Narad Puran - Part 13 books and stories free download online pdf in Gujarati

નારદ પુરાણ - ભાગ 13

સનક ઋષીએ આગળ કહ્યું, “હે મુનિશ્રેષ્ઠ, હવે હું બીજા ઉત્તમ વ્રતનું વર્ણન કરું છું તે સાંભળો. તે સર્વ પાપોનો નાશ કરે છે અને સર્વની મનોવાંછિત કામનાઓ સફળ કરનારું છે. માર્ગશીર્ષ માસના  શુક્લપક્ષની પૂર્ણિમાની તિથીએ નિયમપૂર્વક પવિત્ર થઈને શાસ્ત્રીય આચાર અનુસાર દંતધાવન કરી સ્નાનાદિથી શુદ્ધ થઇ ભગવાન નારાયણનું સ્મરણ કરવું. સંકલ્પપૂર્વક ભક્તિભાવથી તેમનું પૂજન કરવું.

        વ્રત કરનારે ‘નમો નારાયણાય’ આ મંત્રથી આવાહન, આસન તથા ગંધ-પુષ્પ આદિ ઉપચારો દ્વારા ભક્તિયુક્ત થઈને ભગવાનની અર્ચના કરવી, ભગવાનની આગળ ચતુષ્કોણ વેદી બનાવવી. એની લંબાઈ- પહોળાઈ આશરે એક હાથ રાખવી. ગૃહ્યસૂત્રમાં જણાવેલી પદ્ધતિ પ્રમાણે અગ્નિની સ્થાપના કરવી અને તેમાં પુરુષસૂક્તના મંત્રો દ્વારા ચરુ, તલ તથા ઘી વડે યથાશક્તિ એક, બે, ત્રણવાર હોમ કરવો. વિધિ અનુસાર હોમની સમાપ્તિ કરીને વિદ્વાન પુરુષે શાંતિસૂક્તનો પાઠ કરવો. ત્યારબાદ ફરીથી પૂજા કરીને પોતાના ઉપવાસનું વ્રત ભગવાનને અર્પણ કરવું.

        સંધ્યાકાળે ચંદ્રનો ઉદય થયા પછી પૃથ્વી ઉપર બંને ઢીંચણ ટેકવીને શ્વેત પુષ્પ, અક્ષત, ચંદન અને જળ સહિત અર્ઘ્ય હાથમાં લઈને ચંદ્રને અર્પણ કરવાં અને તેમને નમસ્કાર કરવા. ત્યાર પછી પુરાણશ્રવણ આદિ દ્વારા જિતેન્દ્રિય રહી શુદ્ધ ભાવે આખી રાત જાગરણ કરવું. બીજે દિવસે સવારે ભગવાનની પૂજા કરીને યથાશક્તિ બ્રાહ્મણોને ભોજન કરાવવું અને પોતે શુદ્ધ ચિત્તવાળા થઈને પોતાના ભાઈ-ભાંડુઓ સાથે મૌન ધારણ કરી ભોજન કરવું.

        એવી જ રીતે પૌષ આદિ માસોમાં પણ પૂર્ણિમાએ ઉપવાસ કરીને ભક્તિયુક્ત થઈને ભગવાન નારાયણની પૂજા અર્ચના કરવી. આ પ્રમાણે એક વર્ષ પૂરું કરીને કાર્તિકની પૂર્ણિમાના દિવસે આ વ્રતનું ઉદ્યાપન કરવું.”

        શ્રી સનક બોલ્યા, “હે નારદ, હવે હું ધ્વજારોપણ નામના બીજા વ્રતનું વર્ણન કરું છું. એ સર્વ પાપોને દૂર કરનારું તેમ જ પુણ્યસ્વરૂપ છે. વિષ્ણુના મંદિરમાં ધ્વજારોપણ કરનાર બ્રહ્મા આદિ દેવતાઓ દ્વારા પૂજાય છે. ગંગાસ્નાન, તુલસીની સેવા અથવા શિવલિંગનું પૂજન- આ બધાં જ કર્મો ધ્વજારોપણની બરાબર છે.

        કાર્તિક માસની શુક્લપક્ષની દશમી તિથીએ અનુક્રમે પોતાનું મન અને ઇન્દ્રિયોને સંયમમાં રાખીને પ્રાત:સ્નાન આદિ ક્રિયાઓ કરવી. વ્રત કરનારે તે દિવસે એક વખત જમવું. બ્રહ્મચર્ય પાળવું, ધોયેલાં શુદ્ધ વસ્ત્રો ધારણ કરવાં, ભગવાન નારાયણનું સ્મરણ કરતા રહીને શયન કરવું અને પછી સવારે ઉઠીને વિધિપૂર્વક સ્નાન અને આચમન કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવી. ચાર બ્રાહ્મણોની સાથે સ્વસ્તીવચન કરીને ધ્વજારોપણ નિમિત્તે નાન્દીમુખ શ્રાદ્ધ કરવું. વસ્ત્ર સહીત ધ્વજ અને સ્તંભનું ગાયત્રીમંત્ર દ્વારા પ્રોક્ષણ (જળથી અભિષેક) કરવું. પછી તે ધ્વજના વસ્ત્રમાં સૂર્ય, ગરુડ અને ચંદ્રમાની પૂજ કરવી. ધ્વજના દંડમાં ધાતા અને વિધાતાનું પૂજન હળદર, અક્ષત, ગંધ અને પુષ્પ વડે કરવું.

        ત્યારબાદ ગોચર્મ જેટલા માપની એક વેદી બનાવવી.(વસિષ્ઠ ઋષિ દ્વારા વર્ણવેલું એક પ્રકારનું ભૂમિનું માપ. દશ હાથનો એક વંશ (વાંસ) એવા પંદર ચોરસ વંશ-પ્રમાણ ભૂમિને ગોચર્મ કહેવાય.) તેને જળ અને છાણથી લીંપવી પછી પોતાની શાખાના ગૃહ્યસૂત્રમાં બતાવેલી વિધિ પ્રમાણે પંચભૂસંસ્કારપૂર્વક અગ્નિની સ્થાપના કરીને આઘાર અને આજ્યભાગ આદિ હોમ કાર્ય કરવું. પછી ઘી નાખેલી ખીરની એકસો આઠ આહુતિ અષ્ટાક્ષર ( ૐ નમો નારાયણાય સ્વાહા) મંત્ર બોલીને આપવી.

        હે બ્રહ્મન, ત્યારબાદ પુરુષસૂકતમાં આપેલા મંત્રોથી અગ્નિમાં આહુતિઓ આપવી અને શાંતિસૂક્તના મંત્રોનો પાઠ અથવા જપ કરવો. પવિત્રતા પૂર્વક ભગવાન વિષ્ણુની સમીપમાં જાગરણ કરવું અને બીજે દિવસે નિત્યકર્મ સમાપ્ત કરીને ગંધ, પુષ્પ આદિ દ્વારા ભગવાન વિષ્ણુની પૂજા કરવી. ત્યારબાદ તે સુંદર ધ્વજને મંગલ વાદ્ય, સૂક્તપાઠ, સ્તોત્રગાન અને નૃત્ય આદિ ઉત્સવની સાથે ભગવાન વિષ્ણુના મંદિરમાં લઇ જવો. ભગવાનના દ્વાર ઉપર અથવા મંદિરના શિખર પર થાંભલા સહિત તે ધ્વજને પ્રસન્નતાપૂર્વક સ્થાપિત કરવો.

        પછી ગંધ, પુષ્પ, અક્ષત, ધૂપ, દીપ આદિ મનોહર ઉપચારો દ્વારા શ્રી વિષ્ણુ ભગવાનનું પૂજન કરવું અને તેમને નૈવેદ્ય ધરાવવો. ત્યારબાદ દેવાલયની પરિક્રમા કરવી અને ભગવાન વિષ્ણુનું સ્તુતિ કરવી.

        હે નારદ, જેટલી ક્ષણો સુધી તે ધજાની પતાકા વાયુથી ફરકતી રહે તેટલી જ પાપરાશી તે ધજા લગાડનારા મનુષ્યની નાશ પામે છે. વિષ્ણુ મંદિર ઉપર ધજા ચડાવીને જે માણસ સદા તેને વંદન કરે છે, તે સુમતિ રાજાની પેઠે દેવયાનમાં બેસીને સ્વર્ગમાં જાય છે.”

        નારદ બોલ્યા, “હે સર્વધર્મજ્ઞ ભગવન, આપ ધજા ચડાવનાર રાજા સુમતિના ચરિત્ર વિષે જણાવો.”

        સનકે કહ્યું, “સકળ પાપોને દૂર કરનારા આ ઈતિહાસનું બ્રહ્માએ મારી આગળ વર્ણન કર્યું હતું તે ધ્યાનથી સાંભળો. પહેલાં સત્યયુગમાં સુમતિ નામનો એક રાજા હતો. તે સોમવંશમાં ઉત્પન્ન થયો હતો. તેનું સાતે દ્વીપો પર શાસન ચાલતું હતું. તે ધર્માત્મા અને સત્યભાષી હતો. સર્વ સુલક્ષણોથી યુક્ત તે રાજા  વિષ્ણુના પૂજનમાં મગ્ન રહેતો હતો અને વિષ્ણુ ભક્તોની સેવા કરતો હતો. તેની પત્નીનું નામ સત્યમતિ હતું અને તે પણ સર્વ લક્ષણોથી સંપન્ન હતી. તે દંપતીએ અનેક તળાવો, બગીચાઓ, વાવ અને ધર્મશાળાઓ બનાવડાવ્યાં હતાં. તેમની ખ્યાતી સાંભળીને વિભાંડક મુનિ પોતાના અનેક શિષ્યો સાથે તેમને જોવા ગયા. રાજા સુમતિએ તેમનો અનેક રીતે અતિથીસત્કાર કર્યો.

        તેમની સામે ઉભા રહીને રાજાએ કહ્યું, “હે ભગવન, આપના આગમનથી હું કૃતકૃત્ય થયો છું. હું આપનું શું પ્રિય કરું?”

        ઋષિ બોલ્યા, “હું આપની વિનમ્રતાથી પ્રસન્ન થયો છું. તમારું સદા કલ્યાણ થાઓ. મારા કેટલાક પ્રશ્નોનો ઉત્તર આપો. વિષ્ણુને પ્રસન્ન કરનારી અનેક પૂજાઓ છે, પરંતુ તેમાંની ધ્વજારોપણ નામની પૂજા જ તમે સદા કરતા રહો છો. તમે બંને આવું શા માટે કરો છો? તમે જણાવો?”

        રાજા બોલ્યા, “હે ભગવન, આપે જે પૂછ્યું તે વિષે કહું છું તમે સાંભળો. હું પૂર્વજન્મમાં માલિનિ નામનો શૂદ્ર હતો. હું કુમાર્ગ ગામી હોઈ સર્વનું અહિત કરવામાં લાગેલો રહેતો. હું ચાડિયો, ધર્મનો દ્વેષ કરનાર, દેવદ્રવ્ય ચોરનારો, ગાય અને બ્રાહ્મણને મારનારો હતો.. આ પ્રમાણે કેટલોક કાળ વીતી જતાં સર્વ બાંધવોએ મારો ત્યાગ કર્યો. હું દુઃખી થઈને જંગલમાં આવ્યો અને મૃગોનું માંસ ખાવા લાગ્યો અને પ્રવાસીઓને લુંટવા લાગ્યો. એક વખત ભૂખ, તરસ અને તાપથી પીડાઈને ભમતો હતો એવામાં નિર્જન વનમાં વિષ્ણુનું જીર્ણ મંદિર જોયું, તેની નજીકમાં એક સરોવર હતું. મેં તે જળ પીધું અને મારો શ્રમ દૂર થયો. ઝાડ ઉપરથી પડેલાં ફળો ખાધાં અને ક્ષુધાનું નિવારણ થયું. હું તે જીર્ણ મંદિરમાં રહેવા લાગ્યો. મેં તે થોડું દુરુસ્ત કર્યું અને રહેવા લાયક બનાવ્યું. આ રીતે વીસ વર્ષ વીતી ગયાં અને ત્યાં અવકોકિલા નામની સાધ્વી સ્ત્રી ત્યાં આવી ચડી. તે પણ તરસ અને તાપથી સંતપ્ત હતી અને પોતાના પાપો ઉપર સંતાપ કરતી હતી. તેને જોઇને મારામાં કરૂણા ઉત્પન્ન થઇ અને તેને ખાવા માટે માંસ અને જંગલનાં ફળ આપ્યાંઅને પીવા માટે પાણી આપ્યું. તેણે પોતાનો વૃત્તાંત જણાવ્યો.

        તે બોલી, “હું નિષાદ કુળમાં ઉત્પન્ન થઇ છું, મારું નામ અવકોકિલા છે. મારા પિતાનું નામ દારુક છે અને હું વિંધ્ય પર્વત ઉપર રહેતી હતું. હું પારકાનું ધન ચોરતી હતી અને ચાડીચુગલી કરતી રહેતી. મારા બાંધવોએ મને છિનાળ કહીને મારો ત્યાગ કર્યો. થોડા સનાય સુધી મારા પતિએ મારું પાલનપોષણ કર્યું અને તે પણ યમલોકમાં ચાલ્યો ગયો.”

        ત્યારબાદ અમે બંને તે મંદિરમાં દંપતીરૂપે માંસ અને ફળ ખાઈને દસ વર્ષ સુધી રહ્યાં. ત્યારબાદ હે મુને, એક સમયે માંસ અને ફળ ખાઈને રાતે મદ્યપાન કરીને મત્ત થઈ આનંદપ્રમોદ કરી રહ્યાં હતાં. અમારા બંનેના પ્રારબ્ધભોગનો અંત આવી ગયો. અમે નાચતાં હતાં ત્યારે હાથમાં પાશ ધારણ કરેલા ભયંકર યમદૂતો અમને નરકમાં લઇ જવા માટે આવ્યા. તે સમયે અમે મંદિર સ્વચ્છ રાખતા હતા તે કાર્યથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ પોતાના દૂતોને મોકલ્યા.

        વિષ્ણુના દૂતો બોલ્યા, “આ બંને જણ વિષ્ણુની પૂજા કરવાથી નિષ્પાપ થઇ ગયાં છે અને ભગવાન વિષ્ણુ તેમની રક્ષા કરવા ઈચ્છે છે. આ સ્ત્રીએ અંત સમયે વિષ્ણુના મંદિરમાં નૃત્ય કર્યું છે અને આ પુરુષે વિષ્ણુ મંદિર ઉપર ધજા ચડાવી છે, તેથી તેઓ નિષ્પાપ બની ગયાં છે. જે માણસ મુહુર્ત કે અર્ધ મુહુર્ત જેટલા સમય સુધી હરિના મંદિરમાં રહે છે, તે પણ પરમપદને પામે છે અને આ બંને તો બત્રીસ વર્ષ સુધી વિષ્ણુના મંદિરમાં રહ્યાં છે અને સેવા કરી છે.”

        એટલું કહીને વિષ્ણુના દૂતોએ અમારા પાશ કાપી દીધા અને અમને વિષ્ણુધામમાં લઇ ગયા. હે વિપ્રવર, દિવ્યભોગોને ભોગવીને અમે ફરી પૃથ્વી ઉપર જન્મ્યાં. અમારી અનિચ્છાથી કરેલી સેવાને લીધે જો દેવોને દુર્લભ એવું ફળ મળ્યું તેથી ઈચ્છાથી સેવા ભગવાન નારાયણની કૃપા મેળવવા ઈચ્છીએ છીએ.”

        તેમનો વૃત્તાંત સાંભળીને વિભાંડક મુનિ પ્રસન્ન થયા અને બંનેની પ્રશંસા કરી અને તપોવનમાં ચાલ્યા ગયા.

 

ક્રમશ: