Sandhya - 45 books and stories free download online pdf in Gujarati

સંધ્યા - 45

પંક્તિ જમ્યા બાદ પોતાના રૂમમાં આવી હતી. એણે સંધ્યાએ જે ટ્રીપ આપીને ખુશી આપી હતી એવો જ ખુશીનો અહેસાસ સંધ્યાને કરાવવા એ એક કાર્ડ બનાવી રહી હતી. ખુબ ઝડપથી એણે એ કાર્ડ બનાવ્યું હતું. આટલા ઓછા સમયમાં પણ કાર્ડ અતિ સુંદર બન્યું હતું. સુનીલ રૂમમાં જોવા આવ્યો કે, અચાનક પંક્તિ શું ગુંચવાઈ ગઈ હતી? સુનીલ કાર્ડ જોઈને દંગ રહી ગયો હતો. પંક્તિએ ખરેખર ખુબ સરસ કાર્ડ બનાવ્યું હતું. જલ્દી એણે એમાં અમુક ડેકોરેશન કર્યું અને એ કાર્ડ સંધ્યાને આપવા હોલમાં ગઈ હતી. સંધ્યા કાર્ડ જોઈને ખુશ થઈ ગઈ હતી. એની લાઈફમાં પહેલીવાર કોઈએ જાતે બનાવેલ કાર્ડ આપ્યું હતું. એ ભાભીની લાગણી જોઈને રીતસર રડી જ પડી હતી. હરખના આંસુ અને ચહેરે હળવું સ્મિતસહ છલકતી સંધ્યાની ભાવના જોઈ બધા જ ભાવવિભોર થઈ ગયા હતા. સંધ્યાએ કાર્ડ ખોલ્યું અંદર ખુબ સુંદર અક્ષરે પંક્તિઓ લખાયેલી હતી.

દર્દમાં પણ હાસ્ય છલકાવતો તારો ચહેરો મને ખુબ પ્રેરણા આપી જાય છે,

હંમેશા બીજાને સમજીને મદદરૂપ થતો તારો સ્વભાવ દિલને સ્પર્શી જાય છે,

અનેક પુણ્ય બાદ મળે એવું તારું વ્યક્તિત્વ બધાના ભાગ્ય બદલી જાય છે,

દોસ્ત! આજીવન આપણો પ્રેમ અકબંધ રહે એવો નીજસ્વાર્થ પ્રભુથી મંગાય જાય છે.

પંક્તિએ પોતાના મનની લાગણી રચના થકી જે ઠાલવી હતી એ સંધ્યા પોતાનામાં જીલીને તૃપ્ત થઈ હતી. સંધ્યાએ ત્યારે ને ત્યારે જ ત્રણ ચાર વાર એજ શબ્દો વાંચ્યા હતા. એ બોલી, "ભાભી જે આનંદ તમે આજ મને આપ્યો એ આનંદ મને આજીવન યાદ રહેશે! આટલું તો સંધ્યા માંડ બોલી શકી હતી. એક લાગણીસભર આલિંગન બાદ એ અભિમન્યુને ઉંઘાડવા ગઈ હતી. અભિમન્યુને આજ ઉંઘાડવામાં મોડું થયું હોય, એ તરત જ ઊંઘી ગયો હતો. સંધ્યાને પંક્તિની રચના વાંચીને સૂરજની પહેલી વખત મોકલેલી રચના યાદ આવી ગઈ હતી. એણે એ રચના ટુર્નામેન્ટમાં રમવા જતો હતો ત્યારે રસ્તામાંથી મેસેજ દ્વારા મોકલી હતી. સંધ્યાએ એ મેસેજ શોધ્યો અને એ આજ ફરી વાંચી રહી હતી.

તારી યાદ તો ખુબ જ આવશે,
પણ યાદ સાથે તું નિકટ પણ એટલી જ આવશે.
સમય છે સમયનું કામ કરશે,
પણ દિલમાં તારો અહેસાસ મને કાયમ નિકટ રાખશે.
આવવું અને જવું એ તો શ્વાસોશ્વાસનુ કામ છે,
પણ આત્મા આપણી હરહંમેશ સાથ આપશે.
નથી હું જતો કે નથી જતી તું
પણ યાદોનું વાવેતર મનને સંગાથે રાખશે.

