Swadeshi aetle shu ane shena mate books and stories free download online pdf in Gujarati

સ્વદેશી એટલે શું અને શેના માટે

સ્વદેશી એટલે શું અને શેના માટે.?

ઉપરનું શીર્ષક વાંચીને કેટલાકને એમ થશે કે લેખક ચુસ્ત સ્વદેશી વસ્તુઓ વાપરવાના આગ્રહી હશે. પોતાના ઘરમાં એકપણ વિદેશી ઉત્પાદિત વસ્તુઓ જેમકે સ્માર્ટફોન કે કમ્પ્યુટર પણ નહિ વાપરતા હોય. પરંતુ ના એવું નથી. મારા સ્વદેશીના આગ્રહ પાછળ અમુક તર્ક રહેલા છે અને આજે આવી કેટલીક વાતોનું જ અહી સ્પષ્ટીકરણ કરવું છે. સ્વદેશીની જયારે જયારે વાત આવે ત્યારે કેટલાક લોકો એવા તર્ક મુકતા હોય છે કે ભલે સ્વદેશીના ગમે તેટલા ઢોલ પીટો પરંતુ અમુક બાબતોમાં આપણે વિદેશી વસ્તુઓને અવગણી ન શકીએ. જેમકે તમે ફેસબુક કે વ્હોટસએપ વાપરો છો એ, એને જે સ્માર્ટફોનમાં વાપરો છો એ સ્માર્ટફોન અને લેપટોપ જેના પર તમે લખો છો એ લેપટોપ બનાવતી કંપનીઓ મોટાભાગે વિદેશી જ છે તો પછી શા માટે સ્વદેશી સ્વદેશીના બણગા ફૂંકો છો.?

મારા એક લેખકમિત્ર એ કહેલું કે ‘ભાઈ તું ભલે સ્વદેશી વસ્તુઓ વિષે આટલું બધું લખશ અને હું તારી એ વાતોથી સહમત પણ છું છતાં અમુક બાબતોમાં હું વિદેશી વસ્તુઓને અવગણી નથી શકતો. અમુક બાબતોમાં હું ગેરંટી માંગી લઉં છું અને એટલા માટે જ હું સેમસંગનો સ્માર્ટફોન વાપરું છું’. હા બેશક અમુક એવા ક્ષેત્રો છે જેમાં ભારતીય બનાવટની વસ્તુઓ હજુ ઘણી પાછળ છે જેમ કે ઇલેક્ટ્રોનીક્સ... ભલે આ ઇલેક્ટ્રોનીક્સ કંપનીઓમાં કામ કરતા મોટાભાગના લોકો ભારતીય હોય પરંતુ કંપની તો વિદેશી જ છે ને.? આપણે આશા રાખી શકીએ કે એક દિવસ સંપૂર્ણ ભારતીય બનાવટના સ્માર્ટફોન સૌના હાથમાં હશે પરંતુ અત્યારે એનો કોઈ વિકલ્પ નથી.

અહી ખરેખર તો આ બધા મુદ્દાઓનો મારે વિરોધ નથી કરવાનો. મારે કહેવાનું છે એવી કેટલીક બાબતો વિષે જે આપણા વિદેશ પ્રેમના લીધે આપણી સામાન્ય જરૂરિયાતો સુધી પહોંચી ગઈ છે. ઘણીબધી એવી વિદેશી ઉત્પાદિત વસ્તુઓ છે જેને અપનાવીને આપણે આપણા દેશનો સર્વનાશ કરી રહ્યા છીએ. વિદેશી કંપનીઓ દ્વારા બનતી આવી અમુક પાયાની જરૂરીયાતોની મારે વાત કરવાની છે કે જેને આજે જ આપણે આપણી દિનચર્યામાંથી ત્યજી દઈએ તો ખુબ ખુબ ભલું થશે આપણું, આપણા સમાજનું અને આપણા દેશનું.

