Narad Puran - Part 2 books and stories free download online pdf in Gujarati

નારદ પુરાણ - ભાગ 2

નારદે કહ્યું, “આપ હજી વિસ્તારથી કહો.”

સનકે નારદને આગળ કહ્યું, “વિષ્ણુ પરમશ્રેષ્ઠ, અવિનાશી, પરમપદ છે, તે અક્ષર, નિર્ગુણ, શુદ્ધ, પરિપૂર્ણ અને સનાતન છે. વિષ્ણુને કેવળ જ્ઞાનથી જ જાણી શકાય છે. જે લોકો તેમને દેહી માને છે તે તેમની અંદર રહેલ અજ્ઞાન છે. પરમદેવ વિષ્ણુ જ સત્વ આદિ ત્રણેય ગુણોથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણ રૂપો પ્રાપ્ત કરીને સૃષ્ટિ, સ્થિતિ અને અંતનું કારણ બને છે. વિષ્ણુથી પ્રગટ થયેલ બ્રહ્માએ પંચભૂતોની રચના પછી તિર્યક યોનિનાં પશુ, પક્ષી, મૃગ આદિ તામસ પ્રાણીઓનું સર્જન કર્યું, પણ તેમને સૃષ્ટિકાર્યનાં યોગ્ય સાધક ન હોવાનું માનીને દેવતાઓની સૃષ્ટિ રચી અને ત્યારબાદ બ્રહ્માએ સનાતન પુરુષને મળતી આવતી માનવસૃષ્ટિની રચના કરી. દક્ષ વગેરે પુત્રોનું સર્જન કર્યું.”

થોડીવાર મનમાં વિષ્ણુનું સ્મરણ કરીને સનકે આગળ કહ્યું, “તે દક્ષ આદિ પુત્રોનાં સંતાન અને પ્રસંતાનો દ્વારા આ જગત દેવતાઓ, અસુરો અને મનુષ્યમય થઇ રહ્યું છે. તે ઉપરાંત ભ:, ભુવ:, સ્વ:, મહ:, જન:, તપ; અને સત્ય તે લોકોની રચના કરવામાં આવી. અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ અને પાતાલ નામનાં સાત પાતાલોની રચના કરવામાં આવી. પછી બ્રહ્માજીએ આ સર્વ લોકોમાં લોક્નાથોની રચના કરી. પૃથ્વીતલના મધ્યભાગમાં મેરુ પર્વત છે, એના ઉપર સર્વ દેવતાઓનો વાસ છે. ભુલોકને છેડે લોકાલોક પર્વત છે.”

“હે દેવર્ષિ, ભૂલોકમાં સાત સમુદ્રો છે તેવી જ રીતે સાત દ્વીપો પણ છે અને પ્રત્યેક દ્વીપમાં કુલાચલ પર્વતો છે, ત્યાંથી નદીઓનો ઉગમ થાય છે. જમ્બૂ, પ્લક્ષ, શાલ્મલ, કુશ, ક્રૌંચ અને પુષ્કર આ સર્વ દ્વીપો દેવભૂમિ છે.”

સૃષ્ટિની રચનાની વાત સાંભળીને નારદ આનંદિત થયા.

સનકે આગળ કહ્યું, “સમસ્ત ધર્મોનું ફળ ભગવાન વાસુદેવ છે, કોઈ પણ તપશ્ચર્યાનું અંતિમ લક્ષ્ય વાસુદેવ જ છે. વાસુદેવના તત્વને સમજી લેવું એ જ ઉત્તમ દાન છે, તેમ જ વાસુદેવને મેળવવા એ જ ઉત્તમ ગતિ છે. બ્રહ્મથી લઈને કીટકપર્યંત આ સંપૂર્ણ સ્થાવર-જંગમ જગત વાસુદેવ સ્વરૂપ છે. આ જગત તે વાસુદેવ એટલે કે વિષ્ણુથી વ્યાપ્ત છે અને શ્રદ્ધાથી વિષ્ણુની ભક્તિ કરવાથી સર્વ સિદ્ધ થાય છે. ભગવદભક્ત પુરૂષથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન રહે છે.”

