Voiceless Vedshakha books and stories free download online pdf in Gujarati

વોઈસલેસ વેદશાખા

વોઈસલેસ વેદશાખા ૧

__________________________________________

પૂજન ખખ્ખર


પ્રસ્તાવના :-

૩ વર્ષ પછી આજે ભવ્ય સફળતા મેળવનારો વેદાંત લક્ઝરિયસ હૉટેલના રૂમમાં બેઠો છે. તે વિચારે છે કે.."મારું પહેલા પણ કોઈ નહોતુ કે નથી આજે પણ કોઈ..ફરક માત્ર એટલો છે કે ત્યારે મને કોઈ ઓળખતું નહોતુ અને આજે બધા ઓળખે છે." કુદરતે છીનવી લિધેલી એ શક્તિ વેદાંત માટે પડકારજનક હતી પરંતુ આજે એ જ શક્તિ એને માટે વરદાનરૂપ છે. તેને ચાહનારો વર્ગ છે આજે પરંતુ તેની ચાહના કે જેને આ નામના આપી એ તો એના જ વિશ્વમાં છે. તેમની વચ્ચે કંઈ ન હોવા છતા તેઓ એકબીજા વગર રહી શકતા નથી. રૂમમાં કોઈ આવે છે.

"શું વિચારે છે?"

"આ બધું શું કામનું?"

"અરે.. પુસ્તકનું પ્રમોશન તો કરવું પડે ને.. આનાથી તને વધુ વાંચકો મળશે.."

"મને તુ જોઈએ છે! વાંચકો નહિં." વેદાંતનું મન આ કહેવા માગે છે પણ તે બોલી શકતો નથી.

સંબંધનું કોઈ મૂલ્ય નથી. તે નિભાવવા માણસ બધુ જતુ કરવા તૈયાર છે. મૅડિકલ સાયન્સ અને ટેક્નોલોજીની આ જુગલબંધીએ લોકોને જાગતા કરી દિધા છે. તેઓ આજે યુવાનોના પ્રેરણાસ્ત્રોત બની ગયા છે. વિશાખા અને વેદાંતને પણ આશા નહોતી કે તેઓ આ રીતની સફળતા પામશે. પોતાની મુશ્કેલી દૂર કરવા મથી રહેલો વેદાંત આજે ઘર-ઘરમાં પ્રખ્યાત છે. દરેક મા-બાપ તેના ઉદાહરણથી પોતાના બાળકને આગળ વધવા સમજાવે છે.

આ બાજુ વિશાખાની પસંદગી પર વેદાંતનું જીવન ટકેલું છે. તે પોતે વિશાખા માટે મરી પડવા પણ તૈયાર છે.

"પેલા જ મૈં કહ્યુ તુ.. નહિં જવા દઉં.. એમ.." વેદાંત મોબાઈલમાં મેસેજ લખે છે.

"મને જવુ પણ નહોતું..વેદાંત મૈં તારી સાથે બહુ જ ખોટું કર્યું..મારા સ્વાર્થ ખાતર આવી છું.."

"તો શું પ્રેમ નથી?"

વિશાખાની આંખમાંથી આંસુ સરી પડે છે. વિશાખા મોઢા પર આંગળી રાખીને ચુપ રહેવાનો ઈશારો કરે છે અને પછી બંને એકબીજામાં ખોવાઈ જાય છે..

૧. વિશાખા

(શનિવાર સાંજે ૪:૦૦ વાગ્યે)

"વિશાખા...એ વિશાખા... કંઈ છે તુ?" આમ બૂમો પાડતા પ્રફુલાબેન વિશાખાના રૂમમાં પહોંચી જાય છે.

વિશાખા પોતાના નવા મોબાઈલ અને હેડફોનમાં ગુજરાતી ગઝલ સાંભળી રહી હતી. તેના મમ્મીની બૂમો તેને ના સંભળાતા તેના મમ્મીને રૂમની અંદર જોઈ તે અચાનક જ પલંગ પરથી ઊભી થઈ ગઈ.

"છેલ્લી ૨૦ મિનિટથી બૂમો નાખુ છું.. શું કરે છે તુ??" એના મમ્મીએ ગુસ્સાભર્યા અવાજે કહ્યું.

"સૉરી મમ્મી.. હું ગીતો સાંભળવામાં મગ્ન હતી.. મને ખબર નહિં કે તમે મને બૂમ પાડી.." એકદમ નિખાલસતાથી વિશાખાએ કહ્યું.

"આ નવા મોબાઈલ અને હેડફોન આવ્યા પછી તુ નીચે રહેતી જ નથી. જમીને કાં તો કામ પતાવીને સીધી ઉપર જ ચડી જાય છે. એક તો સોમવારે તુ હમણાં બારે ચાલી જઈશ. પછી ત્યાં તને કોણ બોલાવશે..?" બોલતા બોલતા પ્રફુલાબેનની આંખમાં આંસુ આવી ગયા.

"મમ્મી તમે એમ ના કહો.. મને પણ તમારા વગર નહિં ગમે.."

બંને એકબીજાને એકદમ જ ભેટી પડ્યા. બધા જ ગુજરાતી પરિવારમાં સૌથી વધુ જો ઝઘડા થતા હશે તો એ મમ્મી અને દિકરી વચ્ચે! 'સાસરે જઈશ ત્યારે સમજાશે.. પછી મને પેલા છોકરાવાળા સંભળાવે એ જરાય ના ગમે..' આવા ટોણાં લગભગ બધી જ મમ્મી પોતાની લાડકવાયીને દેતી હોય છે. આ ટોણાંથી બચવા દિકરી પોતાના પપ્પા આગળ જીદ્દ કરતી હોય છે. આખા ગામમાં સામે આંખે થનારો એ પિતા પોતાની દિકરીને કંઈ કહી શકતો નથી. તેથી દિકરીને મમ્મી કરતા હંમેશા પપ્પા વ્હાલા હોય છે. અમુક ઉંમર પછી હવે છોકરાઓ પણ સમજદારીપૂર્વક વર્તે છે ને જાણે છે કે મા-બાપને તેના પ્રત્યે સરખી જ લાગણી હોય છે. વિશાખા પણ અંદરથી ઢીલી પડી ગઈ છે. તે મમ્મીની રોજની રોકટોક, એ રસોઈ.. પપ્પાના આગમનની રાહ, રાતના બધાએ સાથે જમવાનુ આ બધુ હવે તે બહારે ભણવા જશે ત્યારે ભૂલી જવાનું છે. ત્યાં નવા મિત્રો, નવા લોકો, નવી દુનિયા છે. જેની સાથે જ બધુ કામ પાર પાડવું પડશે.

"મમ્મી હું માત્ર ૬-૭ માર્ક્સ માટે જ રહી ગઈ.. બાકી જામનગરની મૅડિકલ કૉલેજમાં જ એડમિશન મળી જાત.."

"બેટા.. જે થવાનું હતુ તે થઈ ગયુ.. આ રીતે આમ ઢીલું નો પડાય.. જો આમ જ રહીને તો એકપણ પરિસ્થિતિનો સામનો ના કરી શકી. હજુ તો દુનિયા જોવાની છે તારે.. ને કંઈ જીવનમાં બધુ આપણું ધાર્યુ ના થાય. જો એમ જ હોત તો થોડી મજા આવે આ જીંદગીના રોમાંચમાં! તુ હવે રાજકોટ જવાની છે તો તેની તૈયારી કર.. અહિં કરતા મોટી દુનિયા છે ત્યાં.. નસીબ કેવા સારા છે કે તને ત્યાં મળ્યું. આમ ભી તારે જવું જ હતુ ને બહારે.. આ તો હું બહુ ના-ના કરતી હતી."

"હા..મારે જવુ તો હતું.. પણ.."

"કંઈ નહિં થાય.. ચિંતા ના કર. તને નહિં ફાવે તો હું અને તારા પપ્પા ત્યાં આવી જઈશું.."

ગુજરાતી માં-બાપ ભલે ગમે તેટલા ઢીલા હોય પણ છોકરાઓ સામે ક્યારેય ઢીલા પડતા નથી. તે એકલામાં કાં તો રડી લેતા હોય છે કાં તો બધી વાતોને ગળી જતા હોય છે.. એમાં પણ ગુજરાતી સ્ત્રી હજુ ય બોલીને અથવા આસપાસની પડોશમાં પોતાના દુઃખ-દર્દ બાટતી જોવા મળશે. ગુજરાતી પુરુષ હંમેશા તે ગળી જતો હોય છે. અત્યારના યુવાનો જવાબદારી ના સહન કરી શકવાના હિસાબે વ્યસનનો ભોગ બને છે. બાકી, ગુજરાતી પુરુષ પોતાની વ્યથા બીજાને સંભળાવતો હોય એવું હજુ સુધી ક્યાંય જોવા મળ્યો નથી.

વિશાખા એક સરળ એવી સાહજિક અને લાગણીયુક્ત છોકરી છે. થોડાક માર્ક્સ ઓછા પડતા તેને જામનગરની બદલે રાજકોટની કૉલેજમાં એડમિશન મળ્યું છે. અજાણ્યા ગામમાં એકલું ન રહેવું પડે એટલે તે કૉલેજની હોસ્ટેલમાં જ રહેવાની છે. સાયન્સમાં સારા માર્ક્સથી પાસ થવાથી તેના પપ્પાએ તેને નવો મોબાઈલ અને હેડફોન ગિફ્ટ કર્યા છે. તે નવા આ સફર માટે એકદમ જ ઉત્સુક છે. કપડાથી લઈને બેગ સુધીની ખરીદી થઈ ચૂકી છે. તેના સ્કૂલના મિત્રો સાથેની એની છેલ્લી પાર્ટી પણ થઈ ચૂકી છે. બસ, હવે રાહ છે તો આ રવિવારની સાંજ પડવાની..

( રવિવારે સાંજે )

"બાય..મમ્મી.."

"બેટા.. ધ્યાન રાખજે..ત્યાં પહોંચીને ફોન કરજે.."

"હા.."

વિશાખા એકદમ જ ઉત્સુકતાથી રાજકોટની બસમાં બેસે છે. તે સિટમાં બેઠા-બેઠા કૉલેજમાં આવનારા મિત્રો અને ત્યાં થનારા જલસાની કલ્પના કરે છે. તેના ચહેરા પરની મુસ્કાન કહી દે છે કે આ કલ્પના કેટલી ખુબસૂરત હશે. તે પોતાને નસીબદાર માને છે અને ભગવાનનો અભાર માને છે કે તેને બહારે જવું હતું અને ત્યાં જવાનું થઈ ગયું. તે પોતાનાથી થતી બધી જ મહેનત કરશે અને તેના મમ્મી-પપ્પાનું નામ ખરાબ થાય એવું કામ નહિં કરે એવો મનોમન સંકલ્પ કરે છે.

હોસ્ટેલમાં પહોંચતા જ તે ઘરે ફોન કરી દે છે. પ્રિયંકા વિશાખાનું સ્વાગત કરે છે. આ રૂમમાં તે બે ને જ હવે રહેવાનું છે તેથી વિશાખા સૌથી પહેલા તેની રૂમ પાર્ટનર સાથે પ્રામાણિક સંબંધ બનાવવા ઈચ્છે છે. પ્રિયંકા પણ વિશાખાની જેમ જ ઉત્સુક અને ઉલ્લાસભર્યા વાતાવરણમાંથી આવી છે. બેયના સ્વભાવ લગભગ મળતાવળા હોય એમ બેયને લાગે છે. કોઈપણ સંબંધમાં સમયની જરૂર હોય છે. સમય થતા સંબંધમાં જો પ્રામાણિકતા અને વિનમ્રતા જળવાઈ રહે તો તે ચોક્કસ વિકસે છે. વિશાખાને તેની પહેલી ફ્રેન્ડ પ્રિયંકાના સ્વરૂપમાં મળી ગઈ છે. આ રીતે પરિવાર,મિત્રો, શોખ,પસંદ,નાપંસંદ જેવી અઢળક વાતો કરતા કરતા બેય સૂઈ જાય છે.

(સોમવારે સવારે ૭:૦૦ વાગ્યે)

વિશાખા અને પ્રિયંકા બંને તૈયાર થઈ કૉલેજ તરફ ચાલી નીકળે છે. નવા વિદ્યાર્થીઓ માટે આજે આ કૉલેજનો પહેલો દિવસ છે. તેથી તેમને ઑડિટોરીયમમાં જવાનું છે. આજે તેમને શૈક્ષણિક સત્રથી લઈને કૉલેજના નિયમો તો સિનિયરો દ્વારા થોડો રોમાંચ પણ જોવા મળશે. બંને છોકરીઓ એકદમ જ ખુશ છે. અહિં આવેલા બધા વિદ્યાર્થીઓના ચહેરા પર એક અલગ જ ચમક છે. બધા પોતાની શ્રેષ્ઠ કારકિર્દી બનાવશે અને પોતાના થકી મહત્તમ સેવા સમાજને આપશે એવા સપના સેવી રહ્યા છે. એવામાં એક સાહેબ આવ્યા અને માહોલ શાંત થયો. તે કાર્યક્રમનું સંચાલન ખૂબ જ વ્યવસ્થિત કરી રહ્યા છે એને કૉલેજના ટ્રસ્ટીને માનપૂર્વક આમંત્રણ આપ્યું. ટ્રસ્ટીએ દિપપ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત કરી. ડાઈસ પર આવતા તેને એક વિદ્યાર્થીઓના રગરગમાં આત્મવિશ્વાસ જગાડે એવી સ્પીચ આપી. મેડિકલ સાયન્સના ઈતિહાસથી લઈને આજના જમાનામાં મેડિકલ સાયન્સને ટેક્નોલોજી સાથે કેમ સાંકળી શકાય તેની માહિતી આપી. તમામ વિદ્યાર્થીઓમાં મહેનત કરવાનો જુસ્સો, ભણવાની તાલાવેલી તથા આ કારકિર્દી માટે પોતાને સમર્પિત કરવાની લગન લાગી ગઈ હતી. થોડા નિયમો અને શુભેચ્છા પાઠવી બધા મુખ્ય અધિકારીઓ અને મહેમાનોએ વિદાય લીધી.

સિનિયરોમાંથી કોઈ એક સ્ટુડન્ટ સ્ટેજ પર આવ્યો અને તેને વાતાવરણ હળવું કર્યુ. તેને બધાને પોતાનો પરિચય કરાવ્યો. થોડા નિયમો તોડવાના ચસ્કા અને જોક્સ સાથે પળવારમાં તેને નવા બધા સ્ટુડન્ટ્સનું દિલ જીતી લીધું. ત્યારબાદ તેણે પોતાની બ્રાન્ચની સૌથી ખૂબસૂરત અને સેક્સી અને કૉલેજની ડાન્સ ક્વિનને બોલાવી. તેનો પહેરવેશ, તેની ચાલ, તેના ઠુમકા, તેના હાવભાવથી ઑડિટોરીયમના બધા છોકરાઓના મોં ખૂલાના ખૂલાના રહી ગયા. એક મિનિટ ય એવી નહોતી કે ચિચિયારીઓ ના થઈ હોય. છોકરીઓ પણ જાણે દંગ થઈ ગઈ હતી. તો અમુક ઈર્ષ્યાના ભાવથી જોઈ રહી હતી. ડાન્સ પૂરા થવાની સાથે જ 'વન્સ મોર..' ની માંગ ઊભી થઈ. માહોલને વધારે રોમાંચક બનાવવા જો કોઈ નવા સ્ટુડન્ટ્સ તેને સાથ આપશે તો વન્સ મોર થશે એવું કહ્યું. કોઈએ સ્વૈચ્છિક હાથ ઊંચો ના કરતા તેને યાર્દચ્છિક રીતે ઊભા કર્યા. તેમાં વિશાખાનો વારો આવ્યો. પહેલા તો તે શરમાય પણ પેલાના આગ્રને માન આપીને તે સ્ટેજ પર ગઈ. ચારેકોર શોરબકોર થઈ રહ્યો હતો. કૉલેજનો માહોલ સંપૂર્ણ પણે એકદમ જ મસ્તીમાં ફરી વળ્યો હતો. નવા વિદ્યાર્થીઓના આનંદનો કોઈ પાર નહોતો. બે-ચાર ઠુમકાથી વિશાખા પણ હવે ચર્ચામાં હતી. એ જેવી સ્ટેજ પરથી નીચે ઊતરી કે તેને તેની નવી ફ્રેન્ડસ મળવા લાગી. અચાનક મળતા અટેન્શનથી તે ખુશીથી જુમી ઊઠી. આવી મોજમજા અને કેટલીક બીજી રમતોથી આજનો વેલકમ પ્રોગ્રામ પૂર્ણ થયો. આવતીકાલથી શૈક્ષણિક સત્ર ચાલુ થશે એવું જાહેર થયુ.

