Avantinath Jaysinh Siddhraj - 40 books and stories free download online pdf in Gujarati

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 40

૪૦

જયદેવ એ જયદેવ!

સોલંકીઓએ દક્ષિણ દરવાજેથી પ્રવેશ કર્યો છે એ વાત વાયુવેગે દુર્ગમાં ફેલાઈ ગઈ. ચારેતરફથી ધસી રહેલી સેના સામે દુર્ગના બીજા દરવાજાઓનો સામનો પણ ઢીલો પડ્યો. વ્યવસ્થિત સામનાનો અંત આવી ગયો. કર્ણોપકર્ણ ફેલાતી, યશોવર્મા અદ્રશ્ય થઇ ગયાની વાતને લીધે પણ રણોત્સાહ કાંઈક નરમ પડી ગયો. છૂટીછવાઈ કોઈકોઈ જગ્યાએ લડાઈ ચાલતી રહી. પણ રાત પડી એટલે બંને સૈન્યોમાં શાંતિ ફેલાઈ ગઈ. પ્રભાતની તૈયારી કરતું માલવીસેન રણવાસને કેન્દ્ર કરીને આખી રાત ત્યાં રહ્યું. દક્ષિણ દરવાજા પાસેના વિશાળ મેદાનમાં જ મહારાજ જયદેવનો મુકામ થઇ ગયો. આખી રાત સોલંકી સેનાએ યશોવર્માનો પત્તો કાઢવામાં કાઢી. સાંઢણી સવારો ચારેતરફ મોકલવામાં આવ્યા. માલવરાજનો ક્યાંય પત્તો ન હતો. એ હવાની માફક ઊડી ગયેલો જણાયો. પ્રભાત  થતાં જ મહારાજે પોતાની સેનાને તૈયાર થવાનો ને આગળ વધવાનો હુકમ આપ્યો. એમણે એક નિશ્ચય કરી લીધો લાગ્યો: માલવામાં હવે પછી પાટણનો દંડનાયક રહે તો જ શાંતિ રહેવાની. ગોધ્રકપંથકમાં કેશવ સેનાપતિ તો રહેવાનો જ હતો. આનકરાજ, આબુ ને માલવ – વહેલે મોડે એ ત્રિપુટી પાછી પાટણને લડાઈ આપે એ અશક્ય બનાવવું હોય તો માલવાને દંડનાયક દેવો જોઈએ. એ દંડનાયકનું નામ પણ ચાલતું થયું: મહાદેવ, દંડદાદાકજીનો પુત્ર.

સોલંકી સેનાએ શંખનાદ કર્યો. રણઘોષણા જગાડી. પણ એટલામાં જ બે માલવી જોદ્ધાઓ આ તરફ આવતા જણાયા. કોણ આવી રહ્યા છે એ જોવા માટે સૌ આતુર બની ગયા. બંને સીધા મહારાજના સાંનિધ્યમાં જ આવી રહ્યા હતા. તેમના હાથમાં શાંતિનો ધોળો સર્પગરુડી ધ્વજ હતો. ઊંચા ખમીરવંતા એમનાં ઘોડાં એમને દૂરથી ઉચ્ચ અધિકારી તરીકે ઓળખાવ્યા.

એમને દૂરથી જોતાં જ મહારાજે પોતાની પાસે ઊભેલા મહાદેવને પૂછ્યું: ‘મહાદેવ! તું હવે માલવાનો દંડનાયક છે. ઓળખે છે આમને?’

‘એક તો માલવ સેનાપતિ ઉપગવ છે, પ્રભુ! બીજાની જાણ નથી. રાજદૂતક વામનસ્વામી હોવો જોઈએ. એ સંધિ માટે આવ્યા જણાય છે!’

એટલામાં એક અનુચરની પાછળ-પાછળ બંને જણા સૈન્ય વીંધીને મહારાજની પાસે આવતા દેખાયા. ઊંચા, પડછંદી, આગ્રહી, રણજોદ્ધા જેવા સેનાપતિ ઉપગવને પોતાની અણનમ ચાલથી મહારાજે તરત ઓળખી લીધો. એની પાસે વિનમ્ર ને સમાધાની તત્વનો અભ્યાસી હોય તેવો વામનસ્વામી ચાલી રહ્યો હતો. મહારાજે બે પળ તમામ હિલચાલને અટકાવી દીધી. રાજમંત્રીઓ પણ આવ્યા હતા – તે થોભી ગયા. મહારાજ ઉપગવને જાણતા હતા. પાટણ ઉપર જુદ્ધ લાવનાર એ હતો. એના આવવાથી મહારાજને સમાધાની આગળ વધતી હોય તેમ જણાયું નહિ. તેમને એમને વાત કરવા માટે આગળ આવવા દીધા. 

