પાસે કાંઈક સત્ય છે, ઠીક!’ મહારાજે બર્બરક સામે જોયું. એક પળમાં એ અદ્રશ્ય થઇ ગયો હતો. કાકભટ્ટ કંઈ સમજ્યો નહિ. તે પોતાના બંધન માટે તૈયાર થતો અવશની જેમ ઊભો રહ્યો. ત્યાં મહારાજે કહ્યું: ‘મલ્હારભટ્ટ! આ કાકભટ્ટને હમણાં અસ્ત્રશસ્ત્ર આપો. પહેલાં ભોજન આપો. આ વેશ પણ કઢાવો, કાકભટ્ટ! તમે કોઈ નારીના પ્રેમમાં તો નથી પડ્યાં નાં?’

‘મહારાજ?’ કાકભટ્ટને આનો અર્થ કાંઈ સમજાયો નહિ.

‘નારીની ઘેલછા ને ધર્મની ઘેલછા બંને સરખાં પરિણામ લાવે છે. જાઓ. હવે હમણાં અમારી સાથે જ રહેજો.’

મહારાજ જયદેવની વાણીમાં એટલો ગર્ભિત અર્થ હતો કે કાકભટ્ટ મૂંઝાઈ ગયો. પણ તેણે વધારે સ્પષ્ટ થવા પ્રયત્ન કર્યો.

‘મહારાજ! મલ્હારભટ્ટ એમ કહેતા હતા...’  

‘મલ્હારભટ્ટ ઘણી વખત દિવાસ્વપ્ન જુએ છે, કાકભટ્ટ! એને ખબર નથી લાગતી કે આંહીં તો ખંભાતના મંત્રીશ્વર જેવા રાતનાં સ્વપ્નાં જોનારા પડ્યા છે! પૂછો કેશવને. કેમ કેશવ, સાચું નાં? હવે તું તારે કામે લાગી જ. વસ્તુઓ આંહીં વહેલી મોડી થાય. એમાં ધાંધલ શી કેશવ? પણ મલ્હારભટ્ટ! હવે તમે જુઓ તે આંખ ઉઘાડીને જોજો! જાઓ!’

કાકભટ્ટ મલ્હારભટ્ટની સાથે ચાલ્યો તો ખરો, પણ મહારાજના શબ્દે એને ખાતરી કરાવી દીધી હતી કે મહારાજ આખી વાત સમજી ગયા છે. એને હવે મહારાજની દ્રષ્ટિ ને બર્બરકનું અદ્રશ્ય થવું એ યાદ આવી ગયાં. એ ક્યાં ગયો હશે?

માલવરાજ વિશે ખાતરી કરવા કે કુમારપાલજીને શોધવા? એણે માલવરાજ વિશે જે અનુમાન કરીને મૂક્યું હતું, તે સાચું નીકળવાનો સંભવ તો હતો જ અને સાચું ન નીકળે તો પણ આટલી સાવધતા જરૂરી હતી. મહારાજને એ વસ્તુ સમજાણી હોય તેમ લાગ્યું. બર્બરક કદાચ એ માટે જ ગયો હોય! અત્યારે એણે તો હવે આંહીં રહેવાનું હતું.