લગભગ એકાદ અઠવાડિયામાં વિશાખાને હવે પ્રિયંકા સહિત બીજી ચાર છોકરીઓ સાથે સરખું જામી ગયું હતુ. હજુ સાંજ પડતા વિશાખાને ઘરની યાદ આવતી હતી. આ ખોટને પૂરી કરવા હવે તે છ છોકરીઓના સહારા સિવાય બીજું કોઈ નહોતું. તેમાંથી ચાર તેમની સાથે હોસ્ટેલમાં જ રહેતી હતી અને બીજી બે રાજકોટની જ હતી. છોકરાઓ સાથેનો સંપર્ક ધીમે ધીમે થતો હતો. બધા એકબીજાથી પરિચિત ના હતા એટલે તેઓ ડરતા હતા. પ્રિયંકા અને વિશાખા બંને બધા સાથે ભળી જાય તેના પૂરતા પ્રયત્નોમાં હતા. અભ્યાસક્રમ બરાબર ચાલુ થઈ ગયો હતો. દરરોજ એમનેમ બેસીને અથવા વાતો અને મોબાઈલથી બધા કંટાળી ગયા હતા. કશેક ફરવા જવાનુ નક્કી કર્યુ. પ્રોપર રહેતી છોકરીઓને ફોન કરીને તેઓ તેની કારમાં પ્રસિધ્ધ રીંગરોડ પર ગયા. રોડ પર ચક્કર મારીને બધાએ સેલ્ફિ પડાવ્યા. મિત્રતાની મિઠાશ તો જ વધે જો તમે શૈક્ષણિક કામ સિવાય સમય પસાર કરો. બહારે શિવ સેન્ડવીચમાં નાસ્તો કરીને ઘરે ફરતી વેળાએ બધા ખુશખુશાલ હતા. પ્રિયંકાએ ફેસબુકમાં ફોટા મૂક્યા વિથ સ્ટેટસ.. '#ન્યુ_ફ્રેન્ડસ..#ન્યુ_લાઈફ..#કૉલેજ_ફન..!' લાઈકોની સાથે કોમેન્ટ્સની જાણે વર્ષા થઈ. સ્કૂલના એ બધા મિત્રોની મિસિંગ વાળી કોમેન્ટ્સો.. અને અઢળક મિત્રોની સાથે પ્રિયંકાએ વિશાખાને પરિચય આપ્યો.

મિત્રતા વધતા ચાલુ ક્લાસની મજાકમસ્તી અને પાસ થતી કોમેન્ટ્સની મજા કંઈક અલગ હોય છે. એમાં પણ ૬-૭ છોકરાઓ ભેગા મળે ને જે ટિખળ થાય એનું તો કહેવું જ શું! ક્લાસવર્ક પૂરી કરવાનું ટેન્શનથી લઈને બ્રેકમાં થતી મસ્તી.. આવી અનેક યાદગાર પળો કે જે તેમને જીવનપર્યંત યાદ રહી જ વાની હતી. આ બધી નાની-નાની મસ્તીને તેઓ સમજવા લાગ્યા હતા. તેઓએ અનુભવ્યું કે હા.. તેમની દુનિયા હવે બદલાઈ ગઈ છે. તેઓ મોટા થઈ ગયા હોય એમ લાગે છે. અહિં કોઈ રોકવા-ટોકવા વાળુ નહોતુ. કૉલેજ શરૂ થયાને લગભગ એક મહિનો થઈ ગયો હતો. મમ્મી-પપ્પાનો એ લગાવ હવે નાશવંત થઈ રહ્યો હતો. જવાબદારીની ભાન થવા લાગી હતી. ઘરની એ યાદ હવે હોસ્ટેલની મજામાં પલટાઈ ગઈ હતી. રાજકોટ હવે બધી રીતે ફાવી ગયું હતુ. મિત્રો વચ્ચેના સંબંધો હવે ખાસ લાગવા મંડ્યા હતા. યુવાની પોતાનો જોશ પકડી રહ્યું હતુ. નવા મિત્રોથી લઈને નવી ઓળખાણ.. તો ક્યાંક અનોખુ કરવાની અને પામવાની ઘેલછા બંધાય રહી હતી. ફેકલ્ટીથી લઈને સિનિયરો બધા હવે તેને ઓળખવા લાગ્યા હતા. આ રીતે તેને રાજકોટ અને તે રાજકોટને અનુકૂળ આવી ગઈ હતી.

ક્રમશઃ...