મહારાજના ઉત્તુંગ અશ્વની આસપાસ વિશાળ ખાલી ગોળ જગ્યા થઇ ગઈ. રાજમંત્રીઓ મુંજાલ, ઉદયન, કૃષ્ણદેવ આજની આજ્ઞા લેવા માટે તૈયાર થઈને આવ્યા હતા, તે સહેજ દૂર ખસી ગયા. ઉપગવ ને વામનસ્વામી મહારાજની છેક પાસે આવ્યા. તેમણે બે હાથ જોડીને મહારાજને નમન કર્યું. આગ્રહી, હઠીલા, અણનમ જોદ્ધાના સ્વરભારે ઉપગવે કહ્યું: ‘મહારાજ! હું માલવા તરફથી આવું છું. માલવા માનભરી સંધી ઈચ્છે છે!’

કાંકરી પડી હોય તો સંભળાય એવી શાંતિ ત્યાં ફેલાઈ ગઈ.

મહારાજનો પ્રત્યુત્તર સાંભળવા સૌ એકકાન થઇ ગયા: ‘સંધિ ઈચ્છે છે કે યાચે છે? તમે શું કહ્યું ઉપગવજી?’ મહારાજનો પ્રત્યુત્તર સાંભળીને ઉપગવ ચમકી ગયો. પણ તેણે હિંમતથી કહ્યું:

‘અમારે મન બંને એક જ છે પ્રભુ! માલવા સંધિ કરે, બીજાને માટે તો, એમાં પણ ગૌરવ છે!’

એક પળ – મહારાજની મુખમુદ્રા ઉપર એક પ્રકારની આગ્રહી રેખા દેખાઈ. વામન એ જોઈ રહ્યો. સેનાપતિ ઉપગવને પોતાની ભાષામાં સુધારો કરવા જેવું લાગ્યું. મહાદેવ મહારાજની પ્રત્યેક હિલચાલને નિહાળતો ત્યાં તત્પર ઊભો હતો. મહારાજનો ધીમો, સ્વચ્છ પણ આગ્રહી ને એકદમ નિશ્ચયાત્મક ટૂંકો ઉત્તર આવ્યો: ‘એવા ગૌરવમાં પાટણને રચવાનું મન નથી ઉપગવજી! તમને કોણે માલવરાજે મોકલ્યા છે?’

‘પ્રભુ! માલવરાજ તો દુર્ગમાં નથી!’ વામનસ્વામી હવે બોલતો હતો. એમણે બંનેએ એક દ્રષ્ટિ વતી એ નિર્ણય કરી લીધેલો જણાયો. 

‘ત્યારે કોણ જયવર્મા છે?’

‘મહારાજ! કુમાર પણ આંહીં નથી.’ વામનસ્વામીએ હાથ જોડ્યા.

‘મહાઅમાત્ય રાજપુત્ર દેવધર... ત્યારે એમણે તમને મોકલ્યા હશે!’

‘મહારાજ! અત્યારે તો મહાઅમાત્ય પણ નથી.’

‘પણ ત્યારે મહારાજ પોતે ક્યાં છે? ઉપગવજી? તમને એ ખબર હશે નાં?’

‘કોને ખબર પ્રભુ? પણ મહારાજ માલવાની ગૌરવભરેલી સંધિ થશે – એટલે કાંઈ – એ પણ અવંતીપતિ છે, પ્રગટ થયાં વિના કાંઈ રહેશે? એટલા માટે અમે માનભરેલી સંધિ મહારાજની પાસેથી યાચવા આવ્યા છીએ!’ ઉપગવે પોતાની વાણીમાં નમ્રતા લાવવા યત્ન કર્યો. પણ એ રણજોદ્ધો હતો. આતુરતા ભરેલી રણઘેલછાનો પડઘો એની વાણીમાંથી ઊઠ્યા વિના ન રહ્યો. પણ પ્રત્યુત્તરને બદલે એણે એક તાળી સાંભળી. એક અનુચર દોડતો આવ્યો. 

‘કેશવ ક્યાં છે?’

‘મહારાજ! આવી જ રહ્યા છે, આ આવે પ્રભુ!’ થોડી જ વારમાં કેશવ દેખાયો. મહારાજે તેને પાસે બોલાવ્યો. મહારાજ શું કહેવા માગતા હતા તે કોઈ કળી શક્યું ન હતું. અત્યંત દ્રઢતાથી જયદેવ મહારાજે કહ્યું: ‘કેશવ! આ માલવ સેનાપતિ આવ્યા છે. ઉપગવજી! એમને તું ઓળખે છે? એમનો રણોત્સાહ એમનો જ છે!’

‘મહારાજ! અમે તો ત્યાં પાટણમાં જ મળ્યા હતા.’ ઉપગવે ગર્વથી કહ્યું.

પણ એનો ગર્વ અત્યારે ભોંઠો પડતો જણાયો, કોઈએ એ ગર્વને ગણ્યો લાગ્યો નહિ. માત્ર કેશવે તરત પ્રત્યુત્તર વાળ્યો: ‘પણ તે વખતે આપણે ત્યાં મળ્યા હતા ઉપગવજી! – આજે આંહીં મળ્યા!’

‘ત્યારે જો –’   મહારાજે ગૌરવભરેલી દ્રઢતાથી કયું, ‘એમને હજી જુદ્ધના કોડ રહી ગયા જણાય છે. રણવાસના મોરચા માટે એમને સમય જોઈએ છે. કેટલો સમય જોઈએ છે એ તું એમની પાસેથી જાણી લે. એટલા દિવસ આપણો એક પણ સૈનિક એક તસુ પણ આગળ ન વધે, એવો ઘોષ કરવી દો. બસ ઉપગવજી?’

ઉપગવ તો મહારાજના વેણે વેણે પોતાની યોજના અફળ થતી જોઈ રહ્યો હતો. એને તો સંધિ જોઈતી હતી. સંધિ થાય તો જ માલવા ફરી ઊઠે. પણ મહારાજના વિચિત્ર પ્રત્યુત્તરથી તો એ નિરુત્તર બની ગયો. 

‘પણ પ્રભુ! માલવરાજ ક્યાં છે એ કોઈને ખબર નથી!’ વામનસ્વામીએ કહ્યું.

‘પણ અમને ખબર છે નાં, ક્યાં છે એ!’ મહારાજે આત્મવિશ્વાસી દ્રઢતાથી કહ્યું. વામનસ્વામી ઝાંખો પડી ગયો. ઉપગવ ચમકી ગયો. મહાદેવને આશ્ચર્ય થયું. ઉદયન ડોલી ગયો. દંડદાદાકજી, રાજાની વાણીનો મર્મ પકડાતાં અંતરમાં ને અંતરમાં એને એક પળભર માનથી નમી રહ્યા. મહારાજે એ જ દ્રઢતાથી આગળ ચલાવ્યું: ‘ક્યાં છે તે આંહીં પ્રગટ કરવું છે? કે કેશવ જાય સૈનિકોને લઈને? કે બર્બરકને મોકલું?...’મંત્રીમંડળ આશ્ચર્યથી સાંભળી જ રહ્યું. યશોવર્મા ક્યાં હતો એ ખબર મળ્યા હોય એમ એમની કોઈ જાણમાં ન હતું. કોણ જાણતું હતું એ જોવા સામસામે અર્થભરતી દ્રષ્ટિ થઇ રહી. પણ મહારાજ વિચારનો વખત આપવા તૈયાર ન હતા: ‘જુઓ ઉપગવજી! હું કહીશ – પ્રગટ કરીશ – પણ પછી માલવરાજનું ગૌરવ નહિ થાય: પછી એ અમારા રાજઅતિથી નહિ હોય; રાજસિંહાસન પ્રાપ્ત કરનારા અમારા મિત્ર પણ નહિ હોય; પછી એ રાજકેદી હશે. રાજસિંહાસન પણ આંહીં નહિ હોય. તમને બે ઘડીનો સમય આપ્યો. જાઓ, રાજકર્મચારીઓની સલાહ લઈને પછી આવો. તમે નહિ આવો તો અમારે સંધિ જોઈતી નથી, એમ ગણીને મધ્યાહ્ને આહીંથી રણનો શંખનાદ થશે. પછી કેવળ જુદ્ધ જ વાત નક્કી કરશે. તમને પણ વિજયમાળા મળો – ઉપગવજી! પણ આટલું યાદ રાખજો. સોલંકી જુદ્ધ લેતા નથી, લીધેલું જુદ્ધ મૂકતા નથી. જાઓ, ફાંફા તો આપણું ગૌરવ વધારે હણાવે સેનાપતિજી! કેશવ, તું એમની સાથે જા –’

બંનેએ મહારાજને બોલ્યા વિના પ્રણામ કર્યા. કેશવ માલવી જોદ્ધા સાથે ચાલ્યો. 

પણ બંને માલવી જોદ્ધાના દિલમાં એક જ ભડક કામ કરી રહી હતી. યશોવર્માના ગુપ્ત સ્થળની આ સધરાને ખબર હશે? કે ગપ? એણે બર્બરકનું નામ લીધું હતું. લોકવાયકાનો બર્બરક હજારો પરાક્રમ કરતો સેનાપતિ ઉપગવને મૂંઝવી રહ્યો. અત્યારે પણ એને મહારાજની પાછળ તેણે જોયો હતો. એટલામાં એને સાંભર્યું કે એક વખત આ બર્બરક, માલવની મદદથી જ પાટણને હંફાવતો હતો. એ વખતે એ માલવનો મિત્ર હતો. એનાથી યશોવર્માના ગુપ્ત સ્થાનની વાત વખતે અજાણી ન પણ હોય ને કુલસદગુરુ?

ઉપગવને ખાતરી થઇ ચૂકી: ચોક્કસ યશોવર્માના આ સ્થાનની સધરાને ખબર હોવી જોઈએ. 

પણ એ એ પ્રગટ કરે તો એમાં તો મહા હાનિ હતી. તેણે વામનને એક તરફ લીધો ‘સેનાપતિજી! આપણે જુદા પડીએ તે પહેલાં અમારો એક સંદેશો મહારાજને તમારે આપવાનો છે. અમે બંને એ વાત જરા કરી લઈએ!’

કેશવ ત્યાં એમના સંદેશાની રાહ જોતો ઊભો રહ્યો, એ સમજી ગયો હતો, કે આ બંને મૂંઝાયા છે. મહારાજની વાતે આકળા બન્યા છે. એ રાહ જોતો થોભ્યો. 

‘એક જ રસ્તો છે વામનજી!’ ઉપગવે ધીમેથી વામનને એક તરફ લઇ જતાં કહ્યું. એ જોદ્ધો હતો. રણની દ્રષ્ટિએ જ એ વાત વિચારતો હતો. ‘અત્યારે તમે ગૌરવભરેલી સંધિ કરી શકો તો એ વિજય જ છે. સધરો માલવાને નહિ જ છોડે. મહારાજના સ્થાનની પણ એને ખબર લાગે છે!’

‘ખબર હશે ઉપગવજી? એક સપ્તાહ મહારાજ પ્રગટ ન થાય તો તો રણમોરચો ફરીને એ જગાવી શકશે!’

‘કોણ?’  

‘મહારાજ અવંતીનાથ પોતે!’

‘પણ આ પ્રગટ કરી દેશે – ને તમે છો ત્યાંથી જઈ શકો તેમ તો નથી. ત્યાં તો સોલંકી સેનની ચોકીઓ ડગલે ને પગલે મૂકાઈ ગઈ છે. એ જ બતાવે છે એ જાણે છે. ને સંભારોને બર્બરક – એક વખતે એ તમારો જ ન હતો? ને કુલસદગુરૂ? પેલી પ્રતાપદેવી? મહારાજ ગૌરવથી પ્રગટ થાય એવો એક જ રસ્તો છે વામનજી!’

‘શો?’

‘આ સધરો રુદ્રમાળ બાંધે છે. એ શિલ્પઘેલો છે. આપણે ત્યાં વિખ્યાત લક્ષ્મીધર છે. સરસ્વતીકાંઠાભરણમાં એની કૃતિઓ જોવા સધરો જાય – એ વખતે આપણે કાંઈક જુક્તિ કરીએ. ત્યારે વખતે સંધિમાં પણ લાભ થાય. નહિતર સધરાની દ્રઢતા જુદી જ છે. વામનજી! એ માલવા છોડશે જ નહિ!’

‘કેમ આંહીં રહેશે?’

‘હા. એને વિદ્યાની મોહિની તો છે જ. આ ભૂમિ વિદ્યાની છે.

‘પણ એ આંહીં રહેશે નહિ!’

‘તો આપણે સંધિ – ઝડપો વામનજી! પછી દેખી લેવાશે. તમે પહેલાં લક્ષ્મીધરને મળો. સધરાને પણ પછી મળો. ત્યાં પછી જોઈ લેવાશે. લક્ષ્મીધર તમામ કૃતિઓને ત્યાં ગોઠવશે. એ વખત સૈન્ય – કુદરતી રીતે જ ઉપાડી લેવાશે – હું કેશવને વાત કરું?’

વામનને પણ એ એક જ  ઉપાય જણાયો. બર્બરક એક વખત માલવાનો મિત્ર હતો તેનાથી આ વાત અજાણી કેમ હોય? એટલે યશોવર્માને મહારાજ પોતે પ્રગટ કરશે – તો તો થઇ રહ્યું! ને ઉપાય બીજો કોઈ ન હતો. 

થોડી વાર પછી પાછા ફરતાં. સાથે ચાલી રહેલા કેશવને ઉપગવે કહ્યું: ‘સેનાપતિ! મહારાજ ધારે છે તેમ કોઈ બીજા-ત્રીજા સામનાની વાત નથી. પણ માલવરાજને પોતાનું ગૌરવ છે. દેશ અમારો આજ દિવસ સુધી હાર્યો છે; પણ હારી ગયો નથી. અણનમ રહ્યો છે. ભારતભરમાં અવંતીનાથ એક આંહીં છે, બીજે એ થાતાં નથી. થવાના પણ નથી. અવંતીનાથને પોતાનું અનોખું સ્થાન છે. મહારાજની વાતમાં હું સમજ્યો નથી... પણ ગૌરવ અવંતીનાથનું... એ રહેવું જોઈએ.’

‘હું સમજાવું ઉપગવજી! મહારાજે તમને બે વાત કહી. મેં પાછળ રહીને સાંભળી છે સંધિ, માલવરાજ પોતે યાચી શકે; વિગ્રહ, ગમે તે; તમારે શું જોઈએ છે એ તમને ખબર!’

‘પણ અવંતીનાથ પોતે આંહીં નથી તેનું શું? એ તો કોણ જાણે ક્યાં ગયા?’ વામનસ્વામીએ કહ્યું. 

‘તો માલવરાજને શોધવાવાળા શોધી લેશે – મહારાજે એ જ કહ્યું નાં વામનજી!’ કેશવે દ્રઢતાથી કહ્યું.

