Ek allad chhokari books and stories free download online pdf in Gujarati

એક અલ્લડ છોકરી..

''એક અલ્લડ છોકરી..'' લઘુ વાર્તા છે.. નાના શહેરમાં રહેતા એક છોકરાની પ્રેમકહાણી અહીં આકારેલી છે.. આશા આ૫ને ગામશે.. આ૫ના પ્રતિભાવ-સુચનો સદાયે આવકાર્ય રહેશે..

''એક અલ્લડ છોકરી..''

આમ તો મોરબીથી મુંબઈ જવા માટે નથી સિધી બસ કે નથી ટ્રેન, એટલે જ હું રાજકોટ આવી ગયો.. સવારના પ્હોરમાં મળેલી ઇન્ટરસિટીની ચેરકારમાં બેસી ગયો.. ''જે પહેલી મળે એમાં જ નિકળી જઇશ'' એવું નકકી જ કર્યું હતું.. ઉતાવળ હતી ને? એટલે.. અને ઉતાવળ કેમ ન હોય ભાઈ.? આખરે મીરાને મળવા જઈ રહયો હતો.. એ પણ પહેલીવાર.. આમ તો હું અનેકવાર એને મળ્યો જ છું, પણ એ તો, તે પોતે જ મોરબી આવી હોય ત્યારે.. મારા ઘરે.. એટલે કે, મારા પાડોશીના ઘરે.. એટલે કે એના મામાના ઘરે.. પણ હું પહેલી જ વાર જઈ રહયો હતો.. મીરાના ઘરે.. એને મળવા.. ફકત એને જ મળવા.. છેક મુંબઈ..

મને યાદ છે હજીયે.. એ વર્ષોથી, દર વર્ષે, વેકેશનમાં મોરબી આવતી.. પાડોશી હોવાના સંબંધે જયારે આવે ત્યારે ચોકકસ મળવાનું થતું, એટલે જ ધીરે ધીરે એકબીજાના ફ્રેન્ડઝ અને પછી તો કલોઝ ફ્રેન્ડઝ બની ગયા હતા.. પછી તો દર વર્ષે વેકેશનમાં, એના આવવાની રાહ જોવાતી.. એમ સમજોને કે આદત પડી ગઇ હતી.. બસ આ વર્ષે જ એ ન આવી શકી.. પાછળથી ખબર પડી કે નોકરી માટે કોઇ મોટી કંપનીમાં એનું ઈન્ટરવ્યુ હતું, એની તૈયારી કરવામાં વ્યસ્ત હતી, બોલો..

એ દર વર્ષે ૧૦-૧ર દિવસ તો રોકાય જ, અને એ તમામ દિવસોમાં મારે એની સાથે જ રહેવાનું, એવો એનો જ હુકમ.. એટલે હું એની સાથે જ રહું, કયાંય ન જાઉં, પેલી કહેવત છે ને, 'ભાવતું'તું 'ને વૈદે કી'ધું..' બસ એવું જ કંઈક.. અરે અમારી ફેકટરીએ પણ ન જાઉં.. અને બાપુજી પણ ચલાવી લે, કંઇ કહે પણ નહીં, કમ સે કમ મારી મોઢે તો નહીં જ.. એ બધા દિવસોમાં મીરાને જયાં જવું હોય ત્યાં હું એને લઇ જાઉં.. અરે, એને મોરબીની બજારમાં ફરવું ખૂબ જ ગમે, અને આસપાસના ગામડીયા વિસ્તારોમાં રખડવું તો અતિ પ્રિય.. અને પાછું ઓલી જુનવાણી લાંબી ફીલ્મી મોટરમાં બેસીને જવું ગમે.. અમારા મોરબીની બજારના નાકે ઉભી રહેતી આ જુનવાણી મોટર, આસપાસના ગામડાઓમાંથી આવતા-જતા લોકોને લોકલ ટેકસી જેવી સુવિધા આપતી..

હું આખો દિવસ એ લાંબીલસ મોટર ભાડે લઈ લેતો, ડ્રાઇવર વગર.. અમે બંને આખો દિવસ એમાં બેસીને ફર્યે જ રાખતા.. હું ઘણીવાર કહેતો કે ''શું આવી ખટારા ગાડીમાં રખડવું? મારી પાસે આટલી ગાડીઓ છે, હાલ ને એમાં જ ફરીએ''.. પણ આ વાત માને એ મીરા નહીં.. એ તો સાવ અલ્લડ મિજાજમાં બોલે ''યાર.. મને તો આ ખટારો જ ગમે છે, બોલ તારે મારી સાથે આમાં આવવું છે કે નહીં.?''

હું ઘણીવાર એને કહેવાની કોશિષ કરતો પણ કહી ન શકતો કે.. અને કયારેક અમસ્તા જ એને લગ્ન વિષે પૂછું, તો ફરી પાછી એવી જ અલ્લડતાથી બોલે ''યાર, મારે તો આ મોરબી જેવા જ કો'ક રજવાડાના રાજકુંવર સાથે પરણીને એની રાજરાણી થઇને સેટ થઇ જવું છે''.. એ આટલું બોલતી તો હું મનોમન વિચારતો કે ''હું પણ મોરબીના ટાઇલ્સ બિઝનેસ ટાયફૂનનો એકનો એક દિકરો, 'ને મારૂ ઘર કંઈ રજવાડાથી કમ તો નથી જ ભાઈ''..

-----

''અરે આ શું.? મુંબઇ આવી પણ ગયું.? હાસ્તો વળી, આટલી ભીડ તો મુંબઇના સ્ટેશન અને મોરબીની બજારમાં જ હોય ભાઈ''.. હું મનોમન જ બોલ્યો.. ફટાફટ સ્ટેશનની બહાર આવ્યો.. ટેકસી કરી.. સિધ્ધો જ મીરાના ઘરે.. એને સરપ્રાઇઝ આપવા.. રર મા માળે ડોરબેલ વગાડી.. કોઇ સ્ત્રીએ દરવાજો ખોલ્યો, કદાચ નોકરાણીએ.. ''સાહબ નહીં હે, ઓફીસ ગયે હે, આયે નહીં''.. પૂછયા વગર જવાબ મળ્યો.. ''ઔર મીરા મેમસાબ.?'' મેં પૂછયું.. જવાબ મળ્યો ''મૈડમ તો ઇધર નહીં રહેતી''.. મારા મોંઢામાંથી ''હેં'' નિકળી ગયું.. ''તો ફીર કહાં રહેતી હે મીરા.. મેમસાબ.. ઉનકી શાદી..?'' મારાથી બસ પુછાઈ જ ગયું.. ''અરે નકો..'' કહીને એણે સરનામું લખેલું એક કાર્ડ આપ્યું.. અને દરવાજો બંધ કરવાની મૂક અનુમતી માંગી.. બંધ પણ કરી દીધો..

હું નીચે આવ્યો.. વિચારતો વિચારતો.. કે ''આવું કેમ? લગ્ન નથી થયા તો પછી.. પિતાથી અલગ..'' ઇચ્છા તો થઈ કે તરત જ મીરાને ફોન કરૂં.. પણ માંડી વાળ્યું.. આખરે સરપ્રાઇઝ આપવી હતી ને ભાઈ.. રાત થવા આવી હતી.. 'અત્યારે કેમ જવું.?' આમે'ય ટેકસીવાળાને પૂછયું તો ખબર પડી કે સરનામાવાળું સ્થળ તો ઘણું દૂર છે.. દોઢે'ક કલાક પ્હોંચતા થઈ જાય..એટલે વ્હેલી સવારે નિકળી જવાનું વિચાર્યું.. હોટલમાં રૂમ બૂક કર્યો, ડીનર મંગાવ્યું.. પણ જમ્યો નહીં.. ઈચ્છા જ ન થઇ.. થાકયો હોઇશ..

સવારે ૮ વાગ્યે તો મીરાના સરનામે પ્હોંચી પણ ગયો.. ડોરબેલ મારવા હાથ ઉંચો કર્યો ત્યાં જ દરવાજો આપમેળે ખૂલ્યો.. આમ તો ખોલાયો.. મીરા સામે હતી.. એકદમ અવાચક, પણ ક્ષણ પુરતી જ.. એ કયાંક જતી હતી, એટલે જ મારા બેલ વગાડયા પહેલા દરવાજો ખૂલી ગયો હતો.. ''અરે જલ્પેશ.. તું.. મુંબઈ.. અચાનક?'' મેં ટૂંકમાં જ પણ ઉત્સાહથી ''હા'' કહયું.. એ મને વળગી પડી.. ''વોટ અ સરપ્રાઇઝ.. તું આવ્યો જ છે તો ચાલ મારી સાથે.. આપણે રસ્તામાં વાતો કરીએ''.. એટલું કહીને મારો હાથ પકડીને ચાલવા લાગી..

હું મનોમન બબડયો ''તારી અલ્લડતામાં કોઈ જ ફર્ક નથી પડયો ભાઈ''.. અમે બંને બ્હાર આવ્યા.. એણે ઈશારો કર્યો એ બાજુ એની કાર ઉભી હતી.. ડ્રાઈવર સાથે.. અમે બંને પાછળ બેઠા.. વાતો કરવા.. આમ તો મારે વાતો કરવી હતી.. ઘણા સવાલો પૂછવા હતા.. પણ.. વારો આવવા દે, એ મીરા નહીં.. એટલે જ મારા ભાગે ફકત સાંભળવાનું જ આવ્યું.. એ કોઇ મલ્ટીનેશ્નલ કંપનીમાં આસી.મેનેજર થઇ ગઇ હતી.. જેના ઈન્ટરવ્યુની તૈયારી માટે થઇને જ એ આ વર્ષે મોરબી નહોતી આવી.. આ કાર પણ કંપની તરફથી હતી, અને એ ઘર પણ, જયાં તે રહેતી હતી.. પોતાના પિતાથી અલગ.. આભાસની સાથે.. લિવ ઇન રિલેશનશીપથી.. એ બધી માહિતી આપી રહી હતી.. સતત બોલ્યે જ જતી હતી.. 'ને હું.? સતત સાંભળ્યે જ જતો હતો.. એકધારો.. ચૂપચાપ..

કાર ઉભી રહી ગઇ.. ''લે, મારી ઓફીસ આવી ગઈ, આપણે હજુ ઘણી વાતો કરવી છે, હું તને આભાસ સાથે મળાવીશ.. સાંજે.. તું અત્યારે મારા ઘરે પાછો જા.. આરામ કર.. અથવા મુંબઈ ફરતો આવ ને..'' અને એ ડ્રાઇવરને સમજાવીને ''બ..બાય.. સી યુ એટ ઈવનીંગ..'' કહીને હસતી હસતી ચાલી ગઇ.. દેખાતી પણ બંધ થઇ ગઇ.. અને હું? હું તો બસ જોતો જ રહી ગયો..

''સા'બ, કિધર ચલે? મેડમ કે ઘર? યા કહીં ઔર.?'' ડ્રાઇવરે મને પૂછયું.. ''હા, ઘરે જ લઈ લે''.. પણ એ મારૂ ગુજરાતી સમજે એ પહેલા જ મેં ફેરવી તોડયું.. ''સેન્ટ્રલ લે લો''.. અને એણે એ તરફ ગાડી હંકારી દીધી.. સેન્ટ્રલ પહોંચીને મેં એને મીરાની ઓફીસ જવા રવાનો કરી દીધો.. હું સ્ટેશનમાં અંદર આવ્યો.. ભીડ હજુ'યે ગઇ કાલ જેવી જ હતી.. ''ઓ સા'બજી, કિધર જાના હૈ? ઇસ ભીડ મેં કન્ફર્મ ટિકીટ નહીં મિલેગા, મૈં લે આઉં કયા?'' એક કુલીએ પાછળથી થપથપાવ્યો.. ''મોરબી.. મોરબી જાના હૈ''.. મારાથી કહેવાઇ ગયું..

''કયા સા'બજી આપ ભી, મુંબઈ સે કોઈ ગાડી મોરબી જાતી હે કયા?'' એટલું કહીને એ હસતો હસતો ચાલ્યો ગયો.. દેખાતો પણ બંધ થઇ ગયો. અને હું? હું તો બસ જોતો જ રહી ગયો..

: સમાપ્ત :

..સેજપાલ શ્રી'રામ', ૦ર૮૮ (તા.ર૬/૧ર/ર૦૧પ)