આજે સમય એવો આવ્યો છે કે આપણા વિદેશીના આગ્રહના લીધે આપણે પાણી પણ વિદેશી કંપનીઓનું પી રહ્યા છીએ જેમ કે કિન્લે, બિસ્લેરી. નમક પણ વિદેશી કંપનીઓનું ખાઈ રહ્યા છીએ જેમકે ITC. ઘઉંનો લોટ પણ વિદેશી કંપનીઓનો ખરીદી તેમને લાભ આપી રહ્યા છીએ જેમકે આશીર્વાદ, અન્નપુર્ણા. શું આપણે એટલા બાપડા કે બિચારા છીએ કે આપણા દેશમાં વહેતી કેટલીએ નદીઓનું પાણી છોડી પ્લાસ્ટિકની બોટલોમાં પેક વિદેશી કંપનીઓનું પાણી પીએ.? શું આપણામાં એટલી પણ તાકાત નથી કે ૪૦૦૦ કિલોમીટર (કે કદાચ એથી પણ વધુ.!) દરિયાકિનારો ધરાવતા દેશમાં એક નમકનું ઉત્પાદન ન કરી શકીએ અને એના માટે પણ વિદેશી કંપનીઓને બોલાવવી પડે. આ નમક બનાવવામાં ક્યાં કોઈ હાઈ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. બસ સમુદ્રનો કિનારો હોય, ખારું પાણી હોય અને સૂર્યનો તાપ હોય એટલે બની જાય નમક. ભલા એમાં વિદેશી કંપનીઓને લાભ આપવાની શી જરૂર છે.?

કેટલીક એવી વસ્તુઓ છે જે પેદા આપણા દેશમાં થાય છે. આપણા દેશના ખેડૂતો કઠોર પરિશ્રમ કરીને એને પેદા કરે છે છતાં એમને મહેનતાણું કશું નથી મળતું. જેમકે ઘઉં અને બીજા કેટલાક ધાન્યો અને આ સિવાય ચાયની પત્તી. આ બધા ભારતીય ઉત્પાદોને પેલા વિદેશીઓ ખેડૂતો પાસે અત્યંત નીચા ભાવે લઈને તેને ફક્ત પેકેટમાં પેક કરી બજારમાં ઉતારે છે અને શહેરોના મોલ્સમાં ઊંચા ભાવે વેંચે છે. તેમનો માલ વિદેશી કંપનીઓના ટેગ લાગવાના લીધે જલ્દીથી વહેંચાઇ જાય છે. છૂટક વેંચનારા ખેડૂતોનો કોઈ ભાવ પણ નથી પૂછતું અને એટલે એમને આત્મહત્યા કરવી પડે છે.

જાપાન દેશનું એક ઉદાહરણ રજુ કરું છું. તમે જાણો છો જાપાન દેશ આટલો સમૃદ્ધ શા માટે છે.? એનું એક કારણ એ છે કે બને ત્યાં સુધી જાપાનીઓ સ્વદેશી વસ્તુઓનો આગ્રહ રાખે છે. આ સ્વદેશી એટલે એમના માટે જાપાનમાં ઉત્પાદિત થયેલી વસ્તુઓ. જાપાનમાં થોડા વર્ષો પહેલા અમેરિકાએ એવા સંતરા નિકાસિત કર્યા હતા જે સાઈઝમાં જાપાની સંતરા કરતા મોટા, સ્વાદે મીઠા અને ભાવમાં સસ્તા હતા. આની સામે જાપાની સંતરા સાઈઝમાં નાના, સ્વાદે મોળા અને મોંઘા હતા. આવા અમેરિકન સંતરા બજારમાં ઉપલબ્ધ થયા હોવા છતાં જાપાની લોકોએ જાપાની સંતરાનો મોહ ન છોડ્યો. જયારે કેટલાક લોકોને એ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે એમનો ઉત્તર વખાણવાલાયક હતો. જાપાની સંતરા ખરીદનાર જાપાની ગ્રાહકોનું કહેવું હતું કે ભલે અમેરિકન સંતરા સાઈઝમાં જાપાની સંતરા કરતા મોટા, સ્વાદે મીઠા અને ભાવમાં સસ્તા હોય પરંતુ એ છે તો વિદેશી જ ને. સામે જાપાની સંતરા સાઈઝમાં નાના, સ્વાદે મોળા અને મોંઘા ભલે હોય પરંતુ એ મારા દેશના છે. મારા દ્વારા અપાયેલું ધન એનાથી અમારા દેશના ખેડૂતને જશે. હું મારું ધન એ લુચ્ચા અમેરિકનોને કદીય નહિ આપું જેમણે બીજા વિશ્વયુધ્ધમાં અમારા દેશનો સત્યાનાશ કરેલો.