નારદે પૂછ્યું, “ભગવદભક્ત પુરુષોનાં શાં લક્ષણો છે? તેઓ કેવાં કર્મ કરે છે તેમ જ તેમને કયા લોકની પ્રાપ્તિ થાય છે?”

સનક બોલ્યા, “હે બ્રહ્મન, યોગનિંદ્રામાંથી જાગૃત થયા પછી જગદીશ્વર ભગવાન વિષ્ણુએ બુદ્ધિમાન મહાત્મા માર્કંડેયને જે પરમ ગોપનીય રહસ્યનો ઉપદેશ કર્યો તે વિષે હું આપને કહું છે, તે આપ ચિત્ત દઈને સાંભળો. તમને અગાઉ કહ્યું તેમ ભગવાન વિષ્ણુ જ જગતરૂપે પ્રગટ થાય છે. પ્રલયકાળે તેઓ ભયંકર રુદ્રરૂપથી પ્રગટ થાય છે અને સમગ્ર બ્રહ્માંડને પોતાનો કોળીયો બનાવે છે. સ્થાવરજંગમરૂપ સંપૂર્ણ જગત નાશ પામી એકાર્ણવના જળમાં વિલીન થાય છે, તે સમયે ભગવાન વિષ્ણુ જ વડના પાંદડા ઉપર શિશુરૂપથી શયન કરે છે. તેમનું રોમ રોમ અસંખ્ય બ્રહ્મા આદિથી શોભતું હોય છે. જે સમયે ભગવાન વડના પાંદડા ઉપર સુઈ રહ્યા હતા, ત્યારે તેમના પરમભક્ત ઋષિ માર્કંડેય તેમની લીલાઓનું દર્શન કરી રહ્યા હતા.”

નારદે સનક મુનિને પૂછ્યું, “હે તપસ્વી, મેં સાંભળ્યું છે કે મહાભયંકર પ્રલયકાળમાં સમસ્ત પ્રાણીજગત નષ્ટ થઇ ગયું હતું અને એકમાત્ર ભગવાન શ્રીહરિ જ વિરાજમાન હતા. તો પછી સર્વનો નાશ કરનાર શ્રીહરિએ માર્કંડેય મુનિને કેમ બચાવી રાખ્યા?”

સનકે કહ્યું, “હે બ્રાહ્મણો, પૂર્વકાળમાં મૃકંડુ નામના એક પ્રખ્યાત મુનિ થઇ ગયા. તે મહાતપસ્વી મહર્ષિએ શાલગ્રામ નામના મહાન તીર્થમાં ભારે તપશ્ચર્યા કરી. તેમની તપશ્ચર્યાના પ્રભાવથી ઇન્દ્ર આદિ સર્વ દેવતાઓ ભયભીત થઈને ભગવાન નારાયણને શરણે ગયા અને તેમને મૃકંડુ મુનિ વિષે વાત કરીને રક્ષા કરવાની વિનંતી કરી. 

ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું, “હે દેવતાઓ, તમારે મૃકંડુ મુનિથી ભયભીત થવાની કોઈ જરૂર નથી. તે સદ્પુરુષ છે તે આપને કોઈ કષ્ટ નહિ આપે.”

તેમનું વચન સાંભળીને દેવતાઓ સ્વર્ગમાં પાછા ફર્યા. મૃકંડુ મુનિથી પ્રસન્ન વિષ્ણુભગવાને તેમને પ્રત્યક્ષ દર્શન આપ્યાં. પોતાના આરાધ્યને જોઇને મૃકંડુ મુનિ ભાવવિભોર થઇ ગયા અને તેમની આંખોમાંથી આનંદનાં અશ્રુઓ ઝરવા લાગ્યા. ત્યારબાદ તેમણે વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરી.

