Chhappar Pagi - 18 books and stories free download online pdf in Gujarati

છપ્પર પગી - 18


પ્રવિણ ઓફિસનુ કામ પતાવી સાંજે પરત ઘરે જવા નિકળે છે પરંતુ સતત એનાં મગજમાં શેઠે કહેલી વાત ઘૂમરાયા જ કરે છે… શેઠની દરખાસ્ત માટે હા કે ના… શુ કહેવુ એ દુવિધા હતી… પણ પછી વિચાર્યું કે મારા મિત્ર રાકેશની પણ સલાહ લઈ જ લઉ અને પછી જ ઘરે વાત કરુ..! એણે રાકેશને ફોન કરી વિગતે પોતાની પરિસ્થિતિ અને શેઠની પરિસ્થિતિ અંગે વાત કરી… ઘરે પહોંચ્યો ત્યાં સુધી બન્ને મિત્રો વચ્ચે વાત ચાલી.. રાકેશ અનુભવી, ઘડાયેલો, વહેવારમાં કુશળ, સમત્વભાવ વાળો એક વિચારશીલ અને વિવેકી વ્યક્તિ હતો… એની સલાહ લગભગ તમામ પાસાઓને લક્ષમાં લઈને જ આપે.. એટલે એણે બધુ જ બરોબર સાંભળ્યા અને પરિસ્થિત સમજ્યા પછી કહ્યું,
‘શેઠ પાસે અનેક વિકલ્પો હોય.. નામ છે, ઈજજત છે, પૈસો છે…માયાળુ પણ છે… પણ આ પરિસ્થિતિમાં તારા કરતાં વધારે સારો વિકલ્પ બીજો કોઈ ન હોય શકે..મારું માન તો તારે શેઠની વાતને વધાવી લેવી જોઈએ. આમ પણ તારી જિંદગીમાં શેઠની ભૂમિકા હંમેશા હકારાત્મક અને વાત્સલ્યમય રહી છે. એની પસંદગીમાં તુ ખરો ઉતર્યો જ છે તો હવે તારી ફરજ પણ છે.. તેમ છતાં તુ ઘરે જઈ , વાત કરી શાંતીથી વિચાર કરી લે… એકવાર હા કહે પછી, આજીવન પાછી પાની નહીં થાય.’
પ્રવિણ ફોન કટ કરી જલ્દીથી ઉપર જાય છે, પણ ઘરનો દરવાજો બંધ છે એટલે તેજલબેનના ઘરે જાય છે, ત્યાં હિતેનભાઈ પણ આવી જ ગયા હોય છે.. એટલે મજાકીયા અંદાજમાં બોલે છે., ‘આવો પ્રવિણકુમાર.. પધારો’
‘તમેય શું હિતેનભાઈ… આજે સવારથી પહેલાં વહેલો હુ જ મળ્યો છું મજાક કરવા ?’ એમ કહી પ્રવિણ પણ હસી પડે છે. લક્ષ્મીએ કહ્યુ, ‘ અહીંજ હાથ મો ધોઈ લો.. પછી બેસીએ જોડે બધા.. પાંવભાજી ખાવાનું મન હતુ તો અહીં જ બનાવી છે, થોડી વાર વાતો કરીએ પછી બેસીએ જમવા.’
પ્રવિણે કહ્યુ, ‘ સારુ થયુ અહીં બધા જોડે જ છે તો.. બાકી જમ્યા પછી બધાને ભેગા કરવા જ પડે તેમ હતા.. મારે થોડી વાત કરવી છે.આજે મને શેઠે બોલાવ્યો હતો અને એક બહુ મોટી વાત કરી જે મારા માટે નિર્ણય કરવો કપ્પો છે, પણ હવે એ બાબતે ચર્ચા કરી એક ચોક્કસ નિર્ણય પર આવી, કંઈ નક્કી કરી કાલે સવારે મારે અને લક્ષ્મીને શેઠના ઘરે જવાનું છે.’
ગંભીર મુખમુદ્રા સાથે અચાનક જ આ વાત સાંભળી લક્ષ્મી પુછે છે કે શું થયુ ? તો પ્રવિણે શેઠે પોતાના પરીવારની જે સ્થિતી હતી તે બધી જણાવી. પછી કહ્યુ કે એમની આ પરિસ્થિતિમાં ખૂબ લાંબો વિચાર કર્યા પછી શેઠ, શેઠાણી અને એમનાં દિકરાએ ચર્ચા કરી અને પછી મને આજે એમની કેબીનમાં બોલાવ્યો હતો.. એમની વાત મુજબ એમનું કહેવાનું એવું થાય છે કે શેઠ પોતે હવે બધો જ કારભાર મારા ભરોસે સોંપી મને ૫૦% નો સીધો જ ભાગીદાર બનાવી દે.. શેઠ હવે બધુ જ મને સોંપી માત્ર શેઠાણી અને પોતાનાં માટે જ બાકી નું જીવન જીવવા માંગે છે.. આ હિસાબે મારી આવક વર્ષે દહાડે લાખોમાં થઈ જાય.. બાકીનાં ૫૦% નફો અને દર મહિનાનો સંપૂર્ણ હિસાબ મહિનાનાં અંતે શેઠને ઘરે પહોંચતો કરી દેવો.. એક કોપી અમેરિકા ઈમેઈલ દ્વારા અભિષેક સરને મોકલવી.. બીજી વાત એ કરી કે આપણે આપણું પોતાનું એક ઘર ખરીદી લઈએ.. એ પણ શેઠનાં ઘરની નજીક જ, જેથી આકસ્મિક કોઈ જરુર પડી તો અમે બિલકુલ નજીક હોઈએ તો એમને હવે એકલું ન લાગે અને સધિયારો પણ રહે.. લક્ષ્મી દિવસે ફ્રી હોય ત્યારે શેઠાણી પાસે રહે તો એનું મન પણ ભર્યુ ભર્યું રહે..એ લોકો અમારા આવનાર બાળકની પણ પ્રતિક્ષા કરે છે કે જલ્દી કોઈ નાનકડું આવે તો એમને આ ઉંમરે કોઈ રમાડવા પણ મળે.. અભિષેક સર અને એમની પત્નીને કોઈ બાળક જોઈતું જ નથી એટલે એમણે કોઈ પ્લાન કર્યો જ નથી.. શેઠ અને શેઠાણીને એ ઓરતાં પણ આડકતરી રીતે પુરા થાય.. અને મેં જ્યારે કહ્યુ કે મારી પાસે તો રાતી પાઈ પણ નથી કે હુ ઘર ખરીદી શકું … તો શેઠે કહ્યું કે એમનાં વિસ્તારમાં એમનું જ એક ચાર બેડરૂમ વાળું મકાન ખાલી છે, જે હવે વેંચી દેવુ પડે કેમકે હવે આ મિલકતોનું કોણ ધ્યાન રાખે..! એટલે એમની ઈચ્છા છે કે હુ કમાઈને ખર્ચ પુરતુ વાપરું અને બાકીની રકમ આ મકાન પેટે શેઠને ચૂકવતો રહુ.. શેઠે તો એમ પણ કહ્યું કે હમણાં રહેવા જતા રહીએ.. ભાડું પણ નહીં લે.. પણ એમને ખબર છે કે હુ મફતનું લઈશ નહી.. એટલે એમનો વિચાર એવો થયો કે અમને જ આ ઘર આપી દે.. એક લખાણ હાલ પુરતુ કરી દે અને જેવી મકાનની કિંમત જેટલું કમાઈને ચુકવી આપું કે તરત એ ઘર નામે કરી આપે.. એમની ઈચ્છા છે કે આવું કરવાથી મારુ સ્વમાન પણ જળવાઈ રહે, મુંબઈમાં એક આ રીતે ઘર પણ થઈ જાય અને શેઠ અને શેઠાણીની ચિંતા પણ અભિષેક સર કે કોઈને ન રહે. અને શેઠે એવું પણ કહ્યુ છે કે આ સમયમાં તેજલબેન અને હિતેનભાઈ જેવા માણસો મળવા દુર્લભ છે.. એમનો પડોશ મળ્યો એ સદ્ભાગ્યની બાબત કહેવાય..
એમણે તમારા માટે પણ ઓફર કરી છે.. કે જો એ બન્ને ઈચ્છે તો એમને પણ નજીકમાં શેઠનો જ બીજો એક ફ્લેટ ખાલી છે , એ વ્યાજબી ભાવથી આપી દેશે.. એમની આ ખોલી વેંચી દે અને જે રુપિયા આવે તે ડાઉન પેમેન્ટ કરી ને બાકીની રકમ પણ શેઠ બેંકમાં ભલામણ કરી હાઉસિંગ લોન અપાવી દેશે.. અને આપણાં બન્નેને આવુ કરતાં કદાચ કોઈ આકસ્મિક ખર્ચ આવી પડે તો શેઠે કહ્યુ છે કે કોઈ ચિંતા ન કરવી.. પણ શેઠની ભાવના ઉત્તમ છે.. એમને થોડો સઘિયારો મળે એ સિવાય માત્ર ને માત્ર આપણુ જ ભલું થાય એ વિચારે આ ઓફર મુકી છે.. શેઠનાં દિકરાને તો અહીં આવવું નથી અને આ લોકોને ત્યાં જવું નથી..! હવે મારે મા બાપની જેમ એમને જ્યાં ફરવા જવુ, રહેવું કરવુ કે જરૂર પડે પડખે ઉભા રહેવું આ સિવાય કોઈ અપેક્ષા નથી..
પછી કહે છે કે શેઠે આ ઓફર ન આપી હોત તો પણ હું શેઠ માટે તો જે કહે તે કરી જ છૂટું, એ મારી ફરજ છે.. પણ આટલી મોટી ઉદારતા અને આવી તક.. ભગવાને મને જ કેમ આપી ? શેઠનાં આ ઉપકારથી કયા ભવે છૂટીશ.. અને એ જે ઈચ્છે છે તેમની અપેક્ષાઓમા હુ ક્યાંય ઊણો ઊતરું તો મને ઈશ્વર કદી માફ ન કરે.. હુ એમને આજીવન ન્યાય આપી શકીશ..? એમની ઈચ્છાઓ ને માથા પર ચઢાવી એમનું બાકીનું જીવન નિષ્ઠાપૂર્વક જીવી શકું ? મને કોઈ એવી પરિસ્થિતિ આવી પડે કે ક્યાંય કચાસ રહી જાય તો ? હુ મારી જાતને કદી માફ ન કરી શકું … આવી બધી બાબતોનાં વિચારે મન ડગુંમગું થાય છે.. એક શ્વાસે આ બધુ બોલ્યા પછી થોડો નિરાંતનો શ્વાસ લે છે.. અને ફરી કહે છે.. તમારું બધાનુ શું કહેવું છે..? તમે બન્ને આ બાબતે પોઝીટીવ હોવ અને લક્ષ્મી મારી તાકાત બનીને આજીવન આ બાબતે જોડે રહે તો… મને અને મારા મિત્ર રાકેશને આ વાત સ્વીકારવા જેવી લાગે છે..
આ બધુ સાંભળી લક્ષ્મી બોલી, ‘મારા માટે તો હવે તમે જે વિચારો એ બધી બાબતે સતત સાથે.. હવે તો મારે મા બાપ પણ અહીં જ છે.. પછી મારે શું વિચારવાનું .. તમે ત્રણેનો જે મત હોય તેમાં હું સાથે જ..’
તેજલબેન અને હિતેનભાઈ બન્નેને આ બધું એક સ્વપ્ન સમાન લાગ્યું… એ વિચારે છે કે.. કોઈ સ્ત્રીનાં પગલાં આટલાં બધા શુકનવંતા હોઈ શકે..! હિતેનભાઈએ કહ્યુ..’ આ બાબતે વિચારવાનું કે ના પાડવાની કોઈ કારણ જ નથી.. પણ તમારા માટે વિચારે તો યોગ્ય છે.. પણ અમારાં માટે આટલું બધુ વિચારે એ કેમ સ્વીકારવું ? અમારો આવી કોઈ સહાય લેવાનો હક્ક જ બનતો નથી..એટલે..!’

પણ એમને જાણે વચ્ચે જ રોકતાં હોય તેમ પ્રવિણ બોલ્યો, ‘ પણ… શેઠને તો બધી મિલકત હવે ધીમે ધીમે કાઢી એ રકમ અમેરિકા મોકલવી છે.. એમને એકસાથે પૈસાની એવી જરુર પણ નથી…તમે ન ખરીદો તો બીજા કોઈને વેંચવા માટે મારે જ મહેનત કરવાની છે.. અને તમારે તો કિંમત ચુકવીને લેવાનું છે ને.. બસ થોડુ વ્યાજબી ભાવ લે.. એતો એમનો સ્વભાવ છે.. આ કંઈ સહાય નથી.. અને બીજુ કે તમે નજીક હો તો ભવિષ્યમાં અરસપરસ હૂંફ રહે.. અમને પણ તમારી ચિંતા ન રહે… ભલે આપણે લોહી ના સંબંધ નથી પણ તમારાંથી દૂર રહેવા જવું એ મારું મન નથી માનતું… જો તમારી ના હોય તો, મને પણ અહીંથી દૂર નથી જવું.. જઈશું તો સાથે અને રહેશુ તો પણ સાથે..હુ ત્યાં રહેવા જવા શેઠને ના પાડીશ તો પણ અહી દુર રહીને પણ શેઠ શેઠાણીનું ગમે તેમ કરીને સાચવી લઈશ.. અને મારા શેઠ મારો સ્વભાવ જાણે જ છે.. એટલે એમને મારી ના કહેવાથી દુખ નહીં થાય.. એમણે મને એમની ઓફિસમાંથી બહાર નિકળતી વખતે કહ્યુ જ હતું કે,
‘પ્રવિણ કોઈપણ સંજોગોમાં તારું કોઈપણ રીતે મન ન માનતું હોય તો, નિખાલસપણે મને ના કહી દેજે.. તારે મને કોઈ ચોખવટ કરવાની જરૂર નથી.. બસ કાલે સવારે ઘરે આવીને રુબરુ વાત કરજે.’
તેજલબેને બન્નેની સામે જોઈને કહ્યુ, ‘ તમે જે વિચારો તે.. પણ હવે મને મારી લક્ષ્મીથી દૂર નથી થવું..એટલે તમારી ઈચ્છા ન હોય તો પણ ભલે… આ લોકોની લાંબી જિંદગી છે… ઈશ્વર આવી તક ફરી નહીં આપે.. એમને ખુશીથી જવા દઈએ અને હું લક્ષ્મીનું બાળક થઈ જાય અને થોડો સમય થઈ જાય ત્યાં સુધી એમની જોડે જ રહીશ.. એમને જે ઘર મળે એ ચાર બેડરૂમ વાળું છે.. તો આપણે બે ચાર મહીના ત્યાં જ રહીશુ.. હું લક્ષ્મીને એકલી નહી મુકું..’
પ્રવિણે કહ્યુ કે, ‘હવે તમારાથી દૂર રહેવા કે જવાનો પ્રશ્ન જ નથી થતો.. તમે વિચાર કરી લો … તમારી હા હોય તો જ મારી હા છે… ના હોય તો આપણે અહીં કોઈ તકલીફ નથી.. હું અહી રહીને પણ, વહેલો જઈ, પરત મોડો આવીને એમ બન્ને સમય સાચવીને શેઠના ઘરે જતો રહીશ.’
લક્ષ્મી બોલી, ‘ મા… આવી જા ને તું ય જોડે.. અહીં કરતા તો ત્યાં સારી રીતે રહેવાશે ને..! તમારા પોતાનાં ફ્લેટનુ સપનુ હતુ એ તમે જ મને કહ્યું હતુ ને.. હવે પુરુ થઈ રહ્યુ છે તો કેમ પાછા પડો છો..?’
લક્ષ્મીના મોઢે પહેલી વાર “ મા “ શબ્દ સાંભળ્યો એટલે બન્નેથી કંઈ જ ન બોલાયુ.. પણ પછી જે વાત વિચાર માંગી લે તે મનમાં હતી તે બાબતે કહ્યુ કે,
‘ આ બધુ કરીએ.. ના નથી… પણ ત્યાં આજુ બાજુમા કંઈ કામ ન મળે… એકનાં પગારમાંથી હપ્તો કેમ કરીને નિકળે ?’
પ્રવિણે કહ્યુ, ‘બસ ને.. લક્ષ્મીને એક ને જ તમે દિકરી ગણી… હુ દિકરો ગણવા લાયક નહી હોવ તો જ આવો વિચાર આવે ને..! આવુ કંઈ અટકે તો હુ તો છુ જ ને..! મને જે રીતે શેઠે ધંધા માટે ઓફર કરી છે એ જોતાં હવે કોઈ જ આર્થિક મુશ્કેલી આવે તેમ લાગતું જ નથી.. એટલે એ બાબતે વિચાર ન કરશો.. બીજી કોઈ રીતે તમને મન ન માનતું હોય તો વાત અલગ છે.’

હિતેનભાઈએ કહ્યુ, ‘પ્રવિણ જઈ આવો કાલે સવારે તમે બન્ને… ઈશ્વર આ રીતે રીઝે.. અને તક આપે છે તેવું માનીએ.. બાકી બધુ સમય પર છોડી દઈએ…’
આ સાંભળી લક્ષ્મી અને તેજલબેનનાં ચહેરા પર ખુશીનો ભાવ સહજ રીતે છલકી ઉઠે છે…હવે આ નિર્ણય પર પહોંચીને, બધા જમવા બેસી જાય છે…

( ક્રમશઃ )
લેખકઃ રાજેશ કારિયા