‘પણ એ ક્યાં ગયા શી ખબર? ને ત્યાં સુધી દેશને વિગ્રહી રાખવો એમ? તો તો પાયમાલી થાય – પ્રજાની!’ વામને જવાબ વાળ્યો. ઉપગવે ડોકું ધુણાવ્યું: ‘વામનજીની વાત સાચી છે સેનાપતિરાજ!’

‘તે જોવાનું તમારે છે ઉપગવજી! જુદ્ધ કરવા બેસીએ – ત્યારે કાંઈ આપણે ઘારિકા (ઘારી) ખાવા બેસતા નથી. જુદ્ધ એ જુદ્ધ. હું તો તમને બંનેને મિત્રભાવે એક વાત કરું. આ જયસિંહદેવ મહારાજ, એની પાછળ બર્બરક ઊભો હતો. તમે જોયો હશે નાં? એ બર્બરક, પ્રતાપદેવી ને કુલસદગુરૂ – નાહકનું ગૌરવભંગ પ્રગટ થવું હોય તો તમે જાણો, ચાલો, ત્યારે આપણે પછી અને પાછા મળશું – કાં મિત્રરૂપે, નહિતર રણક્ષેત્રમાં તો ખરા જ.’ કેશવે હેતુસર વાતને જ ટૂંકાવી નાખી.

પણ કેશવ માંડ દસ પગલાં પાછળ ગયો હશે ત્યે ઉપગવે સાદ કર્યો: ‘સેનાપતિ! મહારાજને અમારે એક સંદેશો મોકલવાનો છે!’

‘બોલો...’ કેશવ પાછો ફર્યો.

‘જય, વિજય, યુદ્ધ ને પરાજય એ તો ઠીક હવે, આવે ને જાય. પણ દેશ આ અવંતી – એમાં મહારાજ આવ્યા છે, તો એમનો સત્કાર માલવદેશને અનુરૂપ સરસ્વતીકાંઠાભરણમાં પ્રથમ હોય; પછી ભલે મહારાજ નગરપ્રવેશ માટે હમણાં તરત આવે છે!’

‘સંદેશો હું પહોંચાડીશ. પણ વામનસ્વામીજી તરત આવે. મહારાજ એક પળનો વિલંબ હવે નહિ સહે!’

સરસ્વતીકાંઠાભરણ પાસેનો નાનો અપસદુર્ગ ઉપગવની કલ્પનામાં હતો. યશોવર્મા ત્યાં હતો. ઉપગવે શાંતિથી કહ્યું: ‘કેશવરાજ! તમે પણ જોશો કે માલવામાં શું છે! શિલ્પી લક્ષ્મીધરનું નામ તો સાંભળ્યું છે?’

‘શિલ્પી લક્ષ્મીધર? મહારાજ પોતે એને તો મળવા ચાહે છે!’

‘ત્યારે એ લક્ષ્મીધર અમારા સરસ્વતીકાંઠાભરણમાં મહારાજની આંખને બે ઘડી સ્વર્ગનો પરિચય આપશે. પણ સેનાપતિજી! લક્ષ્મીધર ત્યાં જશે. એની કૃતિઓ મૂકશે, એક અદ્ભુત દ્રશ્ય ખડું કરશે – કિરાતો ત્યાં તીર ખખડાવતા ઊભા હશે, એ કલાસ્વામી સહી શકશે તો તો તમે એને જોશો. નહિતર એ તો વયોવૃદ્ધ શિલ્પી છે. મહારાજને તો શું – ભારત ચક્રવર્તીને પણ મળવાની ના પાડે – એ સત્ત્વ છે.’

‘પણ એટલો વખત ત્યાંથી સૈન્ય દૂર ખસેડી લેવાશે!’

‘મને પણ એ લાગે છે. પણ હું કહું તો તમને ભેદ લાગે એટલે તો હું બોલતો નહોતો. બસ ત્યારે, વામનસ્વામી હમણાં આવે છે –’

કેશવ સંદેશો લઈને ઊપડી ગયો.

એના અંતરમાં એક આનંદ હતો. માલવનો વિખ્યાત શિલ્પી આજે અક્સ્માત્ મળી જતો હતો. પણ ઉપગવ સેનાપતિ જેવાએ આ વાત મૂકી, એમાં એને ભેદ પણ લાગતો હતો. 

કેશવ ગયો કે તરત વામનસ્વામી પણ ઉપગવ સાથે મંત્રણા કરી ઉતાવળે ચાલતો થયો. થોડી વારમાં જ એ રાજમહાલયના પાછળના ભાગમાં એક અવાવરુ જેવા મકાનમાં આવી પહોંચ્યો, તેણે અંદર દ્રષ્ટિ કરી. દ્વાર બંધ હતું. અવાજ આપ્યો. બે પળમાં એક વયોવૃદ્ધ માણસ બહાર આવ્યો. તેના હાથમાં ઢાંકણું હતું. તેણે ધીમેધીમે આવીને અંદરથી જ પૂછ્યું: ‘કોણ છે?’

‘એ તો હું છું – વામનસ્વામી! શિલ્પીજી! જરા ઉઘાડો તો, તમારો ખપ છે!’

‘મારો?’

શિલ્પી લક્ષ્મીધરે આશ્ચર્ય પામતાં કમાડ ઉઘાડ્યું. માલવમંદિરની સ્વપ્નપ્રતિમાઓનો એ ઘડવૈયો હતો. એણે યશોવર્માની એક આબેહૂબ પ્રતિમા બનાવી હતી. પણ એની મુખમુદ્રા ઉપર સર્વનાશના ચિહ્નો અંકિત થવા માંડ્યા – એને શિલ્પીએ એ પ્રતિમાને અપૂર્ણ છોડી દીધી હતી. વામનને એ ખબર હતી. એની વાત આજ સાચી થતી હતી. 

‘લક્ષ્મીધરજી! તમારી પેલી પ્રતિમા મહારાજની – એ તૈયાર થઇ ગઈ?’ વામને પૂછ્યું. 

વૃદ્ધ લક્ષ્મીધર તેની સામે જોઈ રહ્યો. તેની આંખમાં એક તરફ સહેજ આંસુ દેખાયું. તેણે હાથ જોડ્યા: ‘વામનસ્વામીજી! સહદેવને એક શાપ હતો. એ જે જોતો, તેનાથી એ  હેરાન થતો. બીજો શાપ મને છે. મેં મહારાજની પ્રતિમાને કેટલા હાથ ફેરવ્યા – કોણ જાણે ક્યાંથી સર્વનાશની પેલી ભયંકર નિરાશામય મુખમુદ્રા જ એમાં ઊગી નીકળે છે. મેં એ છોડી દીધી છે દૂતકજી! અવંતીનો નાશ – લક્ષ્મીધર એ નહિ કોતરી શકે!’

‘લક્ષ્મીધરજી! જુદ્ધ તો દેશમાં આવે ને જાય. પણ જ્યાં સુધી અવંતી એ અવંતી છે ત્યાં સુધી એનો નાશ કેવો? આપણે ગુર્જરોને એ બતાવવું છે લક્ષ્મીધરજી! કે – અવંતી, એને હરાવી શકાય, પણ એને જીતી તો ન જ શકાય; એણે જીતનારા પણ જાણે છે કે અવંતી એ અવંતી છે, અને એનો નાથ એ અવંતીનાથ છે. એની પાછળ કેવળ વિક્રમની નહિ, પણ વિદ્યાની એક મહાન પરંપરા ખડી છે – વર્ષોની ઉપાસનાની. આપણે ગુર્જરપતિને સરસ્વતીકંઠાભરણમાં નિમંત્રીને એ વસ્તુ આજે દર્શાવી દેવી છે. વિજેતા ખરો – પણ પરાજિત. અત્યારે તો હવે હું, તમે ઉપગવજી, રાજપુરોહિત – ચાર-પાંચ જણાં છીએ, છતાં આપણું અવંતીગૌરવ જોઇને અરિને પણ લાગે કે નાં – આંહીંની વાત જુદી જ છે. આપણે એ દર્શાવવું છે. તમે ત્યાં ચાલો – અવંતીપતિઓની પ્રતિમાઓ ગોઠવો. મનોહારી શિલ્પકૃતિઓ મુકવો. રાજકવિ.’

‘અરે! વામનજી! જે વાત નરવર્માજી સાથે ગઈ.’ લક્ષ્મીધરે કાંઈક ખેદથી કહ્યું, ‘એને આંહીં હવે શું કરવા ફરીને સંભારો છો! રહ્યાસહ્યા પથરામાંથી મને છેલ્લીછેલ્લી થોડી આનંદઊર્મિ પ્રગટાવી લેવા દ્યો ને? જીવન ક્ષણિક છે. સર્વનાશ આવી રહ્યો છે. આ સધરો – એને આમાં શી ખબર પડવાની હતી?’

‘લક્ષ્મીધરજી! એ ખરું. પણ તમે ચાલો તો ખરા.’ વામનસ્વામીએ સમજાવટથી કહ્યું, ‘આપણે એટલો વખત એને વિજ્ઞપ્તિ કરીને સૈન્યની અવરજવર આઘેરી કરાવીશું. તમે એને કાંઈક સ્વપ્ન બતાવો તો ખરા – એ રુદ્રમાળ સરજી રહ્યો છે! એને પણ ખબર પડે કે આ દેશ તો આ દેશ છે. આંહીંના સ્વપ્નની તોલે આવવાને એને સાત તો જનમારા લેવા પડે!’

વયોવૃદ્ધ શિલ્પી, માલવગૌરવની વાતે, ફરીને જાણે એક રોમાંચકારી જીવન જીવી રહ્યો હોય તેમ લાગ્યું, તે કાંઈક જોઈ રહ્યો હતો. વામનસ્વામીને માટે પળ-પળ કિંમતી હતી. તેણે બે હાથ જોડ્યા: ‘શિલ્પીજી! અવંતી આજ તમને બોલાવે છે, ચાલો!’ લક્ષ્મીધર ઊડ્યો. વામનસ્વામી સાથે ચાલ્યો. રસ્તામાં એણે સર્વનાશના ચિહ્ન ઠેરઠેર જોયાં. માલવીઓનો રણમોરચો ઢીલો પડી ગયાની એ નિશાની હતી. રણવાસ પાસે પણ ધ્વજ ધોળો ફરકતો હતો, રસ્તામાં જ સેનાપતિ ઉપગવ એમને આવી મળ્યો. તેણે વામનને જોતાં જ કહ્યું, ‘વામનજી! હવે ઉતાવળ કરજો હોં. પળેપળનું ધ્યાન રાખે તેવાં આ છે. લક્ષ્મીધરજી આવ્યા છે ને! સરસ્વતીકંઠાભરણમાં નૃપતિઓની જ્યાં હારાવલિ ગોઠવાઈ છે ત્યાં નરવર્મદેવ મહારાજ પછી, મહારાજ યશોવર્માની પ્રતિમા મૂકવાની છે, એ બરાબર જોજો શિલ્પીજી! અને...’ તેણે વામનના કાનમાં કેટલી વાર સુધી વાત કરી.

‘પણ સૈન્ય આઘુંપાછું થાશે?’ વામને ચમકી જઈને પૂછ્યું. 

‘એ તો ચોક્કસ થાશે.’

‘પણ ઉપગવજી! આ સધરો છે હો – એની દ્રઢતા એની છે!’

‘એ આપણે ક્યાં જાણતા નથી? પણ અત્યારે તો થાક્યાના ગાઉ છે. લક્ષ્મીધરજી સાથે છે. એ રુદ્રમાળ રચી રહ્યો છે. શિલ્પનો એનો પ્રેમ અદ્ભુત સાંભળ્યો છે. તો કદાચ – હજી એ ગળે. પછી તો જેવો સમો. ભવિષ્યમાં જોઈ લેવાશે. તમે આવો, લક્ષ્મીધરજીને લઈને હું ત્યાં જ છું!’

થોડી વારમાં લક્ષ્મીધર શિલ્પી સાથે વામન મહારાજ પાસે આવ્યો. શિલ્પીનું નામ સાંભળી મહારાજે પ્રેમ બતાવ્યો. ત્યાં લક્ષ્મીધરે કહ્યું: ‘મારી પાસે તો હવે થોડાંક પથરા છે – ને થોડાં સ્વપ્નાં છે. મહારાજને એ બતાવવાની મારી આકાંક્ષા છે! મહારાજ! એક વખત સરસ્વતીકંઠાભરણમાં જુએ, એટલે મારું જીવ્યું સફળ થાય.’ 

‘વામનસ્વામી! વયોવૃદ્ધ લક્ષ્મીધરજીને તમે, આંહીં શું કરવા લાવ્યા! હું ત્યાં ન જાત?’ મહારાજે કહ્યું.

‘મહારાજ! મેં એક અવંતીનાથની કલ્પના સરજી છે –’ લક્ષ્મીધરે હાથ જોડ્યા, ‘મારા જેવા રંકની કલ્પના, પ્રભુ: જુએ અને કોને ખબર છે – આવતી કાલે શું થાશે? એટલે મેં જ એ આગ્રહ રાખ્યો હતો.’

‘મહારાજ!’ સેનાપતિ ઉપગવે વચ્ચે જ કહ્યું, ‘અનેક માલવરાજને અને અવંતીનાથને મહારાજ ત્યાં મળે, એમને એમાં ઔચિત્ય પણ લાગે... લક્ષ્મીધરજી ત્યાં હોય ત્યારે સૈન્યની કોઈ હિલચાલ ન હોય એ વિજ્ઞપ્તિ. છેવટે તો સરસ્વતીકંઠાભરણ એક મંદિર છે!’

છેલ્લા વાક્યે કેશવ ચમકી ગયો. ઉપગવ એ કળી ગયો. ‘સેનાપતિજી! માલવી સેનાએ ધોળો ધ્વજ ચડાવી રણવાસનાં દ્વાર પણ ખુલ્લાં મૂક્યાં છે. આજે મહાકાલની ઈચ્છા હશે તો, માલવાના અનેક મહાન નૃપતિઓના સાંનિધ્યનો મહારાજ પ્રેમ – મહોત્સવ માણશે.’

‘તમારો સંદેશો ઉપગવજી, કેશવે કહ્યો હતો. એ પ્રમાણે જ થશે. એમની સાથે લક્ષ્મીધરજી જેવા આવેલ છે! કેશવ, મુંજાલને બોલાવવા કોઈકને મોકલ તો!’ 

ઉપગવે વામનસ્વામીને થોડી વાર કાનમાં વાત કરી પછી લક્ષ્મીધર ને વામનસ્વામી સરસ્વતીકંઠાભરણ તરફ ગયા.

થોડી વારમાં સેનાપતિ ઉપગવે મુંજાલને આવતો દીઠો. મહારાજને મળીને એ સીધો ઉપગવ પાસે આવ્યો. 

‘ઉપગવજી! સારું થયું,’ મુંજાલે કહ્યું, ‘આ અમારા સામેથી આવે છે – એમને તો તમે ઓળખો છો કે?’

સામેથી મહાઅમાત્ય દંડડાજી આવી રહ્યા હતા. તેની સાથે મહાદેવ હતો. મહાદેવ પણ મહારાજને મળીને એમની પાસેથી જ સીધો આંહીં આવતો હતો. ‘ઉપગવજી?’ મહાદેવે આવતાંવેંત કહ્યું, ‘મહારાજની એક આજ્ઞા છે!’ ઉપગવના પેટમાં ફાળ પડી, ‘મહારાજની હવે વળી શી આજ્ઞા છે?’ મુંજાલ સાંભળી રહ્યો. ‘મારે તમારી સાથે અત્યારે જ રણવાસમાં આવવું,’ મહાદેવે કહ્યું, ‘અને તમામ ભંડાર સંભાળી લેવો. મહારાજની આ આજ્ઞા છે! આપણે હમણાં જ ત્યાં જઈએ... છીએ.’

‘પણ મહારાજે મને એમ કહ્યું નથી.’ ઉપગવે આકરા અવાજે કહ્યું.

‘તમને કહેવાનું મને કહ્યું છે.’ મુંજાલ બોલ્યો.

‘ધોળો ધ્વજ રણવાસે ફરકી રહ્યો અને મહારાજને સમય ખોવો પોસાય તેમ નથી. તમે આવો એટલે આપણે બધું સંભાળી લઈએ. તમે રાજકર્મચારીઓને ભેગા કરો. નહીંતર તો ધોળા ધ્વજનો અર્થ પણ શું? મુંજાલ મહેતા! તમારો પણ મારે હવે વિયોગ થશે!’ મહાદેવ બોલ્યો. ‘મહારાજની આજ્ઞા – આંહીં મને  દંડનાયક નીમવાની થઇ છે. મહારાજે હમણાં જ મને કહ્યું!’

મહાદેવના આ વેણે વીજળીનો આંચકો લાગે તેમ ઉપગવ સેનાપતિ ઊછળી પડ્યો. તેના હાથ ધ્રૂજતા હતા. તેના હોઠ ઉપર કડવું હાસ્ય હતું. મોં  ઉપર ફિક્કાશ હતી. માલવામાં દંડનાયક? તે મનમાં ને મનમાં જ સમસમી ગયો. તે બોલ્યો: ‘મહાદેવજી! મહારાજ યશોવર્માને પૂછ્યું છે?’

‘યશોવર્માજી પણ પાટણ સાથે આવવાના છે, ઉપગવજી! તમને ઈચ્છા હોય તો મહારાજને વિજ્ઞપ્તિ કરજો. ના નહિ પાડે! મહાદેવે ઠંડા ધીમાં મક્કમ અવાજે કહ્યું.

ઉપગવે એક આશા રાખી હતી. યશોવર્મા મહારાજને મળી લે. બંનેનાં સાંનિધ્યમાં મૈત્રીનું વાતાવરણ જામી જાય, તો સિદ્ધરાજન માલવાને અખંડિત રાખીને ચાલ્યો જાય, પછી દેખી લેવાય. બે વરસમાં જ એણે ઉખેડી નંખાય. સિદ્ધરાજની નીતિ એણે દ્રઢ રીતે ભયંકર લાગી પણ તે બોલ્યા વિના જ થોડી વાર ઊભો રહ્યો. 

‘હા એમ? કાં?’ સ્વપ્નમાંથી જાગતો હોય તેમ છેવટે ઉપગવ બોલ્યો. પોતે શું કરવું એનો એ નિશ્ચય કરી શક્યો નહિ. પણ એને બીજો રસ્તો દેખાતો ન હતો. ‘ચાલો ત્યારે – મહાદેવજી!... તમે આંહીં દંડનાયક છો એમ? પણ તમારી જાતને પૂછ્યું છે?’ તેણે કડવાશથી કહ્યું. 

મહાદેવે પ્રત્યુત્તર આપવામાં વખત ખોયો નહિ. નિરાશ માણસની કડવાશ એ પી જવામાં માનતો હતો. પણ એણે તરત કેશવને સંજ્ઞા આપી અને સેંકડો સૈનિકો એક પળમાં એની સાથે થઇ ગયા. 

રાજમહાલય તરફ જતાં ઉપગવે એક વખત પાછા ફરીને જોયું. મહારાજનો ગજેન્દ્ર સરસ્વતીકંઠાભરણની દિશામાં પગલાં માંડી રહ્યો હતો. એ મનમાં ને મનમાં શોચી રહ્યો: ‘આ સધરો જયદેવ! એ ખરેખર જયદેવ છે! એણે આ કેવી કરી છે!