વિષ્ણુ ભગવાને તેમને હૈયે લગાડ્યા અને પ્રેમપૂર્વક કહ્યું, “ઉત્તમ વ્રતનું પાલન કરનાર મુનિ, તમારી તપશ્ચર્યાથી હું ઘણો પ્રસન્ન થયો છું. તમારા મનને ગમે તે માગી લો.”

ત્યારે મૃકંડુ મુનિએ કહ્યું, “સૌથી દુર્લભ એવાં આપનાં દર્શન કરી રહ્યો છું તેનાથી વિશેષ શું હોઈ શકે?”

ભગવાન બોલ્યા, “હું તમારી ઉપર પ્રસન્ન છું અને મારું કરેલું દર્શન વ્યર્થ નહિ જાય. હું તમારા ઘરે સર્વ ગુણોથી યુક્ત, રૂપવાન અને દીર્ઘ આયુષ્યવાળા પુત્ર રૂપે અવતરીશ.”

આમ ભગવાન શ્રીહરિ વચન આપીને અદ્રશ્ય થઇ ગયા.”

નારદે પૂછ્યું, “ભગવાન મૃકંડુના પુત્ર કઈ રીતે બન્યા હતા? અને ભગવાને ભૃગુવંશમાં જન્મ લઈને શું કર્યું તેનું વર્ણન કરો.”

સનક બોલ્યા, “તપશ્ચર્યાથી નિવૃત્ત થયા પછી મૃકંડુ મુનિએ લગ્ન કરીને ગૃહસ્થધર્મના પાલનનો આરંભ કર્યો. સમય જતાં તેમની પત્નીએ ભગવાનઅન તેજોમય અંશથી યુક્ત ગર્ભ ધારણ કર્યો અને એક પરમ તેજસ્વી પુત્રનો જન્મ થયો. તે પુત્રનું નામ માર્કંડેય રાખવામાં આવ્યું. તે પરમ તેજસ્વી બાળકના પાંચમે વર્ષે ઉપનયન સંસ્કાર કરવામાં આવ્યા. ત્યારે બાત તે વૈદિક ધર્મસંહિતાનું પાલન કરતો. પ્રાત:, મધ્યાહન અને સાયંકાળે સૂર્યને જળની અંજલી આપીને ત્રિકાળ સંધ્યા કરતો, શ્રીહરિની તપશ્ચર્યા કરતો, દૃષ્ટ માણસો સાથે વાત કરતો નહિ અને વિષ્ણુ ભગવાનના ભજનમાં મગ્ન રહેતા સાધુપુરુષો સાથે રહેતો, કોઈનો દ્વેષ કરતો નહિ.”

સનકે આગળ કહ્યું, “માર્કંડેયે વિષ્ણુ ભગવાનની ઉગ્ર તપશ્ચર્યા કરી, જેનાથી તે પ્રસન્ન થયા અને તેમણે માર્કંડેય મુનિને પુરાણસંહિતા બનાવવાનું વરદાન આપ્યું. જયારે આ સંસાર એકાર્ણવના જળમાં વિલીન થઇ ગયો ત્યારે માર્કંડેયને પોતાનો પ્રભાવ દેખાડવા માટે તેમનો સંહાર ન કર્યો અને દરેક લીલા જોવા માટે જીવિત રાખ્યા.”

સનકે કહ્યું, “હે નારદ, તે સમયનું કાલમાપ કહું છું તે સાંભળો. પંદર નિમેષની એક કાષ્ઠા, ત્રીસ કાષ્ઠાની એક કલા. ત્રીસ કલાની એક ક્ષણ ને છ ક્ષણની એક ઘડી. બે ઘડીનું એક મુહુર્ત અને ત્રીસ મુહુર્તનો એક દિવસ. ત્રીસ દિવસનો એક માસ. બે માસની એક ઋતુ અને ત્રણ ઋતુઓનું એક અયન. બે અયનનું એક વર્ષ.”

 

ક્રમશ: