Rakhopu books and stories free download online pdf in Gujarati

રખોપું

વિશ્વાસ

ગોપી નિરાશ વદને દૂર સરી જતી ધૂળ ઉડાડતી બસને જોઈ રહી. છેલ્લી બસ છુટી જવાનો ભયંકર વસવસો એના જીવને ચણચણાવતો હતો. ડરથી એનું હ્રદય ઘ્રુજવા લાગ્યું હતું. વેરાવળથી જુનાગઢ વાયા સાસણ ગીર જતો રસ્તો, સાંજનો સમય, તદ્દન અજાણી જગ્યાં અને અંતરિયાળ ગામડાનો વેરાન રસ્તો. આમ તો જંગલ જ કહેવાય.

હવે શું કરીશ ? કોને પુંછું ? કયાં જઈશ ? વગેરે વિચારોથી ગોપીનો ડર ઘેરો બનતો જતો હતો. સ્વભાવે સાહસિક અને ઉત્સાહી ગોપી આમ તો સંજોગોથી હિમ્મત હારે એવી નહોતી. કદાચ વ્યવસાયે પત્રકાર હોવાને કારણે વારંવાર બહાર ફરવાનું રહેતું એટલે પરિસ્થતીઓને પારખીને હેન્ડલ કરવામાં એ માહિર થવા લાગી હતી. પણ આજનો અનુભવ જરા જુદો હતો. આ પહેલાં કદાચ આવી પરીસ્થિતિ આવી જ નહોતી.

તળાળા ગીરથી અંદરની તરફ સતર કિલોમીટરની દુરી પર આવેલાં જાંબુર ગામમાં વસતી સીદી બાદશાહ તરીકે ઓળખાતી એક કોમ જેણે સૈકાઓ પહેલાં ગીરને જ પોતાનું વતન બનાવી દીધું છે. એમનો ઈતિહાસ જાણવા/ સંશોધન કરવાનાં આશયથી ગોપી અહી આવી હતી. પણ રસપ્રદ સંશોધન અને ગામના લોકોને મળવામાં તલ્લીન ગોપીને સમયનું ભાન ન રહયું અને ગામથી ચાલતી ચાલતી બહાર તરફ આવી ત્યાં જ રસ્તા પરથી સનસનાટ ધૂળ ઉડાડતી જુનાગઢની છેલ્લી બસ પસાર થઇ ગઈ. અને ગોપી એક ધબકારો ચુકી ગઈ. જંગલમાં અંધકારનાં ઓળા પણ ઉતરી રહયાં હતાં. રસ્તા પર એણે આજુબાજુ નજર દોડાવી પણ વ્યર્થ, થોડે દુર ઝાડ નીચે બેઠેલાં ત્રણ પુરુષો દેખાયાં, એ લોકો ધ્યાનથી પોતાની તરફ જોઈ રહયા છે એ વાતનો અહેસાસ થતાં જ યુવાન અને દેખાવે સુંદર ગોપી ધ્રુજવા લાગી, એણે તરત જ ગામ તરફ પાછા ફરવાનો નિર્ણય કર્યો. પણ પંદર/વીસ મિનીટ તો ચાલવું જ પડે એટલો રસ્તો તો હતો જ, ગોપી મનોમન ભગવાનને યાદ કરવા લાગી. મોબાઈલ યાદ આવ્યો અને ઘરનો નંબર લગાવ્યો પણ નેટવર્ક નોટ અવેલેબલ, ગોપીને સાંજની સુહાની ઠંડકમાં પણ પરસેવો છૂટવા લાગ્યો. ત્યાં જ જાણે ભગવાન વહારે આવ્યાં હોય તેમ ઝાડી ઝાંખરામાંથી એક સ્ત્રીને બહાર આવતાં જોઈ ગોપી ઝડપથી એની તરફ સરકી, વીખરાયેલાં વાળ, કાળો રંગ, ફાટેલાં કપડાં અને પરસેવાની આવતી અસહય દુર્ગંધથી ગોપીને એની તરફ અણગમો તો આવ્યો પણ શું કરે ?એ લાચાર હતી.

“બેન, મારું નામ ગોપી છે, પત્રકાર છું, અમદાવાદથી આવું છું, બસ ચુકી ગઈ છું અને રાત અહીં રહેવુ પડે એમ થઇ ગયું છે, અહી આટલામાં કયાંય એકાદ રૂમ મળે એવી હોટલ, ગેસ્ટ હાઉસ કે કાઇ ખરું ?” ગોપીએ એકસામટું બધુ બોલી નાખ્યું.બોલતા બોલતા ગોપીની નજર ઝાડ નીચે બેઠેલા પેલા પુરુષો તરફ હતી.

પેલી સ્ત્રી એની તરફ જોઈ રહી પછી બોલી, ”બેન, આંઈ એવું કાંઈ ન મળે, તમે હું છો કીધું ? અટાણે હું કામ આંઈ છો?”

“હું પત્રકાર છું” ગોપીને લાગ્યું કે એ નથી સમજી રહી એટલે એને સરળતાથી કહયું, “બેન, હું છાપામાં લખું છું”. અને પોતે શા માટે આવી હતી એ પણ જણાવ્યું.

પેલી સ્ત્રી થોડીવાર વિચારમાં પડી અને પછી બોલી,”બુન, હાલો મારી હારે”.વળી પેલા પુરુષો તરફ જોતા ગોપીને કહ્યું,”ફિકર કરો મા બુન,ઈમાનો એકે આડો થાહે તો વધેરી મેલીશ ઈને “.

ગોપી ભગવાનને યાદ કરી તરત તૈયાર થઇ ગઈ, બીજો રસ્તો પણ કયાં હતો એની પાસે ?

ઝાડી ઝાંખરા કાપતાં કાપતાં તે બન્ને જંગલની અંદર આવેલાં સાવ નાના કબીલામાં પહોરયાં, જ્યાં અંધારામાં ગોપીને લાગ્યું કે કદાચ પંદર/વીસ ઘર માંડ હશે. લાઈટ તો હોય જ નહી.

પાણી અને લાઈટ જેવી જરૂરી સગવડના પણ અભાવ વાળુ ગામ, એક નાની ઝુપડી પાસે બન્ને અટકયાં. પેલી સ્ત્રીએ ફાનસ કર્યું અને ગોપીએ ઝુપડી દ્વારા એ સ્ત્રીનાં જીવનમાં ડોકિયું.

એક તુટેલી ખાટ, બે ત્રણ સુઘડ સ્વરછ ગોદડી, ખુણામાં ચુલો અને જરૂર પુરતા જ વાસણો, સાઈડમાં મિલ્કત. બે નાનાં બાળકો ગોપીને જોઈ બેઠા થઇ ગયાં. પેલી સ્ત્રીએ ગોપીને ખાટ પર ગોદડી પાથરી બેસાડી અને પાણી આપ્યું.

“બુન, ચા પીસો ને?” થાકેલી ગોપીથી હા પડાઈ ગઈ. સ્ત્રીએ છુટ્ટા સિક્કા દિકરાને આપી દુધ લાવવાનું કહયું. ગોપીએ પૈસા આપવાની વાત કરી પણ ખુબ જ પ્રેમથી એ સ્ત્રીએ પૈસા આપવાની ના પાડી. ગોપીને જમવાનું પૂછ્યું, પણ ગોપીએ ઝુપડીનાં માહોલ પરથી વર્તી લીધુ હતું કે એમનું રસોડું પતી ગયું છે.અને હવે ઘરમાં પણ કદાચ કશું જ હશે નહીં. ગોપીએ ના પાડી, પર્સમાંથી બિસ્કીટ કાઢ્યાં. થોડીવારમાં કડક, મીઠી અસલ કાઠીયાવાડી ચા તૈયાર. ગોપીએ પેલી સ્ત્રીના બંને દિકરાને પણ પરાણે પોતાની સાથે ચા સાથે બિસ્કીટ ખાવા બેસાડ્યા. બિસ્કીટના અલગ અલગ પ્રકાર જોઈ બન્ને બાળકોની નજરમાં ચમક આવી ગઈ એ જોઈ ગોપીને લક્ઝુરીયસ ફ્લેટમાં પોતાની સાથે પ્રેમથી પાસ્તા આરોગતાં પોતાના સંતાનો પણ યાદ આવી ગયાં.ગોપીએ ફરી મોબાઈલ જોડ્યો પણ એક જ વાત કે “નો નેટવર્ક”

ગોપીએ કુતુહલ વશ પેલી સ્ત્રી સાથે વાતો શરું કરી, “તમારા ઘરવાળા...?”

“દાડિયે ગયાં છે, આવશે હમણાં”. નાના દીકરાને ખોળામાં સુવાડતાં સ્ત્રી બોલી.

“ એ અત્યારે કેવી રીતે આવશે?” ગોપી એ પૂછ્યું. “છકડો ફરતો હોય ને બુન.”

“તે છકડો પાછો નહિ જતો હોય ? હું એમાં જાઉં તો ક્યાં સુધી...”

“અતારે તે જવાતું હશે, ગાંડા થ્યા સો”? આપણે અસ્ત્રીની જાત, બુન. આહીં સાંજ પસે બધાં મહુડાની અસરે ભાન ભૂલ્યાં હોય બુન. તમારે શેર જેવું મારે ત્યાં નોય પણ રાત કાઢી નાખો...” ગોપીની વાતને વચ્ચેથી કાપતાં સ્ત્રી બોલી.

“તમારો ઘરવાળો પીવે છે કે નહી”? ગોપી બોલી. “કોક વાર, રોજ તો નહી. ઘણું ના પાડું બુન પણ, મુઉ મને થાય કે કોકદી થાકનો માર્યો પી લે તો મેલ માથાકૂટ, એટલે કજિયા ન કરું.” સ્ત્રીએ બહુ જ સાહજિકતા થી કહયું.

“ કજીયો કરે તો શું?” તારું માને ખરો તારો ઘરવાળો? વાતવાતમાં ગોપી કયારે તું કારે આવી ગઈ ખબર ન પડી.

“ના બુન, મોટો કજિયો કરે, ભવાડા કરે ને છોકરાં દેખતાં ઘોલ-ઘપાટ થાય હારું નો લાગે.” સ્ત્રી એ બહુ જ આસાનીથી દીકરાને ગોદડી પર સુવાડતા ધીમેથી જવાબ દીધો.

“ઘોલઘપાટ પણ કરે ?” ગોપીનો અવાજ થોડો ઉંચો થયો.” તું સહન કરી લે “?

“ હું કરું બુન? મેલી થોડો દેવાય છે ? હું હમજું કે ઈતો પીટ્યો મહુડો કરાવે એટલે .બાકી એને કયાં ભાન હોય છે? બાકી તો ક્યાંય મેલી આવું ? એક વાર ઈને એવી માઈરીતી તે હું તો ઘડીકમાં પુગી ગઈ તી જમાદારને ઘીરે ,આ મારો મોટો ઘાવલો હતો ત્યારની વાત લ્યો,તે દી જમાદારને ઘીરે લઇ આઈ ને ઘણીને કીધું બોલ, હું કરવું શે તારે ? અસ્ત્રીનો અવતાર છું. હરાયું ઢોર નત. રે મુઆ, હરાયા ઢોરને પંપાળવું પડેશ.ઈ વગર તો ઈ યે તે હાથ મેલવા નત દેતું, આવી ધોલ ધપાટ કૈરી તો અબઘડી રેઢો મેલીસ. બસ બુન તે દી’ થી ઈ હમજી ગયો છે. જમાદારે ય ઘણું ડાઈરો .પણ ઈ દાડો ગયો પછી દારૂનો ચડેલો હોય તો હું ઈને વટાવું જ નહિ . બાકી આડો થાય તો હું તો હાલતી. મારે તો દાડિયું કરીને ખાવું, કયાંય પણ હોવ.આ બે વાર વી ગઈ ઈ પશે ઈ હમજી ગયો.

પણ હાચી વાત કહું બુન, મનનો હારો છે મારો ઘણી, ખાલી સ્વભાવે જ આકરો, બાકી તો જેમ પેટ ટાણાસર રોટલો માગે એમ ભુંડી જાઇતની પણ ભૂખ હોય છે ને બુન ! ઈમ થાય કે બને ત્યાં લગણ

અસ્ત્રી દેહ અભડાઈએ નહી, બાકી પછી અમારે બીજે જવામાં નવાઈ નો હોય.”

થોડીવાર માટે બન્ને ચુપ થઇ ગયાં. ગોપી મનોમન આ અભણ સ્ત્રીનાં બોલ્ડ વિચારોને વાગોળી રહી. એસી રૂમમાં ડબલ બેડ પર સુવા ટેવાયેલી ગોપીને કયારે તુટેલી ખાટ પર ઊંઘ આવી ગઈ ખબર ન પડી .સવારે ટપ ટપ રોટલાં ટીપવાના અવાજ અને બાજરીની મઘમઘતી ગરમ સુગંધથી ગોપીની આંખ ખુલી.

“હાલો બુન, ગરમ ચા અને રોટલાં તૈયાર છે. થોડું શિરામાણ કરીને જાવ બુન. રસ્તો ઘણો લાંબો છે. અમારે રોટલાં સિવાય કાંઈ નો હોય પણ અમારા હાથનાં તાજા ગરમ રોટલાં ખાવ બુન.’ ગોપીને પણ ભૂખ લાગી હતી. બ્રશ કરી, તૈયાર થઇ ગોપી ચુલા સામે જ ગોઠવાઈ ગઈ. ગોપીએ પુછ્યું, “એલી તારા ઘરવાળા...?

“બુન,ઈ રાઈતે આવેલો. મેં હંધુય તે કીધું ઈને , ઈ કે હારું થયું તું ઘેર લઈ આઈ . મેમાન કયાંથી ? પણ તમિ એવા હુતાતા કી મેં ઉઠાઇડા નહિ. બુન વહેલી હવારે પહેલા સકડામાં ઈ દાડિયે વયો ગયો .

“મને બસ કયાંથી મળશે ?” ગોપીએ પૂછ્યું .” હાલો બુન હું બેહાડી જાવ , આહીં આઇવા તે ટેમ તો અંધારું હતું તી તમને રસ્તો નહિ ઝડે. આમેય આ જંગલ છે બુન, હું ભેળી આવું સુ”

ગોપીએ બહાર નીકાળતી વખતે બન્ને દીકરાનાં હાથમાં પૈસા આપવાની કોશિશ કરી પણ એ સ્વમાની સ્ત્રીએ હાથ પકડી લીધાં, “મારી બુન, તમે ભુલા પડેલા ને હું લઇ આઈ બસ, તમે અમ ગરીબને ધીરે રયા ઈ જ બવ સે, પૈસા આલ્વા જ હોય તો ફરી ખાસ આવજો, લઇ લેહું.મારો ધરમ લાજે મારી બુન” ગામડાની એ સ્ત્રી ફાટેલા પાલવથી આંખનો ખૂણો લુછતા બોલી.

સુરજ હજુ ઉગુઉગુ થઇ રહયો હતો. જંગલનું બિહામણું વાતાવરણ ગોપીને અત્યારે આલ્હાક લાગતુ હતું. બન્ને જણા ઝાડી ઝાંખરા વચ્ચેથી રોડ પર આવ્યાં ણે તરત બસ આવી.

“ બુન અમદાવાદથી આઇવા સે, સાપામાં લખવાની નોકરી કરે છે, જાળવીને લઇ જાજે ભા.” બસનાં ડ્રાયવરને પેલી સ્ત્રી એ ભલામણ કરી.

ડ્રાયવર તરત બોલી ઉઠ્યો ,”લછમિ ,તે મી હામ્ભ્ળ્યું ઈ હાચુ....”

“મુઆ ,બંધ મરી જા નકર તને ય તે ....છાનોમુનો નેકળ આહીથી “હાથમાં દાતરડું ફેરવતા લછમિ બોલી ઉઠી.

“તારુ નામ લછમિ છે ?”બોલતા બોલતા બસનું પગથિયું ચડતી ગોપી અટકીને પાછી ફરી, થોડીવાર પેલી સ્ત્રીને જોઈ રહી અને પછી પ્રેમથી એને વળગી પડી. એનાં પરસેવાની દુર્ગંધમાં ગોપીને માનવતાની મહેક મળી ગોપીની આંખો સજળ થઇ. ગરીબ માણસની નિખાલસ આતિથ્ય ભાવનાને ગોપી મનોમન વંદતી રહી. દુરથી કયાંક વાગતાં ગીતનાં શબ્દો કાને પડ્યાં, “ આદમી હું આદમી સે પ્યાર કરતાં હું” ?

બસમાં સન્નાટો છવાયેલો રહયો.કોઈ કાઈ બોલ્યું નહિ.ડ્રાયવર પુરપાટ બસ ચલાવતો રહયો.આખરે ગોપી અમદાવાદ પહોંચી.ઘેર જઈ એ તરત જ પ્રેસ પર પહોચી .પણ ત્યાં આજના છાપા માટે તૈયાર થઇ રહેલાં સમાચાર જોઈ ગોપી સ્તબ્ધ થઇ ગઈ.

“ દારુ પીને મોડી રાતે ઘેર આવેલા પતિએ ઘરમાં આશ્રિત મહિલા પર નજર બગાડતા તેની પત્ની લછમિએ કરેલી પતિની હત્યા “

ગોપાલી બુચ

gopalibuch@gmail.com