Our dignitaries - 32 Kavi Dalpatram books and stories free download online pdf in Gujarati

આપણાં મહાનુભાવો - 32 કવિ દલપતરામ

ધારાવાહિક:- આપણાં મહાનુભાવો
ભાગ:- 32
મહાનુભાવ:- કવિ દલપતરામ
પરિચય આપનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની




ગુજરાતી સાહિત્યનાં અનેક મહાન કવિઓમાંના એક એટલે કવિશ્રી દલપતરામ. જાણીતા કવિ ન્હાનાલાલનાં તેઓ પિતા થાય. એમની મૂળ અટક 'ત્રિવેદી.' પણ વ્યવસાયને ધ્યાનમાં લઈને અટક 'કવિ' થઈ ગયેલી. તેઓ કવિ ન્હાનાલાલના પિતા હતા. કવિ દલપતરામે લોકોની જીભે રમતા અનેક કાવ્યો લખ્યા છે. આ કાવ્યો ગુજરાત રાજયની પ્રાથમિક, માઘ્યમિક શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ આજે પણ અભ્યાસ કરી રહ્યા છે. ચાલો જાણીએ આજે એમનાં જીવનકવન વિશે.


જન્મ:-

તેમનો જન્મ સૌરાષ્ટ્રનાં વઢવાણ ગામે 21 જાન્યુઆરી 1820નાં રોજ ડાહ્યાભાઈ ત્રિવેદીને ત્યાં થયો હતો. તેમની માતાનું નામ અમૃતબા હતું. પોતાની પરંપરા અનુસાર તેમનાં પિતા વેદનું જ્ઞાન આપતા હતા. ઉપરાંત કર્મકાંડી બ્રાહ્મણ પણ હતા.

અભ્યાસ:-

શ્રી દલપતરામનું શિક્ષણ પિતા પાસેથી વેદોનું જ્ઞાન લેવાની સાથે શરુ થયું. તેમનું પ્રાથમિક શિક્ષણ ગામની જ ધૂળી શાળામાં થયું હતું. આઠ વર્ષની ઉંમરથી જ એમણે સામવેદનો અભ્યાસ કરવા માંડ્યો હતો. પિતા પાસેથી વેદોનું જ્ઞાન તો એમણે લેવાનું શરૂ કર્યું હતું, પરંતુ એમના પિતાનાં ગુસ્સાવાળા સ્વભાવને કારણે એઓ શીખી ન શક્યા. મૂળી ગામમાં જઈ તેમણે દેવાનંદ સ્વામી પાસે પીંગળ અને અલંકાર શાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું અને ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયની દીક્ષા લીધી. અમદાવાદમાં સારસ્વત વ્યાકરણ તથા કુવલયાનંદનો અભ્યાસ કર્યો.


બાળપણથી પ્રાસવાળી 'હડૂલા' જેવી કવિતા કરવાનો શોખ ધરાવતા હતા. શામળની પદ્યવાર્તાઓ સાંભળી એ પ્રકારની ‘હીરાદન્તી’ અને ‘કમળલોચની’ જેવી વાર્તાઓ પદ્યમાં લખી, પરંતુ ચૌદ વર્ષની ઉંમરે ભૂમાનંદ સ્વામીથી પ્રભાવિત બની સ્વામીનારાયણ સંપ્રદાય અંગીકાર કર્યો અને એ વાર્તાઓ બાળી નાખી. પછી દેવાનંદ સ્વામી પાસે પરંપરાગત કાવ્યશાસ્ત્ર, છંદશાસ્ત્ર અને વ્રજભાષાની કાવ્યરીતિનું શિક્ષણ લીધું.


ચોવીસ વર્ષની ઉંમરે અમદાવાદના સ્વામીનારાયણ મંદિરમાં સંસ્કૃતના વિશેષ અભ્યાસ માટે આવ્યા. તે દરમિયાન ભોળનાથ સારાભાઈ સાથે પરિચય થયો. ઈ. સ. 1848માં ભોળાનાથની ભલામણથી અમદાવાદના આસિસ્ટન્ટ જજ ઍલેકઝાંડર કિન્લૉક ફૉર્બસનું નિમંત્રણ મળ્યું એટલે વઢવાણથી અમદાવાદ આવ્યા અને ગુજરાતી ભાષા અને સાહિત્ય શીખવવા માટે ફૉર્બસના શિક્ષક બન્યા. ફૉર્બસ સાથેનો આ મેળાપ ઘનિષ્ઠ મૈત્રીમાં પરિણમ્યો. પાંચેક વર્ષ ફૉર્બસ સાથે ગુજરાતનાં વિવિધ રાજ્યોમાં ‘રાસમાળા’ ની સામગ્રી ભેગી કરવા માટે પર્યટન કર્યું તેમ જ શિક્ષણ અને નવજાગૃતિ સારુ ફૉર્બસે આદરેલા પુરુષાર્થમાં સહભાગી બન્યા.


તેમણે અમદાવાદમાં સમાજ સુધારણાની ચળવળમાં અગ્રણી ભાગ ભજવ્યો હતો અને અંધશ્રદ્ધા, જ્ઞાતિવાદ અને બાળલગ્ન વિરુદ્ધ લેખો લખ્યા હતા. તેમની કવિતા વેનચરિત્રમાં તેમણે વિધવા પુન:લગ્નનો પ્રશ્ન ઉઠાવ્યો હતો.


તેમની મુખ્ય કૃતિઓ:-

કવિતા - ફાર્બસ વિરહ, વેન ચરિત્ર, હુન્નર ખાનની ચઢાઇ, માના ગુણ, દલપત કાવ્યો ભાગ ૧, ૨ (1879, 1896).

નિબંધ - ભૂત નિબંધ, જ્ઞાતિ નિબંધ.

નાટક - મિથ્યાભિમાન, લક્ષ્મી નાટક, સ્ત્રીસંભાષણ, ગંગાબાઈ જમનાબાઈની વાત.

વ્રજભાષામાં - વ્રજ ચાતુરી.

વ્યાકરણ - દલપતપિંગળ.

કાવ્ય દોહન.

બાપાની પિંપર, તાર્કિક બોધ

ગુજરાતી ભાષાના કવિઓનો ઇતિહાસ

તેમની પ્રથમ કવિતા 'બાપાની પીંપર' (1845) હતી. બચપણમાં એમણે 'કમળલોચિની' અને 'હીરાદંતી' નામે બે વાર્તાઓ દોહરા ચોપાઈમાં રચેલી. 'જ્ઞાનચાતુરી' નામે એક ઉપદેશાત્મક કાવ્યગ્રંથ પણ લખેલો.


મળેલ સન્માન:-

બ્રિટિશ સરકાર તરફથી સી.આઇ.ઇ. ઇલ્કાબ.

વારસો:-

કવિ દલપતરામની સ્મૃતિમાં ઈ. સ. 2010થી "કવિશ્વર દલપતરામ એવોર્ડ" એનાયત થાય છે. અમદાવાદમાં લાંબેશ્વરની પોળમાં તેમના નામે કવિ દલપતરામ ચૉક પણ આવેલો છે, જ્યાં તેમનું એક સ્મારક છે. અહીં 120 કિલોગ્રામનું માનવકદનું કવિ દલપતરામનું પૂતળું મૂકવામાં આવેલું છે.


મૃત્યુ:-

તેમનું મૃત્યુ 25 માર્ચ 1898નાં રોજ અમદાવાદ ખાતે થયું હતું.

સૌજન્ય:- ઈન્ટરનેટના વિવિધ વેબપેજ અને જીવનચરિત્ર આધારિત પુસ્તકો.

આભાર.

આશા છે કે મારી આ ધારાવાહિક આપ સૌને પસંદ આવતી હશે. શક્ય એટલાં વધુ મહાનુભાવો વિશે માહિતિ આપવાનો પ્રયત્ન કરીશ.

સ્નેહલ જાની