આજ સંધ્યાને આ સૂરજના શબ્દો ખરા અર્થમાં સમજાઈ રહ્યા હતા. એક એક શબ્દ જાણે આવનાર ભવિષ્યને આગાહ કરતા લખ્યા હોય એમ સૂરજે લખ્યા હતા. એક ઊંડા શ્વાસ સાથે એણે સૂરજના અહેસાસને પોતાનામાં ભર્યો હતો. આજે બસ સંધ્યા પાસે અહેસાસ જ હતો. સંધ્યાની આજે ઊંઘ કોષો દૂર જતી રહી હતી. મળસકું થઈ ગયું હોય સંધ્યા ઉભી થઈ ગઈ હતી. પલંગ પર ચાદરમાં પડેલ અનેક કરચલીઓ એણે રાતભર ફરેલ પડખાની નિશાનીની ચાડી ખાઈ રહી હતી.

સંધ્યા તૈયાર થઈને કિચનમાં ગઈ હતી. દક્ષાબહેન સંધ્યાની સૂજેલી આંખ જોઈને દીકરીના મનમાં ભાવ જાણી ચુક્યા હતા. એમનું મન ખુબ દુઃખી થઈ ગયું હતું, પણ સંધ્યાનું ધ્યાન બીજી વાતમાં દોરવાના હેતુથી બોલ્યા, "અભિમન્યુને ફૂટબોલ શીખવામાં મજા આવે છે ને? એ ત્યાં ખુશ હોય છે કે નહીં? કાલ પૂછવાનું જ ભૂલી ગઈ હતી."

"હા, મમ્મી એને મજા આવે છે. એ લોહી તો સૂરજનું જ ને! બે દિવસમાં એટલું સરસ કેચઅપ કર્યું એ પરથી જીતેશે કીધું, 'સૂરજસરે વારસામાં જ રમત આપી હોય એવું લાગે છે. મારે બહુ મહેનત અભિમન્યુને શીખવવામાં લેવી પડતી નથી. મારુ અનુમાન કહે છે કે, અંડર ટેન યર્સમાં જે લોકલ ટુર્નાનેટ થતી હોય એમાં અભિમન્યુનું સિલેક્શન થઈ જ જશે!' હું તો ઘડીક એની વાત સાંભળતી જ રહી ગઈ હતી." ખુબ હરખાતા સંધ્યા બોલી હતી.

"અરે વાહ! આ વાત તો તે ખુબ સરસ જણાવી." ખુશ થતા દક્ષાબહેન બોલ્યા હતા.

સંધ્યાના દિવસો આમ જ વીતવા લાગ્યા હતા. અભિમન્યુની પરીક્ષા પણ આવી ગઈ હતી. એ ખુબ જ સરસ મહેનત કરી રહ્યો હતો. સંધ્યા જે પણ ભણાવે એ એકદમ એકચિત્તે સાંભળતો અને પછી લખતો હતો. અભિમન્યુના બધા જ પેપર સારા ગયા હતા. સાક્ષીની પણ પરીક્ષા સારી જતી હતી. એ અભિમન્યુ કરતા ભણવામાં થોડો ઓછો રસ ધરાવતી હતી. પંક્તિથી ક્યારેક એ બંનેની સરખામણી થઈ જતી હતી. એ ફરી એના મૂળભૂત સ્વભાવને સ્પર્શી જ જતી હતી, પણ સંધ્યા એની કોઈ જ વાત મનમાં લેતી નહોતી.

સાક્ષી અને અભિમન્યુના બંનેના રિઝલ્ટ આવી ગયા હતા. સાક્ષીને ૭૦% અને અભિમન્યુ ક્લાસમાં પ્રથમ આવ્યો હતો. એને સ્કૂલ તરફથી ઇનામ રૂપે, એને સ્કોલરશીપ રૂપે સ્કૂલની ફી મળી હતી. સ્કૂલમાં અભિમન્યુને જે ઓળખતા નહીં એ પણ ઓળખવા લાગ્યા હતા. સંધ્યા એકદમ ખુશ થઈ કે, મારો દીકરો કેટલો હોશિયાર છે કે સ્કૂલ તરફથી એને મફત ભણતર મળશે!

સંધ્યાએ પહેલી તારીખથી એના ડિઝાઈનિંગના ક્લાસ પણ શરુ કરી દીધા હતા. સંધ્યાનું રૂટિન ખુબ જ વ્યસ્ત થઈ ગયું હતું. એ સતત કોઈને કોઈ પ્રવુતિમાં જ રહેતી હતી. સંધ્યાને એના કોર્ષને હવે એક મહિનો થઈ ગયો હતો. સંધ્યા ઘરમાં ઓછું રહેતી હોવાથી ઘરના કામમાં પણ એટલું એ ધ્યાન આપી શકતી નહોતી. એનો થોડા અંશે ઈર્ષાભાવ પંક્તિના મનમાં દ્રેષ લાવતો હતો. એ અમુકવાર ખુબ અકળાઈ જતી હતી. અને ક્યારેક ખુબ ભાવુક થઈ જતી હતી. પંક્તિના સ્વભાવનું પરિવર્તન સંધ્યાને સમજાતું તો હતું પણ એમ શા કારણથી થતું હતું એ સંધ્યા સમજી શકતી નહોતી. સંધ્યાએ હવે થોડું સમજીને રહેવાનું શરૂ કરી દીધું હતું કે જેથી પંક્તિને કોઈ મન દુઃખ ન થાય.

સંધ્યા પોતાના ડિઝાઇનિંગ ક્લાસમાં ગઈ હતી. અભિમન્યુને એ એકેડમી પર ડ્રોપ કરી અને પછી પોતાના ક્લાસે જતી હતી. પંક્તિનો પણ મૂડ હમણાંથી ખુબ જ સ્વીંગ રહેતો હતો. ઘડીક ખુશ હોય તો ઘડીક દુઃખી થઈ ગઈ હોય! પોતે જયારે નોર્મલ હોય ત્યારે એને ખુદને એમ થાય કે શું હું આવી નાની વાતે દુઃખ લગાડતી હતી, પછી એવા વિચારે હસ્તી પણ ખરું! એની લાગણી હમણાં એના કન્ટ્રોલમાં રહેતી નહોતી. આજ એને ખબર નહીં શું કારણ પણ બિલકુલ ક્યાંય કઈ જ ગમતું નહોતું! એમાં સાક્ષીને ઠીક નહોતું તો એ ઘરમાં ખુબ કંટાળતી હતી. પંક્તિ આથી થોડીવાર એને નીચે રમવા લઈ ગઈ હતી. જેથી બંનેને કદાચ થોડું ગમે!

વોચમેનની પત્ની અને બીજી બે કામવારી બેન ત્યાં જ પાર્કિંગની રૂમમાં રહેતી હતી એણે પંક્તિને એકલી જોઈ આથી પોતાનો જૂનો બદલો લેવાનું મનમાં વિચારી લીધું હતું. એ ખુબ હોશિયારીથી પંક્તિને એનો અવાજ સંભળાય એમ બોલી, "ના, આ બાઈ તો બહુ જ ભલી છે. કાયમ ઘરની જવાબદારી જ સાચવે છે. કામમાંથી નવરી જ નથી હોતી કે કોણ શું કરે એમાં એને કઈ રસ હોય! બહુ સેવા કરે ઘર આખાની અને એની નણંદની! અને તેની નણંદતો પિયરે તૈયાર રોટલા ખાયને આખો દિવસ તૈયાર થઈને એક જગ્યાથી બીજી જગ્યા ફરતી હોય! અને આ બાઈ બિચારી ચૂલો સાચવીને ઘરમાં જ બેઠી હોય! અમે તો આખો દી ગેટ પર જ હોઈએ એટલે બધેય નજર હોય! આવી બાય તો નસીબદારને ત્યાં જ હોય, આજના સમયમાં કોણ આવું ચલાવે છે?" એ બેને પંક્તિ અને સંધ્યાના બંનેના સંબંધને આગ ચાંપવી હોય એમ બધું ખોટું બોલી જ નાખ્યું હતું.

શું પંક્તિ એમની વાતમાં આવી જશે?
શું હશે સંધ્યાના આવનાર દિવસોમાં એની મનઃસ્થિતિ?

મિત્રો આપના પ્રતિભાવ આપી પ્રોત્સાહિત કરતા રહેશો. "સંધ્યા" ની સફરમાં જોડાવા બદલ દરેક વાંચકમિત્રોનો આભાર. ચાલો ફરી મળીશું નવા પ્રકરણમાં તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻🙏🏻