કેવી ઉંચી ભાવના છે આ જાપાનીઓની.! જાણે તેઓ કહી રહ્યા હોય કે મારું તન હોય સ્વદેશી, મારું મન હોય સ્વદેશી, અગર હું મરી પણ જઉં તો મને ઓઢાડવામાં આવતું કફન પણ હોય સ્વદેશી.

કેટલાક લોકો દેશી અને સ્વદેશી વસ્તુઓના ભેદને નથી સમજતા. આ દેશી અને સ્વદેશી વચ્ચે પાતળી રેખા છે જે એકમેકને છુટા પાડે છે. મુખ્યત્વે ત્રણ પ્રકાર રહેલા છે વિદેશી, દેશી અને સ્વદેશી. અહી ‘સ્વદેશી’ નો અર્થ બિલકુલ સરળ અને સ્પષ્ટ છે. સ્વદેશીને વ્યાખ્યાયિત કરવું હોય તો આ પ્રમાણે કરી શકાય. જે પ્રકૃતિ અને મનુષ્યનું શોષણ કર્યા વગર, આપણી સનાતન સંસ્કૃતિ અને સભ્યતાને અનુરૂપ અને પોતાના ભૌગોલિક સ્થાનની સૌથી નજીક કોઈપણ સ્થાનિક કારીગર દ્વારા જે કોઈ સેવા આપવામાં આવતી હોય અને તેમને અપાતી મૂડીનો સ્થાનિક અર્થવ્યવસ્થાને મજબુત કરવામાં ઉપયોગ થતો હોય એને સ્વદેશી કહેવાય. આપણે લોકો દેશીને સ્વદેશી સમજવાની ભૂલ કરી બેઠા છીએ જેનાથી આપણા દેશની અમુક કંપનીઓને તો ફાયદો થાય જ છે, પરંતુ તેનાથી સ્થાનિક કારીગરોનો વ્યવસાય ભાંગી પડે છે અને એના લીધે સ્થાનિક અર્થવ્યવસ્થા નબળી પડે છે.

ઉદાહરણ આપીને સમજાવું તો લીમડો કે બાવળનું દાતણ કરવું સ્વદેશી ગણાય. કારણ કે આવા દાતણને આપણા દેશની કે કોઈ વિદેશી કંપની ઉત્પાદિત નથી કરતી. આવા દાતણ આપણા દેશના સ્થાનિક ગરીબ લોકો વેંચે છે અને બે પૈસા કમાય છે. આવા લોકો માટે આપણે સૌને ગર્વ થવો જોઈએ કારણ કે તેઓ મેહનતનો પૈસો કમાય છે, ભીખ નથી માંગતા. દાતણ બનાવવામાં પ્રકૃતિ કે મનુષ્યનું શોષણ થતું નથી અને બીજું એ કે એ સંપૂર્ણ રીતે પ્રાકૃતિક છે.

ટૂથપેસ્ટ ઘસવું દેશી ગણી શકાય જો તેને આપણા દેશની કોઈ કંપની ઉત્પાદિત કરીને વેંચતી હોય અથવા તો એને વિદેશી ગણી શકાય જો તેને બીજા દેશની કોઈ કંપની ઉત્પાદિત કરીને વેંચતી હોય પરંતુ ટૂથપેસ્ટ ઘસવું કદી સ્વદેશી ન માની શકાય. કારણ કે એ આપણા દેશની સનાતન સંસ્કૃતિ અને સભ્યતાને અનુરૂપ નથી. આપણા પૂર્વજો વર્ષોથી દાતણ ઘસતા આવ્યા છે. (દાતણ વિષે વધુ વિગત માટે વાંચો આંધળું અનુકરણ ભાગ-૧).

આવી જ રીતે ફળોના રસ જેમ કે મોસંબી, નારંગી, ચીકુ, શેરડી, નારિયલ પાણી, લીંબુ પાણી, શિકંજી વગેરેનું સેવન કરવું સ્વદેશી ગણાય જો એ સ્થાનીય વ્યવસાયિક દ્વારા વેંચવામાં આવતું હોય. કારણ કે આવા ફળોનો રસ સંપૂર્ણ રીતે પ્રાકૃતિક છે અને સ્થાનિક અર્થતંત્રને પ્રોત્સાહન પણ પૂરું પાડે છે. આની વિરુદ્ધ આવા કોઈપણ પ્રકારના પેય પદાર્થોને જો આપણા દેશની કંપનીઓ ડબ્બામાં પેક કરીને વેંચે તો એ દેશી ગણી શકાય પરંતુ કદી સ્વદેશી ન ગણી શકાય. લિમ્કા, સિટ્રા, પેપ્સી, કોકાકોલા, થમ્બ્સ અપ વગેરે પેય પદાર્થોને વિદેશી ગણાય. કારણ કે તેનું ઉત્પાદન વિદેશી કંપનીઓ દ્વારા થાય છે. આપણા દેશની કોઈપણ કંપની તેનું ઉત્પાદન નથી કરતી. દારૂનું સેવન કદીય સ્વદેશી ન હોઈ શકે કારણ કે ઉપર કહ્યું એમ દારૂ પીવું એ આપણા દેશની સનાતન સંસ્કૃતિ અને સભ્યતાને અનુરૂપ નથી.

દિવાળી પર માટીના દીવા કરવા એ પણ સ્વદેશી ગણી શકાય કારણ કે સ્વદેશીની વ્યાખ્યા અનુસાર એ બંધબેસતું છે. આની સામે વિજળીના દીવા કરવા દેશી હોઈ શકે અગર વિદેશી હોઈ શકે, સ્વદેશી કદી ન હોઈ શકે. આપણા પહેરવેશ પણ કુર્તા, પાયજામા, ધોતી વગેરેને સ્વદેશી ગણી શકાય. કોટ-પેન્ટ દેશી કે વિદેશી હોઈ શકે સ્વદેશી કદી ન ગણાય. અમુલ, મધર ડેરી, માહી વગેરેનું દૂધ અને તેની પેદાશો દેશી કહેવાય, સ્વદેશી નહિ હવે એ તો સમજી જ ગયા હશો.

કહેવાનો સ્પષ્ટ ઉદેશ્ય એ જ છે કે લાખોપતીને અરબપતિ બનાવી દેવું કે પછી અરબપતિને ખરબપતિ બનાવી દેવું સ્વદેશી ન ગણી શકાય પરંતુ સ્થાનિક લોકોને રોજગારી આપીને સ્થાનીય અર્થવ્યવસ્થાને મજબુત બનાવવું એ જ સ્વદેશીનો મુખ્ય હેતુ છે.

આ સ્વદેશી માત્ર વસ્તુઓને ખરીદીને તેના પ્રયોગ સુધી જ સીમિત નથી. પરંતુ પોતાને પોતાની સનાતન સંસ્કૃતિ અને સભ્યતાથી જોડી રાખવું તથા પોતાના સમાજ અને રાષ્ટ્રને પણ પોતાની સનાતન સંસ્કૃતિ અને સભ્યતાથી જોડી રાખવું એ જ સ્વદેશીનો વાસ્તવિક અર્થ છે. આપણા દેશમાં ચાલતા અંગ્રેજી કાનુન પણ આપણી સંસ્કૃતિ અને સભ્યતાને અનુકુળ ન હોવાથી એને બદલવા આવશ્યક છે.

એક લેખકે એક પુસ્તકમાં કહ્યું છે કે આ જગતમાં એક પરિંદુ ઉડે તો એ બદલાવ આવે. તેમની આ ઉક્તિને સાર્થક ઠેરવતા આજે જ આપણને શરૂઆત કરવી જોઈએ. ભલા એકલો માણસ શું કરી શકે એમ માનવાને કોઈ અવકાશ નથી. સ્વદેશીનો સરળ અર્થ સમજ્યા પછી આજથી જ તેનો અમલ શરૂ કરવાથી આપણે આપણા દેશમાં એક મોટી ક્રાંતિ સર્જી શકીશું. એની શરૂઆત આપણે જ કરવી પડશે અને આજે જ કરવી પડશે. આપણા દેશને બચાવવા માટે સ્વદેશી અપનાવવું જ પડશે.

ભારત માતાની જય

જય હિન્દ

વંદે માતરમ્

(સ્વર્ગસ્થ રાજીવ દિક્ષિતજીના વ્યાખ્યાનો પરથી પ્રેરિત.)